મા, માતા,જનની
આવીજ એક ક્ષણ હોય સામે
અષાઢ ધન હોય ફણગો ફુટે અડકતા જ
ભીની-ભીની પવન હોય
બોલાવે ધેર સાંજે બાના સમું સ્વજન હોય.
-કવિ ઉસનસ
ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યુ ત્યારે સૌથી પ્રથમ માતાનું નિર્માણ કર્યું હશે. વાત્સલ્યની મુર્તિ એટલે મા. બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને મોટું ને સમજણુ થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઢી, અનેક મુશ્કેલીઓ ભોગવીને બાળકની માવજત કરે છે. “ પહેલી પરમેશ્વરની મુર્તિ જે આપણી પાસે છે તે ખૂદ આપણી મા છે.” –વિનોબા ભાવે. પોતાના બાળકનું લાલન પાલન કરે છે,સંસ્કાર આપે છે. બાળકમાં ગમે તે ખોટ હોય લુલુ, લંગડુ, બહેરુ, બોબડું ગમે તેવું હોય માતા માટે તો તે સૌથી નીરાલું જ હોય છે. બાળકનાં સુખે સુખી અને બાળકનાં દુખે દુ:ખી થનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈજ નથી. માતા બાળકના ચારિત્ર્યનું ધડતર કરે છે તે થકી જ સમાજનું અને રાષ્ટ્ર્નું ધડતર થાય છે. “મા ના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું? તે મારી એટલી નિકટ છે કે એના વિશે કંઈ પણ બોલવું વિકટ છે.” - હેલન કેલર
નવમાસનાં ગર્ભધાન પછી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી, અનેક બલિદાન માંગી લે છે અને આ બધું માત્ર મા જ પોતાના સંતાન માટે કરી શકે છે. માતાનો પ્રેમ જ એક નિસ્વાર્થ પ્રેમ છે. માતા વગર બાળક અધુરું છે. બાળકનું શિક્ષણ, ધડતર, સંસ્કાર અધુરા છે. બાળક જ્યારે બોલતાં શીખે છે ત્યારે સૌથી પહેલો શબ્દ “મા” બોલે છે. “મુખથી બોલુ મા ત્યારે સાચેજ બાળપણ સાંભરે પછી મોટપણની મજા બધી કડવી લાગે કાગડા” - દુલા કાગ
સમગ્ર બ્ર્હમાંડમાં છવાયેલું ચૈતન્ય સભર અસ્તિત્વ એટલે વાત્સલ્ય મુર્તિ મા. પશુ હોયકે પક્ષી હોય માતાનો પ્રેમ પોતાના બચ્ચાં માટે અપાર હશે. ગાય, કુતરી, ચકલી, વાંદરી પોતાના બચ્ચાને સ્નેહ કરતાં થાકતી નથી. મનુષ્ય પાસે વાણી છે ભાષા છે એટલે માતાના પ્રેમની ઉષ્મા પ્રગટ કરી શકે છે. “રડે ત્યારે છાનુ રાખે, હસે ત્યારે સામું હસે, છાતીએ ચાંપે તે તો કોઈ બીજુંય હોય પણ રડતાને હસતાં છાતીએ ચાંપતા જેની આંખમાં ઝળઝળીયા આવી જાય તે તો મા જ”- જયંત પાઠક દરેક મહાપુરુષનાં જીવનમા તેની માતાનો ફાળો અમુલ્ય હશે જેમકે શિવાજીને જીજીબાઈ, ગાંધીજીને પુતળીબાઈ, સરદાર વલ્લભભાઈને લાડબા એ જે સંસ્કારનું સિંચન કર્યુ એ સંસ્કારેજ તેમને મહાન બનાવ્યા. “હું જે કંઈ છું કે જે કંઈ થવા માંગુ છુ એનો બધોજ જશ દેવદૂત જેવી મારી માને ફાળે જાય છે.”- અબ્રાહમ લિંકન
માતાનો જોટો જડવો મુશ્કેલ છે ખૂદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવાં નથી પ્રેમ આંધળો છે પણ માતુપ્રેમ સવિશેષ આંધળો છે. મા શબ્દ મુખમાંથી નીકળતાજ મમતા, સ્નેહ, લાગણી અને પ્રેમ સાગરના મોજાની જેમ ઉછરે છે. માના પાલવમાં સુરક્ષા લાગે છે. “સામે વાધ આવીને ઉભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો તેને બીક નહી લાગે.”-કવિ હરીન્દ્ર દવે જીવનમાં કેટ્લાક પ્રેમ સદાય રહસ્ય લાગે છે તો કેટલાક અકળ જે આપણે આપણે જન્મતાની સાથેજ અનુભવ્યો છે તે છે માતૂપ્રેમ. “માતાના હાથ એટલી બધી નજાકતતાથી હર્યાભર્યા હોય છે કે બાળક એમાં ગાઢ નિદ્રા માણી શકે છે.”-વિકટર હ્યુગો. માતા આખા ધરનું ધ્યાન રાખે છે, બધાની ઈચ્છાઓ પુરી કરે છે. બાળકનું ધ્યાન રાખવામા તે પોતાની તકલીફોને પણ ધ્યાને નથી લેતી. માતાનું સંપુર્ણ ધ્યાન બાળકના ઉછેર પરજ કેન્દ્રિત હોય છે. અહિં મને દિલીપ રાવલની એક કવિતા યાદ આવે છે....
આ મમ્મીને કાયમની નોકરી
બારે મહિના, ચોવીસ કલાક કરતી આખા ધરની ચાકરી....આ મમ્મીને....
આમ, તો કોઈ નોકરીમાં એક બોસ હોય,
અહીં મમ્મીને ધણા બધાં બોસ
એક પછે એક હુકમ છોડાતા જાય
એનો ઓછો ન થાય કદી જોશ... આ મમ્મીને...