Hu Jesang Desai - 5 in Gujarati Fiction Stories by Jesung Desai books and stories PDF | હું જેસંગ દેસાઈ.. ભાગ ૫

Featured Books
Categories
Share

હું જેસંગ દેસાઈ.. ભાગ ૫

ભાગ 5

જેમ રાત પછી દિવસ, તડકા પછી છાંયો, અંધકાર પછી ઉજાસ એમ પ્રકૃતિમા પરિવર્તનનો નિયમ હોય છે તેવી જ રીતે મારુ જીંવન પણ પરિવર્તન પામતું જતું હતું. શિક્ષણનો સુવર્ણયુગ પૂરો થઈ ગયો હતો અને જીંદગીએ એના અસલી ખેલનો પ્રારંભ કરી દીધો હતો. હું પણ ઈંડામાંથી નીકળેલા પક્ષીના બચ્ચાની જેમ પોતાની પાંખો ફફડાવવા તૈયાર હતો. અગાઉના ભાગમાં આપને જણાવ્યું એમ એક પછી એક ખેલ શરૂ કર્યા. ભણતરનો ભાર હળવો કર્યા પછી મે કચ્છ તરફ કુચ કરી હતી. ભચાઉ ખાતે આવેલી આરએસએસ સંચાલિત નવી ભચાઉની શાળામાં શિક્ષક તરીકે ઇન્ટરવ્યુ આપ્યુ અને ચારેક મહિના ધોરણ 4 ના વર્ગશિક્ષક તરીકે ફરજ બજાવેલી !! પરંતુ માનદ વેતન ઓછુ લાગતા રાજીનામું આપ્યા વગર જ ઘર ભેગા થવાનો વારો આવેલો ! ત્યાંથી કુકમા ખાતે આવેલ એશિયન મોટર વર્કસમાં હેલ્પર તરીકે બે મહિના તેમજ ભુજમાં આવેલ પશ્ચિંમ રેલ્વેમાં અટેન્ડેન્ટ તરીકે હાલની બાન્દ્રા ટર્મિનસથી ભુજ વચ્ચે ચાલતી સયાજીનગરી અને કચ્છ એક્સપ્રેસમાં લગભગ ચારેક મહિના કામ કરેલું. આ બધામાં ક્યાંક મને સંતોષ ના મળ્યો તો ક્યાંક સફળતા ના મળી તો વળી ક્યારેક ક્યારેક આર્થિક સંકડામણમાં ઓછા પગારી નોકરીઓથી પોસાતું ન હોઇ આખરે ગામડે જઇ ખેતીકામ કરી ઠરીઠામ થવાનું વિચાર્યુ.
જેમ ભારતમાં સપનાનું શહેર મુંબઇ છે એમ આપણા ગુજરાતમાં અને ખાસ કરીને અમારા જેવા પછાત ગામડાંના યુવાનો માટે સપનાનું શહેર અમદાવાદ છે. મારી નજર પણ આ શહેર પર પડી. તેથી સપનાનો થેલો ભરી તથા આંખમાં નવી આશા લઇ કેટલાય મનોરથો સહિતના સપનાઓ લઇ મિરાત-એ-અહેમદી મુજબના અહમદશાહ સુલતાનના છસો વર્ષ જુના બાર દરવાજાવાળા શહેર અમદાવાદ તરફ જવા માટે હું પણ નીકળી પડ્યો. તારીખ તો મને બરાબર યાદ નથી પણ જુન 2010 માં હું મારા પીટીસીના જ એક મિત્ર નાનજી આગરીયા સાથે અમદાવાદ ખાતે નોકરીની શોધમાં આવ્યો.
મારી વાત અમદાવાદના એ કાળથી સંબંધિત છે કે જ્યારે AMTS ની બસોનું સ્થાન ધીમે ધીમે BRTS લઇ રહી હતી. બાદશાહોના જમાનાનું અમદાવાદ બોલીવુડમાં પણ હરણફાળ ભરી રહ્યુ હતુ તથા ફિલ્મ નિર્દેશકો તેમજ ફિલ્મી અભિનેતાઓ અમદાવાદને પોતાની ફિલ્મોના પ્રમોશન માટે મુંબઇ બાદ બીજા નંબરના પ્રમોટીંગ સીટી તરીકેનો મોભો આપી ચુક્યા હતા. આ એ સમયગાળો કે જ્યારે RTI એક્ટીવીસ્ટ અમિત જેઠવાનું તેમના નિવાસ સ્થાને જ બેરહેમીથી ખુન કરવામાં આવેલ તથા આ લોહીયાળ હત્યાની તપાસના ભાગરૂપે CBI એ ભાજપના સાંસદ દિનુ બોઘા સોલંકીના ભત્રીજા શિવા સોલંકી તથા શિક્ષકમાંથી શાર્પ શુટર બનેલ શૈલેષ પંડ્યા સહિત 6 જણને પકડી ધમધમાટી પુર્વકની તપાસનો દોર ચાલુ કરી દીધો હતો. બરાબર એ જ સમયે ગુજરાતના તત્કાલીન ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ શોહરાબુદીન શેખ કથિત એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇના સાણસામાં આવી ગયેલા તથા તેમના પરથી તમામ આરોપો ખારીજ કરવા તેમના વકીલ સ્વ. રામ જેઠમલાણી દિવસ રાત કાયદાની લડતમાં સીબીઆઇના સરકારી વકીલોને ટક્કર આપી રહ્યા હતા.
અમદાવાદ આવ્યાના બીજા જ દિવસે ધોરણ 11-12 તેમજ પીટીસીમાં મારા સહાધ્યાયી હોસ્ટેલ મિત્ર રહેલા સુરેશ નાયીની મદદથી રહેવા માટે તેના ઘરથી નજીકમા જ ઘાટલોડીયાના ચાણક્યપુરી વિસ્તારમાં રૂપિયા 1200ના માસિક ભાડે એક નાનકડી ઓરડી લીધી તેમજ તેની જ ભલામણ દ્વારા અમદાવાદના આશ્રમરોડ સ્થિત મીઠાખળી વિસ્તારમા આવેલ એરટેલ કોલ સેન્ટરમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યુ જેમાં સિલેક્શન થતા જ અમને 3000 રૂપિયાના માસિક વેતનનો ઓફર લેટર પણ એ જ દિવસે મળી ગયેલો !
અત્યારે તો આપણે મોબાઇલમાં 4G સ્પીડથી મોબાઇલ ઇન્ટરનેટ વાપરીએ છીએ પણ એ દાયકામાં હજુ સુધી ગુજરાતમાં 3G લોન્ચ થયુ ન હતુ. નોકીયાના કી-પેડ વાળા સાદા ફોનના એ જમાનામાં સ્માર્ટ ફોનની કિંમત બહુ મોંઘી હતી એટલે ભવિષ્યે કોઇક જ વ્યક્તિના હાથમાં આપણને સ્ક્રીન ટચ કે ઇન્ટરનેટ સુવિધા ધરાવતો મોબાઇલ જોવા મળતો. જો કે શહેરોનો સુધરેલો વર્ગ કે ગામડાનું ભણેલુ ગણેલુ તેમજ સુખી સંપન્ન લોક એ વખતે પણ 2 G સ્પીડથી ઇન્ટરનેટનો સારી રીતે વપરાશ કરી જાણતું.
કોણ જાણે કુદરતે મારી સાથે શુ રમત માંડી હતી !! કારણ કે મારા જેવા દેશી તમંચાને એરટેલ કોલસેન્ટરમાં નોકરી મળી ગઇ હતી. કોલસેન્ટર એટલે તમારી મીઠી જીભના તમને પૈસા મળે અને બીજું કે ત્યાં રહેવા માટે કે નોકરીમાં ટકવા માટે થોડું સ્માર્ટ હોવું પણ જરૂરી હતું. જો કે આ બંન્ને બાબતે હું ઉણો ઉતરતો જતો હતો ! કેમ કે નોકરીના શરૂઆતી સમયગાળામાં એરટેલના કસ્ટમરો સાથે ટેલીફોનિક વાત કરવામાં ઘરની આદત પ્રમાણે મારી ભાષામાં વારે વારે બનાસકાંઠાની ગામઠી કે તળપદી પ્રાદેશિક ભાષાના શબ્દો આવી જતા જેના લીધે મને મારા કોલ સાંભળી રહેલા ટીમ કોચ કે ટીમ લીડરના અપમાનજનક લાંબા-લાંબા લેક્ચર સાંભળવા પડતા તથા ફરીથી આવું નહી થાય તેની ખાતરીરૂપ જુબાની પણ આપવી પડતી ! હિન્દી ભાષાની તો વાત જ જવા દો કારણ કે મને હિન્દી ભાષા બોલવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતી. મને એટલી ખબર પડતી કે જેટલું આપણે બોલીએ છીએ તે બોલ્યા પછી પાછળ "હૈ" લગાવવામા આવે તો હિન્દી થઈ જાય. અને સ્માર્ટનેસની તો વાત જ અલગ છે. જ્યારે અમદાવાદમાં નેરોની ફેશન જવાની તૈયારીમાં હતી ત્યારે હું ત્યાં બૂટ-કટની મોરીવાળું પેન્ટ અને શોર્ટ-કટ ખમીશ પહેરતો એટલે અન્ય શહેરી યુવાનો-યુવતીઓ સાથે મિત્રતા બાંધવા કે તેમનાથી હળવા મળવામાં અદમ્ય ઇચ્છા હોવા છતાં પણ ખચકાટ અનુભવતો.
સાવ અજાણ્યું શહેર, નોંખા પ્રકારના માણસો, અલગ ઉચ્ચારની બોલી- આ બધાં વચ્ચે ક્યાંક ને ક્યાંક હું નોખો પડી જતો ! પણ કહેવાય છે ને કે સૌને સૌની પ્રકૃતિ પ્રમાણેના માણસો ગમે ત્યાંથી મળી રહે એમ મને પણ તે જ જગ્યાએથી અદલ મારા જેવા જ બે સાથીદારો મળી ગયા ! મારા જેવી જ પરિસ્થિતિમાંથી તેઓ પણ સુરેન્દ્રનગરથી સપનાનું વાવેતર કરવા અમદાવાદ આવી પહોંચેલા. અને પાછા સંજોગ પણ કેવા કે એ પણ એકદમ દેશી મિજાજના ! મારી યાદદાસ્ત પ્રમાણે સોમવારનો એ દિવસ અને 2011 ની સાલ, તારીખ અને મહિનો તો ખાસ ખબર નથી પણ તે દિવસે મારી તાલીમનો પહેલો દિવસ હતો. પંદર દિવસની તાલીમ લેવાની હતી. અમે લગભગ 15 ની આસપાસ તાલીમાર્થી હતા. જેમાં એક તો હું અને બીજા બે અનાયાસે મળી ગયેલ ખાસ મિત્ર અરવિંદસિંહ ગોહિલ તેમજ હિતેશ પેઢડિયા !! આ સિવાય પણ ઘણા લોકો અમારી સાથે હતા.એ સમયે ટેલીકોમ કંપનીઓ માટે સરકારનો નવો નિયમ આવ્યો હતો જેમાં સીમકાર્ડ કંપની પોતાના બધા ગ્રાહકોના નામ અને સરનામા કોલ કરી ચકાસણી કરે અને સીમ ઉપભોક્તા જો અન્ય કોઇ વ્યક્તિના નામે લીધેલ સીમકાર્ડનો ઉપયોગ કરતો હોવાનું માલુમ પડે તો ચાલુ વપરાશ કર્તાના નામના ડોક્યુમેન્ટ જમા કરાવવા (TBC પ્રોસેસ) આદેશ કરવામાં આવે!! બસ આ જ કામગીરી માટે અમને કોલ સેન્ટરમાં બેસાડવામાં આવ્યા હતા !! અમારી કામગીરીના આ ડિપાર્ટમેન્ટને આઉટબાઉન્ડ વિભાગ કહેવામાં આવતો. ( આઉટબાઉન્ડ એટલે જેમાં કોલસેન્ટરમાંથી કસ્ટમરને કંપની કોલ કરે અને ઇનબાઉન્ડ એટલે સીમ કાર્ડનો ઉપયોગ કરતા કસ્ટમરને કોઈ ફરિયાદ હોય તો તે પોતાના સેલફોનમાંથી કસ્ટમર કેરમાં કોલ કરે છે. એ પ્રમાણે અમે આઉટબાઉન્ડ પ્રોસેસમાં હતા.)
અમદાવાદ ગયાના પાંચ દિવસ સુધી હું એકલો એકલો ફાંફા મારતો રહ્યો. કારણ કે ચાણકયપુરીમાં 1200 રૂપિયાના ભાડે એક રૂમ રાખેલો. જેમાં હું અને મારી સાથે ગામડેથી આવેલ પીટીસી મિત્ર રૂપિયા ભેગા કરી ધનના ઢગલામાં આળોટવાના સપના લઇને આવેલા ! અમે બંન્ને સાથે રહેતા. પણ અમદાવાદ આવ્યાના માત્ર થોડા જ દિવસોમાં તેની તબિયત ખરાબ થતા તે ગામડે પાછો જતો રહ્યો અને હું એકલો ફસાઈ ગયો. હું તેની સાથે પાછો જઇ શકું એવી સ્થિતિમા પણ ન હતો.કારણ કે હું અમદાવાદ આવ્યો તે અગાઉ ત્રણ નોકરીઓ છોડી ચુક્યો હતો. ઘરની આર્થિક જવાબદારીનો ખાસ્સો એવો ભાર પણ મારા ખભા પર વધ્યો હતો એટલે આ સમયે અમદાવાદમાં રહીને નોકરી કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ મારી પાસે વધ્યો ન હતો. એ સમયગાળામાં મારુ ખીસ્સુ આર્થિક કટોકટી ભોગવી રહ્યુ હતુ. માત્ર 3000 હજારનો માસિક પગાર અને એ પણ ટ્રેનિંગ પુરી થાય એના પછી ચાલુ થાય! અગાઉ પણ હું ત્રણ નોકરી છોડી ચુક્યો હતો એટલે ઘરના આર્થિક ભારને ઉઠાવવા માટે પણ આ પગાર-સ્થિતિ સાથેની નોકરીને સ્વીકારી અહી ઠરીઠામ થવા સિવાય કોઇ આરો પણ ન હતો !!!. મકાનનું માસિક 1200 રૂપિયાનું ભાડું તથા રોજનું ખાવા-પીવાનું અને ચા-પાણી અલગ ! આર્થિક મુશ્કેલીના સવાલ અનેક હતા પણ આત્મવિશ્વાસ મજબૂત હતો. તેવામાં જ તાલીમ સમયે અચાનક મળી ગયેલા મિત્રો અરવિંદ અને હિતેશએ મને એક દિવસ ભાડેથી મકાન શોધી અપાવવાની વાત કરી. મને તો ભાવતુ હતુ અને વૈદ્યે કહ્યુ એમ મે સામેથી જ મારી ભાડાની ઓરડીમાં રહેવા આવવા માટે તે બંન્ને ને આમંત્રણ આપ્યુ અને તેઓએ વિના વિલંબે અમારા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી લીધો. મને રહેવામાં કંપની મળી રહેશે અને ભાડામાં ત્રણ ભાગ પડશે એવી ગણતરી કરી મે પણ રાજીપો અનુભવ્યો ! (ક્રમશ:)