ત્રણ વર્ષના ચિંટુને એ સમજાય ગયું કે મોબાઇલમાંની દુનિયા વિશાળ છે. લોકોનાં હાથમાં મોબાઈલ - સ્માર્ટફોન જોઈને એ વાત ખૂબ જ સ્પષ્ટ હતી. "મારી અવગણના કે અવહેલના હવે સહન નહીં થાય....!" બાળસહજ માનસમાં કોઈ લાગણીઓ અંકીત થઈ ચૂકી હતી.
સવારે આંખ ખુલતાની સાથે જ નજર પડી બાજુમાં પડેલ ફોન પર. એ ફોન પપ્પાનો હતો. પપ્પા આજુબાજુ દેખાયા નહીં. જાણે મેદાન મોકળું હતું. ફાવી ગયો તેણીયો. થોડી વાર કોઈ તકલીફ નથી. પછી, જોયું જાશે..! આમેય, પપ્પાનો ફોન રમવામાં ખૂબ સરસ ને દેખાવે પણ વધારે સારો. એક ગુલાંટ મારી ને ફોન હાથમાં! મોબાઈલનું લોક ખોલવા - બે આંસુ અને મમ્મીને સંભળાય એવું 'એં.. એં..' જેવું રડવું - એટલું પૂરતું હતું..! મમ્મી રસોડું સંભાળે કે ચીંટુને !? "આપણું કામ થઈ ગયું." જેવો ભાવ તેનાં ચહેરા પર રમી રહ્યો હતો. જો તે લાગણીને શાબ્દીક રીતે વ્યક્ત કરી શકતો હોત તો ચોક્કસ કહેત કે "માં તે માં, બીજા બધા વગડાના વા!" વાત પણ સાચી છે!
ચીંટુ ખુશ. ખૂબ સારી સવાર. મોબાઇલની સ્ક્રીન પર આમથી આમ આંગળીઓ ફરતી ગઈ; ચિત્રો અને સંગીત બદલાતા ગયા. ઘડીક મુવીનાં વિડિઓ ચાલુ થાય, તો ઘડીક કાર્ટૂન જેવું કઈંક; ઘડીક ગેઇમ તો ઘડીક આલ્ફાબેટના ગાયન..! ઉત્સાહ અને જિજ્ઞાસાના તીવ્રતા ભરેલ સામ્રાજય ને ઘડી બે ઘડીમાં બ્રશ કરીને આવેલ પપ્પાએ ઝૂંટવી લીધું ને મમ્મીનું આવી બન્યું, " કેટલી વાર કહ્યું છે તને...ચીંટુને ફોન નહીં આપવાનો..આ સાવ ખોટી ટેવ પાડી દીધી છે.., અને..., મોબાઈલનું ચારજિંગ પણ ખતમ કરી નાંખે છે..! પચાસ ટકા બેટરી રહી છે!
"ભલેને થોડી વાર રમે! તમારે તો વાતો થાય છે, બસ! ઉઠીને તરત મને કામ કરવા નહીં દયે! મમ્મીએ પોતાનાં બચાવનો પ્રયત્ન અજમાવી લીધો.. મમ્મી-પપ્પા વચ્ચે ચાલતી બોલાચાલીમાં ચીંટુને સહેજ પણ રસ નહોતો. મોબાઈલ સિવાય કોઈ કામમાં રસ પડે તેમ પણ નહોતું.
સવાર સવારમાં - મોબાઈલ વગર - પોતાની બેટરી ઉતરી જશે એવા ડર સાથે ચીંટુએ રડવાનું કર્યું શરૂ. સવારમાં આટઆટલું કામ પડ્યું હોય ને આમ દીકરાની રડારોડ કેમ પોષાય? "તમેય શું એની પાછળ પડ્યા છો..? રમવા દો એને શાંતિથી, નહીતો મારુ કામ નહીં પતે.., પછી ટિફિન વગર તમારે જ જવું પડશે..! મારો ફોન આપો એને..!"મમ્મીએ ઉપાય સાથે સૂચન કરી દીધું.
ચીંટુએ રડવાનું ચાલુ જ રાખ્યું. સંપુર્ણ પરિસ્થિતિ હજુ પોતાનાં હાથમાં નહોતી, કરણ કે મમ્મીનો મોબાઈલ પપ્પા આપશે!
"આ ઉમર મોબાઈલથી રમવાની નથી. આ ટેવ તને જ ભારે પડશે! ઉગ્ર શબ્દોથી દોષારોપણ કરતાં કરતાં પપ્પાએ ચીંટુના હાથમાં ફોન થમાવી દીધો..
આંસુ વગર ચીસો પાડતી આંખો એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી.
"ધાર્યું થઈ ગયું. આખો દિવસ કેમ કાઢવો ? રમકડાંય સાવ મૂંગા - એની સાથે કેટલું રમવું..? દાદી હોત તો વાર્તાય કે'ત..! દાદા હોત તો એમની સાથે બહાર થોડું ફરી આવત..! મમ્મીને કેટલી પરેશાની આપવાની..? પપ્પાતો આખો દિવસ ઘરે હોય નહીં! મમ્મી તેમનાં કામમાંથી ફ્રી થાય ત્યારે એમને પણ મોબાઈલ જોઈએ! તો પછી મારે શું કરવું?" જેવા ભાવ ચીંટુનાં ચહેરા પર રમી રહ્યા હતા. તેની નાની ને નાજુક આંગળીઓ મોબાઈલની સ્ક્રિન પર ફરતી રહી.
''જો.. જોયું? તારા ચીંટુના નાટક!" આંખમાં એક આંસુનું ટીપુંય નથી. એકદમ તારા પર ગયો છે!" પપ્પાએ ફરી વેધક શબ્દોનો મારો ચલાવ્યો...
"એકાદ લક્ષણ મારુ હોત તો બે બાળકો સાચવવા જેવું ન લાગત! મમ્મીએ વળતો જવાબ આપ્યો..
ચીંટુને મન એ ચર્ચાની કોઈ અસર નહોતી. મોબાઈલ મળી ગયો.., બીજું શું જોઈએ..? ચીંટુ ફાવી ગયો...! તેનું કામ પાર પડી ગયું હતું.
ચીંટુનાં ઉછેરમાં સિંચન કરતી અવનવી ઘટનાઓ માટે વાંચતા રહો...."સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન".
વધુ આવતા અંકે વાર્તા - ૩ માં.....