Rainey Romance - 5 in Gujarati Fiction Stories by Ravi virparia books and stories PDF | રેઈની રોમાન્સ - 5

Featured Books
Categories
Share

રેઈની રોમાન્સ - 5

પ્રકરણ 5

"મેમ, કામ બહુ અઘરું છે. સુલતાનની સિક્યુરિટીના હાઇરિસ્ક ઝોનમાં પ્રવેશવાનું ?" આ શબ્દોમાં ડર વર્તાઈ રહ્યો હતો.
" આઈ નો. પણ તારી કાબેલિયત આગળ એની કશી વિસાત નથી. મને આ કામ માટે ફક્ત તારા પર ભરોસો છે. કહ્યું એ ટાઇમ લિમિટમાં કામ પૂરું થઈ જશે ને ?" સાગરિકા પોતાના સોર્સને તૈયાર કરી રહી હતી.

"તમને ના પાડવાનો સવાલ જ નથી. તમારે લીધે તો આજે હું જીવતો છું. આજે ઋણ ચૂકવવાની તક મળી છે. બસ, એક પ્રોબ્લેમમાં જરૂર પડે તો હેલ્પ કરવી પડશે. બાકી હું જોઈ લઈશ." શબ્દો બહુ જોખીને લાગણીપૂર્વક બોલાયા હતાં.
"મારે પણ તારી જેમ કોઈનું ઋણ ચૂકવવાનું છે. આ કવરમાં કામને લગતી જરૂરી તમામ ડિટેલ્સ છે. સાથે થોડા એડવાન્સ મની છે. ના ન પાડતો. મને ખબર છે તારે જરૂર પડશે. હવે આપણે નહીં મળીએ. તને ખ્યાલ છે તારે મારો કોન્ટેક કંઈ રીતે કરવાનો છે. એન્ડ થેન્ક યુ " સાગરિકાએ અંતિમ સૂચનાઓ આપી આંખોથી આભાર માનતા કહ્યું.
ગલીના નાકે સોલાર લાઈટના આછા પ્રકાશમાં ચાલેલી ફક્ત બે મિનિટની મુલાકાત અંધકારમાં અદ્રશ્ય થઈ ગઈ. સાગરિકા 'ઇન્વેસ્ટિગેટ જર્નાલિસ્ટ' તરીકે ખાસ્સું નામ અને દામ કમાઈ ચૂકી હતી. એ પણ નાની ઉંમરમાં. એના ઇનપુટ સોર્સ અને નેટવર્કની નામી જર્નાલિસ્ટોને ઈર્ષા આવતી. અમુક કેસ માટે પોલીસને પણ સાગરિકાની મદદ લેવી પડી હતી. આ માટે સાગરિકાની માણસો ઓળખવાની અને સાચવવાની આવડત, ડેરિંગ અને ફટાફટ નિર્ણયો લેવાની કાબેલિયત જવાબદાર હતી.
અંધારામાં ચાલતી સાગરિકાના સ્માર્ટફોનની સ્ક્રિનમાં 'રેવા' નામના રંગબેરંગી પિકસલ વહી રહ્યા હતા. ફોનના વાઈબ્રેશનને અટકાવતાં સાગરિકા વાઇબ્રન્ટ સ્વરે બોલી."માય, ડિયર રેવુ સો વર્ષની થઈશ. હજુ તને જ ફોન કરવાની હતી."
"હું બે દિવસથી તારા કોલની રાહ જોવ છું. મેડમને મેસેજમાં પણ રીપ્લાય આપવાનો ટાઇમ નથી. અને મેં કોલ કર્યો ત્યારે મારી યાદ આવી." રેવા નારાજગીથી બોલી.
" અરે, વ્હાલી આમ ગુસ્સે ના થા, એક તો આમ સ્વયંવરના શો કરી ગામ ગાંડુ કરવું છે. અમારું કામ પણ વધારવું છે. પાછી ફરિયાદ કરવી છે એમ ! કોણ જાણે ક્યાં ભવના પાપ કર્યા હશે તે આવી ફ્રેન્ડ મળી. તું આવી તે દિવસની નવરી જ નથી થતી." સાગરિકા એ સામો પ્રહાર કરતાં કહ્યું.
"ઇતના એટીટ્યુડ ઔર એરોગન્સ લાતે કહા સે હો ? તું મને મળે એટલી જ વાર છે. પછી જો તું... મેરી બિલ્લી મુજે મ્યાઉ ! મેં સોંપેલાં કામનું શું થયું ?" રેવા રોદ્ર સ્વરૂપે વહી રહી હતી.
"પરમ દિવસે સાંજે 6 વાગ્યે 'ફ્રેન્ડહાઉસ' માં કોફીની ચુસ્કી લેતાં લેતાં વાતો કરીશું. તારા બધા સવાલોના જવાબો રૂબરૂમાં. કારણ કે બધું કોલમાં કહેવું પોસિબલ નથી. એક પાગલ પ્રેમનું ઝરણું તને મળવા આતુર છે. એના માટે તારો થોડો સમય રિઝર્વ રાખવો પડશે." સાગરિકા પત્રકારની ભાષા બોલી રહી હતી.
"ઓકે. મહારાણીની જેવી ઈચ્છા. મને તો બધા પાગલ જ મળી રહયા છે. એકને તો કાલે ફોન પર સાંભળ્યો. મને લાગે છે ક્યાંય હું પાગલ ના થઇ જાવ. સાગુ આઇ મિસ યુ ડિયર..... મારે તારી જરૂર છે.આ સમયે બહુ એકલું લાગે છે. ખબર નહીં અંદરથી ડર લાગે છે. યાર, મને કોઈ સાથે પ્રેમ થશે કે પછી આ સ્વંયવર તાયફો ના બની રહે એમ એની આબરૂ જાળવવા મારે પરાણે પરણવું પડશે. પ્લીઝ, અહીંયા આવી જા. મને તારી જરૂર છે...." રેવા પોતાના હૃદયને વહાવી રહી હતી.
"ઓયે....શાંત થા મારી મા. તને કશું નહીં થાય. તને પ્રેમ થશે જ પણ એની સાથે તારા લગ્ન થાય એ જરૂરી નથી. આમ ડિપ્રેશ ના થા. આઇ નો ,આ બધું, આમ અચાનક.....અઘરું છે તારા માટે. બિકોઝ તું હજુ આ માટે તૈયાર નથી.પણ પ્રેમ છે ને.... બધું શીખવાડી દેશે. મને જો ને ક્યાં થી ક્યાં પહોંચાડી દીધી. જવા દે. શાંતિથી સુઈ જા. સફેદઘોડા વાળા રાજકુમારના સપનાં જોતી જોતી..... ચાલ મારે તારું સપનું પૂરું કરવા હજુ જાગવાનું છે. ટેક કેર ,બાય." સાગરિકાને જવાબની રાહ જોયા વગર કોલ કટ કરી નાખ્યો. ઝડપથી ગલીમાંથી ચાલતાં ચાલતાં મેઈન રસ્તા પર આવી. રાહ જોઈ ઉભી રહેલી બાઇક પર ગોઠવાઈ ગઈ.
ઘડિયાળના કાંટા રાત્રીના 2 : 20 નો સમય બતાવી રહયા હતાં.

* * * * * * * * * * * * * *


જિંદગી

સીગરેટના ધુમાડા જેવી હોય છે. સુખનો ક્ષણીક નશો મેળવવા માટે દુ:ખના કેટલાય લાંબા કસ ખેંચવા પડે છે.
22 માળની અત્યાધુનીક 'આલીશાન હાઇટ્સ' ના 10 માળે હું રહેતો હતો. 4 બીએચકેનું વિશાળ ઘર જીંદગીમાં ફેન તરફથી મળેલી સૌથી મોટી ગીફ્ટ હતી.આ આલીશાન ગ્રુપનો બીલ્ડર મારી બુક્સનો ડાયહાર્ડ ફેન બની ગયો હતો. તેને આ ફલેટની ચાવી લાઇફટાઇમ માટે મને સોંપીં દીધી હતી. ફલેટના બે રુમમાં ફક્ત બુકસ્ જ ભરેલી હતી. ત્રીજો મારા રોજીંદા કામ માટે અનામત હતો. જેમાં હું મારી એકલતા સાથે વાતો કરતો કરતો શબ્દો અને પાત્રોને આકાર આપતો. જેને મેં 'કેઓસ રૂમ' એવું નામ આપેલું. એક ઓફીશયલ બેડરુમ હતો. પરંતુ મારી સુવાની કોઇ જગ્યા ફીક્સ નહોતી. ક્યારેક હોલના સોફામાં, ઘણીવાર રૂમના ટેબલ પર લખતાં લખતાં કે પછી આરામ ખુરશીમાં વાંચતાં વાંચતાં સુઇ જતો. હોલ અને કીચન દોસ્તોની જલસા પાર્ટી માટે અનામત રહેતા.
સૌથી વધુ મને બાલ્કની ગમતી.ક્યારેક હું આરામ ખુરશીમાં બેઠો બેઠો આખી રાત રાજકોટની રંગીન નાઇટ લાઇફને સીગારેટ અને દારૂના સથવારે માણ્યા કરતો. આજે હું બાલ્કનીને બદલે રુમમાં આરામખુરશીમાં ઝુલતો ઝુલતો જાત સાથે વાતો કરી રહ્યો હતો.
છ વર્ષ પહેલાં ક્રીએટીવ મેડનેસને કારણે બારમાં ધોરણમાં નાપાસ થયો હતો. ફિલ્મો, પુસ્તકો અને મોબાઈલનું મનોરોગી જેવું વ્યસન થઈ ગયું હતું. બાપાએ ગાંડો ગણી પહેરેલાં લુગડે ઘરની બહાર કાઢી મુક્યો હતો. બાપાના ગુસ્સા આગળ માની મમતા, બહેનનું વહાલ કે ભાઇની મદદ માટે તરસતી આંખો લાચાર હતી.તે દિવસે જ મનમાં ગાંઠ બાંધી લીધી હતી કે જે કારણને લીધે બાપાએ મને ઘરની બહાર કાઢી મુક્યો છે તે જ મારી સફળતાને લીધે તે સામેથી ઘરે તેડી જવા માટે આવશે ત્યારે ઘરમાં પગ મુકીશ.
પછી બીજે જ વર્ષે ૧૨ સાયન્સની પરીક્ષા ફરીથી આપી.અને સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં ૪થો નંબર મેળવી મેં મારી ક્ષમતા સાબિત કરી દીધી હતી.પછી એજ્યુકેશન સીસ્ટમની ઠેકડી ઉડાડી આગળ ભણવાની ઘસીને ના પાડી દીધી હતી. જેને લીધે હું ઘણા સમય સુધી મિડીયામાં ચર્ચામાં રહ્યો હતો.ત્યાર બાદ, ચાર વર્ષ દિવસ રાત જોયા વિના જુદી જુદી અનેક નોકરીઓ કરી. આ દરમિયાન હાથમાં જે આવે તે વાંચી નાખતો અને મનમાં આવે તે ડાયરીમાં લખી નાખતો. બચતમાંથી લીધેલો એક જૂના કેમેરામાં મેં ફિલ્ટર અને ઈફેક્ટ વગરની જિંદગીના ઓરીજનલ ઇમોસન્સ કેદ કર્યા હતાં. જેને મારી લાગણીઓને સહજ અને નિર્દોષ બનાવી રાખવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. ધીમે ધીમે શબ્દોની જાદુઇ દુનિયા સાથે મારા વિચારો પાંખો ફેલાવી ઉડવા માટે સજ્જ થઇ રહ્યા હતા. મારા પાગલપનને એક ચોક્કસ દિશા મળી ચૂકી હતી. અત્યાર સુધીની મારી સંઘર્ષયાત્રા પણ કોઇ નોવેલ જેવી જ હતી. રાતના અંધારામાં ઘણીવાર એ કપરા સમયની યાદોમાં આંસુઓનો વહેતો દરિયો ઓશીકાને ભીનું કરી દેતો.
હું પણ બીજા ક્રીએટીવ હાર્ટીસ્ટ જેવો મુડી, ધુની અને રંગીન મીજાજી હતો.પણ મારી કોઇ ખરાબ આદતની અસર ક્યારેય મારા પર્ફોમન્સ પર ના પડતી. કેરીયર માટે મે અમુક સેલ્ફ ડિસીપ્લીનના રુલ્સ બનાવ્યા હતાં. જે ઘણીવાર લાગણીના આવેગોના ધોધમાર વરસાદમાં ધોવાઇ જતાં. ક્યારેક સંજોગો મને પોતાના નિયમોમાં કેદ કરી લેતાં. જેની સામે હું લાચાર બની જતો.. પ્રેમનો સ્પાર્ક ઘણીવાર થયો હતો. પરંતુ એ તણખો આગ લગાડી રુંવાડા ઉભા કરી દેતોસ્પર્શ ક્યારેય ના બની શક્યો. એટલે જ લાગણીની ભૂખ મને સતત સતાવતી રહેતી. સેક્સનો સંતોષ પણ આ ભૂખને સંતોષી શકતો નહીં.
જયારે પણ આવી રીતે મગજમાં વિચારોનો શુન્યાવકાશ સર્જાતો ત્યારે હું મારી જાતને હાલકડોલક થતી આરામ ખુરશીમાં સીગારેટને હવાલે કરી દેતો.બસ પછી એ સીગારેટના ધુમાડામાં દારૂના પેગ સાથે રચાતું તરંગવિશ્વ મને ડિપ્રેશનના સ્ટોક અને એકલતાની ઘૂંટનથી બચાવી રાખતું.
સવારે ૧૧ વાગ્યે ગૌરવે રેવાનો લાઇફ ડેટા પહોચાડ્યો હતો. બે કલાકમાં મગજની સર્કીટમાં તેની ઝીણામાં ઝીણી વિગતો ચોક્કસાઇપુર્વક ગોઠવાઇ ગઇ હતી.પણ હવે જે માહોલમાં રેવા જોડે નોવેલના કેરેક્ટનું કામ લેવાનું હતું તે અશક્ય લાગતું હતું.
કારણ કે મારી સ્ટોરીના મોટાભાગના પાત્રો મે અનુભવેલા લોકો પરથી ઘડાતાં. હું પાત્રની લાગણી આત્મસાત કરવા તેની જોડાયેલા લોકોના મેં સર્જેલા બનાવટી પ્રેમમાં પડી જતો. ધીમે ધીમે તેમની જીંદગીમાંથી મારે જોઇએ તેવા લેયર્સવાળું પાત્ર હું શોધી કાઢતો.એટલે જ મારી સ્ટોરી લોકોના દિલ સાથે ડાયરેક્ટ કનેક્ટ થઇ જતી. મારી લોકપ્રીયતનું આ મુખ્ય કારણ હતું.
'રેઇની રોમાન્સ' માટે સમય ખુબ ઓછો હતો. સમગ્ર નોવેલ રેવા પર જ આધારીત હતી. સૌથી વધુ બીક તેની ફાઇલનો ડેટા જોઇને તેના પ્રેમમાં પડી જવાની લાગતી.
હવે ગમે તે થાય પાછળ વળવા માટે કોઇ તક નહોતી. નોવેલ લોન્ચીંગની તારીખ જાહેર થઇ ચુકી હતી.મારી સમગ્ર લેખન કારકિર્દી દાવ પર લાગેલી હતી. ગમે તે રીતે મારા પરફેક્શન સાથે નોવેલ પુરી કર્યા વગર છુટકો નહોતો. સીગારેટ ખતમ થઇ ચુકી હતી.
હું આરામ ખુરશીમાંથી ઉભો થયો અને મારા વર્કીગ ટેબલ પર ગોઠવાયો.અસ્ત વ્યસ્ત પડેલી વસ્તુઓ થોડી સરખી કરી લેપટોપ માટે જગ્યા કરી. તેને ઓન કર્યું. રેવાની ફાઇલ ફરીથી ધ્યાનથી વાંચી. અમુક જગ્યાએ લાલ પેનથી રાઉન્ડ કર્યા.મને રેવાના જન્મ અને તેની બાળપણની વિગતોમાં ઘણી વાતો અધુરી અને વિચીત્ર લાગી.સાથે તેના પપ્પા દીવાન પંડિતનું વ્યક્તીત્વ પણ અનેક સવાલો પેદા કરતું હતું. મેં સૌમ્યને અમુક સવાલનું ગૂગલીંગ કરવા થોડા મેસેજ કર્યા.એક સવાલ મને વાંરવાંર પરેશાન કરી રહ્યો હતો. આ રેવા જ ખરી રેવા હતી કે બીજું કોઈ એની જગ્યાએ રિપ્લેસ થયું હતું. ??
બધા સવાલોના જવાબ મળવાની શરુઆત આજ સાંજથી થવાની હતી. આરવે મેસેજ કરીને 'ફ્રેન્ડહાઉસ' ની મુલાકાતની માહિતી આપી હતી. મેં સાગરિકા સાથે પણ વાત કરી હતી. હું રેવાને મળતાં પહેલાં જાતે જ એની રેકી કરવા માંગતો હતો. મને તેના તરફના અદમ્ય આકર્ષણનું કારણ સમજાતું નહોતું. આખરે કંટાળીને મે વધુ વિચારવાનું બંધ કર્યું. ઘડીયાળમાં જોયું. બપોરના બે વાગવા આવ્યા હતા.
"રેઇની રોમાન્સ "
આ ટાઇટલ નીચે આંગળીઓએ શબ્દો દ્રારા મારી ક્લ્પનાને આકાર આપવાની શરુઆત કરી દીધી હતી. મને ક્યાં ખબર હતી ઈશ્વર મારા ભવિષ્ય માટે કંઈક જુદી જ કલ્પનાઓ કરી રહ્યો હતો. જે પુસ્તકોના પન્નાઓમાં નહીં પણ મારી વાસ્તવિક જિંદગીમાં આકાર લેવાની હતી.......

to be continued......