ભાગ - 7 માં આપણે બધા એ જોયું કે સ્કુલમાં જવાની જલ્દી ને લીધે જૈનીષ અને રમીલાબેન વચ્ચે પકડા પકડીનો ખેલ રમાય છે, જેમાં જૈનીષ દિશાના ઘરે ભાગી આવે છે. આ જોઈ દિશા પણ એમાં શામિલ થઈ જાય છે. બંનેને મનાવવા માટે રમીલાબેન અને શાલિનીબેન, જૈનીષ અને દિશાને ભાવુક કરે છે. આ યોજનાને લીધે જૈનીષનું ભોળપણ અને સૌમ્યરૂપ રમીલાબેન તથા શાલિનીબેન અને દિનેશભાઈને જોવા મળે છે. સામેની બાજુ દિશા પણ એના માતાની માફી માંગે છે અને બંને નાસ્તો કરી સ્કુલ જવા નીકળી પડે છે.
સ્કુલમાં ઈત્તર પ્રવૃત્તિની શરૂવાત છેલ્લા તાસમાં કરવામાં આવશે એવું સ્કુલના આચાર્ય દ્વારા જાહેર કરવામાં આવે છે અને આજે પેહલો દિવસ હોવાથી બધા વિદ્યાર્થીઓને ઈત્તર પ્રવૃત્તિના શિક્ષકો અને તાલીમ આપનાર ટ્રેનરોના પરિચય માટે સેમિનાર હોલમાં જવાનું કહેવામાં આવે છે. હવે આગળ,
#####------#####-----#####-----#####
આચાર્ય દ્વારા જાહેર કરાયેલ સુચના મુજબ સ્કુલના શિક્ષકો બધા વિદ્યાર્થીઓને સેમિનાર હોલમાં ભેગા કરે છે. બધા વિદ્યાર્થીઓ પોતાની જગ્યા પર ગોઠવાય જાય છે અને શિક્ષકો બધા વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની સુચના આપે છે, અને પોતાના સ્થાન તરફ આગળ વધે છે.
બધા વિદ્યાર્થીઓ સેમિનાર હોલમાં આવી ગયા બાદ સ્કુલના આચાર્ય સ્ટેજ પર આવીને બધા વિદ્યાર્થીઓને અને પોતાના સ્ટાફને સંબોધે છે. " સ્કુલના શિક્ષકો અને વ્હાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ઈત્તર પ્રવૃત્તિની શરૂવાત કરવા જઈ રહ્યા છીએ. "
" આપ સૌને પહેલા હું આપણા ઈત્તર પ્રવૃત્તિના શિક્ષકોનો પરિચય કરાવીશ અને જે વિદ્યાર્થીઓએ રમત ગમત પસંદ કર્યા છે એમના કોચ અને ટ્રેનરોની ઓળખાણ આપીશ. "
આચાર્ય :- " સૌ પ્રથમ આપણે સ્વાગત કરીશું સંગીત અને નૃત્યની તાલીમ આપનાર શિક્ષક દંપતીનો, તો જોરદાર તાળીઓથી વધાવી લઈએ આનંદસર અને તેમના પત્ની મીતાબેનનો. બંને પતિ પત્ની સંગીત અને નૃત્યમાં પ્રખ્યાત છે. "
ત્યાર બાદ આનંદસર અને મીતાબેન સ્ટેજ પર આવે છે અને આચાર્ય સાહેબ તેમનું સ્વાગત કરે છે. સેમિનાર હોલમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓથી અને ચિચિયારીઓ પાડીને બંનેને આવકારે છે. વિદ્યાર્થીઓનો આટલો બધો ઉત્સાહ જોઈને આનંદ સર અને મીતાબેન ખુશ થઈ મુખ પર સ્મિત સાથે બધા વિદ્યાર્થીઓને હાથ હલાવીને તેમનું અભિવાદન કરે છે.
થોડીવાર પછી આચાર્ય રમત ગમત માટે શહેરના અનુભવી ટ્રેનર રાજેશભાઈને સ્ટેજ પર આમંત્રણ આપે છે અને તેમનો પરિચય કરાવે છે. રાજેશભાઈનું પણ બધા વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓથી અને ચિચિયારીઓ પાડીને સ્વાગત કરે છે.
બધાના સ્વાગત અને પરિચય કાર્યક્રમ બાદ સ્કુલના આચાર્ય બધા વિદ્યાર્થીઓને બીજા દિવસથી તેમના ક્લાસ ચાલુ થશે એવી જાહેરાત કરે છે અને આજે તેઓનો માત્ર પરિચય ક્લાસ થશે એવી જાહેરાત કરે છે. સાથે સાથે એ પણ જણાવે છે કે જે વિદ્યાર્થીઓએ રમત ગમતની પસંદગી આપી છે એમને રાજેશભાઈ સ્કુલના મેદાન પર મળવા માંગે છે અને જે વિદ્યાર્થીઓએ બીજી પ્રવૃત્તિઓ પસંદ કરી છે તેમને આનંદસર અને મીતાબેન અહી જ મળશે.
જાહેરાત બાદ બધા વિદ્યાર્થીઓ પોતપોતાની પસંદગી મુજબ જવા માટે તૈયાર થાય છે. રમત ગમત માટે ઘણા વિદ્યાર્થીઓએ પસંદગી આપી હોવાથી હોલમાં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે. પણ એનાથી આનંદ સર કે મીતાબેનને બહુ વધારે ફરક પડતો નથી. તેઓ મુખ પર સ્મિત સાથે બધા વિદ્યાર્થીઓને સ્ટેજ પર આવવા માટે કહે છે.
આ સાંભળતા જ જૈનીષ અને દિશા બીજા વિધાર્થીઓ કરતા પેહલા સ્ટેજ પર આવીને ઊભા રહી જાય છે. એમની આંખોમાં રહેલ ઉત્સાહને ઓળખતા આનંદ સર અને મીતાબેનને જરાય વાર લાગતી નથી. આનંદ સર જૈનીષને બોલાવે છે અને તેના વિશે જાણવા માટે કહે છે.
જૈનીષ :- મારું નામ જૈનીષ છે. હું સ્ટાન્ડર્ડ 5 માં ભણું છું અને મને સંગીત શીખવામાં રસ છે. તમે મને શિખવાડશોને ?
આનંદ સર:- હા, બેટા. જરૂર શીખવીશ. (માથામાં હાથ ફેરવતા ફેરવતા બોલે છે)
અને જેવો જૈનીષના માથા પર હાથ મૂકે છે એવો જૈનીષ તરત સરને પગે લાગે છે. આનંદ સરનું મન તરત જ એમને કહી દે છે કે તમે જેને શોધો છો એ મળી ગયો. આનંદ સર જૈનીષને ઉભો કરે છે. જૈનીષ આનંદ સરને દિશાની ઓળખાણ કરાવે છે અને કહે છે કે દિશાને નૃત્ય શીખવું છે. એટલે આનંદ સર મીતાબેનની તરફ જોઈને કહે છે કે " નૃત્યમાં પારંગત તો દેવી હોય, દેવ તો સંગીત વગાડે."
મીતાબેન દિશાને તેની સામે ઉભી રાખી એના વિશે પૂછે છે અને વાતચીત કરતા કરતા બીજા વિદ્યાર્થીઓ પણ ત્યાં ભેગા થઈ જાય છે. ભેગા થઈને એટલા સવાલો પૂછે છે કે મીતાબેન અને આનંદ સર વિચારે છે કે બધા વિદ્યાર્થીઓને કેટલો ઉત્સાહ છે. અને મનોમન બંને ખુશ થાય છે કે તેમણે મેળવેલ સંગીત અને નૃત્યની વિદ્યા માટે યોગ્ય કાચી માટી વાળા વિદ્યાર્થીઓ મળ્યા છે.
છેલ્લે આનંદ સર અને મીતાબેન બધા વિદ્યાર્થીઓને જવા માટે કહે છે અને કાલથી આપણે ક્લાસ ચાલુ કરીશું એવું જણાવે છે. જતા જતા બધા વિદ્યાર્થીઓ સર અને મીતાબેનને આવજો કહીને હોંશે હોંશે જવા માટે નીકળી પડે છે. બધાથી છેલ્લે જૈનીષ અને દિશા જાય છે અને બંનેને જતા જોઈને આનંદ સર અને મીતાબેન પણ વિચારોમાં ખોવાઈ જાય છે. બંનેને એક જ વિચાર આવે છે કે હજી તો પ્રથમ મુલાકાત જ છે જૈનીષ અને દિશા સાથે, છતાં એવું તો શું આકર્ષણ છે જે એમની તરફ ખેંચવા માટે મનને મજબૂર કરે છે.
વધુ આવતા અંકે, ત્યાં સુધી
હર હર મહાદેવ