Antim Vadaank - 14 in Gujarati Moral Stories by Prafull Kanabar books and stories PDF | અંતિમ વળાંક - 14

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

અંતિમ વળાંક - 14

અંતિમ વળાંક

પ્રકરણ ૧૪

ઇશાન આશ્રમના દરવાજાની અંદર આવીને ખૂણામાં પડેલી ખાલી ખુરશી પર બેસી ગયો. આગળ બેઠેલાં તમામ શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને એક ચિત્તે કથા શ્રવણ કરવામાં તલ્લીન થઇ ગયા હતા. માઈક પરથી સ્વામીજીનો મૃદુ અવાજ રેલાઈ રહ્યો હતો. ”માણસની જિંદગીની ગાડી બે પાટા પર ચાલતી હોય છે. એક ઈશ્વરશ્રધ્ધા અને બીજી આત્મશ્રધ્ધા. બારી બહાર દ્રશ્યો બદલાતા રહે છે. માણસે સુખનું દ્રશ્ય જોઇને છકી જવાનું નથી અને દુઃખનું દ્રશ્ય જોઇને હતાશ થવાનું નથી. જીવન જીવવાની કળા સુખની સગવડ મેળવવામાં નથી પણ દુઃખી ન થવાની આવડત કેળવવામાં છે.

ઇશાન ધીમા પગલે ચાલીને સૌથી આગળ પડેલી એક ખાલી ખુરશીમાં બેસી ગયો. તે મનોમન વિચારી રહ્યો.. આ વાત તો સ્કૂલમાં પંડયા સાહેબ કાયમ કહેતા. સામે બેઠેલાં સ્વામીજીને ઇશાન તાકી રહ્યો. બેઠી દડીનું શરીર,ગોરો ગોળ ચહેરો, ચહેરા પર ઉગેલી કાળી અને ધોળી મિક્સ દાઢી, કપાળ પર લાંબુ તિલક તથા ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલા આ સ્વામીજીના ચહેરાની અણસાર જાણીતી કેમ લાગે છે? ઇશાનના મનમાં એકદમ ચમકારો થયો... અરે આ તો પરમ છે. પરમ સાથે તો ઇશાન પાંચમાંથી લઈને દશમા સુધી એક જ બેન્ચ પર બેસીને સ્કૂલમાં ભણ્યો હતો... માત્ર ભણ્યો જ નહોતો પણ ધીંગા મસ્તી પણ ખૂબ કર્યા હતા. પરીક્ષાના દિવસોમાં પરમ ઘણી વાર રાત્રે ઇશાનની ઘરે વાંચવા માટે પણ આવતો. બંને કિશોરાવસ્થામાં હતાં ત્યારે માનવ શરીરની રચનાની જીજ્ઞાસા પણ સરખી જ અનુભવી હતી. તે સમયે શરીરમાં થતાં હોર્મોન્સના ફેરફારને કારણે જે આવેગો અનુભવાતા હતા તે બાબતે પણ બંને એકબીજાના નિખાલસ સાક્ષી હતા. આ સાલો પરમ સાધુ ક્યારે થઇ ગયો? ઇશાનના મનમાં વારંવાર એક જ સવાલ ઘુમરાવા લાગ્યો હતો.

થોડીવાર બાદ આરતી કરવામાં આવી અને સત્સંગ કથા પૂરી થઇ એટલે માણસો વીખરાવા લાગ્યા. કેટલાંય લોકો સ્વામીજીને ચરણ સ્પર્શ કરીને પછી જ આશ્રમની બહાર નીકળતા હતા. લગભગ આખું પ્રાંગણ ખાલી થઇ ગયું ત્યાં સુધી ઇશાન ત્યાં જ બેસી રહ્યો. તેનું ત્રાટક સામે વ્યાસપીઠ પર બેઠેલા સ્વામીજી પર ચાલુ જ હતું. ત્રણેક વાર સ્વામીજીની અને ઇશાનની આંખો મળી પણ સ્વામીજીએ તો ઇશાનની હાજરીની નોધ લેવાની સહેજ પણ દરકાર કરી નહિ. હવે ઇશાન અકળાયો. તેણે જોયું કે તમામ લોકો બહાર જતા રહ્યા છે. આશ્રમના પ્રાંગણમાં માત્ર સ્વામીજી જ હાજર હતાં. ઇશાન ખુરશી પરથી ઉભો થઇને સ્વામીજીની નજીક આવ્યો. “પરમ, ઓળખાણ પડી ?” ઇશાન ધીમેથી બોલ્યો. “વત્સ, પરમ નહિ... પરમાનંદ”. સ્વામીજીએ મંદ મંદ સ્મિત સાથે કહ્યું.

“પરમાનંદ .. બસ ? સાધુએ પૂર્વાશ્રમ ભૂલવાનો હોય છે તેનો મને ખ્યાલ છે... પણ હું મારી ઓળખાણ આપું? આપણે બંને અમદાવાદની સરસ્વતી સ્કૂલમાં એક જ બેન્ચ પર બેસીને સાથે મોટા થયા હતા... મારું નામ ઇશાન.. ઇશાન ચોક્સી”.

“ઓહ ઇશાન? આટલાં વર્ષો સુધી ક્યાં હતો?” પરમાનંદે સહેજ પણ દંભ કર્યા વગર ઇશાન ને ઓળખી લીધો તેથી ઇશાન ખુશ થઇ ગયો.

“લંડન હતો. પણ તમને અહીં સાધુવેશમાં જોઇને ખરેખર આશ્ચર્ય થાય છે”. ઈશાને પરમાનંદ ને “તું” ને બદલે “તમે” કહેવાનું જ પસંદ કર્યું. ઈશાને નોંધ્યું કે પરમને માનાર્થે બોલાવ્યો તે તેને ગમ્યું છે.

“વત્સ, મને સાધુવેશમાં જોઇને તને અચરજ થાય છે તેનું મને સહેજ પણ અચરજ થતું નથી. તને તો એ વાતનું પણ અચરજ લાગશે કે અહીં સૌ કોઈ મને “અખંડ બ્રહ્મચારી” તરીકે જ ઓળખે છે. ઇશાન ઊંડા વિચારમાં પડી ગયો. પરમની ઉમર તો મારા જેટલી જ એટલેકે ચાલીસની તો ખરી જ .. શું ખરેખર તેણે કોઈ સ્ત્રી સાથે ક્યારેય શૈયા સુખ નહિ માણ્યું હોય? ઈશાનને વિચાર માં પડી ગયેલો જોઇને પરમાનંદે તેના ખભા પર હાથ રાખ્યો. ”વત્સ, શંકા કુશંકા કરીશ નહિ... બહુ લાંબી વાત છે ... ચાલ તને મારો આ નાનકડો આશ્રમ બતાવું”. પરમાનંદ વ્યાસપીઠ પરથી ઉભા થયા અને ધીમા પગલે પાછળના એક ખંડમાં ગયા. ઇશાન પણ યંત્રવત તેમની પાછળ દોરવાયો. ઈશાને ધ્યાનપૂર્વક ખંડનું નિરીક્ષણ કર્યું. દીવાલો પર ભગવાનના મોટા ફોટા લગાવવામાં આવ્યા હતા. અગરબત્તીની પવિત્ર ધૂપથી વાતાવરણ વધારે પવિત્ર લાગતું હતું. ઈશાને પરમાનંદની પાછળ ધીમા પગલે ચાલીને આશ્રમના દરેક ખંડ જોયા. ઈશાને નોંધ્યું કે માત્ર પાંચ ખંડ ધરાવતો આશ્રમ ભલે બહુ મોટો નહોતો પણ તેની સ્વચ્છતા અને પવિત્રતા ઉડીને આંખે વળગે તેવી હતી.

છેલ્લા ખંડમાં આવ્યા બાદ પરમાનંદ બોલ્યા “આ મારી કુટિયા છે”. એ. સી. અને ટીવી જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ ખંડ જોઇને ઇશાન બોલ્યો “આને કુટિયા કહેવાય ?”

“હા, વત્સ, હું તો આને જ કુટિયા કહું છું. સાચી વાત તો એ છે કે મન પવિત્ર હોવું જોઈએ. મન પવિત્ર હોય તો તન પણ પવિત્ર જ રહે”. ઈશાને નોંધ્યું કે પરમાનંદ ઇશાનનું નામ લેવાનું ટાળતા હતા તેના બદલે “વત્સ” નું સંબોધન જ કરતા હતા.

“આશ્રમમાં કોઈ દેખાતું કેમ નથી ?તમે એકલા જ રહો છો ?” ઈશાને આજુબાજુ જોઇને કુતુહલતાપૂર્વક પૂછયું.

“વત્સ, આશ્રમમાં મારી સાથે ત્રણ યુવાન શિષ્યો રહે છે. બાજુના ખંડ તેમના જ છે. રસોઈ તથા આશ્રમની સાફ સફાઈ તેઓ જ કરે છે. અત્યારે તેઓ બજારમાં સીધું લેવા ગયા છે. “તેં ક્યાં ઉતારો રાખ્યો છે ? એકલો જ આવ્યો છે?” પરમાનંદે ઇશાનના ખભે લટકાવેલ કેમેરા તરફ નજર કરીને પૂછયું.

“હું પાછળના ચાર રસ્તા પર હોટેલ કેપિટલ છે ત્યાં ઉતર્યો છું” ઈશાને ખભે લટકાવેલ કેમેરા ને સરખો કરતાં કહ્યું “ઇન્ડિયા એકલો જ આવ્યો છું... અહીં આવવાનું ખાસ પ્રયોજન છે... ગયા વર્ષે જ મારી પત્નીનું કાર અકસ્માતમાં અવસાન થયું હતું. અહીં ગંગાજીમાં તેના અસ્થિવિસર્જન માટે આવ્યો છું”. ઇશાનની આંખમાં ઉર્વશીની યાદના આંસુ ઉભરાયા. ઇશાનના અવાજમાં દર્દ ભળ્યું જે પરમાનંદના ધ્યાનમાં તરત આવી ગયું.

“હરીઓમ” પરમાનંદ મોટેથી બોલ્યા. ઇશાન પરમાનંદના ચહેરા પર બદલાતા ભાવને નીરખી રહ્યો. “વત્સ, ગીતામાં કહ્યું છે... જેનો આરંભ છે તેનો અંત પણ છે જ. આ દુનિયા માં કોઈ અમરપટો લખાવીને આવતું નથી’.

“સ્વામીજી, આટલું સરળતાથી આપ બોલી શકો છો કારણકે સંન્યાસ લઈને બેઠા છો... સંસારી માણસો માટે નજીકની વ્યક્તિની અણધારી વિદાયને સહન કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે”. ઇશાનથી અનાયાસે જ બોલાઈ ગયું.

“વત્સ, જાણું છું’. પરમાનંદે ફરીથી ઇશાનના ખભે હાથ મૂક્યો. ઇશાનને સારું લાગ્યું. પરમાનંદની આંખમાંથી જાણે કે કરુણા વહી રહી હતી.

“તમે સંસાર છોડીને સાધુ કઈ રીતે થઇ ગયા તે જાણવાની તાલાવેલી છે”. ઈશાને નિખાલસતાથી મનમાં રમતી વાત આખરે કહી જ દીધી.

“વત્સ,બહુ લાંબી કહાની છે. જો તારે સાંભળવી જ હોય તો આજે રાતવાસો અહીં કરવાનું રાખ. કારણકે રાત કરતાં પણ વાત વધારે લાંબી છે. પરમાનંદે માથા પર બાંધેલો ભગવો સાફો દૂર કરતાં કહ્યું.

“ભલે તો હું રાત્રે હોટેલ પર થી જમીને મોડો અહીં આવીશ”. ઈશાને સસ્મિત ચહેરે કહ્યું.

“વત્સ, ભોજનનો પ્રબંધ તો અહીં આશ્રમમાં પણ થઇ જશે. તું અમારો મહેમાન છો. અમારા આશ્રમની પરમ્પરા છે... અતિથી દેવો ભવ”.

“સ્વામીજી, હું જમીને રાત્રે મોડો જ આવીશ”. ઈશાને પોતાની વાત પકડી રાખી.

“ભલે જેવી તારી ઈચ્છા”... હરિઓમ “.

ઈશાને આશ્રમના દરવાજામાંથી બહાર જવા માટે જેવા પગ ઉપાડયા કે તરત સામેથી આવી રહેલાં ત્રણેય ભગવાધારી યુવાન સાધુઓ ઇશાનને તાકીને જોવા લાગ્યા. પરમાનંદે નજીક આવીને કહ્યું “ બચ્ચો , યે મેરા બચપન કા દોસ્ત હૈ. લંડનસે આયા હૈ. આજ કી રાત યે હમારા અતિથી હૈ. ત્રણેય શિષ્યોએ હાથમાં રાખેલાં રસોઈના સામાનના થેલા નીચે મૂકીને વારાફરતી ભાવપૂર્વક ઇશાનને “હરિઓમ” બોલીને નમસ્કાર કર્યા. ઈશાને પણ સામે અભિવાદન કર્યું.

દરવાજાની બહાર નીકળીને ઈશાને હોટેલ તરફ ચાલવાનું શરુ કર્યું. તેના મનમાંથી પરમાનંદ નો ચહેરો ખસવાનું નામ લેતો નહોતો. ઇશાન વિચારી રહ્યો.. શું ખરેખર પરમાનંદ આજ સુધી વર્જિન હશે ? અખંડ બ્રહ્મચારી હશે?

ક્રમશઃ