વોટ્સ યોર ગુડ નેમ સર!
મુંબઈની રાત કદાચ મુંબઈ શહેરને વધારે રંગીન બનાવે છે. આજની રાત મુંબઈકરો માટે વધારે ખાસ હતી. યુવાનોના દિલની ધડકન, બોલિવૂડનો મોસ્ટ એલિજીબલ બેચરલ કે જે છેલ્લા છ વર્ષથી બોલિવૂડમાં એકચક્રી શાસન કરી રહ્યો છે જેની ફિલ્મો બોક્સઓફિસ પર અઢળક કમાણી કરે છે જે દરેક છાપાઓ અને મેગેઝિનની હેડલાઈન્સ હોય છે એવા સુપર સ્ટાર ધ “આયાન કપૂરનો” આજે બર્થડે છે. તાજ હોટલનો ક્રિસ્ટલ હોલ સફેદ લીલી અને ફ્લોરિડા ફ્લાવરથી સજાવવામાં આવ્યો હતો. દુનિયાભરના ડ્રિંક્સ અને જેની એક ઝલક જોવા માટે લોકો કેટલાય દિવસો સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે એવા દરેક ચહેરા અને સુપરસ્ટાર્સ આયાન કપૂરની પાર્ટીના મહેમાન બન્યા હતા. બોલિવૂડથી લઈને રાજનીતિ, બિઝનેસમેનથી લઈને ડાયરેક્ટર, ડિઝાઈનરોથી લઈને મેકઅપ આર્ટિસ્ટ સુધી દરેક આ પાર્ટીનો ભાગ બન્યા હતા. સતત કેમેરાની ફ્લેશ થતી લાઈટો વાતાવરણને વધુ રંગીન બનાવતી હતી.
લેડીઝ એન્ડ જેન્ટલમેનનું અનાઉન્સમેન્ટ થતાની સાથે જ બધાની નજર સામે આવેલી ગોળાકાર સીડીઓ પર ગોઠવાઈ અને ડિઝાઈનર બ્લેક બ્લેઝર, હાથમાં બ્રાન્ડેડ વોચ, ટ્રીમ કરાવેલી દાઢી, વ્યવસ્થિત સ્ટાઇલ કરેલા વાળ અને હોઠ પર દિલધડક હાસ્ય લઈને આયાન કપૂર નીચે આવ્યો. આયાનને જોઈને પાર્ટીમાં હાજર રહેલા દરેક લોકો હ્દયનો ધબકારો ચૂકી ગયા હતા. શેમ્પેઈનની બોટલો ખોલવામાં આવી અને લોકો પોતાની રીતે પાર્ટી એન્જોય કરવા લાગ્યા લેડીઝની ગોસિપ લગભગ ડ્રેસ,પાર્ટી અને એલિજીબલ બેચરલ્સની જ હતી જ્યારે જેન્ટસની વાતો આયાન કપૂરની સક્સેસ,સ્ટારડમ,દોસ્તી અને દુશ્મનીની હતી. આ પાર્ટીમાં આયાન જ એક માત્ર વિષય હતો.
મુંબઈના જુહુ વિસ્તારમાં દરિયા કિનારે આવેલું એ કપૂર મેન્સન આયાન કપૂરની દુનિયા હતી. શૂટિંગની વ્યસ્તતામાંથી પણ સારો એવો સમય આયાન પોતાના ઘરમાં પસાર કરતો હતો. સતત લાઈમલાઈટ, કેમેરા, મિડિયા, ફેન્સ અને બોડીગાર્ડસથી ઘેરાયેલો આયાન અંગત જીવનમાં બહુ જ એકલો હતો. માતા પિતાના મૃત્યુ પછી પોતાના કહી શકાય એવા બહુ ઓછા લોકો હતા એની જીંદગીમાં. સપના કરતા પણ વધારે સુંદર જીંદગી જીવી રહેલા આયાન કપૂરની જીંદગીની હકીકત વધારે ભયાનક હતી. સતત વિતી ગયેલા ભૂતકાળમાં જીવવું એ હવે આયાન કપૂરની આદત બની ગઈ હતી. આજની પાર્ટી પતાવીને ઘરે આવેલા આયાનની હાલત વધુ પડતું ડ્રિંક કરવાથી વધારે ખરાબ થઈ ગયી હતી. રુમની દિવાલ પર લગાવેલા એ ફોટાને જોઈને આયાન ત્યાં જ બેસી ગયો હતો. આંખો બંધ કરી એ ત્રણ વર્ષ પહેલાના ભૂતકાળની સફરે નીકળી પડ્યો હતો.
ત્રણ વર્ષ પહેલાં આયાન પોતાની ફિલ્મના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. પોતાનુ શૂટિંગ પતાવીને આયાન હંમેશા ફરવા માટે નીકળી જતો હતો. એકવાર એ ઓસ્ટ્રેલિયાના એ નાનાં ટાઉનને જોવા નીકળ્યો હતો ત્યાં જ એની નજર સ્ટ્રીટ પર અવેલી એ નાની બુક શોપ પર પડી બુક્સને વાંચવા કરતા એને કલેક્ટ કરવાનો આયાનને વધારે શોખ હતો. ચાર પાંચ કમ્પાર્ટમેન્ટમાં વહેચાયલી એ શોપમાં રહેલી ગુજરાતી અને હિન્દી નોવેલ્સ જોઇને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ કોઇ ઈન્ડિયનની શોપ હશે. છૂટા છવાયા બે ચાર લોકો સિવાય ત્યાં કોઈ જ હતું નહિ એટલે પ્રમાણમાં શાંત કહી શકાય એવી હતી એ જગ્યા. આમતેમ પોતાની નજર દોડાવી કઈ બુક્સ લેવી અને કઈ ન લેવી એ ગડમથલમાં આયાન ફરી રહ્યો હતો ત્યાં જ એને એક અવાજ સંભળાયો Excuse Me Sir, મે આઈ હેલ્પ યુ! આયાન એ પાછળ ફરીને જોયું તો એક હિન્દુસ્તાની છોકરી હાથમાં પેન અને ડાયરી સાથે ઉભી હતી. સામાન્ય લાગતી એ છોકરીએ આયનને બુક્સ લેવામાં મદદ કરી અને બિલ બનાવવા માટે કાઉન્ટર પાસે આવી એણે પૂછ્યું “વોટ્સ યોર ગુડ નેમ સર!” અને એણે જે સવાલ કર્યો એ પછી આયાન કપૂર લગભગ આશ્ચર્યમાં પડી ગયો હતો. આયાને સામે કહ્યું યુ ડોન્ટ નો વ્હુ આઈ એમ! ત્યારે એ છોકરીએ કહ્યું આઈ નૉ તમે હિંદી ફિલ્મોના હિરો છો મે કદાચ તમારી એકાદ ફિલ્મ જોઈ હશે પણ મને એમાં કંઈ જ ખાસ નહોતું લાગ્યું. આયાન કપૂર માટે આ બહુ જ મોટો ઝટકો હતો. જેની એક્ટિંગ પાછળ દુનિયા પાગલ છે એની એક્ટિંગમાં આ છોકરીને કંઈ જ ખાસ નહોતું લાગતું. આયાને એને પૂછ્યું આવું તમને કેમ લાગ્યું કે મારી એક્ટિંગમાં કંઈ ખાસ નથી? ત્યારે એ છોકરીએ આંખોમાં ગજબની ચમક સાથે તલવારની જેમ ધારદાર રીતે પૂછ્યું મિસ્ટર સુપરસ્ટાર કોઈની લખેલી સ્ક્રિપ્ટ પર તો કોઈ પણ વ્યક્તિ એક્ટિંગ કરી શકે છે પણ અસલી જીંદગીમાં ચાલી રહેલી સ્ક્રિપ્ટને પણ તમારી એક્ટિંગ જેટલી જ સારી રીતે જીવો છો તમે? આરપાર નીકળી જાય એવા આ સવાલે આયાન કપૂરની દુનિયા હચમચાવી નાંખી. હાથમાં બુક્સ આપીને એણે કહ્યું એવો આગ્રહ ન રાખો કે બધા તમને ઓળખે જ અથવા બધા તમારા ફેન હોય જ હેવ અ ગુડ ડે સર! આયાન કપૂર ત્યાંથી નીકળી ગયો એ છોકરીની વાત અને એ છોકરી કોણ જાણે કેમ એના મગજમાંથી નીકળતી જ નહોતી. આખી રાત એણે એ વાતને વિચાર્યા જ કરી કદાચ એ છોકરી સાચી હતી. બીજા દિવસે આયાન કપૂરે એ છોકરીની ડિટેલ્સ મંગાવી આયાન કપૂર માટે કોઈ પણ વ્યક્તિની ડિટેલ્સ મંગાવવી એ બહુ જ સરળ હતું અને જેવું એના હાથમાં એ કાગળ આવ્યું એણે નામ
વાંચ્યુ અરૂંધતી શેઠ, ફોન ડિટેલ્સથી લઈને ઘરનું એડ્રેસ બધુ જ આયાન કપૂરના હાથમાં હતું.
આયાને ફોન કરીને અરૂંધતીને થેક્યૂ કહ્યું એ વાત માટે એને રિયલાઈઝ કરાવવા માટે. ધીરે ધીરે આયાન અને અરૂંધતી સારા મિત્રો બની ગયા એક્સચેન્જ થયેલા નંબર સાથે અરૂંધતી અને આયાન એકબીજ સાથે વાતો કરવા લાગ્યા,એકબીજા વિશે જાણવા લાગ્યા,એકબીજાની દુનિયામાં જાણે-અજાણ્યે એ બંને પ્રવેશ કરી ચૂક્યા હતા. અરૂંધતીએ આયાનને પોતાના સાચા વ્યક્તિત્વ સાથે કરાવી હતી.આયાને અરૂંધતીને બહુવાર મુંબઈ આવવા કહ્યું પણ દર વખતે એ આયાનને એક જ વાત કહેતી “તારી એ લાઈમલાઈટની દુનિયાની પાછળના અંધારામાં મારે ખોવાઈ નથી જવું.” આયાન અરૂંધતીને જઈ કયારેક ઓસ્ટ્રેલિયા મળી આવતો. અવારનવાર આ પ્રેમીયુગલ પોતાના ફોટા સાથે ન્યૂઝ પેપરની હેડલાઈન્સ બની જતું. આયાનની દુનિયા લગભગ અરૂંધતીની આસપાસ જ સિમીત થવા લાગી હતી અને એકવાર ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર અરૂંધતી આયાનને સી ઓફ કરવા આવી હતી. ત્યાં એરપોર્ટ પર જ આયાને અરૂંધતીને બધા સામે મેરેજ માટે પ્રપોઝ કર્યું હતું. આ પ્રેમીયુગલે આવતા વર્ષે મેરેજ કરવાનું નક્કી કર્યું હતું.
એક સવારે કપૂર મેન્સનના વિશાળ બેડરૂમમાં પલંગ પર સુતેલા આયાનની ઊંઘ અચાનક ફોનના અવાજથી ઉડી ગઈ હતી. અરૂંધતી નામ સક્રીન પર જોઈને આયાન બેઠો થઈ ગયો અને ફોન રિસીવ કર્યો તો ત્યાંના લોકલ પોલિસ ઑફિસરનો અવાજ સાંભળી આયાનનું હ્રદય ધબકારો ચૂકી ગયું હતું. અરૂંધતી કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી. અરૂંધતીના મૃત્યુ પછી આયાને લગભગ જીંદગી જીવવાનું જ બંધ કરી દીધું હતું. છેલ્લા એક વર્ષમાં આયાન કપૂર પાર્ટીઓમાં એવોર્ડ્સ શોમાં જવાનું ટાળતો. શૂટિંગ સિવાયનું બધુ જ એણે છોડી દીધું હતું. અરૂંધતીમાં જીવવા ટેવાયેલા આયાને જીવવાની આશા જ છોડી દીધી હતી. કોન્ટ્રાક્ટ થયેલી ફિલ્મો સિવાય નવી કોઈ પણ ફિલ્મ સાઈન કરવાની ના પાડી દીધી હતી. એક સેલિબ્રિટી તરીકે અમુક ના છૂટકે જે એને કરવું પડતું એ જ કરતો હતો.
આજે વધુ ડ્રિંક કરવાથી અને અરૂંધતીને યાદ કરવાથી અયાનના મગજ પર વધારે ભારે અસર થઈ ગયી હતી. રુમમાં આમતેમ આંટા મારી રહેલા આયનના ચહેરા પર પરસેવો વળી ગયો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એનું મગજ એના કાબુમાં રહ્યું નહોતું. પોતાનું ડ્રોઅર ખોલીને ઊંઘની ગોળીઓ નીકાળીને બાજુમાં પડેલા પાણીના ગ્લાસ લઈને એકસાથે લગભગ બધી જ ગોળીઓ ખાઈને એણે પોતાના શરીરને નાખી દીધું અને એક તરફડતુ હ્દય શાંત થઈ ગયું.સવાર પડતાની સાથે જ રુમમાં દોડી આવેલા નોકરોએ આયાનને બેડ પર જોયો એના ચહેરા પર ગજબની શાંતિ હતી. અરૂંધતી વગર નીકાળેલી જીંદગીનો થાક આજે ઉતરી ગયો હતો. દુરથી આવી રહેલા એમ્બ્યુલન્સના અવાજ સાથે જ આયાન અને અરૂંધતીના હાસ્યના અવાજ ખોવાઈ ગયા. કપૂર મેન્સનના વિશાળ બેડરૂમમાં રહેલા એ શરીર અને દિવાલ પર રહેલા એ ફોટા વાળી વ્યક્તિ એક નવા જ સફરે ચાલી નીકળી હતી.
ખ્યાતી ઠક્કર
સફર