Chanothina Van aetle Jivan - 14 in Gujarati Moral Stories by Vijay Shah books and stories PDF | ચણોઠીનાં વન એટલે જીવન - 14

Featured Books
Categories
Share

ચણોઠીનાં વન એટલે જીવન - 14

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 14

વિજય શાહ

“ મારી મોમ નું આયુષ્ય કેટલું?”

હીનાને શરુઆતમાં કિરણો અપાવવાનાં હતા. લીંફ્નોડ મુખ્યત્વે જીભની આજુ બાજુ અને આખા શરીર માં હોય છે. શરીરની રોગ પ્રતિકારત્મક શક્તિનો મુખ્ય આધાર છે લીંફ અને લીંફ્નોડ ની વ્યવસ્થા..જેમ રક્ત વાહીની અને ચેતાતંત્ર હોય તેમજ આખા શરીરમાં લીંફ્તંત્ર હોય જે શરીરમાંથી અશુચી દુર કરવાનું અને પોષણ પહોંચાડવાનાં કાર્યને સક્ષમ બનાવે છે.ટુંકમાં શરીરનાં રક્ષણ માટે જરુરી એંટીબોડીઝ્ની સેના માટેનું પરિવહન તંત્ર છે.એમ ડી એંડર્સન કેંસર હોસ્પીટલમાં પહેલે દિવસે રોશની મમ્મીને લઈને ગઈ. જ્વલંત જોબ ઉપરથી સીધો પહોંચ્યો.

ડો જેનીફરે સમય પ્રમાણે તેમની ચેંબરમાં બોલાવ્યા. સ્કેનીંગ નાં પરિણામ પ્રમાણે હીનાને રોગ સમજાવ્યો અને કહ્યું “હવે આ રોગ અસાધ્ય નથી રહ્યો. હજી પણ રોગ બાબતે ગેર સમજો પ્રવર્તે છે.જે વિશે આપને કંઇ જાણવું હોય તો પુછો.”

રોશનીને સત્ય જાણવું હતુ એટલે સીધુજ પુછ્યુ “ મારી મોમ નું આયુષ્ય કેટલું?”

“ જેટલું તેઓ લખાવીને આવ્યા છે તેટલું પુરે પુરુ. આ રોગ થી તેમનું આયુષ્ય ઘટનાર નથી.”

“ હેં! મને તો એમ કે કેંસર એટલે કેન્સલ.”

“ ના એમનું કેંસર સીસ્ટ્મેટીક છે એટલે કે જેટલા કેંસર કોષો છે તે પકડાઇ જાય અને તેમનો શરીરમાંથી નિકાલ થઇ જાય એટલે કેંસર ઉપર વિજય નક્કી થઇ જાય”

બીપી, વજન અને મેડીકેરનાં કાર્ડ લીધા પછી તેમના વસ્ત્રો બદલાવીને તેમને રે થેરાપી માટે તૈયાર કરીને હોસ્પીટલમાં દાખલ કરાવી દીધા. અંદાજે સમય આપ્યો હતો પાંચ કલાક. ડોક્ટરે ઘેનનું ઇંજેકશન આપી દીધા પછી હીના ઉંઘમાં સરકી ગઇ ત્યારે દસ વાગી ગયા હતા. હવે પાંચ કલાક ત્યાં બેસવા માટે જ્વલંત એકલો રહેવાનો હતો. રોશની ઘરે પહોંચી ત્યારે છાયાએ બંને ભાઈઓને જમાડી અને સ્કુલે મોકલી દીધા હતા.

જ્વલંત પહેલી વખત એકલો પડ્યો અને વિચારતો હતો હીના અમેરિકામાં છે તેથી સારી માવજત પામે છે.મેડીકેર છે તેથી પૈસામાં પણ રાહત છે. દીપને ફોન કરીને હીનાની તબિયત વિશે જાણ કરવાની ઇચ્છા થઇ ગઈ. પછી મન વાળી લીધું કે આમેય ખબર આપીને શું કરશે?

તેના મનમાં સ્થિરતા પકડવા તેણે નવકારવાળી ગણવાની ચાલુ કરી દીધી. આમેય જ્યારે જ્યારે મગજ સુન્ન થઈ જાય ત્યારે આ એક જ કામ જ્વલંતને સુજતું...આજે હીના નું ઓપેરેશન ચાલતું હતું. આમ જુઓ તો તેની જિંદગીનો અડધો ભાગ અત્યારે કેંસરની લપેટ્માં હતો. નવકાર વાળી એટલે ગણતો હતો કે હીનાને માટે તે આનાથી વધુ કંઇ કરી શકતો નહોંતો…હજી છાયા, શ્વેત અને શ્યામ ને ભણાવવાનાં બાકી છે…પરણાવવાનાં અને ઠેકાણે પાડવાનાં બાકી છે. આ બધી જવાબદારી હું એકલો કેવી રીતે પાર પાડીશ?

વિચાર વલોણું તેનાં મનો મસ્તિષ્ક્ને ઝણઝણાવતું હતું. મોટી ઉંમરે અમેરિકા આવ્યો હતો..તેની નવી કારકીર્દીમાં સ્થિર થવાનું હતું. રિટારયમેંટ માટે પૈસા બચાવવાના હતા…જિંદગીનાં ખર્ચાળ તબક્કામાં તે આવ્યો હતો. રિટાયર્મેંટ માટે તે કશું કરી શકે તેમ નહોંતો. બધા ભેગા થઈને શાંતિ થી જીવી શકે તેટલું કમાતા હતા.

કલાક થયો હશે અને નર્સ રીપોર્ટ આપવા આવી…ઓપરેશન ચાલુ હતું નર્સ ખુલેલા ગળાવાળો ફોટો બતાવવા લાવી હતી. લીંફ નોડ જામલી રંગમાં સ્પષ્ટ દેખાતી હતી. એક પછી એક તે કેંસર કોષોને હવે સર્જન સર્જરી દ્વારા સાફ કરશે તેટલું બતાવીને કેટલાક પેપર ઉપર ફરીથી સહીં કરાવીને તે લઈ ગઈ.

બીજા કલાકે ઓપરેશન નો વિકાસ બતાવતા બીજા ફોટામાં કેટલીક લીંફ નોડ ગાયબ હતી પણ સર્જરી ચાલુ હતી.ડોક્ટરનાં મતે કેંસર કોષો નો વિકાસ ધારણા કરતા વધુ હતો તેથી ઓપરેશન કદાચ વધુ સમય ચાલશે પણ તે સમય આપ્યો નહોંતો. રોશની અને છાયા લંચ લઈને આવ્યા ત્યારે ઘડીયાળ ૧૨ નો આંકડો બતાવતી હતી.

પીઝ પૌઆ, ઓરેંજ જ્યુસ અને વેજી સેંડવિચ વાપરી લીધા પછી વેઈટીંગ રુમમાં ત્રણે જણા રાહ જોતા હતા. ત્યારે નર્સે ત્રણ કલાક્નો અહેવાલ આપતા કહ્યું…બધા કેંસર કોષો સાફ થઇ ગયા છે. જીભ ટુંકી કરવી પડે તેમ છે.

રોશનીએ તરત પુછ્યું “તો પછી મોમને ખાવાની તકલીફ નહીં પડે?”

“ ના તેમની જીભ ટુંકી થશે પણ કોઇ પણ તકલીફ નહીં પડે.”

“તો પછી જે કરવું પડે તે કરો પણ મોમને જલ્દી સાજી કરી દો પ્લીઝ!”

“ આ બંને હીના બહેનની છોકરીઓ છે તે તરત ખબર પડે છે.”

“ અને મારી નથી?” જ્વલંતે ટહુકો કર્યો.

“ હા છે. પણ કોઇ તમારી અસરો દેખાતી નથી. હા હવે ઓપરેશન પાંચ વાગ્યે પતી જશે.” નર્સે માહીતિ આપી.

“ અમારા નાના બે ભાઇઓને તમે જોશોતો તે અસર દેખાશે.” છાયા બોલી

નર્સ છાયાને જોઇ રહી.

“બંને મારા બાપાની આબેહૂબ નકલ છે જોડીયા ભાઇઓ. ડબલ આફતના અને ડબલ ધમાલના પડીકાઓ છે.”

જવલંત જોઇ રહ્યો…

“ તેમને આવવુ છે મમ્મીની ખબર કાઢવા પણ પપ્પાની મનાઇ છે તેથી તેઓ અહીં આવી ના શકે.ખરું ને પપ્પા?”

નર્સ કહે “તારા પપ્પાની વાત સાચી છે. હીના બહેનને પાંચ વાગ્યે બહાર કાઢીશું ત્યારે તેમની દવાઓ અને બીજી બાબતો લેખીત આપશું. પોષ્ટ ઓપેરેટિવ સારવાર માટે અને ઓબ્ઝર્વેશન માટે રાખીશું. ત્યારે તે બંને દીકરાઓને લાવજો.” કહીને નર્સ ગઈ. ઘડીયાળ બે વાગ્યા બતાવતી હતી.

છાયા અને રોશની બંને બહેનો ઘરે પહોંચી ગઈ ત્યારે શ્વેત અને શ્યામની સ્કુલ બસ આવી ગઈ હતી. બંને જણ ગંભિર હતા.તેમની આંખોમાં મમ્મીની ચિંતા હતી. રોશનીએ કહ્યું “ મમ્મીનું ઓપેરેશન ચાલુ છે અને પાંચ વાગ્યે પતશે.”

શ્વેતની આંખો માં પ્રશ્નો હતા. એટલે છાયા કહે હજી મમ્મીને મેં પણ જોઇ નથી. તેમનું ઓપેરેશન ચાલુ હતુ અને આખુ ગળુ ખુલ્લુ હતું. કેંસર કોષો સાફ થઇ રહ્યા હતા. પાંચ વાગ્યે મમ્મીને બહાર લાવશે.આપણે તેમને મળવા આવતી કાલે જઈ શકીશું. શ્યામ પણ ઠાવકાઇથી બધુ સાંભળી રહ્યો હતો.

“મમ્મીને બહું વાગ્યું છે? લોહી બહુ નીકળ્યુ છે?”

રોશની શ્યામને જોઇ રહી..તે જ્વલંતની જેમ પુખ્ત વિચાર વાળો હતો.” ભઈલા એમ ડી એંડર્સન બહુ મોટી હોસ્પીટલ છે. અને તેમની રીસર્ચ સંસ્થાએ કેંસરને મોટી ફાઈટ આપી ઘણા લોકોને જીવત દાન આપ્યુ છે. મમ્મીને કશુ થવાનું નથી. અમેરિકામાં હોવાનો આ ફાયદો છે. અહીં કેંસર પણ એક સામાન્ય રોગ છે. જેની સારવાર પણ સહજ છે. “

“ હા શ્વેતે અને મેં ઇટરનેટ ઉપર તે બધું જોયુ.” શ્યામ બોલ્યો.

“ મને તો સ્કુલમાં મમ્મીનાં જ વિચાર આવતા હતા.”શ્વેત પણ બોલ્યો.

“મારા શિક્ષક પણ તેમ જ કહેતા હતા.. કેંસરની દવા શોધાઇ ગઇ છે. હવે સાચી અને સમયસર સારવાર મળે તે કેંસરથી બચી શકે છે.”

સાંજનાં પાંચ વાગે જ્યારે હીનાને ઓપરેશન થીએટરમાંથી બહાર લાવ્યા ત્યારે ગળુ મો અને સાઈડનો ભાગ પાટા થી ભરાયેલો હતો. કુલ્લે ૧૬૭ ટાંકા હતા..પણ કેંસરથી સંપુર્ણ મુક્ત હતી. ૮ કલાકથી વધુ ચાલેલા ઓપરેશનનાં ઘેનમાંથી હજી બહાર આવી નહોંતી. કેટલી પીડા હીનાએ વેઠી એ અંદાજો હજી આવે તેમ નહોંતો. જ્વલંતતો આ દ્ર્શ્ય જોઇને જ અધમુઓ થઈ ગયો પણ હવે તે કેંસર મુક્ત છે તે આનંદનાં સમાચાર હતા.

હીના ઘેનમાંથી અડધા કલાકે જાગી. આટલી મોટી સર્જરીમાંથી બહાર નીકળી ત્યારે તેનું રીએક્શન કાબીલે તારીફ હતું. તેનો હાથ ચહેરા ઉપર ના જતો રહે તેની નર્સોએ તકેદારી રાખી હતી. હાથ હળવા પાટાથી બાંધેલો હતો. જ્વલંત તેને પંપાળતો હતો અને તેની ખબર પુછતો હતો.રોશની અને છાયા પણ હોસ્પીટલમાં હતા.

રોશની મમ્મીને પુછતી હતી.. “મમ્મી બહું સરસ ઉંઘી તું તો”..લોહીનો અને નોર્મલ સલાઈન નો બાટલો ચઢેલો હતો.

હીનાનો પહેલો પ્રશ્ન હતો “કેટલા વાગ્યા છે?”

‘રાતનાં ૮ વાગ્યા છે.” જ્વલંતે જવાબ આપ્યો

“મારું ઓપરેશન પતી ગયું?”

“હા”જવાબ આપતા નર્સ બોલી. “અને અભિનંદન હવે તમે કેંસર મુક્ત છો’

રોશની, જ્વલંત અને છાયાએ તાળીઓ પાડીને હીના ને વધાવી.

નર્સ કહે હજી “તમે ઓબ્ઝર્વેશનમાં અઠવાડીયુ રહેશો અને આ બાટલાઓ પણ તમારા ભોજનનાં ભાગ રુપે રહેશે.”

“મારા શ્યામ અને શ્વેતુ ક્યાં?”

“તેમને આવતી કાલે આવવાની અનુમતિ મળી છે”. નર્સે સ્મિત કરતા કહ્યું

જ્વલંત આર્દ્ર નજરે હીનાને જોઇ રહ્યો.

હીના કહે” રાજી થાવ હજી તમારી સેવાઓ લેવા હું જીવવાની છું.”

“સેવાઓ આપવાનો વાંધો જ નથી પણ આટલી બધી પીડા..૧૬૭ ટાંકા સંધાય અને સાજા થાવ ત્યાં સુધી આ બાટલા ચડાવવાનાં અને સોયો ખાવાની.. મારાથી તો જોવાતુ પણ નથી.”

છાયા અને રોશની પપ્પાનું આ સ્વરુપ જોઇ રહ્યા

******