અંતરા બેચેન બની રૂમ મા આમ થી તેમ આંટા મારતી હતી. દર બે મીનીટે મોબાઇલ ઓન કરતી એ જોવા કે નેટવર્ક તો બરાબર છે ને.. હા, બેટરી પણ ફુલ ચાર્જ હતી અને નેટવર્ક પણ બરાબર તો પછી સુગમ નો કોલ કેમ ન આવ્યો.. એ પહોચ્યો નહીં હોય હજી કે શું? થાકી ને એ બેસી ગઇ પલંગ પર અને પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે પોતે કંઇક વધુ જ વિચારી ને હેરાન થાય છે. સુગમ સાચુ જ કહેતો હોય છે કે મગજ ને વધુ તકલીફ આપવી સારી નહીં. અંતરા એ મગજ અને મન શાંત કરવા ઊંડા શ્વાસ લઇ મેડીટેશન કરવા કોશિષ કરી પણ વ્યર્થ. મન ક્યા એમ બંધાઇ ને રહે છે એ તો પોતાની મરજી નુ માલીક. ફરી થી એ જ દિશા મા ભાગવા લાગ્યુ જ્યા થી એને પાછુ વાળવુ હતું. અંતરા એ પણ પોતાના મન સાથે મગજમારી કરવી રહેવા દઇ અને લેપટોપ લઇ અને સુગમ સાથે થયેલ ચેટ વાંચવા લાગી. આજ ના આ long distance relationship મા પ્રિય પાત્ર ના ક્ષણભર ના વિયોગ મા જૂના conversation વાંચી ને પણ face પર cute smile આવી જાય. અંતરા પણ એ વાંચી ને કંઇક હળવી થવા લાગી અને એ મનગમતી યાદો મા સરવા લાગી.
સામાન્ય રીતે સોશિયલ મિડીયા ઓછુ પસંદ કરતી. એક સાંજે એમ જ સમય પસાર કરવા લેપટોપ લઇ ને બેઠી હતી અને જોયુ તો કોઇ સુગમ ધીમાન ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. પોતે કોઇ સુગમ ને ઓળખતી હોય એવુ યાદ ન આવ્યુ એટલે accept ન કરી પણ એનો hi!!! નો મેસેજ પણ આવ્યો હતો એટલે જીજ્ઞાસા માટે એણે પણ hello નો મેસેજ કર્યો. અને શરૂ થયો વાત-ચીત નો એ સીલસીલો. સુગમ મૂળ ભારતીય પણ માસ્ટર ડિગ્રી અને કામ ના અનુભવ માટે જર્મની રહેતો હતો અને ત્યાં જ સ્થાઇ થયો હતો. બંન્ને વચ્ચે સામાન્ય વાત થઇ પણ એ સામાન્ય લાગતી વાતો ક્યારેક કોઇ ને અસામાન્ય એવા સંબંધ મા બાંધી લે છે. અમસ્તા જ થયેલા hi-hello ક્યારે આદત મા પરણમી ગયા એ તો ત્યારે સમજાય જ્યારે બે દિવસ પણ વાત ન થાય તો બાર દિવસ જેવો અનુભવ થાય. અને એ આદત એ જ પ્રેમ ને? સાચી વાત ને?
અંતરા અને સુગમ પણ સામાન્ય વાતચીત કરતા કરતા વિડીયો કોલ તો ક્યારેક ફોન પર વાત કરતા થઇ ગયા અને દેશ નું અંતર ફક્ત કહેવા પુરતુ રહી ગયુ. કલાકો સુધી વાત કર્યા પછી પણ ફોન મૂકવા ની ઈચ્છા ન થતી. એ વાતો મા એટલા તો લાગણી ના આવેશો હતા કે હવે ગમે તેમ કરી ને મળવુ હતું. ક્યા સુધી વિડીયો કોલ પર એક બીજા ને જોઇ સંતોષ માનવો. અને સુગમ જર્મની થી ભારત આવ્યો ફક્ત અને ફક્ત અંતરા માટે. અંતરા માટે તો જાણે સોના નો સૂરજ ઊગવા નો હતો. આઠ મહીના થી જેની સાથે સવાર , સાંજ તો શુ દિવસ કે રાત જોયા વગર લાગણી ના એ પૂર મા તણાઇ હતી. અને સુગમે પણ એક ક્ષણ માટે પણ અંતરા ને પોતાની થી અલગ માની ન હતી. પ્રેમ નો સૂરજ જાણે મધ્યાહ્ને આવી અને પોતાની બધી ઊર્જા થી તપતો હતો. બંન્ને તરફ મિલન ની એવી જ અગ્નિ બળતી હતી.
"સુગમ, આઠ મહીના ક્યા વિતી ગયા એ ન સમજાયુ પણ હવે આ આઠ દિવસ કેમ વિતશે?"
"અંતરા મારો પણ એ જ હાલ છે."
" તારા વગર ની એક એક ક્ષણ મારી માટે એક પરિક્ષા બની રહે છે."
"એટલે તો તને મળવા આવુ છુ. આપણે બંન્ને એક વાર મળી લઇએ અને જીવનભર ના સાથ નો કોલ આપી અને પછી આપણા ઘર મા વાત કરીએ."
"અને પછી?"
"અને પછી તને જીવનભર માટે કીડનેપ કરી ને મારી પાસે જ રાખીશ"
અને અંતરા ખડખડાટ હસી પડી.
અને એક એક કરી એ આઠ દિવસ પણ પસાર થઇ ગયા.
આજ સુગમ આવવા નો હતો. અંતરા તો એક કલાક વહેલી એરપોર્ટ પર પહોંચી ગઇ હતી. સુગમ ના ગમતા આસમાની કલર ના ટોપ અને જીન્સ મા અંતરા આજે કંઈક વધુ જ આકર્ષક લાગતી હતી. ગૌર વર્ણ મા શરમ ની એ ઝાંય એ એને ગુલાબ વર્ણી બનાવી દીધી હતી. એ આંખો બસ સુગમ ને જોવા જ તરસતી હતી. એના હોઠ સતત મરક મરક થતા હતા. આજે એના સૌંદર્ય નુ નવુ રૂપ ઝળકતુ હતુ. પ્લેન લેન્ડ થયુ અને થોડી વાર મા જ સુગમ દેખાયો. બ્લુ ડેનીમ અને વ્હાઇટ શર્ટ, સ્લીવ ને કોણી સુધી ફોલ્ડ કરેલી હતી, કાંડા મા મેટલ બેલ્ટ ની ઘડીયાળ અને કસરત કરી કસાયેલુ શરીર એનો શારિરીક બાંધો કોઇ ને પણ આકર્ષી લે એટલો મજબૂત અને હોટ. સુગમ અને અંતરા ની નજર મળી અને જાણે પળ ત્યા જ થંભી ગઇ. સુગમ નજીક આવતો ગયો એમ અંતરા એના મા જ ક્યાક સમાતી ગઇ. અંતરા ની નજીક પહોચતા જ સુગમે એને પોતાના બાહુપાશ મા જકડી લીધી અને અંતરા પણ એની એ મજબૂત પકડ મા ઓગળતી ગઇ. આ ક્ષણ માટે કેટલા તડપ્યા હતા બંન્ને. ફક્ત ત્રણ દિવસ માટે જ સુગમ આવ્યો હતો. અને એક બીજા ના સાથ મા સમય કયા સરવા લાગ્યો એ ખબર જ ન પડી.
અંતરા એ ફરી થી કોલ કર્યો અને આ વખત રીંગ વાગી પણ સામે છેડે થી ફોન રિસીવ ન થયો. અંતરા ફરી બેચેન બની ગઇ. ફરી એણે પોતાનુ મન વાળી લીધુ કે કંઇક કામ મા હશે ફ્રી થઇ અને એ જ સામે થી કોલ કરશે અને અંતરા પોતાના મનગમતા એ ત્રણ દિવસ નો સફર માણવા લાગી. પણ મન ના એક ખૂણા મા સુગમે ફોન કેમ ન રીસીવ કર્યો એ વિચાર કબ્જો કરવા લાગ્યો હતો.