સ્થળ : અંગ વ્યાયામ ચિકિત્સક
સિવિલ હોસ્પિટલ
અમદાવાદ
તારીખ : 21- ઑગસ્ટ , મંગળવાર
રૂમ નંબર ૬ ની બહાર હું બેઠો હતો. અને ત્યાં ના માહોલમાં ઢળવાનો પ્રયાસ કરી રહ્યા હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલ (જે દીવાલ પર ચોંટાડી રાખ્યા છે) તેનું નિરીક્ષણ કરતો હતો. અચાનક સામે થી એક છોકરી આવી. ઉપર સફેદ કોટ અને અંદર ગુલાવી રંગનો ડ્રેસ, દુનિયાથી બેખબર, હવામાં લહેરાતી લટ ને કાન પાછળ લઈ જતી, થોડી મનમાં ને મનમાં મલકાતી, આંખના ખુણામાંથી મોહક રીતે જોતી, અને પોતાની ધૂનમાં ને ધૂનમાં ચાલતી,જ્યારે મેં તેને પહેલી વખત જોઈ. હૂબહૂ અપ્સરા જેવી. ( વાર્તામાં સાંભળ્યું હતું) પણ તેને જોઈને માત્ર એટલું કહી શકાય. તે એટલે ખુદાની બેનમૂન કારિગરીનું ઉત્તમ ઉદાહરણ...!
મને સપનામાં પણ ખ્યાલ ન હતો કે હું અહીંયા જેને ફોન આપવા માટે આવ્યો છું તે આજ છોકરી હશે.તેને મારી પાસે આવીને પૂછ્યું બોલો શું મદદ કરી શકું તમારી.?
મારે અહીંયા ઈશિકા નું કામ છે મને અંહિયા અનન્યાએ મોકલ્યો છે તેની મિત્ર ઈશિકા તેનો ફોન તેના પર્શમાં ભૂલી ગઈ હતી. તે આપવા માટે આવ્યો છું. તે થોડી કામમાં હતી એટલે તેને મને કહ્યું.
ઓહ..તમને અહીંયા અનન્યા મોકલ્યો છે.હું જ ઈશિકા છું તેને મેજ ફોન કરીને કહ્યું કે આપી જા અહીંયા. તમે ખોટી તકલીફ ઉઠાવી. સારું તમારું બન્ને કામ પતી જાય એટલે હમણાં આવજો કેન્ટિનમાં મારે અનન્યા નું કામ છે.
હું મનમાં વિચારી રહ્યો હતો કે ઘરે જઈને મારું બાકીનું કામ પતાવી દઉં પણ વિચાર્યું કે થોડો સમય અનન્યા સાથે રોકાઈ જઉં.જેવું જ અમારું કામ પત્યું તેવો જ હું અને અનન્યા કેન્ટિન તરફ રવાના થયાં.
ઈશિકા પહેલાંથી અમારી રાહ જોઈને બેઠી હતી. આમ તો હું અનન્યા સાથે ક્યારે પણ લંચ ટાઈમમાં કેન્ટિનમાં આવતો નથી પણ આજે અહીં આવવાનું એક કારણ હતું. તે કારણ એટલે માત્ર ને માત્ર ઈશિકા.. છેલ્લા ટેબલ પર એકલી બેઠી હતી જ્યારે હું અને અનન્યા કેન્ટિનમાં પહોંચ્યા. અનન્યા ફાસ્ટ ફૂડ લેવા સ્ટો પર પહોંચી અને હું હિંમત કરીને ઈશિકા પાસે.ઈશિકા જમવામાં મશગુલ હતી.
મે કહ્યું , હું અહીંયા બેશી શકું કઈ વાંધો ના હોય તો..?
તેને આંખના ખૂણામાંથી મોહક અદાથી જોઈને કહ્યું..
ઓહહ દ્વિજ... હા...! અનન્યા ક્યાં છે..?
તે નાસ્તો લેવા માટે લાઇનમાં ઉભી છે.મારી આંખો ફરી એકવાર તેને જોવામાં વ્યસ્ત થઈ ગઈ. થોડું જમવાનું તેના હોઠની નીચેના ભાગે ચોટયું હતું. પહેલાં તો કહેતા અચકાયો પછી હિંમત કરીને કહી દીધું . તેણે શરમાઈ ને કહ્યું આવું થયા કરે. માણસ છીએ. મશીન નહીં. અને અમે પહેલી વખત સ્મિતની આપ-લે કરી...!
અનન્યા આપણે અહીંથી મારો પ્રોજેક્ટ સબમીટ કરવા જવાનું છે એટલે તું 3:30 વાગ્યે આવી જજે... તે બંને તેમની વાતો કરી પછી હું અને અનન્યા અમારી કોલેજ જવા માટે નીકળી ગયા...
હું અને અનન્યા છેલ્લા 2 વર્ષથી સાથે છીએ. એક સારા મિત્ર બનીને... ક્યારે પણ અમારા બંને વચ્ચે પ્રેમની વાત થઈ જ નથી.અમે માત્ર ને માત્ર એક-બીજાને મદદ કરતા, ક્યારે સાથે ફરવા જતા. પણ મારા મનમાં તેના વિશે એવી લાગણી ક્યારે બંધાઈ જ ન હતી.કૉલેજમાં તો સાથે હોઈએ જ પણ અમારી મિત્રતા છેક એકબીજાના ઘરે અવરજવર થાય ત્યાં સુધીની હતી.તે મારા કૉલેજના દરેક કામ કરી આપતી, મને દરેક રીતે ખૂબ જ મદદરૂપ બનતી. પણ જ્યારથી તેની મિત્ર ઈશિકાને મળ્યો છું ત્યારથી હું અનન્યા સાથે વધારે સંપર્ક આવ્યો છું. પહેલા અઠવાડિયામાં એકાદ વખત જવાનું થતું, અનન્યા અને ઈશિકા બન્ને એક જ સોસાયટીમાં રહે છે તો દર બીજા દિવસે જતો હતો. પણ જ્યારથી આ ઈશિકાને જોઈ છે ત્યારથી તો આ સફેદ રંગ પણ રંગીન હોય તેવું લાગે છે, 1 કલાકમાં 60 મિનિટ હોય છે પણ આજે તે 60 મિનિટનું મહત્વ સમજાયું છે..બન્ને ના ઘર પાસે જ હતા. મેદાનથી બન્નેના ઘર એકદમ નઝરની સામે જ દેખાય. હું કલાકો સુધી ત્યાં માત્રને માત્ર ઈશિકાને જોવા માટે ઊભો રહેતો.. કઈ ને કઈ બહાનું કરીને અનન્યાને સિવિલ હોસ્પિટલમાં લઇ જવું તે બહાને કે ઈશિકાને નજીકથી જોઈ શકાય, તેની સાથે વાત કરી શકાય..દિવસ થી દિવસ મળતા ગયા અને મારી ઈશિકા અને અનન્યાની મિત્રતામાં સદંતર વધારો થતો રહ્યો. અમે ત્રણેય હવે સાથે હરતા-ફરતા.. જ્યારે ઈશિકા ના હોય ત્યારે હું અને અનન્યા કૉલેજથી બહાર ફરીને આવતા.આ રીતે હું અનન્યા સાથે પણ વધારે સમય પસાર કરવા લાગ્યો તે બહાને કે અનન્યા કહીશ કે ઈશિકા મને ગમે છે તું મારી તેની સાથે વાત કર કે હું તેને ચાહવા લાગ્યો છું. મારો કોઈ સ્વાર્થ ન હતો પણ મિત્ર તરીકે હું આટલી અપેક્ષા તો રાખી જ શકું....
* * * * * *
દિવસો પસાર થતા ગયા અને અમે ત્રણેય લોકો એકબીજાની નજીક આવતા ગયા. હું ઈશિકાને અઠવાડિયામાં એક વખત મળવા જતો, તે પણ અનન્યાની જાણ બહાર. હું દરરોજ સાંજે તેમના ઘરની પાછળના ભાગ આવેલા મેદાનમાં ઉભો રહીને ઈશિકાને જોતો. શરૂઆતમાં ઈશિકા આ વાતથી તદ્દન અજાણ હતી પરંતુ જ્યારે તેને ખબર પડી કે હું અહીંયા તેને જ જોવા માટે આવું છું પછી તે પણ મને કઈ નું કઈ બહાનું કરીને ધાબા પર આવી ને જોવા લાગી..અનન્યા સાથે આખો દિવસ પસાર થતો ઇશિકા ને યાદ કરીને. હું ભલે ને અનન્યા સાથે હોઉં પણ મનમાં વિચાર તો ઈશિકાના જ ચાલે. મારી હાજરી અનન્યા જોડે હોય પણ મારું મન માત્ર ને માત્ર ઈશિકાની શોધમાં જ.. આવું સતત ૬ મહિના સુધી ચાલુ..પછી એક દિવસ મે હિંમત કરીને ઈશિકાને કહ્યું. ઈશિકા મારે તને મળવું છે. શું આજે આપણે મળી શકીએ..?
ઈશિકા : થોડા વિચાર કરીને, સારું 3:30 વાગે સીવીલ હોસ્પિટલ આવી જજે.
દ્વિજ : સારુ, હું 3:00 વાગ્યાની આસપાસ પહોંચી જઈશ..
આજે ગમે તે થાય મારે ઈશિકાને મારા મનની વાત જણાવવી છે. કે મેં જ્યારથી તેને પહેલી વખત જોઈ છે ત્યારથી માત્ર ને માત્ર મનમાં તારો જ વિચાર આવે છે.
હું બરાબર 3:00 વાગે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો.. થોડી જ વારમાં ઈશિકાનો ફોન આવ્યો. હું અહીંયા આવી ગઈ. તું ક્યાં છે..?
હું ફરી એક વાર તેની સાદગીમાં ખોવાઈ ગયો. એકદમ સિમ્પલ તૈયાર થઈને આવી હતી. ડ્રેશ સાથે કાનમાં પહેરેલા ઝૂમખા અને હાથના નખ પર લગાવેલ નખ પૉલિશ મૅચ થતી હતી, ખુલ્લા વાળ, અને આંખોમાં આંજેલું કાજળ. આ બધાનો સરવાળો એટલે ઈશિકા..!
ઈશિકા : બોલ દ્વિજ. એવું તો શું કામ હતું..?
ત્યાં પણ મળી શકતા હતા આપણે આ બગીચામાં કેમ..?
દ્વિજ : બસ તને મન ભરીને જોવા માંગતો હતો..
ઈશિકા: તો એમાં અહીંયા બોલાવાની ક્યાં જરૂર હતી. મારો ફોટો માંગી લેવો હતો ને પછી આખો દિવસ જોયા કરતો. ( હસતા - હસતા)
દ્વિજ : પણ તું મને ખરેખર આટલી નજીકથી જોવા મળતી હોય, તારી પાસે બેશીને વાત કરતી મળતી હોય તો વાંધો શું છે.?
ઈશિકા : સારુ... પણ એક વાત જણાય મને. તારા સાંજના આંટા-ફેરા વધી ગયા છે. કેમ દરરોજ ત્યાં આવીને ઉભો રહે છે..?
દ્વિજ : તને કઈ રીતે ખબર પડી..? શું તું પણ મને જોવા બહાર આવે છે.? મારું ધ્યાન રાખે છે..?
ઈશિકા : ના... ના.. મારું ઘર તેની એક્દમ પાછળ છે તો તને ત્યાં ઘણી વખત ઊભા રહેલો જોયો છે એટલે પૂછ્યું..!
દ્વિજ : સાચું કહું તો ત્યાં આવવાનું એક કારણ છે. અને તે કારણ એટલે તું..!
ઈશિકા : શું કહ્યું....? હું...?
દ્વિજ : હા તું... અને માત્ર તું જ...
આજે તને અહીંયા બોલાવવા માટેનું ખાસ કારણ એ જ છે. જો હું તારો વધારે સમય નહીં લઉં પણ તને જ્યારથી જોઈ છે ત્યારથી મને બસ તારા જ વિચાર આવે છે. હરએક પળ બસ તને જ યાદ કરું છું.. રાત્રે સૂતા પહેલા અને સવારે જગ્યા પછી માત્ર ને માત્ર તારા જ ખ્યાલો આવે છે. કોઈ કઈ બોલતું હોય તો મને તારો જ અવાજ સંભળાય છે. સવાર થતાં ની સાથે દિલ અને દિમાગ બંને વચ્ચે એક અલગ પ્રકારની સ્પર્ધા શરૂ થઈ જાય છે. કે બન્ને માંથી આજે કોણ ઈશિકાને વધારે યાદ કરે છે. રોજ સાંજે ત્યાં આવવાનું કારણ એ જ કે તને જોઈ શકું. તને જોઉં છું ત્યારે મન શાંત અને દિલ હળવું થઈ જાય છે.!
ઈશિકા હું તને પ્રેમ કરવા લાગ્યો છું. આ દિલ તો જીદ પકડી ને બેઠું છે મારે તો ઈશિકા જોઈએ. તેને પણ મનાવી લઉં છું પણ ક્યાં સુધી આ દિલની લાગણીને દિલમાં દબાવી રાખું.? ક્યાં સુધી તને રોજ આમ જોવા આવ્યા કરું.? હું એ પણ નથી જાણતો કે તું મારા વિશે શું વિચારે છે.? બસ એટલી ખબર છે કે હું છેલ્લા ૬ મહિનાથી તને ઓળખું છું અને 4 મહીનાથી એકબીજાની નજીક છીએ. કેટલા એતો ખબર નથી. પણ તને જ્યારે પહેલી વખત ત્યાં જોઈ હતી ત્યારથી જ તારી સાથે પ્રેમ થઈ ગયો હતો. અત્યાર સુધી એકતરફી પ્રેમનું વાર્તા માં સાંભળ્યું અને ફિલ્મોમાં જોયું હતું પણ મેં જ્યારે ખુદ અનુભવ કર્યો ત્યારે વિશ્વાસ થયો કે આવું પણ બની શકે. પહેલી નઝરમાં જ કોઈ દિલમાં કાયમ માટે વસી જાય. અહીંયા બોલાવવાનું મારો મકસદ આ જ હતો કે હું તને જણાવી શકું કે હું તને પ્રેમ કરું છું.. હું એમ નહી કહું કે તારા માટે ચાંદ-તારા તોડી લાવીશ. તારા માટે આ કરીશ. તને ખોટા અને જુઠ્ઠા સપના નહીં બતાવું. પણ તને એટલી ખાતરી આપીશ કે તને માન-સન્માન આપીશ.. જ્યાં તારી સાથે કોઈ નહીં હોય ત્યાં પણ તારો સાથ આપીશ. તારા દરેક નાના કામની કદર કરીશ અને તારા દરેક કામમાં તારી મદદ કરીશ. તારો ખૂબ સારી રીતે ખ્યાલ રાખીશ. મને તારો જે જવાબ હશે તે મંજૂર હશે. તારી હા અને ના બન્ને ને સન્માનથી સ્વીકારી લઈશ...
ઈશિકા : મને થોડો સમય લાગશે. હું તને શાંતિથી આનો જવાબ આપીશ. હું પણ તને પસંદ કરું છું પણ મેં આના વિશે ક્યારે વિચાર્યું નથી. મને પણ સારું લાગે છે તારી સાથે વાત કરીને, સમય પસાર કરીને...
દ્વિજ : હા.... તારે જેટલો સમય લેવો હોય તેટલો લઈ શકે છે.
ઈશિકા : પણ હું હા કહું કે ના પણ આપણી મિત્રતામાં જરા પણ બદલાવ નહીં આવે, ના આપણા સ્વભાવમાં. આપણી મિત્રતામાં કોઈ પણ જાતનું કોઈ સ્વાભિમાન નહીં હોય આપણે જે રીતે અત્યાર સુધી રહ્યા બસ તેજ રીતે આગળ પણ રહીશું.. પ્રોમિસ આપ મને...
દ્વિજ : પ્રોમિસ...!
* * *. * * *. * * *.
આ વાતને વીતી ગયે આજે અઠવાડિયું થઈ ગયું પણ હજી સુધી તેનો કોઈ જવાબ નથી આવ્યો. હું દરરોજ સાંજે તેના ઘરની પાછળ આવેલા મેદાને જઉં છું અને તે દર વખતે મને જોવા માટે ધાબા પર આવે છે. અમે ફોન પર લાંબી લાંબી વાતો કરીએ છીએ પણ તે વાતનો ઉલ્લેખ ના તે કરે છે ના હું તેને યાદ કરાવું છું. અમારી વાતો હવે મુલાકાતમાં બદલાઈ રહી હતી. અમે દર બીજા દિવસે મળતા. હું આંખોમાં આંખો નાખીને તેને જોતો અને કહેતો મને તારા જવાબનો ઇંતેજાર છે. સોશિયલ મીડિયા પર મોડી રાત્ર સુધી વાતો કરતા હતા. કૉલેજમાં વેકેશન હતું એટલે અનન્યાને મળવાનું ઓછું થતું પણ તેની સાથે એટલો જ ટચમાં રહેતો. મનમાં વિચાર કરતો હતો કે જ્યારે ઈશિકા મારા પ્રેમનો સ્વીકાર કરી લે પછી જ આ વાતની અનન્યાને સરપ્રાઇઝ આપવી છે ત્યાં સુધી અનન્યા સાથે પણ આ વિશે કઈ વાત કરવી નથી. કદાચ પહેલાં તે થોડી નારાજ થશે પણ પછી મારી ખુશીમાં સહભાગી થઈ જશે.
સવારના લગભગ ૧૦ વાગતા હતાં તેવામાં જ અનન્યાનો ફોન આવ્યો...
અનન્યા: આજે સાંજે હું તારા ઘરે અસાઇનમેંટ લેવા આવવાની છું. એટલે તું ક્યાય જતો ના રહેતો.
દ્વિજ :અરે તું શું કામ તકલીફ લે છે. હું આવીને આપી જઈશ તારા ઘરે..
અનન્યા: સારુ પણ ભૂલતો નહી. અને હા એક વાત મને જણાય હું છેલ્લા કેટલાક સમયથી તને મારા ઘરની પાછળ આવેલા મેદાનમાં સાંજના સમયે જોઉં છું.અહીંયા આવવાનું કારણ..?
દ્વિજ : પાગલ... મેદાન છે ઊભો પણ ના રહું...?
અનન્યા: અરે... ઉભો રહેને.... આ તો ખાલી પૂછ્યું...
દ્વિજ : સારુ હું સાંજે આવું તારા ઘરે...
મનમાં ઉત્સાહ પૂર જોશમાં હતો. ક્યારે સાંજ પડે ને હું અનન્યાના ઘરે જઉં. પણ આ ઉત્સાહ અનન્યા માટે નહીં પરંતુ તેના ઘરે જવાથી ઈશિકા પણ જોવા મળશે. તે વાતનો વધારે હતો...
દ્વિજ : હેલો અનન્યા, ઘરે છે ને..? હું ઘરેથી નીકળી ગયો છું.
અનન્યા : હા તારા જેમ ભટકતી આત્મા નથી.. આય ઘરે હું ઘરે જ છું...
થોડી વાર પછી....!
અનન્યા :તું તો બહુ જલ્દી આવી ગયો... નહીં તો આમ કહે આટલા વાગે ને આવે કોઈ બીજા ટાઇમે...!
દ્વિજ : અરે બાઇક લઇને આવ્યો છું. એટલે આવી જ જવાય ને...
અને આ કૉલેજનું વેકેશન ક્યારે પતવાનું છે.?
અનન્યા ; તને ક્યારથી કૉલેજ જવાની ઉતાવળ થવા લાગી..?
દ્વિજ : કૉલેજ જવાની નહીં, પણ તારી સાથે ટાઇમ પસાર કરે કેટલો બધો સમય થયો.. અને હું ઘરે કંટાળી ગયો છું.થોડું અસાઇનમેંટ બાકી છે. મને લખી આપ જે ને..
અનન્યા : ના દ્વિજ .... આ વખતે નહીં..
( તરત જ મારી નઝર ઈશિકા પર પડી... તે ધાબા પર આવીને મારી રાહ જોઇ રહી હતી. તેની આંખો સતત મને શોધતી હતી. મારા આવવાની પ્રતીક્ષા કરી રહી હતી. મે ઝડપથી મોબાઇલ કાઢ્યો અને તેને મેસેજ કર્યો.તમે જેની મેદાનમાં પ્રતિક્ષા કરી રહ્યા છો. તે હાલ તમારી બાજુના ઘરમાં બેશીને તમને જોઈ રહ્યો છે.ભલે હું અનન્યા સાથે હતો પણ મારું સંપૂર્ણ ધ્યાન ઈશિકા પર જ હતું. ઈશિકા એ જેવો જ મેસેજ જોયો તેવી અમારા બન્ને નઝર એક થઈ ને તે શરમાઈને નીચે ચાલી ગઈ..)
અનન્યા : સારુ આપણે કાલે મળીએ. મારે થોડી ખરીદી પણ કરવી છે તો આપણે લાલ દરવાજા જતાં આવીશું. મારું કામ પણ થઈ જાય અને તારી સાથે બહાર ફરવા પણ મળી જાય...
દ્વિજ : હા,... ચલ હવે હું નીકળું..!
એટલામાં જ અનન્યા કાકી ચા લઈને આવ્યા...!
(ચા એટલે આપણી મહેબૂબા..)
અનન્યા : જો કાકીએ સ્પેશિયલ તારા માટે બનાવી છે. મેં કહ્યું તેમને એટલા માટે તો આ ચા પીને જા...!.
દ્વિજ: સારું.
અનન્યા: અને હું કાલે સાંજે મારા ઘરે સુરત જવાની છું મમ્મી - પપ્પા પાસે કેટલા સમયથી ગઈ નથી તો વિચાર્યું કે જતી આવું આમ પણ હવે વેકશન છે તો એ બહાને તેમની સાથે પણ સમય પસાર કરવા મળી જાય.
દ્વિજ : સારું જતી આવ.. અને હવે હું નીકળું કાલે મળીએ..
બીજા દિવસે હું અને અનન્યા ઘણાં સમય પછી સાથે હતા.પહેલા તેની ખરીદી પતાવી પછી અમે નજીકમાં આવેલા રેસ્ટોરંટમાં જમવા ગયા. ખૂબ જ મજાક-મસ્તી કરી. અનન્યા સાથે હોઉં તો ખબર જ નથી પડતી કે સમય ક્યારે પસાર થઈ જાય છે. તેની સાથે હું મન ખોલીને વાત કરી શકું. તેની પાસે દરેક વાતનો જવાબ હોય. અમે અમુક વિષય પર ચર્ચા કરીએ, લડીએ, ઝઘડીએ, પણ અંતે એક થઈ જઈએ.. બસ મારે રીસ્વત સ્વરૂપે તેની મનપસંદ આઇસ ક્રીમ રાજભોગ ખવડાવી પડે. એટલી તે માની જાય. પણ મને ખબર નહિ કે મારું તેની સાથે આ રિતે રહેવું કેટલું યોગ્ય હતું ? કદાચ તેને સારું લાગતું હશે પણ શું આનું કોઈ બીજું પરિણામ આવી શકે.? મારો સંબંધ અનન્યા સાથે બહુ ચંચળ હતો પણ શું તે કઇ અપેક્ષા રાખતી હશે.? શું મારું તેની સાથે આમ ખૂલી ને બોલવું, ચાલવું, વર્તવું, હસવું યોગ્ય છે..? મારે અનન્યા જણાવી દેવું જોઈએ કે મે ઈશિકાને મારી લાગણી વ્યકત કરી છે.? ખેર આ બધી વાતનો યોગ્ય સમયે ઉલ્લેખ કરી દઈશ.
* * * * * * * * *
લગ્નની સીઝન ચાલી રહી હતી. કુટુંબમાં મોટા ભાઈના લગ્ન હતા. અને આ લગ્નના શુભ અવસરે અમદાવાદથી ૪-૫ દિવસ માટે જૂનાગઢ જવાનું હતું. અનન્યા થોડા દિવસ માટે સુરત તેના ઘરે ગઈ હતી એટલે ના તેને જણાવ્યું અને ઈશિકાને પણ આ વાતથી તદન અજાણ રાખી. અને તેને અજાણ રાખવાનું કારણ પણ હતું. કે મારી ગેરહાજરીની તેનાં પર કઈ અસર થાય છે કે નહીં...! શરૂઆત બે દિવસ તો ના અમે મેસેજ પર વાત કરી ના ફોન પર. આમ ને આમ ત્રીજો દિવસ પણ પસાર થઈ ગયો ને અહીં લગ્ન પણ પૂરાં થઈ ગયા તો પણ ના તેનો એક મેસેજ ના કોઈ ફોન.. સાંજનો સમય હતો. મારો દરરોજની જેમ તેના મેદાનમાં જવાનો સમય. એજ સમય કે હું તેને જોવા તેના ઘરે જતો અને તે મને જોવા માટે તેના ધાબા પર રાહ જોઈને ઊભી હોય.. હું અહીંયા કન્યા વિદાયમાં વ્યસ્ત હતો. પણ મને તેની કમી વર્તાય રહી હતી. પણ શું તેને પણ મારી ના-મોંજૂદગીનું દુઃખ હશે.? શું તેને પણ મારી કમી મહેસૂસ થતી હશે.? આજે ત્રણ દિવસ થઈ ગયા પણ તેનો કોઈ મેસેજ નથી આવ્યો. શું તે કોઈ પ્રોબ્લેમમાં હશે..? એટલા માં જ ઈશિકાનો મેસેજ આવ્યો.
દ્વિજ ક્યાં છે તું.? છેલ્લા ત્રણ દિવસથી હું અહીંયા તને જોવા માટે રાહ જોઈ રહી છું..! પણ તું દેખાતો જ નથી. આઇ મિસ યું. આઈ મિસ યું સો મચ....! તારા વગર બધું સુનું સુનું લાગે છે..!
હું આ મેસેજ જોઈને ખુશ થઈ ગયો. દિલને થોડી રાહત અનુભવાઈ. ચલો આપણે જેને યાદ કરીએ છીએ તે પણ આપણે યાદ કરે છે. હવે લાગી રહ્યું હતું કે હું પણ તેને ગમવા લાગ્યું છું. તેને પણ મારા વિશે કઈ અલગ મહેસૂસ થવા લાગ્યું છે...!
મેં જવાબ આપતા કહ્યું કે એક લગ્નમાં આવ્યો છું કાલ સાંજે ઘરે આવી જઈશ..
ઈશિકા : પણ દ્વિજ તારે મને કહી ને જવું જોઈને.!
દ્વિજ : તને જણાવ્યું હોત તો તું મને જેટલો અત્યારે યાદ કરે છે તેટલો યાદ ના કરત...!
ઈશિકા : તને યાદ કરવા માટે મારે કોઈ કહેતા કોઈ કારણની જરૂર નથી.
એટલામાં જ અનન્યાનો ફોન આવ્યો..
દ્વિજ હું બે દિવસ પછી અમદાવાદ આવું છું. જો ફોન કરું તને અને તું ફ્રી હોય તો મને રેલ્વે સ્ટેશને લેવા માટે આવજે. મારે તને એક વાત કહેવી હતી.
દ્વિજ: હા બોલને , અત્યારે કહી દે.
અનન્યા : ના અત્યારે નહિ હું આવું એટલે કહીશ. ચલ હું ફોન મૂકું અમદાવાદ આવીને મળું તને બાય..
દ્વિજ : બાય , ટેક કેર
મન વિચારે ચઢી ગયું. આમ પણ દિમાગને તો કોઇ કારણ જોઈએ કઈક વિચારવાનું અને તેને તે મળી ગયું એવી તો અનન્યાને કઈ વાત કહેવી હશે.? ફોન પર ના કહી દે?શું મારી અને ઈશિકા વચ્ચે જે ચાલી રહ્યું છે તે ખબર પડી ગઈ હશે.? શું તેના વિશે વાત કરવા માંગતી હશે..?
એટલામાં ઈશિકાનો મેસેજ આવ્યો. અનન્યા એ પરમદિવસે મળવાનું કહ્યું.. અને હા તારા માટે એક સરપ્રાઇઝ છે. આપણે મળીશું ત્યારે તને આપીશ..
દ્વિજ: શું સરપ્રાઈઝ છે ઇશિકા.?
ઇશિકા: પરમદિવસે મળીએ એટલે આપીશ..
હું ઉત્સાહિત થઈ ગયો. શરીરની દરેક નસમાં લોહી સાથે ઉત્સાહ ભળી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી હું આ દિવસની રાહ જોઈને બેઠા હતો અને આખરે તે દિવસ પણ આવી જ ગયો.. બસ સવાર થવાની રાહ જોઈ રહ્યો હતો. ક્યારે સવાર પડે અને હું અહીંથી નીકળું....
સવાર થતાં જ અહીંયા થી હું નીકળી ગયો. મમ્મી પપ્પા હજી એક દિવસ રોકાઈને આવશે. કાકાએ મને પણ રોકાવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ પરીક્ષાનું બહાનું કાઢી ને હું ત્યાંથી નીકળી ગયો.. જ્યારે ઘરે જલ્દી જવાનો હરખ હોય ત્યારે ના સમય કપાય, ના અંતર. આવા સમયે વિચારો સમગ્ર માનસિક સંતુલન પર કાબુ મેળવી લે છે. એક એક સેકંડ પસાર થવા માટે જાણે લાંચ માંગી રહી હોય તેવું લાગી રહ્યું હતું. લાંબાગાળાનું અંતર કોઈની રાહ જોઈને કાપવું ખૂબ જ અઘરું પડે તે વાત આજે સમજાઈ ગઈ.દર મિનિટે અલગ અલગ વિચાર. અનન્યાને એવી તો કઈ વાત કરવી હશે. અને બીજી ક્ષણે શું ઈશીકા મારો પ્રેમ સ્વીકારવા માટે તૈયાર થઈ ગઈ છે.? શું તેને પણ મારી જેમ પ્રેમ થઈ ગયો...! કઈ કહેતા કઈ અંદાજ નથી મને કે શું હશે. અને આ સવાલનો મારી પાસે કોઈ જવાબ નથી. કઈ છે તો માત્ર આશા, અપેક્ષા, મનછાં, સપના. કે ઈશીકા સરપ્રાઇઝમાં એવું કહે કે દ્વિજ હું પણ તને પ્રેમ કરવા લાગી છું.
. *. *. *. *. *. *. *. *. *. *. *. *
જે દિવસે સાંજે મળવાનું હતું તે સવારે જ મને અનન્યાનો ફોન આવ્યો કે તું લેવા માટે આવતો નહિ. રાહુલ ભાઈ લેવા માટે આવવાના છે.
દ્વિજ: તારા કઝીન ભાઈ.?
અનન્યા: હા તે આજે ઘરે છે તો તેમને કહ્યું કે હું પિક ઉપ કરવા આવી જઈશ..
અને સાંજે ટાઈમ પર આવી જજે..
દ્વિજ: ઓય સાંભળ. મારા પપ્પાનો ફોન આવ્યો હતો આજે મને તેમની દુકાને બેસવાનું કહ્યું છે.
અનન્યા: તો એમને સમજાય કે આજે મારે કામ છે.
દ્વિજ: શું લાગે છે મે નહિ સમજાયા હોય તેમને.. પણ એમ નથી માનતા,કહે છે કે અચાનક એક કસ્ટમર સાંજે ડિલિવરી લેવા માટે આવવાના છે તેમને એડવાન્સ પૈસા આપી દીધા છે.તેમને મને કાલે સાંજે ફોન કર્યો હતો કે હું કાલે આવીને કલેક્ટ કરી લઈશ. પહેલા મે ના પાડ્યું પણ એમને વાહન ચાલકને પૈસા આપી દીધા છે માલ ની હેરફેર માટેના એટલે તને કહું છું કે સાંજે ૨ કલાક ખોલવાની છે તે માલ લઈલે પછી તું તારું કામ પતાવી દેજે.
અનન્યા: સારું જેમ બને તેમ જલદી આવજે .
દ્વિજ: સારું..
ફોન કટ કરીને હું ફ્રેશ થઈને બહાર નાસ્તો કરવા માટે નીકળ્યો.ઈશિકાનો મેસેજ આવ્યો હતો.કે આજે બહુ કામ છે. પેસેંટ વધારે છે તો વાત નહિ થઇ શકે.એટલે હું સાંજે તને ત્યાં મળીશ. ઈશિકાને મે જણાવ્યું નહીં કે આવું બન્યું છે. નહી તો એ થોડી મુંજાઈ જાય.અને હું તેવું બિલકુલ પણ ચાહતો ન હતો.
જેવા ૫ વાગ્યા તેવો જ દુકાને પહોંચી ગયો. પણ ના તો કૌશિકભાઈ હતા ના કે તેમના હેરફેર વાળા કારીગર..૫ વાગે આવવાની જગ્યા એ તેવો ૭:૩૦ આવ્યા.ને અહીંયા બીજી બાજુ મને ત્યાં પહોંચવાની ઉતાવળ..ક્યારે તે તેમનું કામ પતાવીને રવાના થાય ને ક્યારે હું ઘરે જઇશ ને ક્યારે પહોંચીશ. અહીંયા ને અહીંયા જ૮ વાગી ગયા હતા .
એટલા માં જ ઈશિકાનો ફોન આવ્યો.ક્યાં છે તું..?
દ્વિજ:અરે અહીંયા પપ્પા ની દુકાને આવ્યો છું.
ઈશિકા: પણ તારા પપ્પા તો બહાર ગામ છે. અમે બંને અહીંયા તારી રાહ જોઈ રહ્યા છીએ.અને તું છે કે હજી ત્યાં છે.
દ્વિજ: જેમ બને તેમ જલદી આવવાનો પ્રત્યન કરું છું.તમે બેશો હું આવું જ છું ૩૦ મિનિટમાં
ઈશિકા: અરે તું એમનું કામ શાંતિથી પતાવી દે..કઈ ઉતાવળ નથી..
આપણે કાલે સાંજે મળીશું. ને અનન્યા ને પણ જલદી નીકળવાનું છે.
દ્વિજ: સોરી યાર..પણ કામ આવી ગયું એટલે.તમે એન્જોય કરો. આપણે કાલે મળીએ..
અનન્યા: ઇશિકા શું કહે છે.? તે આવશે કે નહિ..?
ઈશિકા: ના નહિ આવી શકે.હજી તો એ ત્યાજ છે.
સારું તો ચલ આપણા માટે કઇ ઓર્ડર કરીએ મને ભૂખ લાગી છે.અને હા મારે તને કઈ કહેવું હતું.
ઇશિકા: હા બોલ ને..આમાં આટલી બેચેન કેમ થાય છે
અનન્યા:ખબર નહી પણ મને એવું લાગે છે કે હું એને પ્રેમ કરવા લાગી છું. મોબાઈલમાં તેના ફોટા જોઇને હસ્યાં કરું છુ.તેના વિચારો સાથે વાતો કરવા લાગી છું. તેની યાદો સાથે સમય પસાર કરવા લાગી છું.એના ચહેરા પરની હસી મને ખીલવી દે છે.એનું જીવનમાં હોવું મને સુકુન આપે છે.અને તેના દ્વારા મળતી દરેક ખુશી મને આત્મીયતાનો અહેસાસ કરાવે છે. પણ હું તે નથી જાણતી કે તે મારા માટે શું વિચારે છે. શું તે પણ મને પ્રેમ કરતો હશે. થોડી કન્ફૂઝ છું.
ઈશિકા : અનન્યા મારે પણ આવું જ છે. અને હું પણ કોઈને પ્રેમ કરવા લાગી છું.પહેલા તો મને લાગ્યું કે આ એક મજાક કરે છે.પણ તેનો પ્રેમ પ્રતિનો પ્રતિસાદ જોઇને મને પણ અહેસાસ થયો કે તે ખરેખર મને પ્રેમ કરવા લાગ્યો છે.હવે તો બસ તેને પામવાની ખ્વાઇશ છે.તેના પ્રેમનાં રંગમાં રંગાઈ જવાની ઇરછા છે. તેને દિલમાં એક અલગ સ્થાન બનાવી દીધું છે. તેની મારા પ્રત્યેની ચિંતા , નાની-નાની વાતોમાં મારી કાળજી, વિકટ સ્થિતિમાં સાથ અને અનહદ પ્રેમ..
અનન્યા: તો રાહ કોની જોવે છે તેને હા કહી દે.
ઈશિકા: હા હું જણાવી દઈશ.પણ તું ક્યાં સુધી એની રાહ જોઇશ.તને તેના પ્રત્યે લાગણી હોય તો તેને જણાવી દે.
અનન્યા: પણ મારામાં એટલી તાકાત નથી.કે હું એને કહી શકું.એટલે એક લેટર લખીને લાવી છું.એમાં તને કહ્યું તે બધું લખ્યું છે. તું આ લેટર દ્વિજ ને આપી દેજે .હું એને ફોન કરીને કહી દઈશ કે કોને આપવાનો છે .અને પ્રોમિસ મી. કે તું આ લેટર ખોલીને નહિ જોવે. તું દ્વિજ ને જ આપીશ.
ઇશિકા: હા નહિ ખોલું.. તું પણ ડાયરેક્ટ દ્વિજ ને આપી શકે છે ને..?
અનન્યા:: હા પણ કાલે હું કાકી સાથે બહાર જવાની છું .
ઈશિકા: પણ એ તો જણાય તને પ્રેમ કઇ રીતે થઈ ગયો .?
અનન્યા: આ તો પ્રેમ છે ખબર નહિ થઇ જાય. જાણી જોઇને તો સંબંધ નિભાવાય. પ્રેમ તો અજાણતા થઈ જાય. તું દ્વિજ આપવાનું ભૂલતી નહિ.ચલ હવે ઘરે જઈએ.
લગભગ રાતનાં ૨ વાગતા હતા. અચાનક જ મેસેજની ઘંટડી વાગી.હું એકદમ જ જાગી ગયો.જોયું તો ઈશિકાનો મેસેજ હતો.જેની હું ૮ મહિનાથી રાહ જોઈ રહ્યો હતો આખરે તે મેસેજ આવી ગયો.
ઈશિકા:
dear dwij ..
Thank you so much for feel me special. I know it’s to late but I thinks it's right time to tell you. I love the way you treat me. All you tiny effort for the proposing me it's a wonderful. sometime I feel very glad I have BFlike you. I love you dwij...
હું એટલો ખુશ હતો કે કદાચ હાલ ગમે એવું ખુશી માપવાનું સાધન લાવો તો એમાં પણ મારી ખુશીનો માપદંડ માપી ના શકાય..
દ્વિજ: તને પણ થેંક યું મારી લાગણી ને સમજવા માટે.
I love you too ..
ઈશિકા: પ્રોમિસ આપ મને કે તું મને ક્યારે દુઃખી નહિ કરે.? અત્યારે જેટલી કેર કરે છે એટલી કાયમ કરીશ..? જિંદગી ભર મારો સાથ નિભાવીશ. ?
દ્વિજ: પ્રોમિસ.. ઈશિકા આપણે કાલે મળીને અનન્યાને આ વાત જણાવી દઈએ.
ઈશિકા: હા કાલે સાંજે મળીને આપણે તેને જણાવી દઈએ .અને તેને પાર્ટી પણ આપીશું . હવે તું સૂઈ જા આપણે કાલે મળીએ...
Good night..dwij and I love you
દ્વિજ: good night , love you too..
આજની સાંજ સોળે શણગારે સજી હોય તેવું પ્રતીત થાય છે.સૂર્યના આછા-પાતળા કિરણો જ્યારે ઈશિકાના ચહેરાને સ્પર્શે છે ત્યારે ' જા ને વા લી પી ના રા ' નો એક સ્થળે સંગમ થયો હોય તેવો આભાસ થાય છે. હવા જાણે આજે એકતરફી પ્રેમમાં પાગલ થઇ ગઇ હોય તેમ તેની આજુબાજુમાં ફર્યા કરે છે. સાબરમતી નદીનું પાણી શાંત પણે તેના લાવણ્યનો લુપ્ત ઉઠાવી રહ્યું હતું.અને આ બધું મહેસૂસ કરીને હું અંદરો અંદર પોતાની જાત પર ગર્વ અનુભવી રહ્યો હતો કે તેનો હાથ મારા હાથમાં હતો.અમે બન્ને અનન્યાને જણાવા માટે ઉત્સુક હતા . તે સામે છેડેથી ચાલીને આવી રહી હતી. તેના ચહેરા પર નૂર , વ્યક્તિત્વમાં એક અલગ જાતની ઉર્જા અને બોલી ત્યારે તેના અવાજમાં ઉત્સાહ હતો. આટલી ખુશ અનન્યા ભાગ્યે જ જોવા મળતી. આવીને પહેલા ઈશિકા ને કહ્યું કે તું પેલો લેટર લાવી છે ને તે દ્વિજ ને આપી દેજે અને દ્વિજ સાંભળ હું તને કહીશ કે આ કોને આપવાનો છે એ વગર તું ખોલીશ નહિ.
બોલ ઈશિકા તારે કઇ ખાસ વાત કરવી હતી . જલદી કરજે મારે આજે રાત્રે સુરત જવાનું છે મમ્મીના ફોઈની છોકરી ના કાલે લગ્ન છે એટલે.
દ્વિજ: પહેલા આપણે બાજુમાં બેશીએ પછી વાત કરીએ.ખુલ્લા ગગન નીચે , કુદરતી વાતાવરણમાં નદી કીનારે બેઠા.મારી બાજુમાં ઇશિકા અને ઈશિકાની બાજુમાં અનન્યા
ઈશિક એ અચાનક મારો હાથ પકડી ને કહ્યું: અનન્યા કાલે મે તને જે છોકરાની વાત કરી હતી કે હું એને પ્રેમ કરવા લાગી છું.તે બીજું કોઈ નથી પણ દ્વિજ છે.અમે બન્ને મળીએ તને આ વાત જણાવવા માંગતા હતા.
આટલી વાત સાંભળીને અનન્યા થોડી સ્તબ્ધ થઇ ગઇ. ચહેરા પરનું નૂર ઉડી ગયું.
દ્વિજ: અનન્યા હું જાણું છુ અમે બન્ને એ તને આ વાતથી બિલકુલ વાકેફ રાખી પણ પરિસ્થિતિ કઇ એવી હતી .હું તને આ વિશે કંઈ કહી જ ના શકયો. મને ડર હતો કે કદાચ આ વાતના કારણે આપણી મિત્રતા પર કઇ અસર થાય.એવું હું બિલકુલ પણ ન તો ઈચ્છતો.
અનન્યા: congratulation તમને બન્ને ને...તમે બંને માંથી નક્કી કરી લો કે કોણ પહેલા પાર્ટી આપશે..હું મારી એક્ટિવાની ચાવી ત્યાં જ ભૂલી આવી છું તે લઈને આવું .
એટલામાં ઈશિકા એ તેના પર્શમાંથી તે લેટર કાઢી ને આપ્યો. મે તેને પૂછ્યું શું છે આમાં.તો તેને કહ્યું કે અનન્યા કોઈ છોકરાને પ્રેમ કરવા લાગી છે તેની સાથે વાત કરવાની હિંમત નથી એટલે આ લેટરમાં લખ્યું છે.
* * * *. * * * * * * * *
કહીને ગઇ હતી કે આવું છું .આજે તે વાતને ૧૫ વર્ષ વિતી ગયા. અનન્યા એ ક્યારે પાછું વળીને જોયું જ નહી. તે સાંજ મારા માટે ખુશીની હતી કે ગમની મને નથી ખબર.એક બાજુ મને ઈશિકા મળી હતી તો બીજી બાજુ મે અનન્યા ને ગુમાવી હતી. તે સાંજે તે અચાનક કહ્યા વગર ચાલી ગઈ. અને છેલ્લે મેસેજ કરતી ગઇ કે હું જાઉં છુ.મારા ભાઈનો ફોન આવ્યો છે.. ટેક કેર
તેની આવવાની ઘણી રાહ જોઈ પણ તે ના આવી. તેનો ફોન નંબર પણ બંધ બતાવતા હતા. તેના કાકાના ઘરે જઈને પૂછ્યું તો ખબર પડી તે ભણવા માટે કેનેડા ગઇ છે. બહુ રાહ જોયા પછી આખરે તેને આપેલો લેટર મે તેની પરવાનગી વગર જ ખોલ્યો. ત્યારે ખબર પડી કે જેને તે પ્રેમ કરવા લાગી હતી તે બીજું કોઈ નહી પરંતુ હું જ હતો. હા તે મને પ્રેમ કરવા લાગી હતી.પણ મે ક્યારે તેને તે નઝરથી જોઈ જ ન હતી. તે મારા માટે મારી ખાસ મિત્ર હતી .જે હું કોઈને કહી ના શકું તે વાત હું તેની જોડે કરતો હતો.
થોડા વર્ષ પછી ઈશિકા ને આપેલ વચન મુજબ તેની સાથે લગ્ન કરી લીધા. તેને મુંબઈમાં એક સારી હોસ્પિટલમાં જોબ મળતા અમે મુંબઈ ચાલ્યા ગયા.સમય એક એવી દવા છે જે અચ્છા-ભલા ઘા ને રુઝ લાવી છે. પણ અમે આજે પણ તે ઘા ને ખોતરીએ છીએ. પહેલા જેવું દુખતું નથી પણ અફસોસ થાય છે . કાશ મે તેને જણાવી દીધું હોત પહેલા.અનન્યા ને ખોવી દેવાનો અફસોસ આજે પણ અમને થાય છે. મુંબઈની ઝડપી જિંદગીમાં પણ અમે તેને યાદ કરીએ છીએ .અમુક સમયે હું અને ઈશિકા જૂના કિસ્સા યાદ કરીએ છીએ. અનન્યા સાથે પસાર કરેલ સમયની ચર્ચા કરીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક અમે અનન્યા ને બહુ દુઃખી કરી હતી.પણ વાંક અમારો ન હતો. શરૂઆતમાં તેને યાદ કરવા માટે અમારે કઈ ને કઈ બહાનું જોઈતું હતું. તેની વાત કરવા માટે કોઈ કારણ શોધતા, પણ અત્યારે કંઇ કહેતા કઇ જરૂર નથી.એવું નથી કે અમે તેને ભૂલી ગયા તે આજે પણ અમારા દિલમાં છે.અમારી સાથે છે .અમારી ખુશીનું કારણ છે.અમારી હસીની ભાગીદાર છે.તેની કમી ના વર્તાય તે માટે મારી અને ઈશિકા ની દીકરીનું નામ જ અનન્યા રાખી દીધું. આજે જ્યારે પણ તેને હસતી જોઈએ છીએ ત્યારે અનન્યા યાદ આવે છે.
:-હિમેન સોલંકી ( કબીર)