અચાનક ઘેર જતા રસ્તામાં એક્તાનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે તારા માટે એક સૌથી સારી ખુશ ખબર છે. તેણે હા પાડી છે. તેને પણ તું ગમે છે. આજે ફરી એક વાર હું અગાસી પર ગયો અને નાચવા કુદવા લાગ્યો. આજની ઘડી તે રણીયામણી, મારી વ્હાલીએ હા પાડ્યાની વધામણી રે. આજે હું ખુબ જ ખુશ હતો. આજે મારી લાગણીઓ ક્યાંય સમાતી નહોતી. આજે મારી મમ્મી પણ કહેતી હતી કે, “કેમ ભાઈ આજે તુ તો ખુબ જ ખુશ છો ને કંઈ? કઈં નવીન છે કે?
પણ તેને કોણ કહે કે તેના દિકરાએ તેના માટે વહુ પસંદ કરી લીધી છે.
પણ મારી ઇચ્છા તો ફિલ્મોની જેમ તેની સામે ઘૂંટણીએ પડીને તેનો હાથ મારા હાથમાં લઈ મારા પ્રેમનો તેની સમક્ષ ઈઝહાર કરવો હતો. પણ શું તે મને એકાંતમાં મળવા આવશે? તેને આ માટે મનાવવી કેવી રીતે? આ પ્રશ્નોના કોઈ જ જવાબો નહોતા. પણ મારે તેને મળવું તો હતું જ. ગમે તેમ કરીને તેને મનાવવી હતી. તેની સાથે એ રાત્રે મેં SMS ઉપર વાતો કરવાની શરૂં કરી. આમતેમ વાતો કરતા કરતા મેં તેને જણાવ્યું કે હું તેને એકાંતમાં મળવા માંગું છું. તેણે ઘણી આનાકાની કરી પણ છેવટે તો મારી જ જીત થઈ અને તે મને મળવા માટે રાજી થઈ ગઈ. અમે અગાઉથી નક્કી કર્યા મુજબ કોલેજ જવા માટે બધાથી અલગ બીજી જ બસમાં બેઠા. જેથી કોલેજમાં પહોંચવામાં થોડું મોડું થયું. એ સમયે કોલેજ જવાના રસ્તા કોઈ જ આવતું જતું નહોતું.
તે રસ્તાના કિનારે કિનારે ચાલતા ચાલતા અચાનક જ મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને એકદમ જ ફિલ્મી રીતે નીચે ઘૂંટણીએ તેની સામે બેસીને તેના હાથને મેં ચુમ્યો અને પુછ્યું: “શું તું મારી સાથે લગ્ન કરીશ?”
પણ તે એટલી બધી ઘબરાઈ ગઈ આ પ્રથમ પ્રણયના પ્રથમ ચુંબનથી કે એક ગભરૂં હરણીની માફક તે ચાલી ગઈ અને અહિં મારી હાલત ખરાબ થઈ ગઈ. મારા હૃદયના ધબકારા પણ વધી ગયા કપાળે પરસેવાની બુંદો બાઝી ગઈ હતી. તે તો ચાલી ગઈ પણ હું પાછળ પાછળ ચાલી નિકળ્યો કોલેજના રસ્તે. હવે તે મારા આવા વર્તનથી ગુસ્સે થઈ હશે કે તેને ગમ્યું હશે તે મને ખબર નહોતી. મનમાં ઘણા વિચારો આવતા હતાં. મારા જે મિત્રોને આજની આ ઘટનાની જાણ હતી તે લોકો પણ મારી મુખમુદ્રા જોઈ જાણી ગયા. પણ મારૂં હૃદય તો એમ જ કહેતું હતું કે તે હંમેશા મારી જ છે. પણ આ મગજ અને હૃદય વચ્ચે દ્વંદ્વ યુધ્ધ જામ્યું હતું.
હવે તેના મનની વાત પુછવી તો પુછવી પણ કોને? મારા મનની વિટંબણા એ હતી કે મારા અધિરા મનને સમજાવું તો સમજાવું કેવી રીતે? છેવટે મેં હિંમત કરી તેને SMS કર્યો.
હું:”તું કેમ ચાલી ગઈ આજે?”
તે:”હું ઘબરાઈ ગઈ હતી.”
હું:”તું ચાલી ગઈ તેમાં હું ઘબરાઈ ગયો. મને એમ થાય છે કે તને નહી ગમ્યું હોય કે શું?”
તે:”અરે આવું તો હું સ્વપ્ન જોતી રહેતી કે કોઈ મને આ ફીલ્મી રીતે આવીને મને લગ્ન વિશે પુછે?”
હું:”તો તે શું વિચાર કર્યો મારા પ્રશ્ન નો?”
તે:”હજું વિચાર કરવો પડશે.”
હું:” હજું મને કેટલી રાતોના ઉજાગરા કરાવવા છે તારે?”
તે:”કેમ ઉજાગરા?”
હું:”તારો જવાબ ના મળે ત્યાં સુધી મને ઈંતેજારી તો હોય ને?”
તે:”તને શું લાગે છે મારી હા હોવી જોઈએ કે ના?”
હું:”એ તો હું કેવી રીતે કહી શકું?”
તે:”તે પ્રેમ કર્યો છે તો એટલો તો તને તારી જાત પર વિશ્વાસ હોવો જોઈએ ને!”
હું:”છતાય મારે તારા મોઢેથી જ સાંભળવું છે. જો તારી હા હોય તો કોલેજના પ્રથમ દિવસે જે રીતે તૈયાર થઈ ને આવી હતી તે રીતે કાલ આવજે.”
તે:”મને એ યાદ નથી.”
હું:”મે તને આપેલા લવ લેટરમાં લખેલું છે. વાંચી લે જે.”
(તે કોલેજના પ્રથમ દિવસની જેમ જ તૈયાર થઈ ને આવશે? જાણો આવતા ભાગમાં)