Granny, I will become rail minister - 1 in Gujarati Fiction Stories by Pratik Barot books and stories PDF | બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧

Featured Books
Categories
Share

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧

પ્રસ્તાવના

હજુ હું પોતાને અણઘડ લેખક જ માનુ છુ. આ મારી છઠ્ઠી રચના છે, પણ હજુ ઘણુ આગળ જવાનું છે. ધ્રુવ ભટ્ટ, રા.વિ.પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, ધૈવત ત્રિવેદી, યુવા લેખક જીતેશ દોંગા કે પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેવા શબ્દો થકી દુનિયા ને તમારી સામે સાક્ષાત ખડી કરનારા લેખકોના લખેલા છંદ, કાવ્ય, વારતાઓ, નવલકથાઓ અને લઘુકથાઓમાંથી પ્રેરણા લઉ છુ અને મારી આસપાસ જીવતા-પરાણે જીવતા-મરતા માણસો અને ઘટનાઓ ને મારી વાર્તામાં ગુંથવાનો પ્રયાસ કરૂ છુ.

કોઈ પણ કિસ્સો, પાત્ર કે વાર્તા તમને રસપ્રદ લાગે, તમારી સાથે જોડાયેલી લાગે કે વાર્તામાં કહેલી કોઈ વાત તમને ન ગમે તો તમે મને લખી શકો છો.

કોઈ પણ લેખક નો ધ્યેય એના વાચકોને વાર્તા ગમે અને એમાંથી એમને કંઈક સારૂ મળે એનો જ હોય છે. મને પુરસ્કારરૂપે તમારા સલાહ, પ્રશંસા કે ટિપ્પણી તમે નીચે જણાવેલ નંબર અને આઈડી પર સંપર્ક કરી મોકલી શકો છો.

9898970582

pratikbbarot@gmail.com

આ વાર્તા પણ મારી આસપાસ ઘટેલી ઘટનાઓમાંથી જ અંહી તમારી સમક્ષ મૂકુ છુ.
અને આનો કોઇ પણ વ્યક્તિ, સ્થળ કે ઘટના સાથે સંબંધ નથી. થોડાક અંશો સિવાય આ વાર્તા કાલ્પનિક છે.

બા, હું રેલમંત્રી બનીશ.

અધ્યાય -૧

સવાર ના દસ વાગ્યા હશે. બારીમાંથી આવતો સૂર્યનારાયણનો તાપ ધીમે ધીમે વધી રહયો હતો. ટ્રેનનો સામાન્ય વર્ગનો ડબ્બો ખીચોખીચ મુસાફરોથી ભરેલો હતો. આગળનુ રેલવે-સ્ટેશન બસ આવવામાં જ હતુ. મારી રેલ્વેની ગેંગમેનની નોકરીમાંથી નિવૃત્ત થઈ આજે વર્ષો પછી મારા દિકરાના મુંબઈના ઘર તરફ જઈ રહયો હતો.

ટ્રેનનો અવાજ ઓછો થવા લાગ્યો ને જોતજોતામાં ટ્રેન વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નં ૧ પર આવીને ઉભી રહી. ચાવાળા, નાસ્તાવાળા, ફેરિયાઓ ને ટ્રેનમા ચડતા-ઉતરતા પેસેન્જરો નો શોરબકોર વધી ગયો. લાઉડસ્પીકર પર થતી ટ્રેન વિશેની સૂચનાઓએ મને નિંદ્રામાંથી જગાડ્યો.

અચાનક ભીડમાં રસ્તો કરતા ચાર-પાંચ સરકારી અધિકારીઓ પણ ટ્રેન મા ચડયા. એમને જોઈને મારી બાજુમાં બેઠેલા બુઝુર્ગ કાકાએ એમની સાથે ગોઠવાયેલા કાકીને સંબોધીને કહ્યુ,

"કહુ છુ, આ જો, આપણા રાજ્યના રેલમંત્રી."

"આટલા ઉંચા હોદ્દા પર પણ સાવ સામાન્ય જીવન જીવે. રોજ ટ્રેનમા જ કામ હાટુ આવજાવ કરે".

હું વિચારે ચડ્યો કે આટલા મોટા પદ પર પણ આટલી સાદગી, આવા વ્યક્તિને તો મળવુ જ જોઈએ. મારી આટલા વર્ષોની રેલવે ની નોકરીમાં પણ કદી આવુ કાંઈ સાંભળ્યુ નહોતુ.

હું મારી જગ્યા પરથી ઉભો થઈ જગ્યા કરતો કરતો એ ડબ્બા તરફ ગયો જયાં એ બધા સરકારી માણસો મુસાફરોની સાથે ટ્રેન અને ટ્રેનપ્રવાસ મા શકય વિકાસ ના કામો વિશે વાતચીત કરી રહયા હતા, ત્યાં જ એક સ્ત્રીનો મધુર અવાજ સંભળાયો,

"શર્માજી, આ બેનની વાત તમે ખાસ નોટ કરી લેજો"

શર્માજી : "હાજી, મેડમ સાહેબ"

એ અવાજ મને પોતીકો લાગ્યો અને વધુ જાણવા હું હજુ થોડો આગળ ગયો.

શર્માજી એ જેમને મેડમ સાહેબ તરીકે સંબોધ્યા હતા એમનો ચહેરો મારાથી ઉલ્ટી દિશામાં હતો અને કોઈ પ્રવાસી સાથે એ વાતચીત કરી રહયા હતા. થોડીવાર રાહ જોવાનું નક્કી કરી હું ત્યાં જ ખોડાઈ ઉભો રહયો ને બીજી જ ક્ષણે જ્યારે પચીસેક વરસની યુવતી એ જ્યારે દેખા દિધી, મારા પગ તળેથી જાણે જમીન જ સરકી ગઈ.

હું તરત જ ઓળખી શકયો એને.

આ તો "મિનલ", મારી ઢીંગલી ને બીજી જ ક્ષણે મારી આંખો મા આંસુઓના બંંધ તૂૂટતા ઝળઝળિયાં આવી ગયા ને નજર સમક્ષ વીસેક વર્ષોનો સમયગાળો જાણે એક જ ક્ષણમાં કોઈ ફિલ્મની જેમ પસાર થઈ આંસુઓ ભેેગો વહેવા લાગ્યો.