Hu Jesang Desai - 7 in Gujarati Fiction Stories by Jesung Desai books and stories PDF | હું જેસંગ દેસાઈ.. ભાગ ૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હું જેસંગ દેસાઈ.. ભાગ ૭

ભાગ – 7
અમે અમદાવાદમાં અમારૂ કરિયાર બનાવી ઠરીઠામ થવા આવ્યા હતા પણ જ્યાંથી શરૂઆત કરી હતી તે જ બિંદુ પર ફરીથી આવીને અટકી ગયા હતા. એક કહેવત છે કે, "ગુસ્સામાં કોઇ નિર્ણય ના લેવાય અને આનંદમાં આવીને કોઇ દાન ના દેવાય", પણ અમે આ કહેવતને સમજવામાં કાચા સાબિત થયા. ગુસ્સામાં આવી અમે નોકરી છોડવાનો નિર્ણય લીધો અને ખિસ્સામાં ફુટી કોડી ન હતી ત્યારે આનંદંમાં આવીને બસ્સો રૂપિયાનું દાન કરી દીધેલું.
કોલર ટાઇટ રાખી ટણીમાં ને ટણીમાં અમે મેનેજર સુશીલ શર્માને તમારા જેવા તો સત્તર મળી રહેશે એવુ સંભળાવી સિક્યુરીટી ગાર્ડ્સના ધક્કાથી બહાર તો જરૂર નીકળ્યા હતા પણ વાસ્તવિકતા તો અમે ત્રણેય અંદરથી બહુ સારી રીતે જાણતા હતા.સત્તર જણા નોકરીએ રાખવા તૈયાર થાય એની વાત તો છોડો સાહેબ પણ આંગળી ઝાલી અમને ત્રણેયને દિલાસો આપી શકે એવો કોઇ વ્યક્તિનો આધાર પણ અમારી પાસે ન હતો. ઓફિસમાં જે હવા કરીને આવ્યા હતા તે હવાને ભેજ લાગતા સમય ના લાગ્યો ! બહાર નીકળ્યા પછી અમારા ત્રણેયના મનમાં એક જ સળગતો સવાલ હતો કે હવે શુ કરીશુ ?? જીવનમાં જ્યારે પણ આપણે અવિચારીપણે પગલા ભરીએ કે આવેશમાં આવીને અણધાર્યુ વર્તન કરી બેસીએ ત્યારે આપણી પાસે પસ્તાવા સિવાય કોઇ આરો હોતો નથી. ઘરેથી અમે અમદાવાદમાં નોકરી કરી સપનાઓ સાકાર કરવા આવ્યા હતા પણ અહીં રાજનેતાની અદાથી હડતાળીયા આગેવાન બની પોતાના જ પગ પર કુહાડો માર્યો હતો. ! લાખોની વસ્તી ધરાવતા બાદશાહી શહેરમાં હજારો બેરોજગાર કુદકે ને ભુસકે વધતા જતા હતા એમાં અમારા ત્રણનો પણ ઉમેરો થયો હતો.
એરટેલ કંપનીની નોકરીમાંથી અમને બરતરફ થયે ઘણો સમય થઇ ગયો હતો પણ બીજી નોકરીનો ક્યાંય અત્તોપત્તો નહોતો. રોજ ઘરે બેસી એકબીજાને " ઉપરવાલા દેગા તો છપ્પર ફાડ કે" નો દિલાસો આપીને મનોમન સાંત્વના લીધા સિવાય અમે કશુ કરી શકીએ એમ નહોતા.. અમે નોકરી શોધો અભિયાન ચાલુ કર્યુ હતુ. અમને વિશ્વાસ હતો કે અનુભવના આધારે કોઇને કોઇ કોલ સેન્ટરમાં અમને કામ મળી રહેશે પણ ધાર્યુ હતુ તેના કરતા વિપરિત થઇ રહ્યુ હતુ. અમે લગાતાર દોઢ મહિના સુધી ઘરે બેઠા પણ અમને કોઇ નોકરીએ રાખે એના ક્યાંયથી પણ વાવડ મળતા ન હતા ! અમે અન્ય જગ્યાએ કામ કરતા ઓળખાણવાળા મિત્રોનો સહારો લઇ અમદાવાદના એક એક કોલસેન્ટરના પગથિયા ઘસ્યા પણ દરેક ઠેકાણે ઇન્ટરવ્યુના અંતે "હમણા માણસની જરૂર નથી પણ નામ અને નંબર મુકતા જાઓ, જરૂર પડશે તો ચોક્કસ કોલ કરીશું" એવો જવાબ આપી લગભગ દરેક જગ્યાએથી અમને તગેડી મુકતા.અમને હવે જીવનની વાસ્તવિકતા સમજાઇ રહી હતી.નોકરીની શોધમાં ચાયની કીટલીઓ પર બેસી રોજના લગભગ તમામ વર્તમાનપત્રો જોતા અને ટચુકડી જા×ખ વાંચી કોલ કરતા, પણ અંતે નિરાશ થઇ ઘરે પાછા ફરતા.એક વખત તો સિક્યુરીટી ગાર્ડની ભરતી કરતી ચેકમેટ એજન્સીમાં પણ સિક્યુરીટી ગાર્ડ બનવા બાયોડેટા આપી આવ્યા પણ "ઉંમર નાની છે બીજી કોઇ સારી નોકરી મળી રહેશે" એમ કહીને હસતે મોઢે નોકરી આપવાનો ચોખ્ખો નનૈયો ભણી દીધો!
છેલ્લા એક મહિનાથી મકાન-ભાડુ આપ્યુ ન હતુ. મકાન માલિક એમના મકાનો અને દુકાનોના ભાડાની ઉઘરાણી કરતા ગફુરભાઇ મારફતે "બચ્ચન પરિવાર"નું ભાડુ બાકી હોવાથી ભાડાની રકમ પહોંચતી કરવા કહેણ મોકલાવતા પણ ગફુરની ઉઘરાણીને અવનવા બહાના બતાવી અમે ટાળ્યે જતા હતા. એક દિવસ મકાન માલિકને અમારી આજુબાજુમાં રહેતા કોઇએ અમે નોકરી વગરના બેકાર બેઠા હોવાની બાતમી આપી દીધી ત્યારે મકાન માલિકે ગફુરને તાત્કાલિક મોકલી સખત શબ્દોમાં ભાડાની ઉઘરાણી કરાવી. ગમે તે હિસાબે બીજા દિવસની સવાર સુધીમાં જો ભાડુ પહોંચતુ નહી થાય તો અમારા કપડા લત્તા અને ગાદલાઓ સહિતની વસ્તુઓ વેચી ભાડાની વસુલાત કરવાની ધમકી આપી. આમ તો કોઇ કિંમતી માલ સામાન અમારી પાસે ન હતો પણ ભરબજારે આબરૂના કાંકરા થાય એનો અમને ડર હતો.બીજી ગણતરી એવી પણ હતી કે જો મકાન માલિક અહીંથી અમને કાઢી મુકે તો તાત્કાલિક અમદાવાદમાં અમને ભાડેથી મકાન મળી શકે એ શક્ય. ન હતુ. અમારૂ વહાણ કિનારે પહોંચ્યા વગર જ મધદરિયે ડુબવાની તૈયારીમાં હતુ. પણ કોલંબસ કહીને ગયો છે ને કે જરૂરિયાત એ શોધખોળની જનની છે એમ અમે પણ મકાન માલિકનું ભાડુ કઇ રીતે ચુકવી શકાય એનો વિચાર કરી ચારેબાજુ નજર દોડાવી. અચાનક જ મારી નજર ઘરેથી લઇ આવેલા છત પર લટકેલા પંખા પર પડી. વિચાર આવતા વેંત જ પંખાને છતથી અલગ કરવામાં આવ્યો અને ઇલેક્ટ્રીકલની દુકાન પર જઇ વગર હરાજીએ વેચ્યો. પસ્તીના ભાવે પંખાને વેચવા છતા પણ ભાડાની રકમ હજુ પુરતી ન હતી એટલે પંખાની સાથે નોકીયાના એક મોબાઇલનો પણ ભોગ લેવાયો. અંતે ગફુરભાઇના હાથમાં ભાડાના પૈસા આપી આવતા મહિનાથી ટાઇમસર ભાડુ આપી દેવાની હૈયાધારણા આપી મકાનમાલિકને મકાન ખાલી ન કરાવવા સમજાવવાની ભલામણ કરાવી.
કટોકટીના આ સમયમાં અમારા ત્રણેયનું અર્થતંત્ર ડામાડોળ થઇ ગયુ હતુ. આર્થિક પાયમાલીની એ હાલતમાંથી બચવાનો એકમાત્ર ઉપાય હતો "નોકરી" !! પણ એ અમને કોઇ આપતુ ન હતુ. સાલુ, ત્રણ હજારની નાની રકમની નોકરી અમારા માટે કેટલી મહત્વની હતી એ વાત અમદાવાદમાં બેકાર બેઠા ત્યારે સમજાઇ ચુકી હતી. પણ થવાનું હતુ એ થઇ ગયુ હતુ. બસ એકબીજા પર દોષારોપણ કે ટોણા મારીને દિવસો કાઢતા હતા. આ લોકડાઉનને જોતા એ દિવસોને યાદ કરીને હું એ લોકોની મનોદશાને જોઇ શકું છુ કે જે લોકોના પગાર મોટા શહેરમાં બંધ થાય છે ત્યારે તે લોકો અને એને આશ્રિત રહેલા તેમના કુટુંબીજનો પર શું વિતતી હશે !!
આખરે ઘણા દિવસ બેકાર બેઠા પછી અમારી અટકી પડેલી જિંદગીને થોડોક વિરામ આપવા માટે તથા બે પાંદડે થવા ત્રણેય જણાએ ગામડે જઇ વંશપરંપરાગત બાપીકા ખેતીના ધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યુ. એ સમયે મારા બે સાથીદારો અરવિંદ અને હિતેષને હું ગીતામંદિર જઇ બસમાં બેસાડી આવ્યો. કદાચ, અમારી ગણતરી મુજબ હવે ફરીથી અમદાવાદ આવવાનું નહિ થાય એમ વિચારી એકમેકને શુભેચ્છાઓ આપી હાથ મિલાવી ભારે હ્રદયે એકબીજાની વિદાય લીધી.આમ તો ઓળખાણ થઇ ત્યારથી અમારા સંબંધોના મુળિયા ઉંડે સુધી ગયા હતા પણ બેકાર બેઠેલા એ દુખના દિવસોમાં અંતરના આંગણેથી સંબંધો વધારે હેતાળ અને ગાઢ બન્યા હતા. અન્નાએ તો મને એમના લગ્ન થાય ત્યારે પરિવાર સાથે આવવાનું આમંત્રણ પણ એ જ વખતે આપી દીધેલું,( જો કે એના લગ્ન થયા એ વખતે અરવિંદનો ઘણો આગ્રહ હોવા છતા એક કૌટુંબિક મરણ થઇ જતા હું જઇ શક્યો નહોતો અને આજે હું આ વાતને લખવા બેઠો છું ત્યારે અરવિંદને કોલ કરીને ફરીથી એકવાર તેમના લગ્ન પ્રસંગમાં સામેલ ન થવાની માફી માંગી લીધી છે.) અન્ના અને હિતેષને બસમા બેસાડ્યા પછી હું પણ રાધનપુર તરફ જતી બસ પકડી ઘરે પહોંચ્યો.
દિવાળી અગાઉ થોડાક જ દિવસોની વાર હશે એ વખતે હું ગામડે પહોંચેલો.લગભગ છએક મહિના અમદાવાદમાં વિતાવ્યા પછી ઘરે આવ્યો હતો. ઘરના સભ્યોની ધારણા એવી હતી કે કંપનીએ દિવાળી વેકેશન આપ્યુ હશે એટલે હું એ વેકેશનમાં દિવાળી કરવા ઘરે આવ્યો હોઇશ. અમારી ઇજ્જતની ભરબજારે નિલામી કરી કંપનીના મેનેજરે કાઢી મુક્યા હતા તેમજ છેલ્લા દોઢ મહીનાથી અમદાવાદમાં બેકાર બેઠા હતા એ વાતથી આખું ઘર અજાણ હતું. ઘરની આર્થિક પરિસ્થિતિનો મોરચો સંભાળતા ઘરના મોભી મારા પિતાજીને પણ એમ હતુ કે ભાઇ પાંચ મહિના અમદાવાદ નોકરી કરી આવ્યો છે એટલે હમણાં પોપટની જેમ પાંખો ફફડાવી પૈસાનો વરસાદ કરશે પણ આ પોપટ તો દિવાળી પુરી થઇ એનું અઠવાડીયું વીત્યુ તો ય ડાળીએથી ઉડવાનું કે પાંખો ફફડાવવાનું નામ લેતો ન હતો. આખરે પિતાજીની ધીરજનો અંત આવ્યો ને એક દિવસ સવારના પહોરમાં જ "જમાલની દુકાને ભેસના ખોળના પૈસા બાકી છે તો અમદાવાદીયા ડોલરની કમાણીમાંથી થોડો ટેકો કરવા" કીધુ પણ આ વાત સાંભળતા જ અમને અંતરના ઉંડાણે ધ્રાસકો પડ્યો. વાસ્તવિકતા અમને ખબર હતી કે અમે અમદવાદ જઇને અમદાવાદની વાતો અને અમદાવાદના અનુભવો સિવાય કંઇ લઇને આવ્યા ન હતા. અમે અમારી પાસે કંઇ ન હોવાથી હાથ અધ્ધર કરી નાદારી જાહેર કરી દીધી અને સાથે-સાથે ઘરેથી લઇ ગયેલ પંખો અને ગામના જ એક મિત્ર પાસેથી ઉધાર લીધેલો નોકીયાનો ફોન પણ વેચી આવ્યા સુધીની તમામ વાતોની નિર્દોષભાવે કબુલાત કરી લીધી. ડોસાએ થોડી વાર તો કપાતર પાક્યો હોવા ઉપરાંત કેટલાય ગુજરાતી જુની ડિક્ષનરીના શબ્દોનું અમૃતપાન કરાવ્યુ ! પણ ટાઢાબોળ કાળજાના અમેય પાક્કા વઢીયારી હતા.પિતાજીની વાતને એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી જાણે કંઇ જ નવું ના થયુ હોય એમ અમે કપડા ખંખેરી ગામમા ગોકુળના ગલ્લે બેસવા જતા રહેલા !
બેરોજગારીની હાલતમાં અમે અમદાવાદને આવજો કહી ગામડે આવ્યા અને ભણેલ-ગણેલ હોવા છતા વડીલો વખતથી પેઢી દર પેઢી ચાલ્યા આવતા ખેતી અને પશુપાલનના ધંધામાં જોતરાઇ ગયા. ઢોરા ચરાવ્યા, ઉનાળાની ભરબપોરે ખેતરમાં મજુરી કરી , લોકોના ટાંપા-ટળીયા કર્યા ! એક ભણેલ ગણેલ માણસ બેરોજગાર બની મને-કમને ખરા બપોરે ખેતરમાં હાથમાં પાવડો લઇ પાણી વાળતો હશે ત્યારે એના મન–તન- હ્રદય ઉપર શું ગુજરતી હશે એનો પુરો વિચાર આપ કરી શકો છો ! પણ કહેવાય છે ને કે, ઘાંચીની ઘાણીએ ચાલેલો બળદ ક્યારેય ખેતરમાં હળ ના તાણી શકે. અહીં ઘાચીનો બળદ હું હતો. થોડા મહિના તો ખેતીનું કામ ક્યારેક હરખથી તો ક્યારેક મજબુરીમાં આવીને કર્યુ પણ હવે ખેતરમાં કામ કરવું કઠતું હતુ.ર્એમાં ને એમાં તો એકવાર ઘરે ઝઘડો પણ થઇ ગયેલ ! સૌ ઘરનાએ ભેગા થઇ અમને જ્યાં ફાવે ત્યાં ચાલ્યા જવા અને તાત્કાલિક ઘર છોડવા માટેનું ફરમાન જાહેર કરી દીધુ !અમને ખેતરમાં કામ કરવામાં જોર આવતું હતુ એટલે વાંક અમારો જ હોઇ કોઇ અમારા પક્ષમાં નહી ! પણ એ સમય અમારો નહોતો એટલે શંકર બની હળા-હળ અપમાનના ઘુંટડા ગળી જવા સિવાય છુટકો ન હતો. જરૂર તો ધરતીની ધુળની યે પડે છે સમય આવ્યે બતાવી દઇશું એમ માની સમસમીને અમે બેસી રહ્યા. દિવસો વીતતા જતા હતા અને ઘરમાં થતું રોજે રોજનું ઘર્ષણ પણ હવે તો કોઠે પડી ગયુ હતુ. !
એવામાં એક દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વેચાતા અખબાર "રખેવાળ"માં જાહેરાત વાંચી કે ભારતમાં નંબર વન મોબાઇલ નેટવર્ક ધરાવતી કંપની વોડાફોનના અમદાવાદમાં આવેલા કોલસેન્ટરમાં કામ કરવા ઇચ્છતા ધો. 12 પાસ અથવા ગ્રેજ્યુએટ થયેલા છોકરા છોકરીઓની બમ્પર ભરતી કરવાની છે. સાથે-સાથે બહારગામથી અમદાવાદ આવી વોડાફોન કોલ સેન્ટરમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારોને કંપની તરફથી તદન નજીવા દરે રહેવા- જમવાની સગવડ પણ કરી આપવામાં આવશે.આ સમાચાર વાંચી મારા કોલસેન્ટરીયા અંતરાત્માએ મને નિશાન પર તીર છોડવાનો અવાજ આપ્યો.હવે તો દોડવું હતુ ને ઢાળ મળવા જેવી વાત થઇ ગઇ હતી. તાત્કાલીક નજીકના સાયબરકાફેમાં જઇ નવા બાયોડેટા તૈયાર કરાવ્યા , જેમાં અનુભવના ખાનામાં એરટેલ કોલ સેન્ટરમાં કામ કર્યુ છે એની નીચે બબ્બે લીટીઓ ખેંચાવી બાયોડેટાને આકર્ષક બનાવ્યુ. બીજા દિવસે તાલુકા મથકે રાખવામાં આવેલા ઇન્ટરવ્યુ સેન્ટર પર ગયા. ઘણા બધા ઉમેદવારોના ઇન્ટરવ્યુ પત્યા પછી અમારો નંબર આવ્યો. અમારા બાયોડેટામાં લખેલા કોલ સેન્ટરના અનુભવ અને ગમે તે પગારે નોકરી સ્વીકારી લેવાની વાતથી એક જ ઝાટકે ત્યાં બેઠેલી કમિટિએ થોડીક ઔપચારિક પ્રશ્નોતરી કરી અમારા ઉપર તરત જ પસંદગીનો કળશ ઢોળી દઇ માસિક રૂપિયા 7200 નો પગાર આપ્યો અને આવતીકાલથી જ અમદાવાદના એસ.જી. હાઇવે પર ભાસ્કર પ્રેસની પાછળ આવેલા વોડાફોન હાઉસમાં શરૂ થતી ટ્રેનિંગ બેંચમાં જોડાઇ જવા માટેનો પત્ર પણ હાથોહાથ આપી દીધો અને અહીંથી મારી વોડાફોનની સફર ચાલુ થઇ !! (ક્રમશ:)