I am angry with this virus in Gujarati Motivational Stories by પ્રદીપકુમાર રાઓલ books and stories PDF | યાર ખીજ ચડે આ વાયરસ પર

Featured Books
Categories
Share

યાર ખીજ ચડે આ વાયરસ પર

યાર ખીજ ચડે આ વાયરસ ઉપર..
આખી દુનિયામાં કોવિડ19 એ હાહાકાર મચાવ્યો છે. જ્યારે 9/11 થયું ત્યારે અમેરિકાને એક ફીલિંગ આવેલી, સાલું અમને આવું કરી ગયા, અમને! વિશ્વ સત્તાને, જગત જમાદારને , અનબિલીવેબલ! માની ન શકાય કે આટલી સુરક્ષા, સૌથી પૈસાદાર દેશ, સૌથી પાવરફુલ મિલિટરી તાકાત, સુપર પાવર... અને એને એક 50 kg વજન ધરાવતો સુકલકડી લાદેન ગાલ ઉપર સટાક દઈને તમાચો મારી જાય! અમેરિકામાં લોકો મહિનાઓ સુધી માનસિક અસ્વસ્થ થઈ ગયા હતા. એ લોકો માની જ નહોતા શકતા. અરે! દુનિયાના બીજા દેશોને પણ આશ્ચર્યજનક લાગ્યું. આવી મહાસત્તાનો ઈગો બહુ હર્ટ થયેલો...
અત્યારે આ સીન ફરીથી ભજવાઈ રહ્યો છે, સુકલકડી લાદેનનો રોલ એક અજાણ્યો માઈક્રો ઓર્ગેનિઝમેં લીધેલ છે જેેનું નામ છે કોવિડ19. એનો ત્રાસ વિશ્વ લેવલે વધતો જ જાય છે.
આ બધા ફોરવર્ડ દેશો જે તમામ રીતે વિશ્વમાં આગળની પંક્તિમાં વિરાજમાન છે, યસ, G7 દેશો... મહાસત્તા અમેરિકા, ઇંગ્લેન્ડ, સ્પેન, ઇટાલી, મહાસત્તા ચીન ... અત્યારે ઘૂંટણીયે પડી એક વાયરસ સામે દયાની ભીખ માગી રહયા છે.
હવે વિચારવાનું એ આવે છે કે એકદમ અદ્યતન દેશોની આ હાલત જો થઈ શકતી હોય તો એમ માનવું રહ્યું કે માનવો ફેઈલ ગયા ! તો આટલો બધો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ થયો એના ઉપર કેટલો ભરોસો રાખવો?? અહીં આપણે એક દેશની વાત નથી કરતા પરંતુ સમગ્ર માનવ જાતિ વિશે નિષ્પક્ષ રીતે અવલોકન કરીએ છીએ. શુ માનવો ખરેખર મુર્ખ છે??
આતો એવું કહેવાય કે સિમેન્ટ કૉન્ક્રીટનો લોખંડી મહેલ બનાવ્યો, અનેક ચોકીદાર રાખ્યા , પણ છેવટે એક ઉંદર તમારા કાન કાપી જાય! હાસ્યાસ્પદ!! અને અહીં તો એ વાયરસ રૂપી ઉંદર તમને ભરખી જાય છે!! ભવિષ્યમાં માનવોએ કઈક જુદી રીતે વિચારવું પડે, હવે અણુપાવર, આકાશી વિજ્ઞાન છોડી, મોલેક્યુલર સાયન્સ ઉપર વધુ વિચાર કરવો પડે. આ પૃથ્વીનો અનેકવાર વિનાશ થાય એટલો અણુપાવર છે. મજાની વાત એ છે અણુ યુદ્ધમાં પોતે પણ પાયમાલ થઈ જઈશું એ બીકે કોઈ દેશ યુદ્ધ કરતો નથી.
એક સમય હતો સ્પેશમાં કબજો કરવા રશિયા અને અમેરિકા વચ્ચે હોડ હતી. એક અંદાજ મુજબ અમેરીકાએ અત્યાર સુધીમાં 650 બિલિયન ડોલર સ્પેશ પ્રોગ્રામો પાછળ ખર્ચી કાઢ્યા છે. ફક્ત 2020 માટે જ 22 અબજ ફાળવ્યા છે. આપણે પણ કંઈક કરી દેખાડવા કે વિજ્ઞાનની રીતે કે "મોટા માણહ" છીએ એવું બતાવવા ચંદ્રયાન મોકલ્યું... અગાઉ 2014-15 ના વર્ષે ભારતે જ 58 બિલિયન રૂપિયા ખર્ચ કર્યા હતા. ત્યાં કઈ છે નહીં, આખી સોલાર સિસ્ટમમાં આપણા સિવાય કોઈ નથી, બધે ખાલી ખોખા છે, વાયુના દડા છે...એટલા દૂર છે કે આપણા વિજ્ઞાનના આધારે પહોંચી શકીએ એમ નથી. પૈસાનું પાણી કરવા બરાબર છે. હવે સમય આવી ગયું છે કે ફક્ત જરૂર પૂરતાં નાણાં સ્પેસ માટે ફાળવી વધુ ફંડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાઇરસ સામે લડવા ઉભું કરવું પડશે. અમુક પોલિસી પણ બદલવું પડશે, અનુભવમાંથી શીખવું પડશે.
SARS રોગચાળા એ 2002- 3માં 774 વ્યક્તિઓનો ભોગ લીધો હતો. તે પણ કોરોના વાયરસ જ હતો. MERS નો આઉટબ્રેક 2012માં ચાલુ થયો હતો. તે હજીપણ ચાલુ છે. 2005માં જેન્ગ-સી-લી નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલ છે કે SARS નો વાયરસ ચામાચીડિયામાંથી માણસમાં આવી ગયો છે. પીટર દાસઝેક કે જેઓ ઇકો હેલ્થ અલાયન્સના પ્રેસિડેન્ટ છે તેઓ 15 વર્ષથી આ વાયરસો વિશે ચેતવણી આપી રહયા છે. એમનું કહેવું છે કે આ વાયરસો ચામાચીડિયામાંથી માણસોમાં વારંવાર જમ્પ મારી રહયા છે. જંગલી જાનવરોનો ખતરનાક વેપારની સપ્લાય ચેન એશિયા, આફ્રિકા, US, અને અન્ય દેશો સુધી ફેલાયેલી છે. હાલ પૂરતો આ ટ્રેડ , વેપાર ચાઈનાએ બંધ કરાવ્યો છે. જોકે આ ટેમ્પરરી જ છે. SARS વખતે પણ આ ગેરકાયદેસર કર્યો હતો , પછી આફત ઓછી થઈ એટલે ચાલું કર્યો. જો આ ચાલુ ન કર્યું હોત તો દુનિયા આખી આ મહામારીમાંથી બચી ગઈ હોત. આ માર્કેટમાં ચામાચીડિયા, સિવેટ, શાહુડી, કાચબા, ઉંદરો, પક્ષીઓ અને અન્ય ચિત્ર વિચિત્ર જાનવરો એકીસાથે, ગંદકીમાં, ખીચોખીચ અવસ્થામાં રાખવામાં આવે છે, જેમકે વુહાન માર્કેટમાં રાખવામાં આવે છે.
અન્ય કારણ એ છે કે આપણી અધધ વસ્તી, 7.6 અબજ શરીરો રાતદિવસ રખડયે રાખે છે, ઇતિહાસ માં પહેલીવાર આટલી સંખ્યામાં માનવોની દખલગીરી ઇકોલોજિ ઉપર ભયંકર પડી રહી છે. જેનાથી વાયરલ એક્સચેન્જ અરસપરસ વધી રહી છે. જાનવરોમાંથી માણસમાં.. આપણે ટ્રોપિકલ જંગલોમાં ઘૂસપેઠ કરી જ્યા પ્રાણીઓ અને વૃક્ષોની ભરમાર છે. અને તેમનામાં અસંખ્ય, અગણિત અજાણ્યા વાયરસો હોય છે. આપણે આવા જંગલ કાપ્યા, આ પ્રાણીઓને પાંજરે પુરી માર્કેટમાં મોકલીએ છીએ ત્યારે આખી ઇકો સિસ્ટમ ડીસ્ટર્બ કરીએ છીએ. એનું સંતુલન બગડી જાય છે. હા, એટલે ત્યારેજ આ વાયરસો એમના મૂળ રહેઠાણ, હોસ્ટમાંથી બહાર નીકળે છે અને તેમને નવા હોસ્ટની જરૂર હોય છે, જે મોટાભાગે આપણે માનવો હોઈએ છીએ. કોર્નએલ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ ઓસોફસકીના કહેવા મુજબ આવા માર્કેટ બંધ કરવા જોઈએ. માનવોએ હવે આવા પશુ, જાનવરોથી " બીહેવીયરલ ડિસ્ટનસિંગ" રાખવું પડશે. મતલબ સીધો છે એમને એમની કુદરતી જિંદગી જીવવા દો. આ મહામારી વગર નોતર્યે નથી આવી, આપણે બોલાવી છે. હવે ખોટા ખર્ચ બંધ કરી હેલ્થ, હોસ્પિટલો, સ્કૂલો, મોલેક્યુલર સાયન્સ, સ્ટડી ઓફ વાયરસ...મેડિકલ સાધનો વગેરેમાં મહત્વ આપવું પડશે. એક સાદુ લોજીક વાપરો કે ચોઇસ કેવી કરવી જોઈએ, યુરોપની ટુર કરાય કે ભાંગેલા પગનું ઓપરેશન!!😊😊
હા ભવિષ્યમાં આવી ભૂલ માનવોએ ન કરવી જોઈએ, જો કરશે તો નાશ પણ થઈ જશે અને એલિયન લોકો કહેશે કે આ માનવીઓ મુર્ખ હતા. એ કેવો પહેલવાન કહેવાય જેને ત્રણ વર્ષ નું બાળક મુક્કો મારી જાય!! આવનાર સમયમાં આરોગ્ય માંટે વધુ ખર્ચ કરવો પડશે.