darwaza ni pele paar in Gujarati Moral Stories by Falguni Shah books and stories PDF | દરવાજા ની પેલે પાર...

Featured Books
Categories
Share

દરવાજા ની પેલે પાર...

"હા, હા, ને હા, જુઓ ડેડી હું હિમાલય નાં એ ટ્રેકિંગ કેમ્પ માં મારા ફ્રેન્ડસ સાથે જવાની એટલે જવાની જ, ગમ્મે તે થાય.
તમે મમ્મી ને કેમ સમજાવતાં નથી?"

પગ પછાડીને રીવા બોલી.
રીવાએ આવા ધમપછાડા ચાલુ કર્યા ને આજે ત્રીજો દિવસ હતો.

"પપ્પા, હવે ટ્રેકિંગ કેમ્પ ની ફી ભરવાની તારીખ પણ કાલે છેલ્લી જ છે.પ્લીઝ, પ્લીઝ, મારાં વ્હાલાં ફી ભરી દો ને.પેલી નુપુર નાં પૈસા કાલે એણે ભરી દીધાં.
જો હું નહીં જ‌ંઉને તો કોલેજમાં મારી સૌ કેવી કેવી વાતો કરશે...મારા દોસ્તો મને કંજૂસ ને તમને ઓર્થોડોક્સ સમજશે પપ્પા. ને તમે બહુ જ જબરા છો, મને ના પાડવાનું કારણ પણ કહેતા નથી.'કોને પપ્પા કેમ ક‌ંઈ બોલતાં નથી."
રીવા નચિકેતભાઈ ને વળગી ને ખૂબજ રડતી હતી..

નચિકેતભાઈ એ એને સોફા પર બેસાડીને માથે વ્હાલ નો હાથ ફેરવ્યો ને સમજાવતાં કહ્યું કે,"જો બેટા, છે ને તું આવતા વેકેશન માં આવાં કેમ્પમાં જ્જે ને..આ વખતે આપણે મમ્મી ને લ‌ઈને ગોવા ફરવા જ‌ઈશું.

જો ને એ પણ બિચારી આખું વરસ આપણાં માટે એની બધી ઈચ્છાઓ નો ભોગ આપીને આપણી સગવડો સાચવે છે.તો એને આપણે સરપ્રાઈઝ આપીએ , ગોવાની... ઓકે??

"નાં, મારે ક‌ંઈ સાંભળવું નથી તમારૂં.મને આ ઘરમાં કોઈ પ્રેમ જ નથી કરતું.મમ્મી ની પડી છે તમને , મારી નહીં .જાવ તમારી પણ કિટ્ટા..મારે આજે જમવું પણ નથી." એમ બોલી ને રીવાએ એનાં રૂમનો દરવાજો પછાડી ને લોક કરી દીધો..
કલાક પછી સુમન ઓફિસે થી ઘરે આવી ત્યારે બહુ થાકેલી ને નર્વસ લાગી. નચિકેતે એને પાણી આપ્યું.
"રીવા ક્યાં છે"? સુમને ચિંતા થી પૂછ્યું
"એનાં રૂમમાં" ઈશારા થી નચિકેત એ કહ્યું

"તારી રજાઓ મંજુર થ‌ઈ કે નહીં"? સુમનને પૂછ્યું
"હા, પરમ દિવસથી કરી છે.છ મહિના ની." એણે જવાબ આપ્યો... પછી નચિકેતે રીવાની જીદની વાત કરી.સુમન રડી પડી.એ રાત્રે ખૂબ સમજાવવા છતાં જમી જ નહીં. એટલે સુમન અને નચિકેત પણ ના જમ્યાં.
અંદર રૂમમાં રીવાની દોસ્ત ધુન નો ફોન આવ્યો.એણે એક આઈડિયા આપ્યો કે તું અત્યારે તારા મમ્મી-પપ્પા ને ધમકી આપ કે તમે મને નહીં જવા દો તો આગળ ભણવા નું બંધ કરી દ‌ઈશ.મારા પેરેન્ટસ પણ આમ જ માન્યાં છે. આ સાંભળી રીવા નાં મોં પર ચમક આવી ગઈ ને એ દોડીને મમ્મી-પપ્પા નાં બેડરૂમ આગળ આવી. હજી એ અંદર જવા દરવાજે દસ્તક આપવા જતી હતી ત્યાં જ એને કાને અંદર ચાલી રહેલો વાર્તાલાપ બહાર સંભળાઈ રહ્યો હતો.
"જો, સુમન તું જરાય ચિંતા ના કર. રીવા ડાહી છે.એ માની જશે.છેવટે તો છોકરૂં જ છે ને..!!જીદ કરેય ખરી. ને બધા જતાં હોય તો એને ય મન થાય જવાનું. પણ સમજી જશે એ હોં ને..."નચિકેતે સુમન ને આ‌શ્વાસન આપ્યું.

"પણ મારે મારા આ છેલ્લા દિવસોમાં મારી દિકરી રીવા ને તારી સાથે જ આનંદ થી વિતાવવા છે. પ્લીઝ, તું એને હકીકત જણાવ્યાં વિના મનાવી લે ને." સુમને પોક મૂકી.

આ તરફ રીવા ને કંઈ સમજાયું નહીં.કે આ શેની વાત ચાલતી હતી અંદર.એટલે એ ત્યાં જ પલાંઠી વાળીને સાંભળવા બેસી ગ‌ઈ.
થોડીવાર પેલે પાર સાવ શાંતિ પ્રસરી ગઈ.ને આ પાર રીવા ને પણ ખૂબ ભૂખ લાગી હતી.પણ હવે શું?
ત્યાં જ ફરી સંવાદ ચાલુ થયો.

સુમને નચિકેતને વિનંતી નાં સ્વર માં કીધું કે , " સાંભળ ને , તું મને આજે એક વચન આપ."

"કેવું વચન"? નચિકેતનાં અવાજમાં બહાર બેઠેલી દિકરી રિવાને ઉદાસી અનુભવાઈ રહી છે.

" જો મારૂં હવે કંઈ નક્કી નહીં. કેન્સરનાં આ છેલ્લા સ્ટેજે કયારે યમરાજ નું તેડું આવી જાય.
તે ખબર નહીં. તે મને આખી જિંદગી ખૂબ પ્રેમ , આદર ,ને હૂંફ આપી છે.મને સાચવી છે. આપણે નિ:સંતાન હોવા છતાં પણ મને કોઈ 'દિ ઓછું નથી આવવા દીધું. પણ મને વચન આપ કે તું આપણી રીવા ને હું મરૂં નહીં ત્યાં સુધી આ વાત ની ખબર નહીં પડવા દે.
હું નથી ઈચ્છતી કે એ પણ આપણી સાથે દુ:ખી થાય.ને એ આપણું દત્તક લીધેલ સંતાન છે એ વાત આજીવન ખબર નહીં પડવા દે. નહીંતર મારા આત્માને શાંતિ નહીં મળે." એક મા ધ્રુસકે ને ધ્રુસકે રડીને વિલાપ કરતી હતી.

"સુમન , હું તને વચન આપું છું કે આ બંને વાતની જાણ રીવા ને ક્યારેય નહીં કરૂં, ને તારા ગયા પછી હું બીજા લગ્ન પણ નહીં કરૂં ને એને આપણાં બંને નો ખૂબ પ્રેમ આપી ને હું સાચવીશ.
હું એનો મા-બાપ બની‌ જ‌ઈશ. ભગવાને આપણને કેટલી સુંદર દિકરી આપી છે.!! "
નચિકેત પણ આજે તૂટી ને રડી પડ્યો હતો સુમન નાં ખોળે.

બહાર બેઠેલી રીવા તો પત્થર બની ડઘાઈ ગ‌ઈ.એની આંખો સામે અંધારું છવાઈ ગયું. ચક્કર આવવાં લાગ્યાં.
અરે, આ શું સાંભળી રહી હતી હું.?? હું આ ઘરનું દત્તક સંતાન ? ને છતાંયે ભગવાન પણ તોલે ના આવે એવાં પ્રેમાળ મા-બાપ.?? ને મમ્મી ને કેન્સર?? હે ભગવાન, આ શું કર્યું તે? ને હું આજ સુધી એમને સમજી જ ના શકી.પપ્પાની વાત મેં કેમ માની નહીં.? ને આ જ મનોમંથન માં એણે ધડામ દઈને દરવાજા ની પેલે પાર જઈ ને મા-બાપ નાં ખોળામાં માથું મૂકી દીધું.

"સોરી મમ્મી-પપ્પા , આઈ લવ યુ. મારે કેમ્પ માં નથી જવું.. પપ્પા, હવે આપણે મમ્મી ને લ‌ઈને ગોવા જ‌ઈશું."

સુમન-નચિકેત આજે સાચા અર્થમાં માતૃત્વ-પિતૃત્વ નો અનુભવ કરી રહ્યા હતાં....
-ફાલ્ગુની શાહ ©