આ તરફ દાદી ઓના, દેવીસિંહજી, જીમુતા અને કજાલી રાજ્યને સંભાળવાનું કામ ખુબ સારી રીતે કરી રહ્યા હતા.
દાદી ઓનાએ મહેલમાં ઘણા બધા ફેરફારો કરાવવાનું ચાલુ કર્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે નિયાબી પાછી આવે ત્યાં સુધીમાં મહેલનું સરસ રંગરોગાણ થઈ જાય. થોડી જૂની યાદો જે મોઝિનોએ કાઢી નાખી હતી ને પોતે સાચવી રાખી હતી એ પણ એમણે મહેલમાં મુકાવી હતી. તેઓ મોઝિનોની કોઈ ચીજવસ્તુઓ રાખવા માંગતા નહોતા. ને એટલે જાતે જ ધ્યાન આપી રહ્યા હતા.
દેવીસિંહે રાજ્યનો કારભાર ખુબ સારી રીતે સંભાળી લીધો હતો. પોતાના જુના અને વિશ્વાસુ સાથીઓને એમણે દરબારના કામમાં સામેલ કરી દીધા હતા. તેમજ જીમુતા અને કજાલી જે સૈન્ય માટે નવી ભરતી કરી રહ્યા હતા એની પર પણ એ ધ્યાન આપી રહ્યા હતા. અત્યારે રાયગઢમાં કોઈ સમસ્યા હતી નહિ. બધું બરાબર ચાલી રહ્યું હતું.
નિયાબી અને એના સાથીઓ કરમણની ભૂમિ છોડીને યામનપ્રદેશમાં પ્રવેશી ચુક્યા હતા. આ એ ભૂમિ હતી જે રાયગઢ રાજ્યમાં તો ગણાતી. પણ એનો કોઈ કાયદો કે નિયમ અહીં ચાલતા નહોતા. યામનમાં યમનલોકો ના કાયદાઓ ચાલતા હતા. અહીં રહેતા લોકો યમન તરીકે ઓળખાતા. આ એક ખડતલ અને બહાદુર પ્રજા હતી. જેને એમની પર કોઈ રાજ કરે એ પસંદ નહોતું. અહીંના લોકો જાતે જ પોતાનો રાજા નક્કી કરીને એને જવાબદારીઓ સોંપતા.
અહીં આ લોકોએ મંદિરની ધર્મશાળામાં આશરો લીધો હતો. અહીંની માહિતી જાણ્યા પછી ઓનીર, નિયાબી, અગીલા અને ઝાબીને ખૂબ નવાઈ લાગી.
ઝાબી: તો માતંગી આ લોકો રાયગઢનો ભાગ કેવી રીતે ગણાય?
અગીલા: હા માતંગી જ્યાં આપણો કાયદો કે નિયમ જ ના ચાલતા હોય એ જગ્યા આપણી ના કહેવાય.
આ બધું સાંભળી નિયાબીએ પૂછ્યું, માતંગી એવું તે શુ છે કે આ લોકો રાયગઢનો ભાગ છે? પણ આપણા નથી. તેઓ કેમ પોતાને અલગ સમજે છે?
માતંગી: રાજકુમારી કહેવાય છે કે યામન એક અલગ રાજ્ય હતું. એના રાજાનું નામ ભુવનેશ હતું. એ ખૂબ બહાદુર અને પ્રેમાળ રાજા હતો. એકવાર અહીં દુકાળ પડ્યો. ને સતત બે વર્ષ સુધી વરસાદનું એક ટીપું પણ ના પડ્યું. અનાજ, પાણી ખલાસ થઈ ગયું. લોકો ભૂખે મરવા લાગ્યા. પણ કોઈની પાસે મદદ ના માંગી.
એ સમયે તમારા દાદા પોતાના રાજ્યની સ્થિતિ જોવા ભ્રમણ પર નીકળ્યા હતા. તેઓએ યામનની સ્થિતિ વિશે જાણ્યું. તેઓ સામે ચાલીને યામનના રાજા ભુવનેશ પાસે ગયા. ને એમના સ્વંભિમાનને ઠેસ ના પહોંચે એ રીતે એમને મદદ લેવા સમજાવી લીધા. યામનમાં ફરી ખુશીઓ આવી ગઈ. ને એ સમયે ત્યાંના રાજાએ એલાન કર્યું કે યામન રાયગઢનો ભાગ ગણાશે પણ એ હંમેશા સ્વતંત્ર રહેશે. જ્યારે જ્યારે રાયગઢને જરૂર પડશે યામન તેમની મદદ માટે હાજર રહેશે. બસ ત્યારથી યામન રાયગઢમાં જ ગણાય છે.
"પણ હવે એવું નથી રહ્યું."
બધા ચારેતરફ જોવા લાગ્યા. આ કોણ બોલ્યું એ શોધવા લાગ્યા. ત્યાં એક સાધુ એમની સામે ઉભેલા દેખાયા. બધા ઉભા થઈ ગયા અને હાથ જોડી એમનું અભિવાદન કર્યું.
સાધુ એમની પાસે આવ્યા ને બોલ્યાં, દીકરા તમે જે કહ્યું એ વર્ષો જૂની વાત છે. પણ હાલમાં આમનું અહીં કઈ નથી. હવે આ યામનપ્રદેશ થોડા લાલચુ અને સ્વાર્થી લોકોની ભૂમિ થઈ ગઈ છે. હવે અહીં દમન અને મારફાડ જ થાય છે. નબળા અને લાચાર લોકોને પરેશાન કરવામાં આવે છે. કર ના નામે લોકોને લૂંટવામાં આવે છે. નિરાશવદને સાધુ બોલ્યાં, બસ હવે તો કઈ બચ્યું નથી અહીં.
નિયાબી: પંડિતજી એવું કેમ થયું?
સાધુ: દીકરા ભુવનેશનો પૌત્ર નાલીન અત્યારે રાજા છે. એ ખૂબ લાલચી, સ્વાર્થી અને મોજીલો છે. એ લોકોને લૂંટી પોતાના મોજશોખ પુરા કરે છે. ને એવા ખૂંખાર વરુઓની ફોજ બનાવી છે કે કોઈ જો એની સામે અવાજ ઉઠાવે તો આ વરુઓ એને જીવતો ફાડી ખાય છે.
ઝાબી: વરુઓ? પંડિતજી તમારો કહેવાનો મતલબ છે કે પ્રાણીઓ વાળા વરુઓ?
સાધુ: હા એજ. એણે એવી તાલીમ આપી છે એ વરુઓને કે લોકો તો એનું નામ સાંભળીને જ ડરી જાય છે.
ઓનીર: પંડિતજી પણ યામનની પ્રજાતો બહાદુર અને ખડતલ છે. તો એ કેવી રીતે નાલીન ની ચૂંગલમાં ફસાઈ ગઈ? ને નાલીન એકલાથી આ બધું થાય એમ નથી. આની પાછળ બીજો કોઈ સંદર્ભ પણ હોઈ શકે.
સાધુ: ખબર નહિ. પણ કોઈ તો છે જે નાલીન ને મદદ કરી રહ્યું છે. ને હોય તો પણ શુ ફર્ક પડે છે. હવે તો ચમત્કાર જ યામનને બચાવી શકે છે. એટલું બોલી સાધુ ત્યાંથી ચાલવા લાગ્યા.
બધા એકબીજાની સામે જોવા લાગ્યા.
નિયાબી: જો પંડિતજીની વાત સાચી હોય તો યામન અત્યારે મુશ્કેલીઓ માં થી પસાર થઈ રહ્યું છે. ને આપણે યામનમાં છીએ.
અગીલા નિયાબીનો ઈશારો સમજી ગઈ ને બોલી, તો પછી રાહ કોની જોવાની રાજકુમારી? આપણું અહીં હોવું ઈશ્વરની જ કોઈ ઈચ્છા હશે.
માતંગી: હા હોઈ શકે અગીલા. કારણકે જ્યારે હું આપણા ભ્રમણની તૈયારીઓ કરતી હતી. ત્યારે મેં યામનને સામેલ નહોતું કર્યું. પણ પિતાજીએ યામનને સામેલ કર્યું. એમનું કહેવું હતું કે, આ એકદમ અલગ પ્રદેશ છે. તો રાજકુમારીને એની ખબર હોવી જોઈએ. ને એટલે પછી યામન સામેલ કર્યું.
ઝાબી: તો સેનાપતિ માતંગી ઈશ્વરની ઈચ્છાને માન આપીને યામનની મદદ કરીએ?
માતંગીએ ઝાબીની સામે જોઈ કહ્યું, અવશ્ય ઈશ્વરની ઈચ્છા આગળ તો નમવું જ પડે.
ઓનીર: તો ઠીક છે. તૈયાર થઈ જાવ યામનની મદદ કરવા. આવતીકાલ થી આપણે બે ભાગમાં વહેંચાઈને યામનની મુલાકાત કરીશું. અહીંની સ્થિતિનું અવલોકન કરીશું. ને પછી શુ કરવું એ નક્કી કરીશું. ઠીક છે?
બધાએ એક સાથે હા કહી.
ઓનીર: તો અગીલા તું અને હું સાથે કામ કરીશું. ને બાકી લોકો એકસાથે કામ કરશે.
ત્યાં ઝાબી એકદમ બોલ્યો, ના...ના... ઓનીર. અગીલા અમારી સાથે જશે. તું રાજકુમારી સાથે જા.
ઓનીર: અરે હું વિચારું છું કે હું નાલીનની વરુ સેનાની માહિતી મેળવું. એટલે મેં અગીલાને સાથે જવાનું નક્કી કર્યું.
ઝાબી: કેમ અગીલા શુ કરશે?
ઓનીર: ઝાબી તું તો જાણે છે કે અગીલા નાનપણથી જ કોઈપણ ઉંચી જગ્યાએ ચડવામાં હોંશિયાર છે. ને હું જે વિચારી રહ્યો છું એમાં અગીલા વધુ મદદરૂપ થશે. એટલે અગીલા મારી સાથે જશે.
ઝાબી: તો તને લાગે છે કે રાજકુમારીને ઉપર ચડતા નથી આવડતું?
ઓનીરે નવાઈ સાથે ઝાબી સામે જોયું ને બોલ્યો, મેં એવું નથી કહ્યું. આવા કામમાં રાજકુમારીને વાગી શકે છે. જાણી જોઈને એમના જીવને શા માટે જોખમમાં મુકવો?
ઓનીરની વાત સાંભળી નિયાબીએ ધારદાર નજરે એની સામે જોયું. એટલે ઓનીર તરત જ બોલ્યો, રાજકુમારી મારો ઈરાદો માત્ર તમને તકલીફોથી દૂર રાખવાનો હતો બસ.
ઝાબી જાણી જોઈને બોલ્યો, અમને નથી લાગતું. એની વાત સાંભળી અગીલા અને માતંગી મંદમંદ હસ્યાં.
ઓનીરે જોરથી એક ધબ્બો એની પીઠ પર મારતા કહ્યું, બસ હવે શાંત થઈ જા. તને ભૂખ નથી લાગી? ચાલ જમી લઈએ?
ઝાબીએ ઓનીરની સામે જોઈને કહ્યું, ભૂખ તો લાગી જ છે. પણ આ તારી યોજના મને ના ગમી.
ઓનીરે જબરજસ્તી એને ચાલવા મજબુર કરી ચાલતા ચાલતા કહ્યું, હવે વધારે બોલીશ તો આજે ભોજન જ નહિ મળે સમજ્યો? ચૂપ રે.
એ બંનેના ગયા પછી અગીલા અને માતંગીએ નિયાબીની સામે જોયું. એ શાંતિથી ઉભી હતી. જાણે કઈક વિચારતી હોય.
માતંગી: રાજકુમારી ભોજન લઈ લઈએ? પછી આરામ કરો. તમે થાકી ગયા હશો.
નિયાબીએ એની સામે જોઈ સ્મિત કરી હા કહ્યું. ને પછી એ લોકો ભોજન માટે ગયા. ભોજન પછી બધા આરામ માટે ગયા. પણ દરેકના મનમાં આવતીકાલે યામનની પરિસ્થિતિને લઈને ઘણા પ્રશ્નો હતા.
પણ એ લોકો જાણતા નહોતા કે જે પ્રશ્નો એમના મનમાં ઉઠી રહ્યા છે એના જવાબો મેળવવા એમના માટે સહેલા નહિ હોય. આ વખતે એમનો સામનો કોઈ સામાન્ય મુશ્કેલી સામે નહોતો. આ મુશ્કેલી સામે લડતાં એમને પરસેવો પડી જશે.
ક્રમશ.........................