અનાજનો સારો ભાવ ન મળતા ઓનીર અને નિયાબી બીજી જગ્યાએ ગયા. પણ કોઈ ફાયદો થયો નહિ. બે ચાર જગ્યાએ પ્રયત્ન કર્યો. પણ કોઈએ એમનો માલ ખરીદ્યો નહિ. પણ એ લોકો નિરાશ ના થયા. પ્રયત્ન ચાલુ રાખ્યો. ને એમને એક ખરીદાર મળી ગયો. માર્કેટમાં એક વેપારીએ એમનો માલ ખરીદવા તૈયાર થઈ ગયો.
ઓનીર: શેઠ આ લો મારો માલ જોઈ ને કહો કેટલા આપશો?
શેઠે ચોખા હાથમાં લીધા ને જોયા. પછી બોલ્યો, ભાઈ ૧૫ સોનામહોર આપીશ.
શેઠની વાત સાંભળી ઓનીર અને નિયાબી ખુશ થઈ ગયા.
ઓનીરે આશ્ચર્ય સાથે પૂછ્યું, શેઠ તમે ખરેખર ૧૫ સોનામહોર આપશો?
શેઠ: હા ભાઈ તારો માલ એટલાનો જ છે. પણ હા એનાથી વધારે નહિ મળે.
ઓનીરે તરત જ કહ્યું, અરે ના ના શેઠ વધુ નથી જોઈતું. પણ આ તો બીજા કોઈએ મારો માલ ના ખરીધો. પણ તમે મારો માલ પણ ખરીધો અને કિંમત પણ યોગ્ય આપી.
શેઠે હસતા હસતા કહ્યું, તો તમે બીજે બધે ફરીને આવ્યા લાગો છો?
ઓનીર: હા શેઠ. ઘણી જગ્યાએ ફર્યો. પણ કોઈએ મને યોગ્ય કિંમત ના આપી. ને તમે તો........
શેઠ: ભાઈ મારી હાલત પણ તારા જેવી જ છે. તારો માલ કોઈ લેતું નથી અને મને કોઈ દેતું નથી.
નિયાબી: શેઠ કેમ એવું?
શેઠ: બેન આ બજારમાં પ્રમાણિકતા અને સચ્ચાઈની કોઈ કિંમત નથી. અહીં લોકો ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં સમજતા નથી. ને હું કોઈનું હરામનું લેવામાં સમજતો નથી.
ઓનીર: ઓહ.....હવે સમજ્યો. પ્રમાણિકતાની અહીં લોકો અવગણના કરે છે. ચાલો કઈ નહિ શેઠ. તમે આ ગરીબને એની મહેનતની પુરી કિંમત આપી છે. ભગવાન તમને આજ પછી કોઈ દિવસ ઓછું નહિ આવવા દે. પછી નિયાબી સામે જોઈ પૂછ્યું, કેમ સાચું કહ્યું ને મે?
નિયાબીએ હસીને કહ્યું, હા સાચી વાત. જોજો શેઠ ભગવાન તમને ખોબો ભરી ભરી ને આપશે. તમારો ખુબ ખુબ ધન્યવાદ શેઠ.
નિયાબી અને ઓનીર ખુશ થતા પેલા ખેડૂત પાસે આવ્યા. ખેડૂત આશાભરી નજરે એમની સામે જોવા લાગ્યો.
ઓનીરે ખેડૂતના ખભે હાથ મુક્તા કહ્યું, કાકા તમારું અનાજ અમે વેચી દીધું છે. પુરી વીસ સોનામહોરમાં.
પેલો ખેડૂતતો ખુશ ખુશ થઈ ગયો. એને તો પોતાના કાને જે સાંભળ્યું એની પર ભરોસો ના બેઠો. એટલે એણે ઓનીરને પૂછ્યું, શુ કહ્યું દીકરા? વીસ સોનામહોર?
ઓનીરે ખુશી સાથે કહ્યું, હા કાકા વીસ સોનામહોર. પછી પોતાના પહેરણમાંથી વીસ સોનામહોર કાઢી ખેડૂતના હાથમાં આપી.
ખેડૂત ખુશ થતો સોનામહોરને જોવા લાગ્યો ને પછી બોલ્યો, દીકરા ખુબ ખુબ ધન્યવાદ. તે તો કમાલ કરી દીધી. પછી ખેડૂતે બે સોનામહોર ઓનીરના હાથમાં આપતા કહ્યું, આ લે દીકરા તારી મહેનતની કિંમત.
ઓનીર અને નિયાબિતો આશ્ચર્યચકિત થઈને ખેડૂતને જોવા લાગ્યા.
ખેડૂત: આમ ના જોઈશ દીકરા. તારી મહેનતનું મહેનતાણુંતો તને આપવું જ પડે ને?
ઓનીરે સોનામહોર પાછી આપતા કહ્યું, કાકા એમાં શુ મહેનત? મે તો તમારી મદદ કરી. મને તો આ કામ ગમ્યું.
ખેડૂત: ભલે દીકરા. પણ આ તો તારે લેવું જ પડશે.
ઓનીર: સારું કાકા લાવો. પછી ઓનીરે એ બે સોનામહોર લીધી ને પછી પાછી આપતા કહ્યું, કાકા તમારી દીકરીના લગ્ન છે ને? તો આ મારા તરફથી ભેટ. એક ભાઈની બેનને ભેટ.
ખેડૂતની આંખમાં આંસુ આવી ગયા. એણે ઓનીરના માથા પર હાથ ફેરવ્યો. ને નિયાબીને હંમેશા ખુશ રહેવાનો આશીર્વાદ આપ્યો. પછી એ ખેડૂત ત્યાંથી નીકળી ગયો.
આ બધું થયું એ નિયાબીએ જોયું. એને આનંદ થયો કે કોઈને મદદ કરી. પણ દુઃખ પણ થયું કે પોતાના રાજ્યમાં આવું બધું પણ થાય છે.
બંને બજારમાં થી ચાલવા લાગ્યા. ઓનીરે નિયાબી સામે જોયું. એ દુઃખી લાગતી હતી.
ઓનીર: શુ થયું રાજકુમારી? દુઃખી છો?
નિયાબી: હા દુઃખ થયું કે ખેડૂતોની હાલત કષ્ટદાયક છે. એમને પોતાની મહેનતનું પૂરું મહેનતાણું મળતું નથી. આવા તો કેટલાય ખેડૂતો હશે.
ઓનીર: હા કેટલાય હશે. ને શેઠ જેવા લોભિયા પણ હશે. ને કોઈક પ્રમાણિક પણ હશે. પણ એના માટે આમ દુઃખી થવાની જરૂર નથી. જે સ્થિતિ છે એને સ્વીકારી એના માટે યોગ્ય કામ કરવાની જરૂર છે.
નિયાબીને ઓનીરની વાત યોગ્ય લાગી. એણે પૂછ્યું, તો શુ કરી શકાય આમાં?
ઓનીરે હસીને કહ્યું, રાજકુમારી રાજ્ય ઈચ્છે તો કોઈ એવી વ્યવસ્થા કરી શકે કે કોઈનું શોષણ ના થાય અને મહેનત કરનારને એની મહેનતનું પૂરું મહેનતાણું મળે.
નિયાબી સમજી ગઈ કે ઓનીર શુ કહેવા માંગે છે.
નિયાબી: હું વાત સમજી ગઈ. ખૂબ સરસ વાત કરી. ધન્યવાદ.
ઓનીર: રાજકુમારી એક ઉમદા રાજા હંમેશા પોતાની પ્રજાનું સારું ભવિષ્ય ઈચ્છે છે. એ હમેશા પોતાની પ્રજાની પ્રગતિ અને સુવિધાઓનું ધ્યાન રાખે છે. ને એટલે જ એક રાજ્ય સમૃદ્ધ અને ઉત્તમ બને છે.
નિયાબી: હા એકદમ સાચી છે. મને એક સરસ સુઝાવ આપ્યો.
ઓનીર: ધન્યવાદ રાજકુમારી કે તમને મારી વાત ગમી.
નિયાબી: પણ ઓનીર એક વાત મને સમજ ના પડી કે વેપારીએ તો માત્ર ૧૫ સોનામહોર જ આપી હતી. પણ તે ખેડૂતને વીસ સોનામહોર કેમ આપી?
ઓનીરે સરસ સ્મિત સાથે કહ્યું, એની મદદ માટે. ખબર છે ખેડૂતે શુ કહ્યું હતું? એની દીકરીના લગ્ન છે. ને આ લગ્ન આ અનાજની કિંમત પર આધારિત હતા. જો એને માત્ર ૧૫ સોનામહોર મળી હોત તો એને લગ્ન માટે કોઈ પાસેથી ઉધાર લેવું પડત. પણ હવે એને નહિ લેવું પડે.
નિયાબીને ઓનીરની ઉદારતા ગમી ગઈ. ને ઉદારતા કરતા એની પરિસ્થિતિને પારખવાની બુદ્ધિ વધુ ગમી. નિયાબીએ હસીને કહ્યું, સરસ, મને આવું ના સૂઝયુ.
ઓનીરે નિયાબી સામે જોયું ને બોલ્યો, રાજકુમારી એના માટે કોઈ તાલીમ લેવાની જરૂર નથી. બસ જરૂર છે તો લોકોને સમજવાની. ને લોકોને સમજવા માટે લોકો સાથે હળવુંભળવું જરૂરી છે. લોકોની નજીક જવું જરૂરી છે.
નિયાબી ઓનીરને જોઈ રહી હતી. બંનેની આંખો એક થઈ ગઈ. ઓનીરે એ આંખોમાં એક નવી ચમક જોઈ. એને એમાં દેખાયું કે, રાજકુમારી જીંદગીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આમ જ આગળ વધશે તો એ દિવસ દૂર નથી કે નિયાબી એક સામાન્ય જીંદગી જીવી શકશે.
નિયાબીને એ આંખોમાં એક સમજદાર અને પ્રેમાળ વ્યક્તિ દેખાયો. એને થયું, સાચો વ્યક્તિ છે. જીંદગીને સમજી શકે છે. જીંદગી જીવવાની સાચી રીત જાણે છે. ને એટલે જ ખુશ છે. ઘણું શીખવા જેવું છે.
ઓનીર....ઓનીર એવી બુમો સંભળાઈ.
ઓનીરે અવાજની દિશામાં જોયું તો ઝાબી એને બોલાવી રહ્યો હતો. અગીલા અને માતંગી પણ હતા. બંને એ લોકોની પાસે ગયા.
ઝાબી: શુ થયું? કામ થયું?
ઓનીર: હા થઈ ગયું.
અગીલા: સરસ ઓનીર. ખેડૂત ખુશ હતો?
નિયાબીએ ઓનીર સામે જોઈને કહ્યું, હા ખૂબ જ ખુશ હતો.
પછી માતંગી સામે જોઈને પૂછ્યું, તમે શુ કર્યું?
માતંગીએ જે કર્યું એ કહી સંભળાવ્યું.
અગીલા: લોકો પણ આ રાજની કચેરીના કામ થી ખુશ નથી. લોકો ત્યાં જતા ડરે છે.
ઝાબી: આ કચેરીના અમલદારો સામાન્ય લોકોને મદદ કરતા નથી. ત્યાંનો કોટવાલ પોતાની મરજી પ્રમાણે કામ કરે છે. એને શુ લાગે છે? એ પ્રમાણે એ કામ કરે છે. જે યોગ્ય નથી. રાજના માણસો તટસ્થ હોવા જોઈએ. એમના માટે બધા લોકો સરખા હોવા જોઈએ.
માતંગી: ઝાબીની વાત બરાબર છે. જો રાજ્યના અમલદારો લોકો વચ્ચે ભેદભાવ કરશે તો લોકો ક્યાં જશે? કોની પાસે ન્યાય માંગશે?
નિયાબી આ બધું શાંતિથી સાંભળી રહી હતી.
માતંગી: રાજકુમારી આ માટે આપણે કઈક કરવું પડે.
નિયાબીએ ઓનીર સામે જોયું ને કહ્યું, ઓનીર હું વિચારું છું કે આપણે ખેડૂતોનો માલસામાન રાજ્ય તરફથી ખરીદીએ. ને એ માટે આપણે યોગ્ય કિંમત નક્કી કરીએ. જેથી એમને પોતાની મહેનતનું યોગ્ય મહેનતાણું મળે. ને પછી રાજ્ય જ આ સામાન મોટા વેપારીઓ કે નાના વેપારીઓ દ્વારા લોકો સુધી પહોંચાડે. જેથી લોકોને પણ યોગ્ય કિંમતે વસ્તુઓ મળે. તમારા બધાનો શુ અભિપ્રાય છે?
ઓનીર: ઉત્તમ વિચાર રાજકુમારી. આનાથી બધા લોકોને ફાયદો થશે.
માતંગી, અગીલા અને ઝાબીએ પણ નિયાબીના વિચારને વધાવી લીધો.
નિયાબી: તો માતંગી આને પણ લાગુ કરવાની વ્યવસ્થા કરવી પડશે. ને કોટવાલવાળી જે વાત છે એ હું તમારા પર છોડું છું. તમે સેનાપતિ છો. આ માટે તમે જે નિર્ણય લેશો તે કાયદો બની જશે. ને તમે ઈચ્છો તો આ બધાની મદદ પણ લઈ શકો છો.
માતંગી: જી રાજકુમારીજી.
પછી એ લોકો ત્યાંથી હસતા હસતા નીકળ્યા. પણ આજે બધાને નિયાબીમાં એક મોટો અને સારો ફેરફાર દેખાયો. જે બધાને ખુબ ગમ્યો. ખાસ કરીને ઓનીરને. આજે પહેલીવાર નિયાબીએ ઓનીરને એના નામથી સંબોધન કર્યું હતું.
ક્રમશ....................