ક્રેટી તેમજ જ્યોર્જની પ્રેમકહાની..
એન્જેલા તેમજ પીટર વચ્ચે પણ પ્રેમ થયો..
સાથીદારોનું મિલન...
--------------------------------------------
જ્યોર્જે રાજ્યશાસ્ત્રની બીજી પ્લેટ ખોલી. અને એ પ્લેટ ઉપરનું લખાણ વાંચતા જ જ્યોર્જ આનંદિત થઈ ગયો. રાજ્યયોગી બાજુમાં જ ઉભા હતાં. તેમણે જ્યોર્જના મુખ પર આનંદના ભાવ અંકિત થયેલા જોઈને જ્યોર્જને પૂછ્યું.
"મહાશય પ્લેટ ઉપર શું લખેલુ છે કોઈ શુભ સંદેશ છે ??
જ્યોર્જે રાજ્યયોગી તરફ ફર્યો અને બોલ્યો "તમે જ જોઈ લો એ સંદેશ અને વાંચીને મહારાજ માર્જીયશને સંભળાવો..'
રાજ્યયોગી આગળ આવ્યા. અને પ્લેટ પર અંકિત થયેલો સંદેશો વાંચ્યો. વાંચતા-વાંચતા તેમના કપાળ ઉપર કરચલીઓ પડવા લાગી. સંદેશો વાંચ્યા પછી તેઓ પાછળની બાજુ ફર્યા.
"શું સંદેશ છે દેવ..' રાજકુમારીએ રાજ્યયોગીને થોડાક ચિંતામાં જોઈને પૂછ્યું.
"બેટી પ્લેટ ઉપર ક્લિન્ટન દેવે લખેલુ છે કે રાજ્યશાસ્ત્રને જે દિવ્ય પુરુષ ખોલશે એની સાથે રાજકુમારીના લગ્ન થશે..' રાજ્યયોગી રાજકુમારી ક્રેટી સામે જોઈને બોલ્યા.
"શું...??? રાજકુમારી અને રાજા માર્જીયશ બન્ને એક સાથે બોલી ઉઠ્યા.
"હા મહારાજ ક્લિન્ટન દેવની આજ્ઞા છે. અને એમની આજ્ઞા માનવી એ આપણો રાજ્યધર્મ છે..' રાજ્યયોગીએ રાજા માર્જીયશ સામે જોઈને કહ્યું.
"પણ એક અજાણ્યા વ્યક્તિ સાથે હું મારી પુત્રીને કેવી રીતે પરણાવી શકું.. દેવ..' રાજા માર્જીયશે ચિંતિત સ્વરે રાજ્યયોગીને પૂછ્યું.
"મહારાજ નીચે બીજી આજ્ઞાઓ પણ લખેલી છે. એ મુજબ આ પુરુષ કામ કરશે તો જ એ રાજકુમારી માટે યોગ્ય ગણાશે..' રાજ્યયોગીએ રાજાને ધરપત આપતા કહ્યુ.
"જલ્દી કહો બીજું શું લખેલુ છે આજ્ઞામાં..' રાજાએ ઉતાવળથી પૂછ્યું.
" પ્રથમ એમણે આપણા માટે નવા નગરનો નકશો તૈયાર કરીને અલ્સ પર્વતની તળેટી પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નવું નગર ઉભું કરવાનું છે. આ લોકો આપણને માર્ગદર્શન આપશે એ મુજબ એ નગરની રચના કરવામાં આવશે. બીજું તેઓએ આપણા નગરના વિકાસ માટે એમના કલા કૌશલથી નવા કાર્યો આપણા નગરના લોકોને શીખવવા પડશે જેથી નગરમાં સમૃદ્ધિ જળવાઈ રહે..' રાજ્યયોગીએ કહી સંભળાવ્યું.
થોડીવાર વાતાવરણમાં ખામોશી છવાઈ ગઈ પછી રાજા માર્જીયશ બોલ્યા.
"ઠીક છે.. જોઈએ મહાશય જ્યોર્જની કામગીરી પછી આગળનો નિર્ણય કરીશુ..' રાજાએ પોતાનો નિર્ણય સંભળાવ્યો.
પછી બધા ત્યાંથી ગયા. જ્યોર્જ અને પીટર પણ તેમને ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં રાજ્યાશનમાં આવી ગયા. રાત્રે થોડુંક તોફાન અને વરસાદ રહ્યો. રાત વીતી ગઈ. સવારે જ્યોર્જ અને પીટર ઉઠ્યા.
"જ્યોર્જ તને તો અદ્ભૂત સુંદરી મળશે. શું એનું રૂપ છે વાહ..!' પીટર રાજકુમારીના વખાણ કરતા બોલ્યો.
"હા.. દોસ્ત સુંદરતાની તો એ સાક્ષાત દેવી છે. હવે તો ગમે તે ભોગે એને મેળવવી જ છે..' જ્યોર્જે પોતાના દિલમાં રહેલી વાત રજુ કરી.
"પણ જ્યોર્જ આપણે નવા નગરની રચના કેવી રીતે તૈયાર કરીશુ.. અને નવા કામો પણ આ લોકોને શીખવવા પડશે. આ બધું કેવી રીતે કરીશુ ? પીટરે મુદ્દાની વાત બહાર કાઢતા કહ્યું.
"પહેલા અલ્સ પર્વત પાસે આવેલું મેદાન જોવું પડશે. પછી બધું તૈયાર કરીએ..' જ્યોર્જ બોલ્યો.
જ્યોર્જ અને પીટર આમ વાત કરતા હતા ત્યાં રાજકુમારી ક્રેટી અને અને રાજ્યયોગીની પુત્રી એન્જેલાએ તેમના ઓરડામાં પ્રવેશ કર્યો.
આટલી વહેલી સવારે રાજકુમારીને અહીંયા આવવાનું શું પ્રયોજન હશે એ વાત જ્યોર્જ અને પીટર સમજી શક્યા નહીં.
જ્યોર્જે રાજકુમારીના મુખનું નિરીક્ષણ કર્યું તો એના મુખ ઉપર અલગ જ પ્રકારના ભાવો અંકિત થયેલા હતા.
રાજકુમારીએ જ્યોર્જ પાસે આવીને જ્યોર્જનો હાથ પકડ્યો.
જ્યોર્જ રાજકુમારીનું આવું વર્તન જોઈને હેતબાઈ ગયો. પીટર તથા એન્જેલા પણ કંઈ સમજી શક્યા નહીં.
ત્યાં રાજકુમારી બોલી "જ્યોર્જ રાજ્યશાસ્ત્રમાં મેં ક્લિન્ટન દેવે લખેલી આજ્ઞા સાંભળી ત્યારથી મારું દિલ તમારી તરફ ખેંચાઈ રહ્યું છે..'
આટલું બોલતા-બોલતા એની આંખમાં આંસુઓ ઘસી આવ્યા. માંડ-માંડ એણે આંસુઓ રોક્યા.
પછી એ આગળ બોલી "તમે ગમેતેમ કરીને પિતાજીને ખુશ કરો.. હું તમારી સાથે રહેવા માંગુ છું જીંદગીભર..' અને પછી તે જ્યોર્જને ભેંટી પડી.
જ્યોર્જને થયું કે આ સ્વપ્ન છે કે હકીકત. રાજકુમારી આટલો જલ્દી એને પસંદ કરી નાખશે એ એને સપનામાં પણ ખ્યાલ નહોતો. જ્યોર્જ સપનામાં ખોવાઈ ગયો.
થોડીવાર જ્યોર્જ કંઈ ના બોલ્યો એટલે ક્રેટી એકદમ લાગણીશીલ અવાજે ફરીથી બોલી "જ્યોર્જ તમે કેમ કંઈ બોલતા નથી..બોલોને કંઈક..' ક્રેટીએ જ્યોર્જને જોરથી હચમચાવ્યોં.
જ્યોર્જ સપનામાંથી બહાર આવ્યો. પછી ક્રેટીની આંખમાં જોઈને બોલ્યો "રાજકુમારી મારા પ્રત્યેની તમારી લાગણીની કદર કરું છું. હું જરૂર મારા કાર્યોથી તમારા પિતાજીને પ્રસન્ન કરીશ..'
પછી જ્યોર્જે રાજકુમારી ક્રેટીને એના આલિંગનમાં ઝકડી લીધી. બંનેને આમ પ્રેમથી ભેંટતા જોઈને એન્જેલા અને પીટરની આંખમાં પણ આંસુ આવી ગયા. પીટરે એન્જેલા સામે જોઈને હળવું સ્મિત કર્યું. એન્જેલા શરમથી નીચું જોઈ ગઈ.
થોડીવાર પછી ક્રેટી અને જ્યોર્જે એકબીજાને આલિંગનમાંથી મુક્ત કર્યા. બન્ને એકબીજાને હજુ પણ ધરાઈ-ધરાઈને અતૃપ્ત નજરે જોઈ રહ્યા હતા. જ્યોર્જ અને ક્રેટી વચ્ચે હવે પ્રેમનું પ્રબળ આકર્ષણ જન્મી ચૂક્યું હતુ. રાજકુમારી ક્રેટીનું દિલ એક પરદેશીની પ્રીતમાં પૂર્ણપણે રંગાઈ ચૂક્યું હતું.
"ક્રેટી અલ્સ પર્વત કઈ બાજુ છે ?? જ્યોર્જ બોલ્યો. અને બધા વિચારોની તંદ્રામાંથી બહાર આવ્યા.
"અલ્સ.. પર્વત નગરની બહાર પૂર્વ દિશામાં છે. ચાલો આજે ત્યાં જઈએ.તમને પણ ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને આનંદની અનુભૂતિ થશે..' ક્રેટીએ લાગણીથી મીઠાં સ્વરે કહ્યું.
"પણ આપણે બન્ને એકસાથે ત્યાં ગયા એવો તમારા પિતાજીને ખબર પડશે તો..' જ્યોર્જે મુંજાયેલા અવાજે કહ્યું.
"એ બધું હું સંભાળી લઈશ.. ચાલો તમે..' ક્રેટીએ જ્યોર્જનો હાથ પકડીને કહ્યું.
"પણ.. ક્રેટી..' જ્યોર્જ થોથવાતા અવાજે બોલ્યો.
"અરે.. ચાલો ને.. કેમ આટલા બધા ડરી રહ્યા છો.. હું છું ને સાથે..' ક્રેટી મોહક અવાજે બોલી.
"ઠીક છે પણ.. મારી સાથે મારો દોસ્ત પીટર આવશે..' જ્યોર્જ બોલ્યો.
"હા.. ભલે આવે મારી સાથે પણ એન્જેલા આવવાની જ છે..' ક્રેટી બોલી.
જ્યોર્જ અને પીટર તૈયાર થઈ ગયા. પછી તેઓ ક્રેટી અને એન્જેલાની સાથે અલ્સ પર્વત તરફ નીકળી પડ્યા. અલ્સ પર્વત નગરથી લગભગ ત્રણ માઈલ જેટલો દૂર હતો. લગભગ કલાક જેટલો સમય લાગ્યો તેમને ત્યાં સુધી પહોચવામાં.
દૂરથી ભયકંર ભાસી રહેલો અલ્સ પહાડ નજીકથી અત્યંત રમણીય હતો. વચ્ચે એક ઊંચું શિખર અને આજુબાજુ નાની-નાની ટેકરીઓ અલ્સ પહાડ પહાડની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. અજગરે ભરડો લીધો હોય એમ ઝોમ્બો નદી અલ્સ પહાડને નળાકાર રીતે વીંટળાઈને સામે આવેલા મેદાનને બે ભાગમાં વિભાજીત કરીને શાંત નાગિનની માફક સામે આવેલા જંગલમાં અદ્રશ્ય બનતી હતી. નદીનો પ્રવાહ થોડોક તીવ્ર હતો છતાં નદી ઘુઘવાટ કર્યા વગર શાંત રીતે વહી રહી હતી.
અલ્સ પર્વતના વચ્ચે એક ખડક હતો જેમાંથી પાણીનો ધોધ નીચે આવેલી એક શીલા ઉપર પડ્તો હતો અને પછી નદીમાં ભળી જતો હતો. આજુબાજુ સુંદર વનરાજી હતી. સુંદર અને ઘટાદાર વૃક્ષોના કારણે આજુબાજુનું વાતાવરણ લાલિત્યપૂર્ણ લાગી રહ્યું હતું. અદ્ભૂત સૌંદર્ય ધરાવતું આ સ્થળ જોઈને જ્યોર્જ અને પીટરના મન રોમાંચિત થઈ ગયા.
હજુ સવારનો પહોર જ હતો એટલે વાતાવરણ આહલાદ્ક
હતું. રાજકુમારી ક્રેટી અને જ્યોર્જ બન્ને એકબીજાનો હાથ પકડીને તાજગીપૂર્ણ વાતાવરણનો આનંદ લઈ રહ્યા હતાં. જયારે પીટર અને એન્જેલા એકબીજાથી દૂર ઉભા રહીને આજુબાજુનો નજારો જોઈ રહ્યા હતા. ક્યારેક તેઓ પણ એકબીજા તરફ ચોરીછૂપીથી જોઈ લેતા હતા.
"જ્યોર્જ પેલો ધોધ કેવો મસ્ત રીતે નીચે આવેલી શીલા સાથે અથડાઈ રહ્યો છે..' ક્રેટીએ રોમાંચિત અવાજે સામે પડી રહેલા ધોધ તરફ આંગળી લાંબી કરી.
"કેટલું સુંદર દ્રશ્ય છે..' જ્યોર્જ હળવેકથી ક્રેટીના હાથને દબાવતા બોલ્યો.
"જાણે એવું લાગી રહ્યું છે કે ધોધ પ્રેમ બનીને અતૃપ્ત શીલાની પ્યાસ બુજાવી રહ્યો છે..' ક્રેટીએ આગળ આવી જ્યોર્જની આંખમાં જોતાં કહ્યું.
"હા..મારે પણ પ્યાસ બુજાવવી છે તારી ઉપર વરસીને..' જ્યોર્જે ક્રેટીના મસ્તકને બે હાથે પકડીને કહ્યું. પણ આજુબાજુ પીટર અને એન્જેલા છે એનો ખ્યાલ આવતા છોડી દીધું.
જ્યોર્જ અને ક્રેટીની વાતો તેમજ હરકતો જોઈને પીટર અને એન્જેલા હસી પડ્યા. જ્યોર્જ ઝંખવાણો પડી ગયો. ક્રેટી તો શરમથી નીચું જોઈ ગઈ.
"એન્જેલા તારે અને પીટરને હસવાની જરૂર નથી. તું અને પીટર પણ એકબીજાને ચોરીછુપીથી જોયા કરો છો એની મને પણ ખબર છે..' ક્રેટીએ પોલ ખોલી.
"ના..આ.. અમે તો બસ અમસ્તા..જોતા હતા. સાચી વાત છે ને પીટર..' બોલતા- બોલતા એન્જેલાના ગાલ શરમથી લાલ થઈ ગયા.
"મારી સામે વધારે તું જોયા કરે છે. હું ક્યાં જોઉં છું..' પીટરે એન્જેલા સામે જોઈને કહ્યું.
"જો તું મારી સામે ના જોતો હોય તો તને કેવીરીતે ખબર પડી કે હું તારી સામે જોયા કરું છું..? એન્જેલાએ પીટરને પ્રશ્ન કર્યો.
"એ..તો.. એ..તો..' પીટર થોથવાતા અવાજે બોલ્યો.
"શું એતો એતો..? પકડાઈ ગયો..' એન્જેલા પીટર સામે જોઈને જોરથી બોલી.
"હવે તમે બન્ને પકડાઈ ગયા છો એટલે પ્રેમની કબૂલાત કરી લો.. ઝગડો ખતમ..' જ્યોર્જ બોલ્યો. જ્યોર્જનો આવાજ સાંભળીને એન્જેલાની પાંપણો શરમથી ઝૂકી ગઈ. પીટર પણ નીચું જોઈ ગયો.
"હા કરી લો કબૂલાત એટલે આ ચોરીછૂપીનો ખેલ ખતમ થાય..' ક્રેટીએ હસીને કહ્યું.
"પણ સખી કેવીરીતે પ્રેમને કરું મને તો શરમ આવે છે..' એન્જેલા શરમથી બોલી.
"અરે.. તને શરમ આવે છે કંઈ વાંધો નહીં.. પીટર તું જ પકડી લે એન્જેલાનો હાથ..' ક્રેટીએ પીટર તરફ જોઈને કહ્યું.
પીટર આગળ વધ્યો અને ધીમેથી એન્જેલાનો હાથ પકડ્યો. એક હાથથી એન્જેલાના જમણા હાથની ચાર આંગળીઓ પકડી અને બીજા હાથે પંપાળી પછી નીચા નમીને હળવેકથી હાથ ઉપર ચુંબન કર્યું. અને પછી બે હાથે એન્જેલાને ઊંચકી લીધી. એન્જેલાએ પોતાના બંને હાથ પીટરના ગળા ફરતે વીંટી લીધા. આ દ્રશ્ય જોઈને ક્રેટી અને જ્યોર્જની આંખમાં પણ આંસુ આવી ગયા.
જ્યોર્જ અને પીટર માટે આજનો દિવસ એમની જીંદગીનો ખાસ અને અદ્ભૂત દિવસ હતો. એક જ દિવસે તેમને બન્નેને પ્રેમિકા મળી હતી.જ્યોર્જ આજે ફરીથી એના મીઠાં સ્વપ્નોમાં મગ્ન બન્યો.
"જ્યોર્જ ચાલને.. પેલા ધોધ નીચે નાહીએ..' ક્રેટીનો અવાજ સાંભળી જ્યોર્જ સપનામાંથી બહાર આવ્યો.
"હા.. ચાલ..' જ્યોર્જે મીઠું હસીને ર્ક્રેટીનો હાથ પકડ્યો.
"પીટર.. એન્જેલા ચાલો નાહવા માટે..' પીટર અને એન્જેલા એકબીજા સાથે પકડા-પકડી રમી રહ્યા હતા. એમની તરફ જોઈને ક્રેટીએ બુમ પાડી.
ક્રેટીની બુમ સાંભળીને પીટર અને એન્જેલા પણ એમની નજીક આવ્યા. પછી બધા ચાલ્યા નહાવા માટે ધોધ તરફ.
ધોધ પાસે પહોંચીએ બધા મસ્ત રીતે નહાવા લાગ્યા. જ્યોર્જ તો ક્રેટીને જોઈ રહ્યો હતો. એનું ભોળપણ , વાતોમાં ઉભરાતો નિદોષ આનંદ , શાણપણ , ચહેરા પર પ્રદર્શિત થતી માસુમિયત વગેરે બાબતો જ્યોર્જના દિલમાં ઊંડી ઉતરી ગઈ હતી.
ત્યાં તો.. એ ઈઈઈઈ..જ્યોર્જ આહા..' ક્રેટીની ચીસ સંભળાઈ. જ્યોર્જે એકદમ એ તરફ જોયું તો પથ્થર પર બાઝેલી લીલના કારણે ક્રેટીનો પગ લપસ્યો અને ધોધના પ્રવાહ વડે ધકેલાઈને ક્રેટીની કાયા નદીના પાણી તરફ ઝડપથી ધકેલાઈ ગઈ. પછી તો નદીનો પ્રવાહ તીવ્ર હતો એટલે ક્રેટી પ્રવાહમાં તણાવા લાગી. શું કરવું જ્યોર્જને સમજાયું નહીં.
તે ધોધ તરફથી નદીના કિનારે જ્યાં ક્રેટી તણાઈ રહી હતી એ બાજુ દોડ્યો. પાછળ પીટર અને એન્જેલા પણ દોડ્યા.
નદી શાંત હતી પરંતુ તેનો પ્રવાહ ઝડપી હતો. નદીનો પ્રવાહ ક્રેટીને આમથી તેમ ફંગોળી રહ્યો હતો. ક્રેટીની ચીસો સંભળાઈ રહી હતી. જ્યોર્જ , પીટર અને એન્જેલા ત્રણેય કિનારે ક્રેટીને જે તરફ નદીનો પ્રવાહ તાણી રહ્યો હતો એ તરફ ક્રેટીને બચાવવા માટે મરણિયા બનીને દોડી રહ્યા હતા.
અચાનક ક્રેટીનું શરીર દેખાવાનું બંધ થયું. અને એની ચીસો પણ સંભળાવવાની બંધ થઈ. જ્યોર્જના પેટમાં ધ્રાસ્કો પડ્યો. પીટરનું મોઢું પણ ઉતરી ગયું. એન્જેલા તો બિચારી રડવા જેવી થઈ ગઈ.
જ્યોર્જ હવે ઝડપથી દોડવા લાગ્યો. એન્જેલા દોડીને બહુ જ થાકી ગઈ હતી એટલે પીટર એને ખભે ઊંચકીને જ્યોર્જ પાછળ લથડતા પગે દોડવા લાગ્યો.
જ્યોર્જ લગભગ એક માઈલ જેટલું દોડ્યો હશે ત્યાં સામે એક પુરુષ એક સ્ત્રીના શરીરને નદીમાંથી ખેંચીને મહામહેનતે બહાર કાઢી રહ્યો હોય એવું દેખાયું. જ્યોર્જ ઝડપથી દોડીને ત્યાં પહોંચ્યો. ત્યાં જઈને જોયુ તો એ સ્ત્રી ક્રેટી હતી. જ્યોર્જ ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં પેલા પુરુષે ક્રેટીને નદીમાંથી બહાર કાઢીને કિનારા પર મૂકી દીધી હતી.
જ્યોર્જે બચાવનાર સામે જોયા વગર જ ક્રેટીના શરીરને દબાવવા માંડ્યું. ક્રેટી બેભાન થઈ ગઈ હતી. શરીરમાંથી પાણી બહાર નીકળ્યા પછી થોડીક વાર પછી ક્રેટીએ આંખો ખોલી.
જ્યોર્જ સામે જોઈને એણે હળવું સ્મિત કર્યું.. જ્યોર્જ રડી પડ્યો અને ક્રેટીને ભેટીને એને ચુંબનોથી નવડાવી નાખી.
"કેપ્ટ્ન સાબ તમે અહીંયા..' પીટરનો અવાજ સાંભળીને જ્યોર્જ ચોંક્યો.
જ્યોર્જે પાછળ જોયું તો એમના જહાજના માલિક કેપ્ટ્ન હેરી ઉભા હતા અને જ્યોર્જને જોઈ રહ્યા હતા. જ્યોર્જ તરત ઉભો થયો. આટલા દિવસ પછી કેપ્ટ્નને જોયા પછી એની આંખો હર્ષથી છલકાઈ ગઈ. પીટરની આંખમાં પણ પોતાના વ્હાલા કેપ્ટ્ન ને જોઈને આંસુઓ ઉભરાઈ આવ્યા. બન્ને દોડીને કેપ્ટ્નને ભેંટી પડ્યા. કેપ્ટ્ન પણ પોતાના બન્ને વહાલા સાથીદારોને ભેંટીને રડી પડ્યા. વાતાવરણ એકદમ ગમગીન બની ગયું. ભાનમાં આવેલી ક્રેટી આ લોકોને આમ ભેંટતાં જોઈને અચંબિત થઈ ગઈ. એન્જેલાને પણ કંઈ સમજાયું નહીં.
"જ્યોર્જ બીજા આપણા કયા-કયા સાથીદારો છે તમારી સાથે..' કેપ્ટ્ને પ્રશ્ન કર્યો.
"અમે બે જણ જ છીએ.. બાકીના બધાને આપણે ગુમાવી ચુક્યા છીએ કેપ્ટ્ન..' જ્યોર્જ કેપ્ટ્નના ખભે માથું ટેકવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.
"ના.. જ્યોર્જ આપણે બધાને નથી ગુમાવ્યા. પ્રોફેસર , જોન્સન , ફિડલ અને રોકી છે મારી સાથે..' કેપ્ટ્ને આંખમાં આવી ગયેલા આંસુઓ લૂછતાં કહ્યું.
"ક્યાં છે આપણા સાથીદારો મારે એમને મળવું છે..' પીટર કેપ્ટ્ન સામે જોઈને બોલ્યો.
"અમે અહીંથી થોડેક દૂર જંગલમાં પડાવ નાખ્યો છે.. ચાલો જઈએ ત્યાં.. એ બધા તમને બન્નેને જોઈને બહુ ખુશ થશે..' કેપ્ટ્ન આનંદિત થતાં બોલ્યા.
"હા ચાલો..' પીટર ઉતાવળથી બોલ્યો.
"પણ જ્યોર્જ આ બંને કોણ છે અને તું કેમ આને બચાવવા માટે દોડતો હતો..' કેપ્ટ્ને એન્જેલા અને ક્રેટી તરફ જોઈને જ્યોર્જને પૂછ્યું.
"એ બહુ લાંબી વાત છે. ચાલો ત્યાં જઈને બધાને કહીશું..' જ્યોર્જે હસીને કહ્યું.
"કંઈ વાંધો નહીં.. ત્યાં જઈને કહેજે ચાલો..' કેપ્ટ્ન બોલ્યા અને બધાએ ચાલવા માંડ્યું.
લગભગ અડધો કલાક ચાલ્યા હશે. ત્યાં એમને ધુમાડો દેખાયો. એ તરફ જોઈને કેપ્ટ્ન બોલ્યા "ફિડલ જમવાનું બનાવી રહ્યો હશે.. થોડુંક વધારે બનાવે તો સારું.. આજે થોડાક મહેમાનો વધારે છે એટલે..' કેપ્ટ્નની રમૂજ સાંભળી ક્રેટી , જ્યોર્જ, પીટર અને એન્જેલા હસી પડ્યા.
થોડીવારમાં બધા પહોંચી ગયા. કેપ્ટ્ન સાથે પીટર અને જ્યોર્જને જોઈને એમના સાથીદારો આનંદિત થઈ ગયા. બધા એકબીજાને હર્ષથી ભેંટી પડ્યા.
પછી જ્યોર્જે કેપ્ટ્ન અને અન્ય સાથીદારોને તેઓ કઈ રીતે બચ્યા અને આદિવાસીઓ તેમને કેવીરીતે પકડી લીધા. રાજ્યશાસ્ત્ર અને ક્લિન્ટદેવની આજ્ઞાઓની વાત કહી સંભળાવી. ક્રેટી અને એન્જેલા એમની બન્નેની પ્રેમિકા છે એ પણ કહી સંભળાવ્યું.
કેપ્ટ્ને પણ જ્યોર્જ અને પીટરને વનમાનવો વાળા ટાપુની સમગ્ર કહાની સંભળાવી પછી આ ટાપુ ઉપર તરાપો બનાવીને આવ્યા એ પણ કહ્યું.
આખો દિવસ બધા સાથીદારો સાથે રહ્યા અને સાંજે જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલાએ વિદાય લીધી.
જ્યોર્જે જતા પહેલા નવી નગર રચના વગેરે શરતોની વાત કરી. અને એ પુરી થશે તો જ રાજકુમારીના લગ્ન એની સાથે થશે એવું એમના સાથીદારોને જણાવ્યું. કેપ્ટ્ન અને બીજા સાથીદારોએ તેના આ કાર્યમાં સંપૂર્ણ સાથ આપવાનું વચન આપ્યું અને બીજા દિવસે મળવાનું કહીને વિદાય થયા.
*********************************
નવા નગરની રચના કેવીરીતે થશે ??
કેપ્ટ્ન અને એમના સાથીદારો આ કામમાં જ્યોર્જને કેવી મદદ કરશે ??
એન્જેલા અને પીટરની પ્રેમકહાની કેવીરીતે આગળ વધશે ??
વગેરે પ્રશ્નોના જવાબ આગળ ભાગમાં મળશે.
આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો..
**********************************