આત્માની અંતિમ ઇચ્છા
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧
છેલ્લા એક અઠવાડિયાથી કાવેરી અજીબ સપનું જોતી હતી. અત્યાર સુધી તેણે આ વાત પતિ લોકેશને કરી ન હતી. તેને સમજાતું ન હતું કે આવું સપનું કેમ આવી રહ્યું છે. સપનું અધુરું રહેતું હતું. આ સપનું ક્યારે પૂરું થશે અને તેનો શું મતલબ હશે એના વિચારમાં તે આખો દિવસ સાનભાન ભૂલીને કામ કરતી હતી. તેને આ સપના સાથે મા મોરાઇનું કોઇ અનુસંધાન હોય એમ લાગતું હતું. મોરાઇ મા તેને સપનામાં કંઇ કહેવા માગતી હોય એવો ભાસ થઇ રહ્યો હતો. સપનામાં એક મહિલા આવતી હતી. તે મોરાઇ મા જેવી જ દેખાતી હતી. સમસ્યા એ હતી કે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. તે દરરોજ સવારે ઊઠીને પથારીમાં બેસી આંખો બંધ કરી મોરાઇ માનું સ્મરણ કરતી હતી. ત્યારે મા મોરાઇની તસવીર તેની બંધ આંખોમાં તરવરતી હતી. પોતાના સૂવાના ઓરડામાં કાવેરીએ ત્રણ જગ્યાએ મોરાઇ માની તસવીર રાખી હતી. દિવસ-રાત તે માને યાદ કરતી હતી. દર બુધવારે તે મોરાઇ માના મંદિરે પણ જતી હતી. સપનું તેનો પીછો છોડતું ન હતું. તેને હવે થતું હતું કે લોકેશને આ સપના વિશે વાત કરવી જોઇએ. પછી થતું કે તે હસી કાઢશે. તે કાવેરીની વધુ પડતી ધાર્મિકતાથી કંટાળતો હતો. તેને કોઇ ચમત્કાર કે સપનામાં વિશ્વાસ ન હતો. તે અલગ સ્વભાવનો જ માણસ હતો. તેણે એને કહી દીધું હતું કે તારે જેવી અને જેટલી ભક્તિ કરવી હોય એવી કરજે પણ મને મારી રીતે જીવવા દેજે. ત્યારથી તે લોકેશને પોતાના ધાર્મિક વિચારોમાં સામેલ કરતી ન હતી. તેને લગ્ન પછી લોકેશ તરફથી દુ:ખ મળ્યું ન હતું. તે લોકેશની ઇચ્છાઓને માન આપતી હતી. તેણે કલ્પના પણ કરી ન હતી કે લોકેશ જેવો દિલફાડ ચાહનારો પતિ મળશે.
આજથી બે-ત્રણ વર્ષ પહેલાં લોકેશ ગામડેથી નોકરીની શોધમાં આ નાના શહેરમાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે મોટા શહેરમાં નોકરી મળી જાય પણ રહેવા-જમવાનો ખર્ચ વધારે આવે એમ હતો. તે જીવનમાં પ્રગતિ કરવા માગતો હતો. તેનું નસીબ સારું કે સ્નાતક સુધી ભણેલો એટલે એક કંપનીમાં કારકૂન તરીકે નોકરી મળી ગઇ. તેણે નક્કી કર્યું હતું કે નોકરી મળે એટલે છોકરી પણ શોધી જ લેવાની. તેનું નસીબ છોકરી મેળવવામાં પણ જોર કરતું હતું. કંપનીમાં કામ કરતા કિશનલાલના કાકા નેમજીભાઇની છોકરી કાવેરીનું માગું આવ્યું. કિશનલાલને લોકેશનો સ્વભાવ અને દેખાવ બંને પસંદ હતા. કાવેરી માટે લોકેશ એકદમ યોગ્ય લાગતો હતો. લોકેશને કાવેરી પસંદ આવશે કે નહીં એની એમને ચિંતા હતી. કાવેરી ઘરરખ્ખુ હતી પણ એટલી સુંદર ન હતી. આજના યુવાનોને હીરોઇન જેવી છોકરીઓ જોઇતી હોય છે. છોકરીઓના ગુણ નહીં રૂપ જોવાય છે એ વાતને આ ઉંમરે સમજતા કિશનલાલે પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું. કાવેરીનું ઘર વસતું હોય તો નેમજીભાઇને રાહત થાય એમ હતી. કિશનલાલને બહુ ચિંતા કરવા જેવી ન હતી. લોકેશની છોકરી માટેની પસંદગીનું ધોરણ અલગ જ હતું. તે આજના યુવાનો જેવી પસંદગી રાખતો ન હતો. તેની ગણતરીઓ અલગ ચાલતી હતી. એમાં કાવેરી ફિટ બેસી જાય એમ હતી. કિશનલાલે એક રવિવારે નેમજીભાઇને ત્યાં ગામમાં કાવેરીને જોવા લોકેશને બોલાવ્યો. લોકેશે પહેલાં ફોટો જોઇ લીધો હતો. કિશનલાલને એમ હતું કે કદાચ ફોટો જોઇને લોકેશ ઉત્સાહ બતાવશે નહીં. તેનાથી ઉલ્ટુ જ થયું. લોકેશે કાવેરી સાથે મુલાકાતમાં ઉતાવળ કરી. કિશનલાલે હસીખુશી રવિવારે ગોઠવી દીધું.
નેમજીભાઇને ત્યાં જઇને લોકેશે પહેલાં તો ખુલ્લા મને વાત કરી દીધી કે તેને કોઇ ખરાબ વ્યસન નથી. પણ તે પરિવારમાં એકલો જ છે. તે નાનો હતો ત્યારે પિતા ગુજરી ગયા હતા. તેની મા સાથે વર્ષોથી કોઇ સંબંધ નથી. તેણે મા સાથે કયા કારણથી સંબંધ નથી તેનો ખુલાસો કરવાનું ટાળ્યું. નેમજીભાઇએ મા સાથેનો સંબંધ તૂટવાની પંચાત કરી નહીં. નેમજીભાઇને થયું કે એમને તો કાવેરીને સુખથી-શાંતિથી રહેવાનું મળે એ પૂરતું હતું. તે લોકેશની પારિવારિક સમસ્યામાં પડ્યા નહીં. આ તરફ લોકેશ લગ્ન કરીને શાંતિથી મોજ કરવા માગતો હતો. તેની જમવાની અને બીજી સમસ્યાઓથી તે કંટાળ્યો હતો. ઘરમાં એક સ્ત્રી આવી જાય તો પોતે બધા કામમાંથી મુક્ત થઇ શકે એમ હતો. ઘરમાં સ્ત્રીના કામ કરવાનો તેને કંટાળો આવતો હતો. અને યુવાનીનો સમયગાળો તે મોજમજાથી વીતાવવા માગતો હતો. બંને પક્ષના હેતુ આ સંબંધ થાય તો સરે એમ હતા. કાવેરીની માએ તેના ઘરકામના વખાણ કર્યા તો કિશનલાલે તે સંસ્કારી હોવાની વાત અગાઉથી જ કરી હતી. એટલે કેટલીક બાબતોની ચર્ચા થયા પછી ઘરના બીજા ઓરડામાં લોકેશ કાવેરીને જોવા ગયો.
લોકેશને જોઇ કાવેરી શરમાઇ ગઇ. સાડીમાં તૈયાર થઇને બેઠેલી કાવેરીની આંખો બે-ચાર ક્ષણ માટે શરમમાં બંધ થઇ ત્યારે લોકેશે તેના આખા શરીર પર ઉડતી નજર નાખી લીધી. કાવેરીનો ચહેરો સામાન્ય અને ગામઠી દેખાતો હતો. પણ તેનો ગોળમટોળ ચહેરો સૌમ્ય હતો. ગોરો વાન તેના ચહેરા પર નજર ટકાવવા મજબૂર કરતો હતો. ચુસ્ત બ્લાઉઝમાં તેનું યૌવન છલકાતું હતું. તે જાડી ન હતી પણ શરીર ભર્યું ભર્યું લાગતું હતું. તે પાણીનો ગ્લાસ આપવા ઊભી થઇ ત્યારે તેના પગના ઝાંઝર તેના ઉત્સાહ અને થનગનાટને દર્શાવતા હતા. લોકેશ કાવેરીની શરીર સંપત્તિથી અંજાઇ ગયો. તેને આવી જ યુવતીની કામના હતી. તેણે બેસવા માટે કહ્યું ત્યારે અવાજ કોયલની બોલી જેવો લાગ્યો. તેને લાગ્યું કે જે જોવાનું હતું એ જોવાઇ ગયું છે. પૂછવામાં તો ખાસ કંઇ હતું નહીં. તેણે કાવેરીને તેની ઇચ્છા પૂછી જોઇ. એ તો લોકેશને જોઇને પ્રભાવિત થઇ ગઇ હતી. માંડ બાર ચોપડી ભણેલી હતી. આવો સુંદર અને નોકરી કરતો છોકરો પોતાને પસંદ કરે અને એકલો જ ઘરમાં હોય એના જેવું રૂડું બીજું કંઇ જ તેના માટે ન હતું. એણે તો મોરાઇ માને એ જ ઘડીએ પ્રાર્થના કરી કે વર હોય તો લોકેશ જેવો. મેં સારા વર માટે તમારા વ્રત કર્યા હતા એ હવે ફળશે!
કાવેરીને મળીને બહાર આવ્યા પછી લોકેશે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો. લોકેશને કાવેરી પસંદ આવી છે એ જાણી નેમજીભાઇ તો રાજીના રેડ થઇ ગયા. છેલ્લા છ માસમાં ચાર છોકરાઓ તેને નકારી ચૂક્યા હતા. કોઇએ સાચું કારણ જણાવ્યું ન હતું. બધાએ ભણતર ઓછું હોવાથી ના પાડી હતી. નેમજીભાઇ જાણતા હતા કે કાવેરી અતિ રૂપાળી હોત તો તેના ભણતરની કોઇએ ગણતરી ના કરી હોત. આવા અનુભવો પછી તેમને આશા ન હતી કે લોકેશ આટલી જલદી કાવેરીને પસંદ કરી લેશે. કાવેરીએ તો લોકેશ ઓરડીની બહાર નીકળ્યો કે તરત જ દૂરથી માને ઇશારો કરી દીધો હતો કે તે રાજી છે. પત્નીનો ઇશારો મળ્યા પછી નેમજીભાઇ માટે તો ગોળ-ધાણા વહેંચવાનું ટાણું હતું. કિશનલાલને તો વિશ્વાસ હતો કે લોકેશ કાવેરીને પસંદ કરશે જ. કિશનલાલ તો મીઠાઇ લઇને જ આવ્યા હતા. તેમણે પોતાની પાસેની થેલીમાંથી મીઠાઇનું નાનું બોક્સ કાઢ્યું અને બધાનું મોં મીઠું કરાવ્યું. કાવેરીને પણ બહાર બોલાવી મોં મીઠું કરતાં અભિનંદન આપ્યા. મોંમાં મીઠાઇ ચગળતી કાવેરીના ગુલાબી હોઠને જોઇ લોકેશના તનમનમાં વીજળીંનો એક ચમકારો ફેલાઇ ગયો. લોકેશેના મનમાં કાવેરીને જલદી ઘરમાં લાવવાની ઇચ્છા બળવત્તર બની. નેમજીભાઇએ હવે વધુ રાહ જોવાનું જોખમ લેવું ન હતું. છોકરાનો વિચાર પલટાય ના એ માટે સગાઇની વિધિ કરી દીધી અને એટલા જ જલદી ઘડિયા લગ્ન લઇ લીધા.
કાવેરીને જોયા પછી તે એક સપ્તાહમાં પોતાના પલંગ પર પોતાની બાંહોમાં હશે એવી કલ્પના લોકેશે કરી ન હતી. લોકેશને એક જ સપ્તાહમાં લાગ્યું કે તેના ઘર અને જીવન માટે કાવેરી યોગ્ય પસંદગી છે. એક પતિવ્રતા સ્ત્રી છે. તેને લાગ્યું કે તે થોડા જ દિવસોમાં સ્વર્ગના શિખર પર પહોંચી ગયો છે. કાવેરીને પણ લોકેશ પતિ તરીકે યોગ્ય લાગી રહ્યો હતો. તે કાવેરીની પૂરતી કાળજી લેતો હતો. ઘરે આવ્યા પછી તે કાવેરી સાથે વધારે સમય વીતાવતો હતો. તે કાવેરીનો સાથ માણવા સતત ઉત્સુક રહેતો. તેને જોતાં જ લોકેશના તનબદનમાં આગ લાગી જતી હતી. તેની સાથે કાવેરીને પણ મજા આવતી હતી. તેને કલ્પના ના હતી કે લોકેશ તેનું જીવન આટલું રંગીન બનાવી દેશે.
લગ્નના એક મહિના પછી કાવેરીએ પોતાની મા બનવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે લોકેશ ચિંતામાં પડી ગયો. તેને લાગતું હતું કે કાવેરી મા બનશે તો તેની સાથે રાત્રે હદથી ગુજરવાની ઇચ્છાઓ પર સંયમ રાખવો પડશે. તેને કાવેરીની કાયાનું વળગણ થઇ ગયું હતું. તે કાવેરીના બદનની મહેકમાં ખોવાઇ જતો હતો. કાવેરી પણ સમજતી હતી કે સંતાન આવશે પછી થોડો સમય લોકેશને પોતાનાથી નિરાશ થવું પડશે. તે લોકેશની અતિ જાતિય વૃત્તિઓને સમજી ગઇ હતી. ક્યારેક તેને થતું કે લોકેશે લગ્ન પહેલાં આ વાતનો અનુભવ તો નહીં કર્યો હોય ને? પણ ગામડામાં ઉછરેલી કાવેરી આ બાબતે વધારે વિચાર કરી શકતી ન હતી. તેને પતિ પર પૂરો વિશ્વાસ હતો. તે એક પુરુષની ઇચ્છાને સમજવા લાગી હતી. તે પતિને એટલો ખુશ રાખવા માગતી હતી કે ઘરની બહાર નીકળ્યા પછી પણ તેની અસરથી તે મદહોશ રહે. ખાસી મથામણ પછી તેને પોતાની લાગણીઓને સમજાવી શકવામાં સફળ થઇ રહી હતી. લોકેશ બે-ત્રણ વર્ષ પછી સંતાન આવે એમ ઇચ્છતો હતો. જ્યારે કાવેરી માનતી હતી કે નાની ઉંમરે બાળક આવી જાય તો સારું. તે ઘરમાં એકલી કંટાળતી પણ હતી. ઘણી સમજાવટ પછી લોકેશ બાળક રહે એ માટે સંમત થઇ ગયો હતો. બંનેએ બાળક રાખવાના પ્રયત્ન શરૂ કરી દીધા. કાવેરી હવે રાત હોય કે દિવસ લોકેશને પ્રેમ કરતાં રોકતી ન હતી. લોકેશને હતું કે તેને તો અત્યારે રોજ સ્વર્ગ જેવું સુખ મળી રહ્યું છે. આંખો મીંચીને લગ્નજીવનની મોજ માણતા કાવેરી અને લોકેશની છ મહિના પછી આંખ ખૂલી! તેમના ગર્ભ રાખવાના બધા જ પ્રયત્ન નિષ્ફળ રહ્યા હતા. કાવેરીના આગ્રહથી ડોકટરને બતાવ્યું. બંનેના રીપોર્ટ સામાન્ય હતા. બીજા ડોક્ટરનો અભિપ્રાય મેળવ્યો. એમણે કોઇ ખામી ન હોવાનું કહ્યું. બંનેને નવાઇ લાગી. બંને સ્વસ્થ છે તો પછી બાળક ન થવાનું કારણ શું? શું કોઇની નજર લાગી છે? શું ગયા જનમનો કોઇ શાપ છે? શું ઇશ્વર નથી ઇચ્છતા કે તેમને બાળક અવતરે? શું પોતાના જીવનમાં કોઇક નડી રહ્યું છે? વર્તમાન, ભૂતકાળ કે ગયો ભવ? મનમાં ઊઠતા સવાલો વચ્ચે અચાનક લોકેશને ભૂતકાળનો એક પ્રસંગ યાદ આવી ગયો અને તે ધ્રૂજી ગયો.
*વધુ હવે પછીના પ્રકરણમાં*