Lagniyonu Shityuddh - 7 in Gujarati Fiction Stories by Aadit Shah books and stories PDF | લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 7

Featured Books
Categories
Share

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 7

પ્રકરણ - 7

ક્યારેક આપણે એવી ઘટનામાં સમાહિત થવું પડે છે, જેની આપણને જરાય ઈચ્છા નથી હોતી

કારણ કે

કુદરતે આપણને કોઈ વ્યક્તિની સમગ્ર જિંદગી બદલનાર પરિબળ તરીકે નિયુક્ત કર્યા હોય છે.

"હેલો સિસ્ટર", અનંતે નિયતિને મેસેજ કર્યો.

"આજે હું એક રહસ્ય ઉજાગર કરવા જઈ રહ્યો છું.", અનંતે બીજો એક મેસેજ નિયતિને કટાક્ષના રૂપમાં મોકલ્યો પણ એ બિચારાને એના જીવનમાં પ્રવેશ લેનાર આગામી ઘટના વિશે જરાય વાકેફિયત ન હતી.

અનંતને જરાય ખબર ન હતી કે તે પોતાના હ્રદયની વીણાના એ તારને તોડવા જઈ રહ્યો હતો જે એના ઉદ્વેગના ઘોંઘાટને લયબદ્દ કરવાનો હતો, કારણ કે એ તાર પાસે કોઈ સૂરીલું સંગીત પેદા થાય એવી કોઈ લાગણી કે ધૂન – કઈં હતું જ નહિ. કેટલીક વાર આપણે લાગણીઓ અને સ્નેહથી એટલા બધા અંધ બની જઈએ છીએ કે આપણે સાચું શુ અને ખોટું શું એ પિછાણી જ શકતા નથી. હંમેશા સારું નરસું વિચારતું માણસનું ફળદ્રુપ મગજ જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે માણસની બુદ્ધિ બહેર મારી જાય છે, કારણ કે ફોક લાગણીઓની માયાજાળે એને દિશાશૂન્ય કરી દીધું હોય છે. ફક્ત આપણા સ્વ-સંતોષ માટે થઈને આપણે આપણા મનને મનાવીએ છીએ અને કહીએ છીએ, ચાલ બેટા, બેવકૂફ બની જા...

તેને જરા પણ અંદાજ ન હતો કે જે રહસ્યના ઉકેલ વિશે એણે નિયતિને કટાક્ષ કર્યો હતો એ જ રહસ્ય એના માટે દુ:ખદાયી અને મહદંશે ઘાતક બનવાનું હતું કારણ કે અગાઉ જે આઘાતો અને સમયની થપ્પડો અનંતે સહન કરી હતી એનાથી એ મનોમન મજબૂત તો થઈ રહ્યો હતો પરંતુ એના વર્તનથી લાગતું ન હતું કે હવે કોઈ આઘાત એ જીરવી શકે. ભટ્ઠીમાં પીગળીને તૈયાર થયેલું લોખંડ પણ એક હદ પછી પોતાની સહનશક્તિ ગુમાવી દે છે.

# # #

"ફાઈન", નિયતિએ ટૂંકમાં વાત પૂરી કરી, જે લગભગ 3 મહિનાના લાંબા અંતરાલ બાદ ફરી શરૂ થઈ હતી. વૈભવી અને અનંતના કહેવાતા સંબંધોએ પણ આ દરમિયાન એક વર્ષ પૂરું કર્યું હતું. એક તરફ જ્યાં અનંત પોતાના વૈભવી સાથેના સંબંધોને મજબૂતાઈ પામતો અનુભવી રહ્યો હતો, ત્યાં બીજી બાજુ વૈભવી એ મજબૂતાઈને સંપૂર્ણપણે મજબૂરીમાં પરિવર્તિત કરવાની ફિરાકમાં હતી અને આ બન્નેની વચ્ચે નિયતિ – આ લાગણીઓના શીતયુદ્ધરૂપી આંતરવિગ્રહને રોકવા ઈચ્છતી હોવા છતાં કઈં કરી શકે એમ ન હતી.

અહીં અનંત તેમના સંબંધો, પ્રેમ અને લાગણીઓ સાથે પોતાની જવાબદારીઓ માટે ખૂબ જ ગંભીર હતો, જ્યારે બીજી તરફ વૈભવી અને અરમાનએ આ તમામની એટલી જ ગંભીર મજાક બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. આ બાબત માટે ફક્ત એક જ વ્યક્તિ ચિંતિત હતી, એ હતી નિયતિ. તો બીજી તરફ ધ્રુવલને પણ દાળમાં કઈંક કાળું લાગી રહ્યું હતું. એણે અનુભવ્યું હતું કે અનંતના જીવનમાં કંઈક મોટી અનિચ્છનિય ઘટના બનવા જઈ રહી હતી પણએ વિશે તેને કોઈ અગમચેતી વર્તાઈ રહી ન હતી. એણે ઘણી વખત અનંતની પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે આંધળા આશિકે એ તરફ જરા પણ ધ્યાન ન આપ્યું. આથી નાછૂટકે ધ્રુવલે પોતાની રીતે તપાસ કરવાં એના ચક્રો ગતિમાન કર્યાં.

"શું તમે એ પળના સાક્ષી બનવા નહિ ઈચ્છો?"

"ક્યારેય નહિ.... કારણ કે હું પરિણામથી વાકેફ છું.", નિયતિએ જવાબ આપ્યો.

"કયા પરિણામો?"

"એ જ પરિણામો જેના વિશે અગાઉ કેટલાંક મહિના પહેલાં ચર્ચા થઈ હતી અને તમે એના પર ધ્યાન આપવું જરૂરી સમજ્યું ન હતું."

"અરે બહેન, પ્લીઝ ... આજે શરૂ ન થઈ જતા ... મારી લાઈફનો સૌથી ખુશીનો દિવસ છે તો મહેરબાની કરીને આ દિવસને બગાડો નહીં, હજી પણ તમે એ જ ફાલતુ વિચારોમાં જ અટવાયેલા છો."

"ના, અનંત,આ બાબત ફાલતુ કે સાવ નગણ્ય નથી. તે ઘણી જિંદગીઓ સાથે જોડાયેલ બાબત છે: તારી, વૈભવીની અને એ સિવાય પણ ઘણા બધાની".

"પ્લીઝ સ્ટોપ ઈટ નાઉ ... જો તમે મારી જિંદગીની અમૂલ્ય પળમાં મારી સાથે જોડાવા માંગો છો, તો એ જગ્યા પર પહોંચો, જે હું તમને મેસેજમાં મોકલી રહ્યો છું".

(નિયતિ નિરુત્તર રહી)

"તમે આવી રહ્યાં છો ને, દીદી?" અનંતે અજાણ્યા ભાઈ બહેનના સંબંધ સ્થપાયાના એક વર્ષ બાદ નિયતિને દીદી કહીને સંબોધિત કરી હતી. આ મેસેજ ટાઈપ કરતી વખતે અનંતને અચાનક જ પોતાના અવાજ અને આંખોમાં ભીનાશ વર્તાઈ.

"હા, અલબત્ત, મારે ત્યાં હોવું જ જોઈએ", નિયતિએ ફરી આંખો મીંચી દીધી અને એના ગાલ પર લસરતા એક આંસુ સાથે એ વાર્તાલાપનો અંત આવ્યો.

નિયતિને એક એવી ઘટનાનો ભાગ બનવું પડી રહ્યું હતું કે જેના વિશે એણે સ્વપ્નમાં પણ વિચાર કર્યો નહિ હોય. તેની પાસે આનાકાની કરવા માટે કોઈ અવકાશ જ ન હતો કારણ કે વાત તો અનંતના જીવનની હતી પરંતુ અહીં તો એ શહેજાદો એ વાતને સમજવાને બદલે પોતાના પગ પર જ કુહાડી મારવાનો નિર્ણય કરી ચૂક્યો હતો, એણે પોતે જ પોતાના માટે કોઈ રસ્તો ખુલ્લો છોડ્યો ન હતો.

તાપી રિવરફ્રન્ટ પાર્ક,

સાંજે 5.30 વાગ્યે ચોપાટી ગાર્ડન.

બંને મેસેજ અનંતના જીવનમાં આવનાર અનિચ્છનીય અને અનપેક્ષિત મોટા ફેરફારના સમય અને સ્થળને સૂચિત કરી રહ્યા હતા.

# # #

પહેલી (અને કદાચ છેલ્લી) વખત માટે, વૈભવી સાથે કરેલી એકબીજાને મળવા માટેની યોજના પ્રમાણે, અનંત તેના માટે ચોપાટી રિવરફ્રંટ પાર્કમાં આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. એ તો અધીરાઈમા ને આવેગમાં સાડા ત્રણ વાગે જ ધ્રુવલને લઈને ત્યાં પહોંચી ગયો હતો અને ચાતકનજરે વૈભવીની રાહ જોઈ રહ્યો હતો .એકેક ક્ષણ એના માટે એક એક યુગ સમાન હતું. આમ, પણ જ્યારે સ્વપ્ન તૂટવાની તૈયારીમાં હોય ને ત્યારે જ સૌથી વધુ આંખો મીંચાય છે. અગણિત લાગણીઓ તેના હ્રદયમાં સમુદ્રની લહેરોની જેમ ઊછાળાં મારી રહી હતી. હર વીતતી ક્ષણની સાથે તેના હૃદયના ધબકારા સામાન્ય પળો કરતાં ચાર ગણી ઝડપે ધબકી રહ્યા હતા. બીજી તરફ ધ્રુવલને એના પાગલ આશિક દોસ્તની મૂર્ખાઈ પર દયા અને હાંસી બંને આવી રહી હતી. અધીરાઈથી ગાર્ડનની લોન પર આંટા મારી રહેલા અનંતનું અવલોકન કરવાની સાથે સાથે એ પોતાના વોટ્સએપ પર આવી રહેલા મેસેજને જોઈને રિપ્લાય કરી રહ્યો હતો. અનંતે પણ એ દરમિયાન ધ્રુવલના ચહેરા પરની ભાવરેખાઓ જોઈ, પરંતુ એને ગણકારી નહિ.

થોડાક સમય પછી, બગીચાના ગેટ પાસે એક રિક્ષા આવે છે અને એક સામાન્ય દેખાતી છોકરી તેમાંથી ઉતરે છે. તેણી અનંત અને ધ્રુવલ બંનેને ઓળખી ગઈ હતી કારણ કે તેણીએ તે બંનેની પ્રોફાઇલ્સ સર્ફ કરી હતી .તે એ દિશા તરફ આગળ વધી રહી હતી જ્યાં અનંત અને ધ્રુવલ મૂર્તિઓની જેમ આશ્ચર્યચકિત થઈને ઊભા હતા. થોડાં કદમો ચાલ્યા પછી, તેણી અનંતની એકદમ નજીક આવીને ઉભી રહી ગઈ હતી. એક અજાણી છોકરીને પોતાની આટલી નજીક અને પોતાની સમક્ષ એક વેદનાભર્યું સ્મિત કરતી જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. એના મનમાં એકસામટા ચાલી રહેલા હજારો વિચારોએ વાવાઝોડાંનું સ્થાન લઈ લીધું હતું. એમ પણ એ દિવસો દરમ્યાન સુરત અને કોઈની સિરત - બંનેનું વાતાવરણ ખરાબ અને અનપેક્ષિત હતું.

અનંત અને ધ્રુવલ – બંનેના મન પર છવાયેલાં ધુમ્મસને ચીરતાં એણે પોતાના પહેરા પરનો દુપટ્ટો હટાવ્યો. તેણે દુપટ્ટાંને લપેટીને પોતાનો ચહેરો કવર કરી રાખેલા હતો. અનંતનો એ નિર્દોષ ચહેરો હજુ પણ તેને અપલક નજરે નિહાળી રહ્યા હતો. અનંતની એકાગ્રતાને ભંગ કરતા, તેણે પોતે જ પોતાનો પરિચય રજૂ કર્યો.

"હાય ... હું નિયતિ", તેણીએ હસ્તધૂનન માટે પોતાનો હાથ લંબાવ્યો.

"હેલ્લો" અનંતે પણ પોતાનો હાથ લંબાવ્યો. નિયતિ સાથે હાથ મિલાવ્યા બાદ તેને હકીકતમાં એક સુકૂનનો અનુભવ થયો.

નિયતિને અનંતના હાથમાં એક પ્રકારની કંપારીનો અનુભવ થયો.

"મને લાગે છે કે તું ડરેલો છે", તેણીએ કહ્યું.

"હા. હું ખરેખર ભયભીત છું, તમે મને ડરાવી દીધો", અનંતે જવાબ આપ્યો.

"મે ? કેવી રીતે? ", નિયતિએ વળતો પ્રશ્ન કર્યો.

"તમે આવ્યા જ એવી રીતે કે.. મેં ક્યારેય એવું વિચાર્યુ ન હતું કે એક સામાન્ય છોકરીની એન્ટ્રી મને ભયભીત કરી દેશે. હું મારા જીવનમાં ઘણી છોકરીઓને મળ્યો છું, પણ આજે જેવી નથી", અનંત આછું હસ્યો.

"ઘણી છોકરીઓને મળ્યાં તો છો પણ એક ને પણ સમજી શક્યાં છો ખરાં....??? "તેણી ખડખડાટ હસી પડી. અનંતને આ હાસ્ય અમુક અંશે અપમાનજનક લાગ્યું પણ સામે ઊભેલો ધ્રુવલ આ હાસ્યનું તાત્પર્ય સમજી ગયો. એ ઘણા સમયથી નિયતિને તાકી રહ્યો હતો અને એમના આ સંવાદને સાંભળીને મનોમન મલકાઈ રહ્યો હતો.

"દોસ્ત... તું હજી માત્ર 21 વર્ષનો જ છે અને આ તો તારા જીવનની શરૂઆત છે "તેમણે ઉમેર્યું.

ધ્રુવલે તેમની વાતચીત જોઈ હતી. નૈસર્ગિક રીતે તેને કંઈક અજૂગતું ઘટવાની કલ્પના તો હતી જ પરંતુ તે કંઈ પણ બોલીને બંને ભાઈ બહેનની વાતમાં વિક્ષેપ કરવા માંગતો ન હતો. સાંજના 5.20 થઈ ચૂક્યા હતા. પરંતુ હજુ પણ વૈભવીના આગમનની કોઈ નિશાની ન હતી. અનંતની આંખોમાં વરસાદની રાહ જોઈ રહેલા ચકોર પક્ષીની આતુરતા સ્પષ્ટપણે નજરાઈ રહી હતી..

અચાનક એક કાળી રેન્જ રોવર પાર્કના મેઈન ગેટ પાસે આવી જેમાંથી એક યુવા વયની છોકરી ગુલાબી વન પીસ પહેરીને ઊતરી હતી, ચહેરા પર રેબેનના ગોગલ્સ અને હાથમાં મોંઘુ પર્સ એની ઊંચી ખ્વાહિશોની ચમચાગીરી કરી રહ્યું હતું. સૌ પ્રથમ તો નિયતિ સિવાય કોઈ જ તેને ઓળખી શક્યું નહિ. જ્યારે તે નજીક આવી, ત્યારે અનંતનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તે છોકરી બીજું કોઈ જ નહિ, પણ "વૈભવી- એની જિંદગી" હતી, તેણે એક ક્ષણ માટે પણ ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતે વૈભવીને આવા રૂપમાં જોશે. વૈભવીનું આ સ્વરૂપ તેના માટે પહેલો આઘાત હતો.

નિયતિની ચિંતા દરેક ક્ષણ સાથે વધતી જતી હતી. તે અનંતને મળનારા આગામી આઘાતોની કલ્પનામાત્રથી જ ધ્રૂજી ગઈ હતી. એણે પોતાની જાતને અસ્વસ્થ મહેસૂસ કરી પણ અચાનક જ એને પોતાના ખભા પર એક હાથનો અનુભવ થયો અને એ હાથ ધ્રુવલનો હતો એ જોઈને એના ચહેરા પર ઘણાં ખરાં અંશે રાહતની રેખાઓ વર્તાઈ.

અનંત માટે બીજો આઘાત આવવાની તૈયારી જ હતી. એક અજાણ્યો શખ્સ કારમાંથી ઊતરીને એ જ તરફ આવી રહ્યો હતો, જ્યાં આ તમામ લોકો હતપ્રભ થઈને ઊભા હતા. તે વૈભવીની નજીક આવીને ઉભો રહ્યો. આવતાવેંત જ એણે પોતાની ગંદી નજરથી નિયતિને નખશિખ નિહાળી અને પોતાના હોઠ પર હળવેકથી જીભ ફેરવી, જે તેની નજરમાં રહેલી વિકૃતિ સ્પષ્ટ કરી રહી હતી. નિયતિની નજર આ વાત પારખી ગઈ અને તેણે ધ્રુવલ તરફ પોતાની નજરો ફેરવી લીધી. બરાબર એ જ સમયે ધ્રુવલનું ધ્યાન પણ નિયતિ તરફ ગયું અને અચાનક જ નજરો મળતા નિયતિના હોઠો પર એક શરમાળ સ્મિત રેલાઈ ગયું. બીજી જ ક્ષણે ધ્રુવલની નજર એ અજાણ્યા પુરુષ - અરમાન તરફ ગઈ, જે જોઈને અરમાન સમજી ગયો કે એની હર હરકત પર કોઈ નજર રાખી રહ્યું છે.

પણ અનંતને આ કઈં જ અનુભવાઈ રહ્યું ન હતું. વૈભવીને આવા રૂપમાં જોયા પછી તે અચંબિત હતો. તેણે હાથ મિલાવવા પોતાનો હાથ વૈભવી તરફ લંબાવ્યો. વૈભવીએ ફોર્મલી પોતાનો હાથ તો મિલાવ્યો પરંતુ તરત જ પોતાના પોતાનો હાથ રૂમાલથી લૂછી નાખ્યો જાણે એણે કોઈ અછૂત વસ્તુને સ્પર્શી લીધું હોય. ધ્રુવલની નજરે તે વાત પકડી પાડી. તેને અનંત પર મિનિટે મિનિટે સખત ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ તે એક હરફ સુદ્ધાં ઉચ્ચારી રહ્યો ન હતો. એણે તો આ છોકરીને પહેલી જ નજરમાં, ફક્ત તેની વાતચીત પરથી જ પારખી લીધી હતી પરંતુ અનંતની આંખો પર તો પ્રેમની પટ્ટી બંધાઈ ગઈ હતી, જેના લીધે તે આંખો હોવા છતાં અંધ બની ગયો હતો.

હજી પણ તે કદરૂપો, સડેલો અને છેલબટાઉ છોકરો - અરમાન ત્યાં જ ઊભો હતો અને તેનું ત્યાં રહેવું પણ જરૂરી હતું કારણ કે ટૂંક જ સમયમાં તેને એક નિર્દોષ વ્યક્તિનું જીવન બગાડવા બદલ એવોર્ડ એનાયત થવાનો હતો. થોડી ક્ષણો પછી, અમુક ફોર્માલિટીસ પછી અનંતે અચકાતા અવાજે કઈંક બોલવાનો પ્રયાસ કર્યો. છેવટે પોતાની બધી હિંમત ભેગી કરીને – ત્યાં ઊભેલા તમામ- ધ્રુવલ, નિયતિ અને અરમાનની સામે પોતાના મનની વાત વૈભવી સામે રજૂ કરી દીધી.

“વૈભવી, હું તને કઈંક કહેવા માંગુ છું.”

“શુ ???”,આખી બાબતની જાણકારી હોવા છતાં વૈભવીએ પ્રશ્ન કર્યો.

“હું તને પ્રેમ કરું છું.” તે શક્ય તેટલી ઝડપથી બોલી ગયો.

“શુ ??? તુ પાગલ છે ???”, વૈભવીએ આશ્ચર્યજનક હાવભાવ સાથે એવી રીતે પ્રશ્ન કર્યો જાણે એને અનંતની એના માટેની લાગણીઓ વિશે કોઈ જાણ જ ન હતી. નિયતિ અને ધ્રુવલને અનંત સાથે થવા જઈ રહેલી ઘટના માટે દયા ઉપજી રહી હતી જ્યારે અરમાન અને વૈભવી બંને બેફિકરાઈથી અનંતની લાગણીઓની મજાક ઉડાઈ રહ્યા હતા.

“હું પણ પ્રેમ કરું છું.”, વૈભવીએ પ્રત્યુત્તર આપ્યો અને એ સાથે જ એ ચારેની વચ્ચે સન્નાટો છવાઈ ગયો કારણ કે ત્યા ઊભેલા કોઈને પણ વૈભવીના આ જવાબની અપેક્ષા ન હતી. નિયતિ, ધ્રુવલ સિવાય અરમાન પણ એના આ જવાબથી હેબતાઈ ગયો હતો. અનંત ફરી વૈભવીનો જવાબ સાંભળી સ્થંભિત થઈ ગયો. ધીમે ધીમે એના ચહેરા પર ખુશીના હાવભાવ પ્રગટ થયા, જે ફક્ત ટૂંક સમય માટે જ હતા. તે સમજી ન હતો શકતો કે તે શુ કરે..તેને કૂદવું હતું, નાચવું હતું, જોર જોરથી હસવું હતુ અને એ બધી જ હરકતો કરવી હતી જેને તેણે પોતાની લાગણીઓની જેમ દબાવી રાખી હતી પણ હજી તેને અંદાજ ન હતો કે તેના આ આનંદનું આયુષ્ય ફક્ત એક પતંગિયાના આયુષ્ય જેટલું હતું જે કોઈ મીણબત્તીની પ્રીતમાં પડીને તેની આજુબાજુ ઉડી રહ્યું હોય છે. પ્રેમ વસ્તુ જ એવી છે કે જાણ હોવા છતાં દુનિયાની હર વ્યક્તિ એમાં પાયમાલ થવા તૈયાર હોય છે. દરેક ચહેરા પર અલગ અલગ હાવભાવ હતા. ક્યાંક આનંદના, તો ક્યાંક મજાકના અને ક્યાંક ઘૃણાના....

“પણ...”, છેલ્લી 20 મિનિટના સંવાદમા ઉચ્ચારવામાં આવેલા આ એક શબ્દે એ આખા સંવાદમાં એક શાંતિ પ્રસરાવી દીધી.

“પણ... શુ વૈભવી ???”, અનંતે પૂછ્યું.

“પણ...તને નહિ અનંત”, વૈભવીએ જવાબમાં શાબ્દિક તમાચો માર્યો.

“શુ ???”

“હા, હું પણ પ્રેમ કરું છું પણ તને નહિ અનંત...”

“તો કોને ???”

“આ રહી તે વ્યક્તિ... અરમાન, મારી જિંદગી..મારી દુનિયા...”

નિયતિની આંખોમાંથી અનરાધાર આંસુ વહી રહ્યા હતા, જેને તે પોતાના ડૂસકાંઓમાં દબાવી રહી હતી. અનિચ્છા એ પણ તેને આ પળના સાક્ષી બનવું પડી રહ્યું હતું. તેની પાસે ત્યા રોકાવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો કારણ કે ધ્રુવલ સિવાય ફક્ત એ જ એક એવી વ્યક્તિ હતી જે તેનું ધ્યાન રાખી શકે એમ હતી.

અનંતને ક્ષણભર માટે મૂર્છા આવી ગઈ. તે અચાનક નીચે ઢળી પડ્યો. તે પૂર્ણ રીતે અશક્ત હતો. તેને ચક્કર આવી ગયા. અચાનક આવી ગયેલા વાવાઝોડા પછીના વાતાવરણની જેમ શાંત થઈ ગયો હતો. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા. તેનો ચહેરો ત્રીજા આઘાતની સાથે જ નિસ્તેજ થઈ ચૂક્યો હતો. ઉપરાઉપરી તેણે તાજેતરમાં જ આઘાત અને પ્રત્યાઘાત – બંનેનો સામનો કર્યો હતો, માત્ર ક્ષણભર પહેલા.....

# # #