સુરત એટલે ગુજરાતનું સૌથી ખૂબસુરત શહેર. સુરત એટલે ગુજરાતની આર્થિક રાજધાની. સુરત અને સુરતી લોકોનો મિજાજ એક આગવી શૈલી ધરાવે છે. આ શહેર અને તેના લોકોએ દેશના બધા જ વિસ્તારના લોકોને આવકાર્યા છે અને તેને આર્થિક રીતે સધ્ધર બનાવ્યા છે. સુરત એક એવુ શહેર છે જ્યાં આવી કોઇ બેકાર રહેતુ નથી. અહીં દરેકને પોતાની આવડત અને કક્ષા પ્રમાણે કામ મળે છે અને તેનુ વળતર પણ મળે છે. સુરતમાં આવી કોઇ ભુખ્યુ સૂતું નથી. આ શહેરમાં એવા કેટલાય લોકો છે, જે પહેરેલે કપડે સુરત આવ્યાં અને અત્યારે અબજોપતિ બની ગયાં છે. સુરત શહેર એક સુંદર યુવતી જેવુ છે જે તેને જોવે છે તે તેના પ્રેમમાં પડી જાય છે. સુરતમાં માત્ર ગુજરાત જ નહીં પણ દેશના ખૂણે ખૂણેથી લોકો રોજગાર માટે આવે છે અને પછી સુરતના પ્રેમમાં પડી જઇ અહીંજ સ્થાઇ થઇ જાય છે. આ બધા જ લોકોની સાથે સાથે ગુનાખોરી કરનારા લોકો પણ સુરતમાં આવ્યા અને તેને લીધે સુરતમાં કાયદો અને વ્યવસ્થા માટે પણ મોટા પ્રમાણમાં પોલીસતંત્ર ગોઠવાયું. આ બધાજ પોલીસ સ્ટેશનનું હેડક્વાર્ટર સુરતનાં પોશ એરીયા અઠવાલાઇન્સની પાસે આવેલુ છે. આ હેડક્વાર્ટરને તમે પહેલી વાર જુઓ તો તમને કોઇ મોલ જેવુ જ લાગે. એક મોટી બિલ્ડીંગ જેમા દાખલ થવા માટે તમારે પહેલા 20 પગથીયા ચડવા પડે. આ હેડક્વાર્ટરનુ વાતાવરણ એક્દમ ધમધમતુ હોય છે. અહી હેડક્વાર્ટરની અંદર કમિશ્ર્નરથી શરુ કરીને જુદા ઓફિસરની કેબીન આવેલી છે. આ હેડક્વાર્ટરની સામે સવારે 10 વાગે એક પોલીસ જીપ આવીને ઊભી રહે છે. તેમાથી એક યુવાન ઉતરે છે અને પગથિયાં ચડી અંદર દાખલ થાય છે. અહીનું વાતાવરણ પોલીસ સ્ટેશન કરતા કોર્પોરેટ હાઉસ જેવુ વધારે લાગતુ હતુ. અહી દરેક ટેબલ સુઘડ અને વ્યવસ્થિત ગોઠવાયેલા હતા. વિઝીટર્સને બેસવા માટેની અલગથી વ્યવસ્થા હતી. તે યુવાન જેવો અંદર દાખલ થાય છે એ સાથે જ આજુ બાજુ ટેબલ પર બેઠેલા પોલીસ ઓફિસર ઊભા થઇ સલામ મારે છે. પેલો યુવાન જેમ જેમ આગળ વધે છે તેમ તેમ બધા તેને સલામી મારતા જાય છે અને યુવાન પણ બધા સામે હસી આગળ વધે છે અને છેલ્લે આવેલી સુપ્રિટેંડેંટ ઓફ પોલીસ લખેલી ચેમ્બરમાં દાખલ થાય છે. આ યુવાન હજુ એક જ માસ પહેલા અહીં સુરતમાં એસ.પી તરીકે આવ્યો હતો અને તેનુ નામ હતું રિષભ ત્રિવેદી. રિષભની ઉમર આમ તો 37 વર્ષ હતી પણ તેના એકદમ ફિટ બોડી અને દેખાવને જોતા તે 25 વર્ષનો જ લાગે. 5.9 ફૂટ ઉંચાઇ એકદમ ફીટ બોડી, પહોળા ખભ્ભા ઘઉંવર્ણો ચહેરો પાણીદાર આંખ વાળો રિષભ પોલીસ ઓફિસર ઓછો અને મોડેલ વધુ લાગતો હતો. તેના આવા દેખાવને લીધે જ તેને પહેલીવાર જોનાર ગુનેગાર તેને અંડર એસ્ટીમેટ કરતો અને બહુ પસ્તાતો. એકવાર જેનો પનારો રિષભ સાથે પડે તે પછી બીજીવાર આવી ભૂલ કરે નહીં. રિષભ ક્યારેય મગજ ગુમાવતો નહીં. તે હંમેશા કહેતો ‘”મગજ એ ગુમાવવાની નહીં પણ વાપરવાની ચીજ છે.” તે ગમે તેવી પરિસ્થિતિમાં મગજ પર કાબૂ રાખી શકતો અને તેની આ જ આવડતને લીધે તે ઘણા કેસ ધાર્યા કરતા વહેલા સોલ્વ કરી શક્યો હતો અને તેને લીધે જ તે આટલી નાની ઉંમરમાં ખૂબ સારી પ્રગતિ કરી શક્યો હતો. હમણાં એક મહિના પહેલાજ તેનું પોસ્ટીંગ સુરતમાં થયુ હતું. રિષભ પોતાની ચેરમાં બેઠો એટલે પ્યુન બે ગ્લાસ પાણી આપી ગયો. આ રિષભનો રોજનો ક્રમ હતો કે આવીને તે ધીમે ધીમે બે ગ્લાસ પાણી પીતો અને કામે લાગતો. આજે પણ રિષભ કામ કરતો હતો ત્યાં પ્યુને આવીને કહ્યું “કમિશ્નર સાહેબ તમને બોલાવે છે.” આ સાંભળી રિષભે ફાઇલ બંધ કરી અને કમિશ્નરની ચેમ્બરમાં ગયો. સુરતના કમિશ્નર એ.કે સક્સેના એક ઠરેલ સ્વભાવના અને શાતિર દિમાગ ધરાવતા વ્યક્તિ હતા. એ.કે સક્સેનાના પહેરવેશ અને તેની બોલવાની છટામાં એક અલગ કક્ષાની પ્રોફેશનલ છાંટ હતી. ગમે તેવી મોટી વ્યક્તિને પણ તે પોતાના વાકચાતુર્યથી મોહિત કરી શકતા હતા. તે ખૂબ જ સરસ અંગ્રેજી જાણતાં હતાં. તે જ્યારે બોલતાં ત્યારે સામેની વ્યક્તિને કન્વીંસ થયાં સિવાય છુટકો જ નહોતો. રિષભની જેમ જ સક્સેનાની પણ ખાસીયત હતી કે તે બધાજ સાથે સાલીનતાથી વર્તતા અને કોઇને ઠપકો પણ એ રીતે આપતા કે તેને ખોટુ પણ ન લાગે અને જે કહેવાનુ હોય તે કહેવાય જાય. બધા તેની પાછળ તેને મીઠી છુરી કહેતા. રીષભ તેને મનોમન સેક્સી કહેતો કેમ કે તેની બોલચાલ અને પહેરવેશ એકદમ જ એટીકેટ વાળી હતી તેનાથી રીષભ પ્રભાવીત થયો હતો. સેક્સીએ રિષભને બેસવાનો ઇશારો કરતા કહ્યું “શુ ચાલે છે? સુરત કેવુ લાગ્યું?”
“સુરત ખરેખર ખૂબસુરત છે. આ શહેરની તાસીર જ અલગ છે. મને આ શહેર ખરેખર ગમ્યું.” રિષભે પણ સુરતના વખાણ કરતા કહ્યું. રિષભને ફરવાનો શોખ હતો એટલે તેણે એક મહિનામાં જ સુરત અને તેની આજુબાજુનો વિસ્તાર જોઇ લીધો હતો. અહીંનુ વાતાવરણ અને લોકોથી તે ખૂબ જ પ્રભાવીત થયો હતો.
“હા, સુરત એ ગુજરાતનુ પેરીસ છે. અહીં આવ્યા પછી કોઇ જવાનુ નામ જ ન લે.” એ.કે સક્સેનાએ પણ ટેકો આપતા કહ્યું. રિષભને સેક્સીની આ જ વાત ગમતી કે તે કોઇ પણ સ્થળ કે વ્યક્તિની સુંદરતા તે અલંકૃત ભાષામાં વર્ણવી શકતાં. સેક્સીની આ બધી ખાસીયત જોયા પછી રિષભને તેની આ પોસ્ટ સુધી પહોંચવાની લાયકાતમાં તેની પોલીસ ઓફીસર તરીકેની કારકીર્દીનો ફાળો ઓછો લાગ્યો. તે કોઇ પણ ઉપરી કે પોલીટીશીયન સાથે ખૂબ સારી રીતે ડીલીંગ કરી શકતા અને તેને લીધે જ તે અત્યારે ગુજરાતના પેરીસ કહેવાતા સુરતની સૌથી ઉંચી પોસ્ટ પર બેઠાં હતાં.
થોડી આડા અવળી વાતો ચાલી તેના પરથી જ રીષભને સમજાઇ ગયુ કે આ મારો ગાળીયો કરવાનો છે. "સેક્સી જલદીથી મુદ્દા પર આવ" રિષભે મનોમન કહ્યું અને જાણે સેક્સી તેના મનની વાત સમજી ગયો હોય તેમ બોલ્યો “ આજે એક કેસ આવ્યો છે. જે હવે તારે જ હેન્ડલ કરવાનો છે. આજે ડુમસ કાઠે રહેલ એક ફાર્મ હાઉસમાં સુરતના એક હિરા ઉધ્યોગના મોટા માથા દર્શન જરીવાલની ડેડબોડી મળી છે. આ કેસ ઉમરા પોલીસ સ્ટેશનના અંડરમાં આવે છે અને તેના પી.આઇ સંભાળે છે પણ, આ માણસ એક હસ્તી હતી. એટલે મને લાગે છે કે ઉપરથી પ્રેશર આવશે. હું ઇચ્છુ છું કે તું જ આ કેસ હેન્ડલ કર.”
“જેની હસ્તી જ નથી રહી તે હવે ગમે તેવી હસ્તી હોય તો પણ શું કામનું?” આ વિચાર આવતા રિષભના ચહેરા પર થોડા અણગમાના ભાવ સાથે તેણે કહ્યું “પણ સર આ તો સામાન્ય કેસ છે, એક પી.આઇ પણ સંભાળી શકે.”
આ સાંભળી સેક્સી હસ્યો અને બોલ્યો “મને હતુ જ કે તુ આમ જ કહીશ. સાંભળ એક અંદરની વાત તને કહી દઉ છું પણ ધ્યાન રાખજે કે આ વાત બહાર ન જાય." એમ કહી સેક્સીએ ધીમેથી કહ્યું "તેના બધા જ બીઝનેસમાં આપણા મહેસૂલ મંત્રી સી. કે વસાવા પણ પાર્ટનર હતા.” આ સાંભળી રિષભ ચોંકી ગયો અને બોલ્યો “એટલે તમે એવુ કહેવા માંગો છો કે આ માણસ મહેસૂલ મંત્રીના બે નંબરી ધંધા સંભાળતો હતો?”
આ સાંભળી સેક્સી ફરીથી હસ્યો અને બોલ્યો “ના આ માણસ ખૂબ જ બુદ્ધિશાળી બીઝનેશમેન હતો અને તેને જોઇતી સરકારી સહાય મહેસૂલ મંત્રી પૂરી પાડતો હતો. બંને બીઝનેશ પાર્ટનર હતા. પણ મહેસૂલ મંત્રીનુ ક્યાંય ઓફિસીયલી નામ નથી.”
“આ વાત તમને કેમ ખબર પડી?” રિષભે પુછ્યુ પણ પછી તેને આ પ્રશ્નની નિરર્થકતા સમજાઇ ગઇ.
“હું આ શહેરનો કમિશ્નર એમ જ નથી બની ગયો. આ ખુરશી પર બેસતા પહેલા તમારા વિસ્તારના મોટા માથાની દુઃખતી નસ તમારી પાસે હોવી જોઇએ, તો જ તમે આ ખુરશી પર ટકી શકો.” સેક્સીએ તેની સફળતાની ચાવી ખુલ્લી કરતા કહ્યું અને આગળ બોલ્યો “તારામાં મને મારી જુવાની દેખાય છે એટલે તારી સાથે વાત કરવામાં મને મજા આવે છે. બાકી આવી વાત બધાને કહેવાય નહીં.”
આ સાંભળી રિષભે મનોમન વિચાર્યુ કે “આજ વાત સેક્સીએ કેટલાય ઓફિસરને મારી જેમ ફસાવવા કરી હશે.” આ વિચાર આવતા તે હસી પડ્યો અને બોલ્યો “સર, મને તમારી પાસેથી ઘણુ શીખવા મળ્યુ છે.”
અને પછી કેસ વિશે પુછતા કહ્યું “હું આ કેસ મારી રીતે જ હેન્ડલ કરીશ. કોઇ જાતનુ પોલીટીકલી પ્રેશર તમે મારા પર નહીં આવવા દો એવુ હું ઇચ્છુ છું.”
“આ ખુરશી પર બેસીને મારે એ જ કરવાનું છે કે તારી પર આવતા બધા જ પ્રેશર હું દૂર કરી દઇશ. તુ ઝ્ડપથી કામે લાગી જા. મારે જેમ બને તેમ ઝડપથી પરીણામ જોઇએ.” સેક્સીએ રિષભને પુરતો સપોર્ટ આપતા કહ્યું.
આ સાંભળી રિષભને લાગ્યુ કે નહીં આવો જ વ્યક્તિ આ પોસ્ટ પર હોઇ શકે. અને પછી તેણે કહ્યું “સર, આ કેસ હું ઉમરા પોલીસ સ્ટેશન પરથી જ હેન્ડલ કરીશ. તેના માટે મને મંજુરી જોઇએ.”
“ હું તને બધી જ મંજુરી આપુ છું પણ મારે આ કેસ જેમ બને તેમ જલદી સોલ્વ થઇ જવો જોઇએ.”
સેક્સીએ કહ્યું.
આ સાંભળી રિષભે ઊભા થતા કહ્યું. “ઓકે, હું મારો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. બાકી તો જોઇએ આગળ શું થાય છે.” અને પછી તે ચેમ્બરમાંથી બહાર નીકળી પોતાની ચેમ્બરમાં ગયો. રિષભે પોતાના ડેસ્ક પર ફાઇલ વ્યવસ્થિત કરી અને પછી બેલ મારી પ્યુનને બોલાવ્યો. પ્યુન આવ્યો એટલે તેણે તેને કહ્યું ““ તિવારીને અંદર મોકલ” આ સાંભળી પ્યુન ગયો અને થોડીવાર બાદ તિવારી ચેમ્બરમાં દાખલ થયો તેને જોઇને રિષભે કહ્યું “સાંભળો હવે થોડા દિવસ હું અહી નહીં આવુ. મારું કંઇ પણ કામ હોય તો ઉમરા પોલીસ સ્ટેશન પર કોન્ટેક્ટ કરવો.” પછી થોડુ રોકાઇને રિષભે કહ્યું. “તમે ઉમરા પોલીસ સ્ટેશન પર જાણ કરો કે એક અઠવાડીયા સુધી હું ત્યાં જ રહીશ અને આજે જે મર્ડર થયુ છે તે કેસ સંભાળીશ. હમણા અડધા કલાકમાં હું ત્યાં પહોંચુ છું.”
આ સાંભળી તિવારીએ કહ્યું “ઓકે સર.” અને પછી તે ચેમ્બરની બહાર નિકળી ગયો અને પોતાના ડેસ્ક પર જતા બોલ્યો “ વસાવાની વાટ લાગી ગઇ.” અને પછી તેના ટેબલ પર જઇ ફોન લગાવ્યો. સામે ઉમરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ વસાવાએ ફોન ઉઠાવ્યો એટલે તિવારીએ કહ્યું “વસાવા સાહેબ તમારા માટે એક ખરાબ ખબર છે. પેલા મર્ડર કેસ અમારા એસ પી રીષભ ત્રિવેદી સાહેબ હેન્ડલ કરવાના છે.” આ સાંભળી વસાવાનો મૂડ બગડી ગયો અને બોલ્યો “આ આજકાલના જુવાનીયા શું કેસ સંભાળશે? કરવાદો મને શું ફરક પડવાનો છે.”
આ સાંભળી તિવારીએ કહ્યું “મને લાગે છે કે તમને ત્રિવેદી સાહેબનો પરિચય નથી. અને બીજા ખરાબ સમાચાર એ છે કે તે આ કેસ તમારા સ્ટેશન પરથી હેન્ડલ કરશે.”
“તમે શું કહેવા માગો છો તે સમજાયુ નહીં.” પી.આઇ વસાવાને તિવારી શુંકહેવા માગે છે તે ન સમજાતા પુછ્યું.
“ અરે વસાવા સાહેબ મારો કહેવાનો મતલબ છે હવે આ કેસ સોલ્વ ન થાય ત્યા સુધી ત્રિવેદી સાહેબ તમારા સ્ટેશન પર જ રહેશે.” તિવારીએ આખી વાત સમજાવતા કહ્યું.
“આ તમારો સાહેબ ગાંડો થઇ ગયો છે કે શું? ત્યાં તમે મસ્ત ચેમ્બર આપી છે તો પછી અહીં શુ કામ છે?” વસાવાએ ગુસ્સે થતા કહ્યું.
“સાહેબ તમે એ બધી વાત છોડો. સાહેબ હમણા અડધા કલાકમાં ત્યાં આવશે. અને મારી તમને સલાહ છે કે આ સાહેબ ત્યાં રહે ત્યાં સુધી તેને પૂરો સપોર્ટ કરજો. આ સાહેબ અલગ જ મિજાજ ધરાવે છે તેની નજરમાંથી કંઇ પણ છટકી શકતુ નથી. ખૂબ નાની ઉમરે તેણે ઘણા અઘરા કેસ સોલ્વ કરેલા છે.” તિવારીએ કહ્યુ અને ફોન મૂકી દીધો. આ સાંભળતા જ વસાવા ઢીલો થઇ ગયો અને તેણે બેલ મારી પ્યુનને બોલાવ્યો અને કહ્યું “આખા સ્ટાફને ઝડપથી મારી કેબીનમાં મોકલ.” આ સાંભળી પ્યુન ઝડપથી બહાર ગયો અને પાંચ મિનિટમાં આખો સ્ટાફ પી.આઇની ચેમ્બરમાં હતો. વસાવાએ આખી વાત સ્ટાફમાં કરી અને બોલ્યો “અડધા કલાકમાં મારે સ્ટેશન કમ્પ્લીટ જોઇએ. અને આ સાહેબ અહીં છે ત્યાં સુધી કોઇ અનઓફિસીયલ કામ ન જોઇએ. અને પેલા ક્રાઇમ સીન પર કોણ ગયુ છે?”
“પી.એસ.આઇ અભય ચૌધરી અને કોંસ્ટેબલ મધુભાઇ રાઠોડ બંને ત્યાં છે.” પ્યુને માહિતી આપતા કહ્યું.
“તે બંનેને ફોન કરી કહી દો કે થોડા સમયમાં હું અને સાહેબ ત્યાં જઇશું.” અને પછી બધા સામે જોઇને કહ્યું “આ સાહેબ ખૂબ જ સ્ટ્રીક્ટ છે અને માહિતી મળી છે કે ખૂબ જ એક્ટીવ છે એટલે તેની નજરમાં જો કંઇ આડુ અવળુ આવ્યુ છે તો આપણુ બુચ લાગી જશે. ચાલો બધા ઝડપથી કામે લાગી જાવ.” આ સાંભળી બધા અંદરો અંદર ગણગણાટ કરતા ચેમ્બરની બહાર નીકળ્યા. તે બધાને નહોતી ખબર કે હવે પછીના દિવસો તે બધા માટે કપરા હતા. આ કેસ તે બધાને દોડતા કરી દેવાનો હતો. તે લોકો તેની આખી જિંદગી આ કેસ ભૂલી શકવાના નહોતા.
-----------***************------------------****************-----------------------------
મિત્રો આ મારી ત્રિજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.
મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.
--------------------*****************------------***************---------------------
HIREN K BHATT
MOBILE NO:- 9426429160
EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM