યોગ-વિયોગ
કાજલ ઓઝા વૈદ્ય
પ્રકરણ - ૫
ધ્રૂસકે ધ્રૂસકે રડતી અંજલિની પીઠ પર વસુમાનો હેતાળ હાથ ફરી રહ્યો હતો. વૈભવી મનોમન આગ લગાડવાની પોતાની તરકીબ કામ ન લાગી એમ વિચારીને અકળાઈ રહી હતી. જાનકીએ વસુમાના શબ્દો સાંભળ્યા, “આવતી કાલે સવારે મારી અડતાલીસ કલાકની મુદત પૂરી થાય છે. બેટા, જો આવતી કાલ સવાર સુધી તારા પિતા નહીં આવે તો હું મંગળસૂત્ર ઉતારીને મૂકી દઈશ. આપણે કાશી જઈને એમના શ્રાદ્ધની વિધિ કરી દઈશું. એ પછી એ આવે તો પણ...” જાનકીને આ સ્ત્રીની સ્વસ્થતા અને પરિસ્થિતિ સાથે પનારો પાડવાની આખીયે રીત બહુ નવાઈ ભરેલી લાગી. ‘કેટલી બધી સ્વાભાવિકતાથી એણે સત્યોને સ્વીકાર્યાં હતાં !’ જાનકીએ વિચાર્યું. પછી મા-દીકરીને એકલાં છોડીને બહાર જવા માટે એ પાછી ફરી. વૈભવીને ત્યાં ઊભેલી જોઈને એણે કહ્યું, “હું ચા મૂકું છું, તમે આવો છો ને ?”
“હં...?” મનોમન વિચારોની ચેસ રમતી વૈભવી ચોંકી, “હા આવું છું.” અને પછી અનિચ્છાએ જાનકીની સાથે ઓરડાની બહાર નીકળી.
“બેટા,” બંનેના બહાર નીકળી ગયા પછી વસુમાએ અંજલિને કહ્યું, “તારી અકળામણ, તારો ક્રોધ અને તારો વિરોધ સુધ્ધાં હું સમજી શકું છું, પણ એમની તમામ ભૂલોને ભૂલો તરીકે સ્વીકારીએ તો પણ એ તારા પિતા છે.”
“આટલાં વરસ ક્યાં હતા ?” અંજલિના અવાજમાં ગુસ્સાની સાથે વસુમાની વાતનો સ્પષ્ટ અસ્વીકાર હતો. એણે માની છાતી પર મૂકેલું માથું લઈ લીધું. માને પકડીને આરામ ખુરશીમાં બેસાડી. પોતે સામે જમીન પર પલાઠી વાળીને બેસી ગઈ, “કહે મને, ક્યાં હતા આટલાં વરસ ?”
“એ જ પૂછવું છે મારે.” વસુમાએ કહ્યું.
“છેક હવે, આટલા વરસે ?”
“હવે જ બેટા. આજ સુધીની જિંદગી તો હું તમારા સહુ માટે જીવી. નોકરી કરી, તમને ભણાવ્યા, પરણાવ્યા, તમારી જિંદગીઓ ગોઠવાય એ જોવા માટે જીવી હું, પણ હવે આટલા વરસે મને લાગે છે કે મારે મારા માટે જીવવું છે. જે વાત પચીસ વરસ સુધી ઘા બનીને દૂઝતી રહી છે મારી અંદર, એ ઘા પર હવે મલમ લગાડવો છે. જે સવાલોએ મને પચીસ વરસ નિરાંતની ઊંઘ નથી લેવા દીધી એ સવાલોનો જવાબ માત્ર એ જ માણસ આપી શકે એમ છે. ને બેટા, મારે એ સવાલોના પૂરા સાચા જવાબ જોઈએ છે. એ વિના મારો આત્મા મારો દેહ નહીં છોડે.”
“મા...” અંજલિની આંખોમાંથી ડૂસકે ડૂસકે આંસુ સરતાં હતાં. “હું સમજું છું તારી વાત અને તોય સ્વીકારી નથી શકતી. એ માણસ અહીં આવશે તો કેટલીયે ભુલાયેલી વાતો યાદ આવશે. કેટલાય જૂના જખમ તાજા થશે મા.”
“તને યાદ છે બેટા, તું નાની હતી ત્યારે હું તને કડુંકડિયાતું પીવડાવતી... ને તું પૂછતી મને, મા હું તને વહાલી છું ને ? તો શું કામ મને કડવું પીવડાવે છે ? ત્યારે હું તને કહેતી બેટા, કડવું એ જ પીવડાવે જે વહાલ કરતું હોય... તારા ભલા માટે, તારી સારી તબિયત માટે જે મા તને કડવું પીવડાવતી એ જ મા આજે તમારા બધાના જખમ કાયમ માટે રૂઝવી દેવા એ જખમને ફરી એક વાર તાજા કરે છે...” વસુમાએ એક ઊંડો શ્વાસ લીધો. અંજલિ જોઈ રહી એમની સામે. માની સ્પષ્ટતા અને સ્વસ્થતા એણે પહેલાં નહોતી જોઈ એવું નહોતું, પણ આજે જાણે એને મા સાવ જુદી લાગતી હતી.
“કોઈ બીજું સમજે કે ના સમજે, તું તો મારી વાત સમજીશ એમ હું માનતી હતી...” વસુમાએ કહ્યું.
“મા, આનાથી શું મળશે ? કેટલા પ્રશ્નો ઊભા થશે એની ખબર છે ?”
“ન પણ થાય. કદાચ અત્યાર સુધી ઊભા થતા રહેલા પ્રશ્નોના ઉત્તરો મળી જાય એમ પણ બને. અડધો ખાલી ગ્લાસ અડધો ભરેલો પણ છે બેટા...તમે બધા જ શા માટે એક જ દિશામાં વિચારો છો.”
“બધા ? બધા કોણ મા ? હું મારી વાત કરું છું...” અને અંજલિનો અવાજ ફરી એક વાર ઊંચો થઈ ગયો. “તમે બધાએ મને પરણાવીને જાણે આ ઘરમાંથી કાઢી મૂકી. બોજ ઉતારી નાખ્યો માથા પરથી. આ ઘરમાં શું બને છે, કોણ શું કરે છે એ જણાવવાની તસદી નથી લેતું કોઈ.” અંજલિ રડું રડું થઈ ગઈ ફરી એક વાર. “હું મરી ગઈ કે જીવું છું એનીય ખબર નથી રાખતું કોઈ.”
“તને ખરેખર એવું લાગે છે, બેટા ?” વસુમાએ અંજલિની આંખોમાં જોયું. પછી એમના ખોળા પર બંને હાથની કોણીઓ ટેકવીને બેઠેલી અંજલિનો ચહેરો પોતાના બંને હાથની વચ્ચે લીધો. થોડી વાર જોઈ રહ્યાં એની સામે. પછી કહ્યું, “બેટા, આ ઘર જેટલું અભય, અજય અને અલયનું છે, એટલું જ તારું છે. મારા ઉપર જેટલા એમના અધિકારો છે એટલા જ તારા છે અને તેં આ વાત કાઢી છે એટલે તને કહી દઉં કે મેં તારા ત્રણ ભાઈઓમાંથી કોઈનીય સાથે વાત કરીને આ જાહેરાત નથી છપાવી. આ મારો નિર્ણય છે. સ્વતંત્ર રીતે મારો પોતાનો...” એમણે એકીશ્વાસે કહ્યું અને જાણે વાત અધૂરી છોડી હોય એમ શ્વાસ પણ છોડી દીધો.
“મા, પપ્પા આવશે ?”
“નથી જાણતી દીકરા, પણ એટલું જરૂર જાણું છું કે આ જાહેરાત આપ્યા પછી મારું મન શાંત થઈ ગયું છે. પ્રયાસ કર્યાનું સુખ છે મને.”
“એ ખરેખર આવીને ઊભા રહે તો ?”
“તો ? તો શું બેટા ?”
“તો શું થાય એની કલ્પના છે, મા ? તમે ભલે ગમે તે કહો, પણ એકલા જીવતાં જીવતાં આ ઘરને એકલા હાથે ચલાવવાની, ઘરના તમામ નિર્ણયો એકલા જ લેવાની અને એકલા જીવવાની ટેવ પડી ગઈ છે તમને. રોજ એક એક ઇંટ મૂકતાં મૂકતાં તમારી આસપાસ એક કિલ્લો ચણી લીધો છે તમે અને એના દરવાજા બંધ કરી દીધા છે.” અંજલિ બોલતી હતી વસુમાની સામે જોઈને, એના અવાજમાં વસુમાને જાણે એક ચેતવણી, એક ભવિષ્યવાણી સંભળાતી હતી, “હવે એ કિલ્લાની બહાર તમે નીકળી શકો એમ નથી ને કિલ્લાની અંદર કોઈ આવી શકે એમ નથી મા... મને હજીયે એમ જ લાગે છે કે આ જાહેરાત આપીને તમે ભૂલ કરી છે.”
વસુમા એકીટશે જોઈ રહ્યાં અંજલિની સામે.
“શું આ છોકરી સાચું કહેતી હતી ?” વસુમાનું મન ક્ષણભર માટે ગૂંચવાઈ ગયું, “શું ખરેખર એમણે જગ્યા નહોતી રાખી કોઈ માટે કે પછી એમના અજાણતા જ એમની આસપાસની ખાલી જગ્યાઓ ભરાઈ ગઈ હતી. જિંદગી પાણીની જેમ કોઈ પણ આકારના વાસણમાં ઢળીને પોતાનું લેવલ મેચ કરતી રહી હતી આટલાં વરસો દરમિયાન...” વસુમા વિચારે ચડી ગયાં.
મા-દીકરી વચ્ચે વધુ વાત થાય એ પહેલાં બહારથી જાનકીનો અવાજ સંભળાયો, “ચા તૈયાર છે.”
અને જાણે વસુમા પણ આ ચર્ચાને ટૂંકાવી નાખવા માગતાં હોય એ ઊભાં થયાં અને અંજલિને કહ્યું, “ચાલ, ચા પી લઈએ.”
અલય કૉફી શોપમાં બેસીને લખી રહ્યો હતો. એણે શર્ટનાં બે બટન ખોલીને કૉલર પાછળ નાખી દીધો હતો. ફૂલ સ્લિવના શર્ટને વાળીને એની બાંય કોણીથી ઉપર સુધી ચડાવી હતી. એની છાતીના વાળ એના ખુલ્લા શર્ટમાંથી દેખાતા હતા. એની આંખો એ જે લખતો હતો એ ભાવને પ્રતિબિંબિત કરતી હતી. એના ચહેરા પર એક બહુ જ આછું સ્મિત હતું.
એણે છેલ્લી લીટીનું પૂર્ણવિરામ કરીને પાનું ફાડ્યું અને લખેલાં પાનાંની થપ્પીમાં મૂક્યું. પછી હાથ ઊંચા કરીને આળસ ખાધી અને ઘડિયાળ જોઈ, સાડા ચાર ને પાંચ. “આ નીરવે ત્રણ વાગ્યે આવવાનું કહ્યું હતું. ટાઇમસર આવે જ નહીંને કોઈ દિવસ !” અલયે મનોમન કહ્યું. પછી હાથના ઇશારાથી ત્રીજી કૉફીનો ઑર્ડર આપ્યો.
એ જ વખતે એણે કૉફી શોપનો કાચનો દરવાજો ધકેલીને દાખલ થતા નીરવને જોયો. જેવી અલયની આંખ મળી એવા નીરવે જીભ કાઢીને કાન પકડ્યા. પછી અલય પાસે આવીને કહ્યું, “સૉરી યાર, મારા મહાન પિતાશ્રીએ બેસાડી દીધો. હવે એમને એવું તો કહેવાય નહીં કે તને મળવા આવવું છે. નહીં તો શ્રી વિષ્ણુપ્રસાદ ચોકસીને બે દાંત ફૂટી આવે આગળ ને આખા શરીર પર ચટાપટા ઊપસી આવે...”
કહીને હસતો હસતો એ અલયની સામેની ખુરશી ખેંચીને બેસી ગયો. પછી બોલ્યો, “મારી કૉફી મંગાવી કે નહીં ? ટાઈગરે બે કલાકનું લેક્ચર આપ્યું, મારે જીવન કઈ રીતે જીવવું એ વિશે, પણ કૉફી સુધ્ધાં ના પીવડાવી...”
“બોલી લીધું ?” અલયે પૂછ્યું.
“ના...” નીરવે કહ્યું, “બે કલાક ભાષણ સાંભળીને આવ્યો છું. હવે વીસ મિનિટ તો બોલવા દે.” પછી ફરી હસ્યો.
“હું જૉક્સના મૂડમાં નથી.” અલયે કહ્યું.
“ઓ.કે. બોલ, શું વાત છે ?” ગંભીર થઈ જતાં નીરવે કહ્યું, “તારો અચાનક ફોન આવ્યો, એ પણ ઑફિસ અવર્સમાં એટલે મને લાગ્યું જ કે કંઈક ઇમરજન્સી છે. બોલ, શું થયું છે ?”
“થવાનું શું હતું ? મારે તારા વાલકેશ્વરવાળા ફ્લેટની ચાવી જોઈએ છે.”
“પાછું શું થયું ?” નીરવે પૂછ્યું. “આપણે તે દિવસે મઢ ગયેલા ત્યારે નક્કી કર્યું હતું કે તું આ જાહેરખબર વિશે રિએક્ટ નહીં થાય...”
“એવું નહીં બને. હું એ માણસનોે વિચાર કરું છું અને મારું લોહી ગરમ થઈ જાય છે. એ આવે એ પહેલાં હું ઘર છોડી દેવા માગું છું.” અલયના અવાજમાં અણગમો અને અકળામણ સ્પષ્ટ હતા.
“ઘર છોડી દેવાથી છૂટી જઈશ તું એમ માને છે ?” નીરવે કહ્યું. પછી ટેબલ પર આગળ ઝૂંકીને અલયની આંખોમાં જોયું, “આ સમય તારી માની સાથે રહેવાનો છે. એને છોડીને ભાગવાનો નથી. ”
“અચ્છા ?” અલયના અવાજમાં સહેજ સડવાશ ઊતરી આવી, “એમને અમારી જરૂરત જ નથી.”
“એવું કહ્યું એમણે તને ?” નીરવે પૂછ્યું. એ જ વખતે અલયની ટેબલ કૉફી પર આવી. નીરવે એ કૉફી પોતાની તરફ સરકાવી લીધી અને કહ્યું, “એક ઔર...”
“વ્હોટ ઈઝ ધીસ ?” અલયે કહ્યું. એ ચિડાયેલો હતો.
“કૉફી !” નીરવે કહ્યું.
“તું મને ચાવી આપીશ કે નહીં ?”
“કૉફી શોપની ચાવી મારી પાસે નથી.” નીરવે કહ્યું અને પછી લૂચ્ચું હસ્યો.
“મને તારી આ એક જ વાત નથી ગમતી. કોઈ પણ વાતને સિરિયસલી લેતો જ નથી.”
“મૂરખ છે તું...” નીરવે કહ્યું, “તારી માએ આખી જિંદગી તમારા લોકો માટે જીવી કાઢ્યું છે. હવે જ્યારે એને તમારી જરૂર છે ત્યારે તારા અંગત ગમા-અણગમાની બેગ ઊંચકીને તું ઘર છોડી દેવા માગે છે. વેરી ગૂડ...” એણે તાળી પાડી. “વેરી ગૂડ... આનાથી વધારે કોઈ એક દીકરો મા માટે શું કરી શકે ?”
“એટલે તું એમ કહેવા માગે છે કે એ માણસ આવે તો હું એને ગળે વળગી પડું ? હિન્દી ફિલમના હીરોની જેમ પચીસ વરસ પછી મળેલા બાપને પાપા-પાપા કરીને રડવા માંડું ?”
“ના રે, જરાય નહીં. હું તો માત્ર એટલું જ કહું છું કે તારી માની પીડા જો તું નહીં સમજે તો કોણ સમજશે ? જે સવાલો પચીસ પચીસ વરસથી એની આંખોમાં લખાયેલા તેં વાંચ્યા છે એ સવાલો તારે પૂછવા જોઈએ તારા પિતાને...”
“પિતા ? હું એને પિતા કહેતો જ નથી. ત્રણ બાળકો અને એક ગર્ભવતી પત્નીને છોડીને ભાગી ગયેલો માણસ ગમે ત્યારે પાછો આવે અને એને એનું કુટુંબ સ્વીકારી લે એવું ફિલ્મો અને નવલકથાઓમાં થાય, જિંદગીમાં નહીં. મારી મા જે રીતે ઇચ્છે છે એ રીતે હું એમની સાથે વર્તી નહીં શકું અને હું જે રીતે એમની સાથે વર્તીશ એ મારી મા સ્વીકારી નહીં શકે. એના કરતાં બેટર છે કે હું...”
“મૂર્ખ છે તું.” નીરવે એની વાત કાપી, “કદાચ તારી મા ઇચ્છતી હોય કે તું એની સાથે જ એ જ રીતે વર્તે, જે રીતે તારે વર્તવું છે અથવા તારે એમની સાથે જે રીતે વર્તવું છે એ રીતે વર્તવા માટે જ તારી મા બોલાવતી હોય એમને...”
“અઘરા ડાયલોગ નહીં બોલ. ઑડિયન્સને કાંઈ સમજ નહીં પડે.” અલયે કહ્યું, “જો હું તો એક વાત સમજું છું. મારાથી એ માણસ સહન નહીં થાય...”
“એ માણસ સહન નહીં થાય... હું એની સાથે સારી રીતે નહીં વર્તું... આ બધી ચર્ચા અત્યારે કરવાનો કોઈ અર્થ જ નથીે. સાદી-સીધી વાત એટલી જ છે કે એ માણસ આવે તો તારે કંઈ કરવાનું છે. ધાર કે એ આવે જ નહીં અને આખી ય વાત પૂરી થઈ જાય તો?” નિરવે કહ્યું અને પછી છરીની ધાર જેવી દૃષ્ટિથી અલયની આંખમાં જોયું. “કે પછી તું પણ વસુમાની જેમ એમ જ માને છે કે, એ માણસ આવશે... જરૂર આવશે.”
“હું...હું.... કંઈ માનતો નથી. માએ જે કર્યું છે એ મને ગમ્યું નથી અને એટલે મારે...”
નિરવે ફરી વચ્ચે વાત કાપી, “તેં એવું કેટલું કર્યું છે, જે માને ના ગમ્યું હોય. મા તો ઘર છોડીને જતી નથી રહેતી...” અને પછી નિઃશ્વાસ નાખીને ઉમેર્યું, “નસીબદાર છે તું, કે તારા પિતા ગયા. તારી મા નહીં. મને પૂછ, કે મા ઘર છોડીને જતી રહે તો શું થાય? અલય, મારું બાળપણ અધૂરું રહી ગયું છે. માને છોડવાની ભૂલ નહીં કરતો, નહીં તો જિંદગી અધૂરી રહી જશે.” પછી જાતને સંકેલીને પૂર્ણવિરામની જેમ ઉમેર્યું, “બેવકૂફી કરવાની કોઈ જરૂર નથી. ચૂપચાપ એ ઘરમાં રહે. તારા પિતા આવશે તો...”
“એ મારા પિતા નથી.”
“સારું ભઈ, એ આવશે ત્યારે જોયું જશે.”
લક્ષ્મી ખૂબ ઉત્સાહથી સૂર્યકાન્તને શોપિંગ દેખાડતી હતી. સાડીઓ, કોસ્મેટિક્સ, પરફ્યુમ્સ, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ...
“સરસ છે! ખૂબ સરસ છે! પણ આ બધું તું આપીશ કોને?” સૂર્યકાન્તે લક્ષ્મીને પૂછ્યું.
“અરે! ઈન્ડિયામાં આપણા રિલેટીવ્ઝ તો હશે ને?” લક્ષ્મીએ કહ્યું, “મારી એક ફ્રેન્ડ દર વર્ષે ઈન્ડિયા જાય છે. ખૂબ શોપિંગ કરે છે. કહે છે કે, ઈન્ડિયન રિલેટીવ્ઝને અમેરિકન વસ્તુઓ ખૂબ ગમે છે.” સૂર્યકાન્ત હસ્યા. લક્ષ્મીના માથે હાથ ફેરવ્યો પછી એક નિઃશ્વાસ નાખીને કહ્યું, “હું પચ્ચીસ વરસે ઈન્ડિયા જાઉં છું. ખબર નથી કોણ રિલેટીવ્ઝ છે અને કોણ નથી.”
“કોઈ તો હશે ને?” લક્ષ્મીએ પૂછ્યું.
“આમ જુઓ તો ઘણા છે.” ફરી નિઃશ્વાસ નાખીને સૂર્યકાન્ત ઊંધા ફરી ગયા, “ને આમ જુઓ તો કોઈ નથી.” સૂર્યકાન્તના આ વારંવારના નિઃશ્વાસથી વિચલિત થઈને લક્ષ્મી એની નજીક આવી. પોતાના બંને હાથ એની પીઠની આસપાસ લપેટી લીધા. છાતી ઉપર અંકોડા ભીડીને પીઠ પર માથું મૂકી દીધું, “ડેડી, તમે અચાનક ઈન્ડિયા જવાનું કેમ નક્કી કર્યું? કોઈ બિમાર છે? કોઈ પ્રોબ્લેમ છે ત્યાં?”
“ના, બેટા.” પછી લક્ષ્મીને કહેવું કે નહીં એનો નિર્ણય કરતાં હોય એમ બે-ત્રણ ક્ષણ ચૂપ રહ્યા ને પછી ખૂબ ધીમેથી કહ્યું, “કોઈએ બોલાવ્યો છે મને ત્યાં.” લક્ષ્મીએ ચોંકીને ઉપર જોયું. પિતાનો ચહેરો બીજી તરફ હતો પણ જાણે એમના અવાજમાંથી એક વેદના, એક તરસ ટપકતી હતી.
લક્ષ્મી આગળ આવીને સૂર્યકાન્તની સામે ઊભી રહી.
“ડેડી, શું વાત છે? પ્લીઝ મને કહો. હું બે દિવસથી જોઉં છું કે તમે ખૂબ ડિસ્ટર્બ છો. ગઈ કાલે આખી રાત બીન બેગ પર સૂઈ રહ્યા. ડેડી, એવું કોણ છે, જેનો મેસેજ આવતાં જ તમે આટલા ડિસ્ટર્બ થઈ ગયા છો.”
“લક્ષ્મી... બેટા... આ દેશમાં એવું કોઈ નથી, જેને હું મારી વાત કહી શકું. કદાચ, હવે તો ભારતમાં ય એવું નથી રહ્યું, જે મારા મનની વાત સમજશે. તું હંમેશા મારી દીકરી ઓછી ને દોસ્ત વધારે રહી છે. આજે એક વાત કહેવી છે તને. બેસ.” સૂર્યકાન્તે કહ્યું અને લક્ષ્મીનો હાથ પકડીને એને બેડ પર બેસાડી દીધી. પોતે ખુરશી ખેંચીને સામે બેઠા. બાપ-દીકરી વચ્ચે થોડીક ક્ષણો એમ જ વજનદાર પસાર થઈ ગઈ. લક્ષ્મી ઉચ્ચક શ્વાસે પિતા શું કહે છે, એની રાહ જોઈ રહી હતી. સૂર્યકાન્ત, પોતાની વાત કઈ રીતે કહેવી એના શબ્દો ગોઠવી રહ્યા હતા.
હળવે રહીને સૂર્યકાન્તે વાત શરૂ કરી.
“મારી પત્ની છે... ભારતમાં!” અને પછી સાવ ચૂપ થઈ ગયા. લક્ષ્મી થોડી વાર વાત આગળ વધવાની રાહ જોતી રહી પછી એને લાગ્યું કે, પિતાને થોડાક સહારાની, એકાદ પ્રશ્નની જરૂર છે એટલે એણે ધીમેથી પૂછ્યું, “જીવે છે?”
“હા. એણે જ બોલાવ્યો છે મને. ભારતનાં છાપાઓમાં જાહેરાત છાપી છે. મને બોલાવવા, મને શોધવા.”
“શોધવા?” લક્ષ્મીના અવાજમાંથી આશ્ચર્ય છલકાઈ ગયું.
“હા, શોધવા.” સૂર્યકાન્તને શબ્દો શોધવાના ફાંફા પડી ગયા. એમણે માંડ-માંડ થોડા શબ્દો ગોઠવીને લક્ષ્મીને કહ્યું, “હું... હું ઘર છોડીને ભાગી આવ્યો હતો બેટા. આજથી પચ્ચીસ વરસ પહેલાં.”
“ડેડી!” લક્ષ્મીના અવાજમાં આશ્ચર્યની સાથે હવે આઘાત ભળ્યો હતો.
“હા, બેટા. કાયરની જેમ ભાગી આવ્યો હતો ત્યાંથી. એટલું જ નહીં, એ પછી મારાં સંતાનોની, મારી પત્નીની ખબર પણ નથી કાઢી મેં.” સૂર્યકાન્તના અવાજમાં એક ગુનેગારની પીડા હતી.
“પણ આટલાં વરસે હવે ડેડી... એ લોકો તમને શું કામ શોધે છે?”
“નથી જાણતો બેટા. કદાચ હું પણ આ જ સંદેશાની રાહ જોતો હતો. એટલે જ હિંમત નહીં થઈ હોય!” સૂર્યકાન્તની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. “આ પચ્ચીસ વરસના બાર હજારથી વધુ દિવસો મેં કેટલા પશ્ચાતાપમાં અને કેટલા તરફડાટમાં કાઢ્યા છે, એની મને જ ખબર છે. મને ડર લાગતો હતો લક્ષ્મી કે, આવી રીતે ભાગી આવ્યા પછી, જો હું ત્યાં જઈશ તો જે તિરસ્કાર અને જાકારો મને મળશે, એ હું નહીં સ્વીકારી શકું.”
“પણ ડેડી, એક વાર ટ્રાય તો કરવી જોઈતી’તી. જે લોકોેેેેેેેેેેેે પચ્ચીસ વરસ પછી પણ તમને શોધે છે. એમણે તમારી કેટલી રાહ જોઈ હશે? કેટલા દુઃખી થયા હશે તમારા વિના? એસ્પેશ્યલી યોર વાઈફ...”
“જાણું છું બેટા. આજે આ વાત તને એટલા માટે કહી રહ્યો છું કે, તું મારી સાથે આવવાની છે. ખરું પૂછો તો તને મારી સાથે લઈ જઈ રહ્યો છું એટલા માટે કે એ ઘરમાં એકલા પગ મૂકવાની મારી હિંમત નથી. કોઈ એક જણનો હાથ હશે મારા હાથમાં તો એ દરવાજે જઈને ઊભો રહી શકીશ. બાકી મારો પગ જ નહીં ઉપડે.”
“ડેડી, તમારું ફેમિલી, આઇમીન તમારાં વાઇફ મને જોઈને કેવું રિએક્ટ કરશે ? એટલે કે... હું તમારી સેકન્ડ વાઇફની...” આ જ સવાલ સૂર્યકાંતને પણ મૂંઝવી રહ્યો હતો. લક્ષ્મી વિના જવાની એમની હિંમત નહોતી અને લક્ષ્મીને લઈને જાય તો વસુંધરા અને ઘરના બધા કઈ રીતે વર્તશે એની એને ખબર નહોતી...
“બેટા, આ જ સવાલ મને પણ મૂંઝવે છે, પણ તને અહીંયા એકલી મૂકીને જવાની મારી તૈયારી નથી. કોણ જાણે પચીસ વર્ષે મને શા માટે બોલાવ્યો છે અને ત્યાં કેટલા દિવસ લાગશે એની પણ મને કલ્પના નથી.” સૂર્યકાંતે ચાર-પાંચ ક્ષણો ચૂપ રહીને ઉમેર્યું, “બેટા, એ લોકો શું કહેશે કે કરશે એની મને ખબર નથી, પણ તું મારા કુટુંબનો ભાગ છે. આજે નહીં ને કાલે એમને જાણ તો થવાની જ છે અને એક વાર કરેલી કાયરતા, કે બેજવાબદારીને ભૂલ કહી શકાય... બીજી વાર કરું તો એને ગુનો કહેવાય. તારી મા જીવતી હોત તો તને કે એને મૂકીને જવાનો સવાલ આવત ?”
“ડેડી, મેં ઘણી જગ્યાએ વાંચ્યું હતું કે પુરુષો ઈમોશનલિ બહુ વિક હોય છે. સ્ત્રીના સપોર્ટ વિના જીવવું એમને માટે અઘરું હોય છે. તમારા વાઈફ, પછી મમ્મી અને હવે હું. તમે પણ એવા જ છો, ડેડી.”
“બેટા, મને નબળા કે સક્ષમની ખબર નથી. પણ આજે જે પરિસ્થિતિ મારી સામે આવીને ઊભી રહી છે એનો સામનો હું એકલો કરી શકું એમ નથી, એ નક્કી છે...” એમની વાત વચ્ચે જ કાપીને લક્ષ્મીએ કહ્યું, “અને આજે સામનો નહીં કરો તો ફરી ક્યારેય નહીં કરી શકો, એ પણ નક્કી છે. ડેડી, હું પેકિંગ કરું છું. આપણે રાતની ફ્લાઈટથી જઈએ છીએ. વિચાર બદલતા નહીં. કામનું બહાનું કાઢતા નહી અને પિતાને પોતાના રૂમમાં એકલા છોડી લક્ષ્મી બહાર ચાલી ગઈ.
લક્ષ્મીના રૂમમાં લગાડેલો સ્મિતા અને એક મહિનાની લક્ષ્મીનો ફોટો સૂર્યકાન્ત જોઈ રહ્યા. હોઠના એક ખૂણાથી બીજા ખૂણા સુધી સ્મિત કરી રહેલી સ્મિતાનો આ ફોટોગ્રાફ લેતી વખતે એના જીવનના ગણ્યા-ગાંઠ્યા દિવસો બાકી છે એની જાણ હતી એને. પણ એનો ચહેરો જિંદગીથી ભરપુર, માતૃત્વમાં ઝબોળાયેલો અને કેટલો તેજસ્વી લાગતો હતો!
“ખરેખર, લક્ષ્મીની વાત સાચી છે કદાચ. વસુંધરા આમ ત્રણ સંતાનોને છોડીને ચાલી ગઈ હોત તો હું જીવી શક્યો હોત?” સૂર્યકાન્ત મનોમન વિચારી રહ્યા અને પછી એમણે આંખો મીંચી લીધી. આંખોમાં ક્યારના ભરાઈને બેઠેલાં બે આંસુ, આંખ મીંચતી વખતે ભૂલમાં કે જાણી જોઈને પણ આંખની બહાર રહી ગયાં.
એમને મનોમન લક્ષ્મીની વાત ફરી સંભળાઈ, “વિચાર નહીં બદલતા. કામનું બહાનું પણ નહીં કાઢતા. આપણે ઈન્ડિયા જઈએ છીએ.” અને એમનું ઢચુપચુ થઈ રહેલું મન દૃઢ થઈ ગયું.
ક્રમશ..