( અસ્મિતા અને નીરજ ના હજુ વિવાહ થયા છે.પુષ્પપ્રણય હજુ તો ખીલી રહ્યું છે ને ત્યાં જ નિરજના મનમાં ગૌતમ બુદ્ધને જાગેલો તેવો વૈરાગ્ય જાગે છે.નીરજ ધર્મશાસ્ત્ર નો અધ્યાપક છે અને અસ્મિતા ભણી તો છે સંસ્કૃત પણ ગૃહિણી તરીકે કાર્ય કરે છે.અસ્મિતા પતિ નિરજને વૈરાગ્ય ભાવ ત્યાગવા માટે સમજાવી રહી છે.)
નીરજ: અસ્મિતા તું વાત ને હજી સમજતી નથી આ ઘોર સંસારમાં મને માત્ર અને માત્ર અંધકાર જ દેખાય છે મને લાગે છે કે પ્રકાશપુંજ મેળવવા માટે મારે સંન્યાસના સૂર્ય પાસે જવું જ પડશે
અસ્મિતા: આ વૈરાગ્યની ભાવના જાગી તેમાં તમારો કશો વાંક નથી આખો દિવસ આ બુદ્ધ અને મહાવીરને ભણાવી ભણાવી ને તમારું મન હવે સંન્યાસ માં ચોટી ગયું છે.
નીરજ: અસ્મિતા મારા સંન્યાસ ભાવ માટે તું બુદ્ધ અને મહાવીર ને દોષ આપ તો તે તેની સજા તને નહીં આપે કારણ કે તે જ તો સંન્યાસનો પરમાર્થ છે હિન્દુ ધર્મના દેવતાઓ તો સજા આપવા ત્વરિત તૈયાર થઈ જાય છે અને બુદ્ધ અને મહાવીરને ભણાવીને તો હું આ જીવનની ઉચ્ચ કોટિની સિદ્ધિને પામ્યો છું અને તે સિદ્ધિ એટલે જ સંન્યાસ!
અસ્મિતા: પણ એ સિદ્ધિ પાછળ કેટલાય દેહની અંદર વસેલા આત્મા દુભાશે તેનું શું?એની તમારા બુદ્ધ અને મહાવીર છૂટ આપે છે?બીજાના દુ:ખ થી પ્રાપ્ત થતો સંન્યાસ અપરાધથી કઈ રીતે ઓછો છે એ સમજાવશો?
નીરજ: અરે અસ્મિતા,સંન્યાસને અપરાધ સાથે સરખાવવાનું વિચારે પણ કેવી રીતે સમજાવીશ? તારી દલીલો સાંભળી તો હવે મારું મન વધુને વધુ વિહ્વળ બનતું જાય છે સંન્યાસ તરફનું આકર્ષણ હવે મને આ સંસારમાં જીવવા નહીં દે એવું લાગે છે.
અસ્મિતા: પણ પાછળથી અમારું શું તમારાં ગયા પછી અમારી આત્મા પાસે તો એક જ ઓસડ વધે અને એ ઓસડ-આંસુ.અરે ઓ નારાયણ! આ જયા પાર્વતી ના વ્રત કર્યા,કેટલાય ઉપવાસ કર્યા પછી વર તો રૂપકડો આપ્યો પણ એનો સ્વભાવ તો સંન્યાસી જેવો કેમ બનાવ્યો?
(લમણે હાથ દઈને બેસી જાય છે)
નીરજ: લમણે હાથ દઈને બેસવાથી, તારું ઈશ્વર પર દોષારોપણ કરવાથી, મારી અંદર પડેલો વૈરાગ્ય ભાવ ઓછો નથી થવાનો. મારી તો આત્મા, હૃદય અને બુદ્ધિ બધું ચિત્કાર કરીને કહે છે કે તારા માટે આ બધું નકામું છે તારો તો એક જ માર્ગ છે -સંન્યાસ!
અસ્મિતા: પણ અમારું મન,હૃદય અને આત્મા બધું ચિત્કાર કરીને કહે છે કે તમે માત્ર ને માત્ર મને, તમારા માતા પિતા ને દુઃખી કરીને સંન્યાસ લેશો તો એ મહાવીર પણ તમને નહીં સ્વીકારે! અમારા ભાગ્યમાં લખેલું સુખ તમારો વૈરાગ્યભાવ છીનવે છે તો પછી એ વૈરાગ્ય કહેવાય કે પછી પ્રપંચ?
નીરજ: એની મને ખબર નથી પણ હવે મારું મન આ ધુમાડિયા શહેરમાં ચોંટતું નથી અંતરમાંથી કોઈ સુતેલ આત્મા જાણે અચાનક જાગી ઊઠયો છે અને કહે છે કે તું આ માર્ગ છોડી ચાલ્યો જા બસ મારે તો પરમ શાંતિ અને એકાંત જોઇએ અને તે માટે સંન્યાસ જરૂરી છે.
અસ્મિતા: પણ આવા મોટા ગજાના ધર્મશાસ્ત્રી થઈ આવી ક્ષુલ્લક ભૂલ કરો છો? મહાવીર કે બુદ્ધ કોઈ એકાંતવાદી નહોતા તેમણે તો ધર્મનો પ્રચાર કરવા માટે અનેક વર્ષો પ્રવાસમાં ગાળ્યા એ ભૂલી ગયા કે શું?એની જેમ ધર્મનો પ્રચાર કરવો હોય તો કથાકાર થઈ જાવ એમાં શિક્ષકની નોકરી કરતા વધારે રૂપિયો પણ છે અને માન પણ!
નીરજ:આ તું બોલે છે કે તારી અંદર બેઠેલી લાલચથી અભડાયેલી તારી આત્મા?હું મારા ધર્મની આડ લઈને ધનવાન થવા નથી માંગતો, હું તો મારા ધર્મની ઉપાસના કરીને મૃત્યુભયને ટાળી દે એવા નિર્વાણને પામવા માંગુ છું.
અસ્મિતા: આવી વાતો તો વેદિયા પણ નથી કરતા હિન્દુ શાસ્ત્રોમાં જુઓ તો ખબર પડે કે....અરે તમે તો ધર્મ શાસ્ત્રી છો! તમને ખ્યાલ જ છે કે એવા તો કેટલાય ઋષિ પુરુષો આ સંસારમાં રહીને ઈશ્વરની આરાધના કરતા હતા.ભૂલી ગયા હતી દલીચીને, વાલ્મીકિને,વેદવ્યાસને કે પછી સંન્યાસી થવાનો ડોળ કરો છો?
(સહેજ મીઠું મલકે છે,જે મલકાવમાં વ્યંગ પણ છે અને હાસ્ય પણ છે)
નીરજ:જીવનના ડોળને દૂર કરવા માટે તો સંન્યાસી થવાય છે.હું એ કોઈને ભુલ્યો નથી પણ એ બધી તો અમાર ચેતનાઓ છે હું તો તેનો અંશમાત્ર છું. હું એટલો અશક્ત નથી કે આ ગૃહસ્થી નું વહન ન કરી શકું અને એટલો તાકતવર નથી કે આ સંસાર અને સંન્યાસ ના કિરદાર એકસાથે વહન કરી શકું! મારું મન હવે આ સંસારમાં નથી રુચતું, અસ્મિતા!
અસ્મિતા:પણ તમે જ કહો છો ને કે વૈરાગ્ય તો કલ્યાણકારી હોય છે, તે હાનિથી પર હોય છે પણ તમારો આ વૈરાગ્ય ભાવ તો ત્રણ ત્રણ જીંદગી નો વિનાશ કરનારો છે એની તમને ચિંતા નથી?
નીરજ:પણ વૈરાગ્ય તો મારા આત્મકલ્યાણ માટે સ્વીકારું છું. જો હું મારું કલ્યાણ ન કરી શકતો હોઉં તો તમારી તો વાત જ ક્યાં છે?હું તો ઈશ્વરની કૃપાથી તૃપ્ત થયેલું એવું ભયાનક પ્રાણી છું, જે સંન્યાસના પિંજરામાં જ હોવું જોઈએ અન્યથા સંસારમાં બધા પ્રાણીઓ દુઃખી થઈ પડે.
અસ્મિતા:વાહ,એકતરફ તો વાત કરો છો કલ્યાણની અને બીજી તરફ તો તેમાંથી નીતરે છે માત્ર સ્વાર્થ!આટલાં સ્વાર્થી થઈને તમે સંન્યાસી થવા નીકળ્યા છો?(વ્યંગ પૂર્વક હાસ્ય)રહેવા દો,સંન્યાસને કલંક લાગશે.
નીરજ:આ મારો સ્વાર્થ નથી,પરમાર્થ છે.હું સંન્યાસી બનું એમાં જ સૌનું હિત છે. મને રોકો નહીં અસ્મિતા,નહિતર સંન્યાસીને રોકવાનું પાપ તમને લાગશે ને એ પણ મારા સિદ્ધાંતની અવહેલના છે.
અસ્મિતા:એવા સારા સુવિચાર બોલવાથી નહિ રોકીએ એવું ન માનતા.મારા દેહને જે કષ્ટ થશે,મારી રોમરોમ તમારા સંન્યાસ વખતે ચિત્કાર કરશે,મારી અંદર બેઠેલો આત્મા મને ડંખશે ને મારુ યૌવન એ તો એળે જશે!આ બધાથી જે પાપ લાગશે તેના કરતાં તમને રોકવાનું પાપ ઓછું જ હશે.
નીરજ:તમારું યૌવન પવિત્ર થઈ જશે એક સંન્યાસીને મૂકીને બીજા કોઈને પરણીને તમારી અંદર બેઠેલી,હજુ કામવાસનાથી છલકાતી, પોતાની સુંદરતાનું અભિમાન રાખતી યુવતીની રંગ રસીલી આત્મા આ બોલે છે,ચેતના નહીં!
અસ્મિતાં:(મુર્ખતાભરી વાતોથી ક્રોધે ભરાયેલી કરડી દ્રષ્ટિ કરીને)બોલે તો ખરાને,શા માટે ન બોલે? મારા યૌવનને,મારી કામોત્તેજનાને તમને પામવાનો અધિકાર છે.આ અધિકાર મને તમારા વિવાહ ના સંબંધે આપ્યો છે એ ભૂલી ગયા કે શું?
નીરજ: પણ આજે તો એજ વિવાહ મને બંધનરૂપ લાગે છે સંન્યાસ લેતી વખતે હું તમારી સાથે એક જ સંબંધ થી બંધાયેલો રહીશ અને એ છે માનવીનો! બાકી બધા નો ત્યાગ!
અસ્મિતા: તો તો આ અગ્નિદેવને પણ મોક્ષ આપી દેવો પડે,એની સાક્ષીએ લીધેલા સાત ફેરા, વચનો આ બધા તો થઈ ગયા ભસ્મીભૂત!જો એમ જ સંબંધ તૂટતાં હોય તો સમાજની રચના કરનાર પ્રજાપતિ દક્ષ પણ સજા ના અધિકારી બને!
નીરજ: ના એવું નથી.બધા સંન્યાસી થવા થોડાને અવતરે છે મારા મતે આ વિવાહ ના સંબંધ કરતા તો પરમાત્મા સાથેનો સંબંધ વધુ ઉન્નતિ અપાવનારો છે.આખરે તો એ વિવાહના સંબંધ ના સર્જક પણ એ જ છે ને?
અસ્મિતા: પણ બુદ્ધ અને મહાવીર તો અનિશ્વરવાદી હતા અને તેને તેનો ઉપદેશ સંન્યાસી માટે નહિ સંસારી માટે આપ્યો હતો, ભૂલી ગયા કે શું?આ બધા વિચારો વિવાહ ની અગ્નિમાં જ ઓલવી દેવાની જરૂર હતી.
નીરજ: મારે એ બંને મહાપુરુષો ના જ માર્ગે ચાલવું એવું જરૂરી છે શું? તો પછી તો હું પૂર્ણ મુક્ત બની શકું, જ્યારે હું માત્ર અને માત્ર સત્યના જ પ્રભાવ હેઠળ હોઉં અને મારી અંદર બેઠેલી ચેતનાનો જ અવાજ સાંભળતો હોઉ ત્યારે જ સાચો સંન્યાસી થઈ શકુ!
અસ્મિતા :અને સત્ય એ જ છે કે તમારે અમને દુઃખી કરીને સંન્યાસી થવા ન જવું જોઇએ. અત્યાર સુધી દલીલોમાં ઉદાહરણ આપતી વખતે તમે તેનાથી પ્રભાવિત નહોતા? હવે આ બધી ફિલસૂફી ભૂલી સંસાર માં જોડાઈ જાઓ,સંન્યાસનું ભૂત આપોઆપ ઉતરી જશે!
નીરજ: આ ભૂત નથી,આ તો નિજાનંદ છે.નિજાનંદના નશા કદી ઉતરતા હશે શું?
અસ્મિતા: આ નિજાનંદનો નશો કર્યો તેના કરતાં તો દારૂનો નશો કર્યો હોત તો પણ સુખી થાત. આ સંન્યાસી બનીને શિવે પણ પાર્વતી નો સ્વીકાર કરવો પડ્યો તમે તો કંઈ વિસાતના?
નીરજ: હું તો માત્ર સત્યનો સ્વીકાર કરું છું. શિવે તો પાર્વતી નો સ્વીકાર એટલે કર્યો જેથી સૃષ્ટિનું કલ્યાણ થાય.હું તો તારો સ્વીકાર કર્યું તો કોઈનું કલ્યાણ ન થાય,ઉલટાની મને પીડા થાય.
અસ્મિતા: થાય જ, મારું થાય,તમારા માતા પિતા નું કલ્યાણ થાય!
નીરજ: એ તો સ્વાર્થ કહેવાય.
અસ્મિતા: નિજાનંદ સ્વાર્થ નથી શું?
નીરજ: બસ હવે મારી શક્તિ નથી તારી સાથે દલીલો કરવાની, હવે હું થાકી ગયો છું આ ઘટમાળથી!
અસ્મિતા: આમ પણ ડોળ કરીને થાકી જ જવાય!
નીરજ: હું ડોળ નથી કરતો. હું તો ઈશ્વરના ચીંધેલા માર્ગે જનાર છું પણ તારી સાથે દલીલ નથી કરવા માંગતો, મને એકાંત ની ભિક્ષા આપી દે.
અસ્મિતા: હા,સંન્યાસી ભિક્ષા જ માંગે!પણ એકાંતની ભિક્ષા હું તમને નહી આપું કારણ કે તમે સંન્યાસી નથી મારા પતિ છો.
નીરજ:(હાસ્ય અને કરુણા મિશ્રિત ભાવથી) બસ હવે તારા શબ્દો મને હૃદયમાં શૂળની જેમ ખૂંચે છે.હવે મૌન ધારણ કર.
અસ્મિતા: હા પોતાના ડોળ ખાતર અમને મૂંગા કરાવી દો.
નીરજ:(જાણે અસ્મિતાની વાણી તેને બાણશૈયા જેવી લાગતી હોય તેમ) બસ,અસ્મિતા...બસ... હવે દલીલ ન કર...તારા શબ્દો મને પારાવાર વેદના આપે છે....
(આટલું બોલતા જ અચાનક હૃદયમાં દુખાવો ઊપડે છે હૃદય પર હાથ મૂકીને નીરજ પડી જાય છે અસ્મિતા તેની પાસે આવી રડવા લાગે છે)
નીરજ: તારા આંસું હર્ષના જ હશે એમ હું માનું છું કારણ કે તું મારા સંન્યાસની વિરુદ્ધ હતી પણ હું તો સંન્યાસની અંતિમ મંજિલ નિર્વાણ ને પામવા જઈ રહ્યો છું એટલે તું ખુશ થાય એવી મારી પ્રાર્થના છે.
(એક અનંત શાંતિ અને સન્નાટો છવાઈ જાય છે....નિરજની આંખ મિચાતા જ....)