Antim Vadaank - 15 in Gujarati Moral Stories by Prafull Kanabar books and stories PDF | અંતિમ વળાંક - 15

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

અંતિમ વળાંક - 15

અંતિમ વળાંક

પ્રકરણ ૧૫

પરમાનંદનાં આશ્રમેથી નીકળીને ઇશાન હોટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આખા રસ્તે તેને પરમ સાથે ગાળેલા શાળા જીવનના એ મધુર દિવસો યાદ આવતા હતા. ગરીબ વિધવા મા નો એક નો એક દીકરો પરમ બાળપણથી જ ધાર્મિક વિચારો વાળો તો હતો જ. પરમના આગ્રહને વશ થઇને જ ઇશાન તેની સાથે સ્કૂલની નજીકમાં આવેલ મહાદેવના મંદિરે દરરોજ દર્શન કરવા જતો. આખી દુનિયા ભૂલીને એકદમ ભાવવિભોર થઈને અંતરના જે ભાવથી પરમ મહાદેવજીના દર્શન કરતો તે કાયમ ઇશાન નિરખી રહેતો. એક વાર મંદિરની બહાર આવીને બંને મિત્રો ઓટલે બેઠા હતા. ઈશાને પૂછયું હતું “પરમ રોજ ભગવાન પાસે તું શું માંગે છે?” “સાચું કહું તો હું ભગવાનનો આભાર જ માનું છું... મમ્મીએ જ શીખવાડયું છે કે પ્રાર્થના માંગવા માટેની નહિ પણ ઈશ્વરે આપણને જે કાંઈ આપ્યું છે તેનો આભાર માનવાની જ હોવી જોઈએ”. પરમે બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી... તો ઈશાને પણ માત્ર દસ વર્ષની ઉમરે માતાને ગુમાવી હતી. નાની ઉમરે વિધવા થયેલાં પરમના મમ્મી રમાબેન અત્યંત ધાર્મિક વિચારો વાળા હતાં. એક શેઠના બંગલામાં રસોઈથી માંડીને તમામ ઘરકામ કરીને ભારે સંઘર્ષ કરીને પરમનો ઉછેર કરી રહ્યા હતા. ઈશાનના પપ્પા વસંતરાય બેંકમાં નોકરી કરતા હોવાથી ઇશાનની આર્થિક સ્થિતિ પરમ કરતાં ઘણી સારી હતી. બંને મિત્રો ક્યારેક બરફના ગોળા ખાય ત્યારે ઇશાન ક્યારેય પરમના ખિસ્સામાં હાથ નાખવા દેતો નહિ. એક વાર સ્કૂલની પીકનીકમાં પાવાગઢ જવાનું હતું. પરમના પૈસા પણ ઈશાને જ ભરી દીધા હતા. પરમે ગળગળા થઇને કહ્યું હતું “ઇશાન, તારો આ ઉપકાર ક્યારેય નહિ ભૂલું”. “અરે એમાં ઉપકાર શેનો ? હું તો તારા પૈસા મારા સ્વાર્થ માટે જ ભરું છું”. ઈશાને હસીને વાત ઉડાવતા કહ્યું હતું.

“ઇશાન,હું સમજ્યો નહિ”.

“યાર.. પરમ, હું તો તારી કંપની મળે તે હેતુથી જ તને સાથે લઇ જાઉં છું.. આમાં મારો જ સ્વાર્થ સમાયેલો છે”. પરમ ઇશાનને પ્રેમથી ભેટી પડયો હતો. દસમાની બોર્ડની પરીક્ષા આપ્યા બાદ બંને મિત્રોને છૂટા પાડવાનો યોગ ઉભો થયો હતો. પરમના મમ્મી જે શેઠના બંગલામાં આખો દિવસ કામ કરતા હતા તે શેઠ અને શેઠાણી સુરત શિફ્ટ થઇ રહ્યા થયા હતા. તેઓ રમાબેન અને પરમને પણ આગ્રહ કરીને તેમની સાથે સુરત લઇ જવાના હતા. “પરમ, તારા વગર અહીં મને ગમશે તો નહી”. ઈશાને રડમસ અવાજે કહ્યું હતું. “ઇશાન, એ લોકોએ અમને મા દીકરાને સુરતમાં રહેવા માટે તેમના બંગલાની બાજુમાં જ રૂમ રસોડાનું સ્વતંત્ર મકાન પણ આપ્યું છે. થોડા દિવસમાં જ તું અહીં મારા વગર ટેવાઈ જઈશ”.

આમ બંને મિત્રો અલગ થયા હતા. સમય વીતતો ગયો અને ઇશાન આગળ ભણવામાં વ્યસ્ત થઇ ગયો હતો. વળી કોલેજ લાઈફમાં તેને મૌલિક સાથે એવી દોસ્તી થઇ ગઈ હતી કે આખી કોલેજ ઇશાન અને મૌલિકને કપલ કહીને જ ચીડવતા. કોલેજના અભ્યાસ બાદ મૌલિક પણ લંડન શિફ્ટ થઇ ગયો હતો. જોકે મૌલિક સાથે ઇશાનનો સંપર્ક ચાલુ જ રહ્યો હતો. ઉર્વશીનું ઇશાનના જીવનમાં આવવું અને લંડનમાં ઉર્વશી સાથે ઇશાનનું સ્થાયી થવું તે ઇશાનના જીવનનો પણ મહત્વનો વળાંક હતો.

આજે વર્ષો બાદ પરમને સાધુવેશમાં જોયા બાદ ઇશાનને ભારે નવાઈ લાગી હતી. પરમ ધાર્મિક તો હતો જ પણ તેને એટલી હદે ધાર્મિકતાનો રંગ કઈ રીતે લાગ્યો હશે કે તેણે સંસાર જ છોડી દીધો ? વળી પરમની ઓળખ તો અખંડ બ્રહ્મચારી તરીકેની હતી.. શું ખરેખર આજ સુધી પરમ વર્જિન હશે ? ચાલીસ વર્ષની ઉમર સુધી પરમ આટલો તીવ્ર સંયમ કઈ રીતે રાખી શક્યો હશે? ઇશાનનાં મનમાં સવાલો અનેક હતા.... જવાબ એક પણ નહોતો.. જોગાનુજોગ પરમાનંદે ઇશાનને રાત્રે ફરીથી આશ્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું તેથી ઇશાનના મનમાં ઉદભવેલા સવાલોના જવાબ મળવાની શક્યતા વધી ગઈ હતી.

રાત્રે નવ વાગે હોટેલના ડાઈનીંગ હોલમાં જમીને ઈશાને સીધો નાઈટ ડ્રેસ જ પહેરી લીધો. આશ્રમ હોટેલથી માંડ અડધો કિલોમીટર દૂર હતો. ઇશાન ચાર રસ્તા વટાવીને આગળ વધ્યો ત્યાં બે ત્રણ કૂતરા ભસવા લાગ્યા. ઈશાને સાચવીને ધીમે ધીમે આગળ ચાલવાનું ચાલુ રાખ્યું. ઠંડીએ આખા હરિદ્વારને લપેટમાં લઇ લીધું હતું. જોકે લંડનની ગાત્રો થીજાવી નાખતી ઠંડીનાં પ્રમાણમાં ઇશાનને અહીંની ઠંડી ગુલાબી લાગી રહી હતી.

આશ્રમની નજીક પહોંચીને ઈશાને જોયું કે આશ્રમનો મુખ્ય દરવાજો બંધ હતો. બાજુની ઝાંપલી જેવો નાનો દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. ઈશાને વિચાર્યું.. કદાચ તે રાત્રે તેના થનાર આગમનની અગાઉથી જાણ હતી તેથી જ પરમાનંદે દરવાજો ખુલ્લો રખાવ્યો હોવો જોઈએ. નાનો ઝાંપો ખોલીને ઇશાન આશ્રમના પ્રાંગણમાં પ્રવેશ્યો. પ્રાંગણમાં પરમાનંદના ત્રણેય યુવાન ચેલાઓ તાપણું કરી રહ્યા હતા. પરમાનંદના ખંડનો દરવાજો ખુલ્લો હતો. તાપણું કરી રહેલા ત્રણ શિષ્યોમાંથી સૌથી નાનો દેખાતો એક ચેલો ઇશાનને આવકારવા ઉભો થયો. “આઇએ, ગુરુજી આપકા હી ઇન્તઝાર કર રહે હૈ”. એ યુવાન ભગવાધારી શિષ્યની પાછળ ઇશાન યંત્રવત દોરવાયો. ખંડનો દરવાજો અધખુલ્લો જ હતો. ”હરિઓમ” બોલીને શિષ્યએ ખંડનો દરવાજો આખો ખોલ્યો. પરમાનંદ શાલ ઓઢીને પાટ પર સામે જ બેઠા હતા. “આવ ઇશાન, તારી જ રાહ જોતો હતો”. પરમાનંદના મોઢામાંથી “વત્સ” ને બદલે પોતાનું નામ સાંભળીને ઇશાનના ચહેરા પર આંનદની લ્હેર દોડી ગઈ. પેલો યુવાન ચેલો દરવાજો બંધ કરવા જતો હતો ત્યાં જ પરમાનંદે આદેશના સૂરમાં કહ્યું “સબ કી ચાય બનાઓ દો કપ અંદર ભેજના”

“જી ગુરુજી” ચેલો આજ્ઞા માથે ચડાવતો હોય તેમ આદરપૂર્વક બોલીને બહાર નીકળી ગયો.

પરમાનંદે શાલનો ઉતરી ગયેલો છેડો સરખો કરતાં પૂછયું “ઇશાન, તને નામથી બોલાવ્યો એટલે ખુશ થઇ ગયો ને ?” ઇશાનને પરમાનંદની બારીક નિરીક્ષણ શક્તિ પર માન ઉપજ્યું. “સ્વામીજી અહીંથી ગયા બાદ આપની સાથેની બાળપણની અનેક સ્મૃતિઓ મારા મનમાં સાગરની લહેરોની જેમ ઉછળી રહી હતી”. ઈશાને જાણી જોઇને પરમને “સ્વામીજી” તરીકે જ સંબોધન ચાલુ રાખ્યું હતું. પરમના ચહેરા પર તે વાતનો સંતોષ પણ વર્તાતો હતો તે વાત ઇશાનના ધ્યાન બહાર નહોતી. ઇશાનને લાગ્યું કદાચ પરમ તેના સાધુના ખોળિયામાંથી બહાર આવવા માંગતો જ નથી.. જોકે તેમાં ખોટું પણ શું છે? પણ પછી તરત જ ઇશાનને એ પણ વિચાર આવ્યો કે સાધુ પણ આખરે માણસ જ હોય છે ને ? કદાચ એટલે જ તો આ સાધુએ એક સંસારી ને ખાસ રાત્રે નિરાંતે હૈયાની વાત સંભળાવવા માટે બોલાવ્યો હતો! કહેવાય છે કે દોસ્તીમાં કોઈ દસ્તાવેજ નથી હોતો પણ દોસ્તનો ખભો જ એક માત્ર એવો સહારો હોય છે જ્યાં માથું ટેકવીને હૈયું ખાલી કરી શકાય. પરમે ઉભા થઇને ખંડમાં પ્રગટી રહેલા અખંડ દીવામાં ઘી પૂર્યું. થોડી વારમાં જ ચેલો બે પ્યાલીમાં ચા મૂકી ગયો. તે જતાં જતાં ખંડનો દરવાજો પણ બંધ કરતો ગયો. ચાની પ્યાલીમાંથી છત તરફ જઈ રહેલી ગરમ વરાળની જેમ જ પરમાનંદના જીવનના વીતી ગયેલા વર્ષો જાણે કે વરાળ બનીને ઉડી રહ્યા હતા. પરમાનંદે અને ઈશાને ચાની પહેલી ચૂસ્કી સાથે જ લીધી. “ઇશાન, આજે રાત ખૂટશે વાત નહિ ખૂટે. ‘જી”. ઇશાન પરમાનંદને તાકી રહ્યો. ઈશાને મનોમન ઉત્તમ શ્રોતા બનવાનું નક્કી કરી લીધું હતું. અચાનક પરમાનંદ બોલ્યા “ઇશાન તારા મનમાં સંદેહ છે ને કે આ મારો દોસ્ત ખરેખર અખંડ બ્રહ્મચારી હશે ખરો ?” ઈશાને બંને હાથ જોડીને મજાક કરી “સ્વામીજી આપ તો અંતર્યામી છો”. ઈશાને ભલે મજાકમાં કહ્યું પણ ખુદના મનમાં રમતી વાત પરમાનંદે પકડી પાડી તેથી તેને અચરજ જરૂર થયું હતું.

“ઇશાન, તારો આ દોસ્ત પરમ અખંડ બ્રહ્મચારી નથી”. પરમાનંદે અચાનક ધડાકો કર્યો.

ક્રમશઃ