Jokar - 33 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 33

Featured Books
Categories
Share

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 33

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 33
લેખક – મેર મેહુલ
ઘરે આવી હું ડિસ્કમાં રહેલી માહિતી તપાસી રહ્યો હતો. મારાં હાથમાં એવી માહિતી લાગી હતી જે સુરતની સુરત બદલી નાંખવા સક્ષમ હતી. મારાં હાથમાં એક મોટું સેક્સ રેકેટ લાગ્યું હતું.જે મારી જ કૉલેજમાં ચાલતું હતું.
‘કસ્ટમર’ નામના ફોલ્ડરમાં 745 બીજાં ફોલ્ડર હતા.જેમાં ગ્રાહકો અનુસાર છોકરી મોકલવામાં આવતી હતી.તેઓને જ્યાં મોકલવામાં આવતી તેનું એડ્રેસ અને બીજી ઘણીબધી માહિતી હતી.હું સૌના નામ પર નજર કરી રહ્યો હતો.જેમાં કેટલાક એવા નામો સામે આવ્યા હતાં જે મારાં માટે માનવું મુશ્કેલ હતું.
ફોલ્ડરમાં કેટલાય એમ.પી. અને એમ.એલ.એ.ના નામ,મોટા ઉદ્યોગકારોના,જિલ્લા કચેરીના મોટા હોદ્દેદારો,સાથે ઘણાં એવા લોકોના પણ નામ હતાં જેનાં વિશે કોઈ દિવસ આવું વિચારી પણ ન શકાય.પોલીસ ખાતાના મોટા મોટા વડાઓના નામ,સુરતના નામચીન આરોગ્ય ખાતાનાં વડાઓ અને કોન્ટ્રાકરો,અરે ઘણાં બધાં મંદિરોના પૂજારીઓનાં નામ પણ આ ફોલ્ડરમાં હતા.ઘણીબધી કોલેજના ડિન,કલાકારો,પ્રોફેસરો,મોટા મોટા ડાયમંડ ખાતાના માલિકો,ટ્રાવેલ્સ એજન્સીના માલિકો,જુદાં જુદાં લીડરો,કાર્યકર્તાઓના નામ જેવા તો કેટલાય નામ હતાં જેનાં વિશે કોઈને શંકા ન જાય.
મારું તો માથું ચકરાય ગયું.સુરતની પ્રખ્યાત કૉલેજમાં આવું થતું હતું?,અહીંયા ડીગ્રી નહોતી મળતી,ગણિકાઓ બન્યાંનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું.
એક રીતે જોતાં હું રીતસરનો ફસાય ગયો હતો.જો આ લોકોમાંથી એકપણને ખબર પડશે કે તેઓની આવી માહિતી મારી પાસે છે તો તેઓની પાસે એવી પહોંચ,એટલા રૂપિયા હતા કે મારું કાટલું કપાવવામાં તેને માખી મારવામાં સમય લાગે એટલો જ સમય લાગવાનો હતો.હું કોઈને મદદ માટે કહી શકું એમ નહોતો.બધા જ આ કાદવમાં કમળ બનીને ફરી રહ્યા હતા.અમારે ચાર વ્યક્તિઓને મળીને આ કાદવ સાફ કરવાની હતી.કામ અસંભવ લાગતું હતું.મેં કોઈ દિવસ આવું જોખમ ખેડેલું નહિ,અરે કોઈએ પણ સિસ્ટમ સામે પડવાનું નહિ વિચાર્યું હોય.
મેં ફરી ફોલ્ડર બદલ્યું, ‘કસ્ટમર’ ની નીચે છેલ્લું ફોલ્ડર ‘સૉર્સિસ’નામનું હતું.હું તેમાં ઘૂસ્યો.મને વારે વારે આઘાત લાગતો હતો.મારાં કપાળે પરસેવાનાં રગડાં ઉતરી આવ્યાં હતાં.આ ફોલ્ડરમાં પણ જુદાં જુદાં નામે ફોલ્ડર હતા.આ ફોલ્ડરમાં કોઈ વ્યક્તિઓના નામ તો નહોતાં પણ જુદી જુદી કોલેજોના,ઑફિસોના,હોસ્પિટલોના, ક્લાસિસોના,હોટેલોના નામ હતા.મેં એક કોલેજના નામ વાળું ફોલ્ડર ખોલ્યું.અહીં જુદાં જુદાં વ્યક્તિઓનાં નામ અને કોન્ટેકટ નંબર હતા.
હું ડરી ગયો.મારો આત્મા સળગવા લાગ્યો હતો.મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો મને આભાસ થયો.આ એ લોકોના નામ હતા જેઓ બી.સી.પટેલની માફક છોકરીઓ શોધવાનું કામ કરી રહ્યા હતા.મારી કૉલેજ તો બ્રામ્હાંડમાં રહેલી એક પૃથ્વી જ હતી.બીજાં ગ્રહો,નાની-મોટી ઉલ્કાઓથી હજી હું બેખબર હતો.
મને એક વિચાર આવ્યો, આટલું મોટું રેકેટ ચાલે છે તેનું ક્યાંક તો કેન્દ્રબિંદુ હશે.કોઈ વ્યક્તિ તો હશે જ જે આ બધું મોનીટરીંગ કરતું હશે.આદેશ આપતું હશે.મારે કોઈપણ સંજોગોમાં એ વ્યક્તિ સુધી પહોંચવાનું હતું.એ વ્યક્તિ સુધી પહોંચવું આસન નહોતું.જેણે પુરી સિસ્ટમને ખોખલી કરી નાંખી હતી એ વ્યક્તિ ઓછાં ગજનો તો ના જ હોય.પણ મારી પાસે બીજો કોઈ રસ્તો હતો જ નહીં.
નસીબે મને આ કાર્ય કરવા માટે પસંદ કર્યો છે એવું મને લાગ્યું.નહીંતર નિધિના એક દિવસ કૉલેજ ન આવવાથી આટલી બધી ઘટના કેવી રીતે ઘટે?,મારી સાથે આ ઘટના ના ઘટી હોત તો હું હજી આ બધી વાતોથી વાકેફ થયો જ ના હોત.
મેં નિધીને મૅસેજ કર્યો.કાલે સાંજે તેનાં પપ્પાને મળવા જવાનું મેં નક્કી કર્યું હતું.નિધીએ ખુશ થઈને કિસ કરતાં ઇમોજી મોકલ્યાં.મારાં ચહેરા પર સ્મિત રમવા લાગ્યું.આ છોકરીના કારણે મારી અડધાથી ઉપરની મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે.
***
હું નર્વસ હતો.મેં કેટલીયવાર પ્રેક્ટિસ કરી હતી.પોતાની જાતને સમજાવી હતી છતાં હું નર્વસ હતો.જેમ જેમ નિધીનું ઘર નજીક આવતું જતું હતું તેમ તેમ મારી નર્વસનેસમાં વધારો થતો જતો હતો.નિધિના પપ્પા સામે મારી સારી છાપ પડે એ માટે મેં ફોર્મલ કપડાં પહેરવાનું નક્કી કર્યું હતું.ભૂરા કથ્થાઈ રંગના ટ્રાઉઝર પર ડાર્ક ગ્રીન શર્ટ પહેરી મેં ફિટિંગ ઇન-શર્ટ કર્યું હતું.બ્લેક લેધરની લોફર પહેરી હતી અને હેર સ્ટાઇલ સાદી રાખી હતી.
નિધિના ઘર પાસે મેં બાઇક પાર્ક કરી.બહારથી સાતસોએક વારમાં બે માળનું અલાયદું ઘર આલીશાન લાગતું હતું.હું ગેટ ખોલી અંદર પ્રવેશ્યો.ઘરની આગળ એક બાજુ લોન પાથરેલી હતી તો બીજી બાજુ ઝીણી રેતી પાથરેલી હતી.રેતીવાળી બાજુમાં ત્રણ ટ્રાવેલ્સની બસો અને બે કાર પાર્ક કરેલી હતી.નિધિના પપ્પાએ સુરતમાં આવીને ઘણો રૂપિયો ભેગો કરી લીધો એવો મને વિચાર આવ્યો.
સાથે બીજી જ સેકેન્ડે બીજો વિચાર પણ આવ્યો.આ રૂપિયો ગેરકાયદેસરના ધંધામાંથી તો નથી આવ્યોને? નિધિના પપ્પા ટ્રાવેલ્સનાં માલિક હતા અને મેં જે કસ્ટમરનું લિસ્ટ જોયું હતું તેમાં ટ્રાવેલ્સના લોકોના નામ પણ હતાં.
હું પણ કેવા ગાંડા જેવા વિચાર કરતો હતો.નિધિના પપ્પા થોડાં એવું કરી શકે?,જેની દીકરી આટલી સુશીલ અને સંસ્કારી હોય એનાં પપ્પા થોડાં આવું કરી શકે.મને મારા વિચારો પર જ હસવું આવ્યું.
ધીમા ડગલે હું લોન અને રેતીની વચ્ચે બનાવેલાં રસ્તેથી થઈને દરવાજા પાસે પહોંચ્યો.ડરતાં ડરતાં બેલનું બટન દબાવ્યું.નિધિ આવીને દરવાજો ખોલશે એવી મેં ધારણા બાંધી હતી.પણ નિધિના પપ્પાએ આવીને દરવાજો ખોલ્યો.
“ઓહહ જૈનીત આવ અંદર”તેઓએ મને આવકારતાં કહ્યું.હું ચહેરા પર સ્મિત રાખીને અંદર પ્રવેશ્યો. બહારથી ઘર લાગતું હતું એ અંદરથી મોટો આલીશાન બંગલો હતો.તેઓ મને બેઠક રૂમમાં લઈ ગયા.રૂમ મોટો હતો.વચ્ચે કાચનું લાબું ટેબલ હતું અને બાજુમાં સોફા ગોઠવેલાં હતા.ટેબલની ઉપર મોટું કાચનું ઝુમ્મર લટકતું હતું.તેઓ મારાં માટે પાણી લઈ આવ્યા.
“આંટી નથી ઘરે?”મેં પાણીનો ગ્લાસ હાથમાં લેતાં પૂછ્યું.
“એ અને નિધિ સંબંધીઓને ત્યાં ગયાં છે.તેઓને મોડું થશે.આપણે ત્યાં સુધીને બેસીને વાતો કરીએ”તેઓએ મારી સામે સોફા પર બેસતાં કહ્યું, કાકી માંથી સીધો આંટી પર આવી ગયો”કહેતાં તેઓ હસવા લાગ્યા.તેઓની સાથે મારે પણ પરાણે હસવું પડ્યું.
“શહેરમાં આવી ગયા પછી બધું બદલાય ગયું અંકલ”મેં કહ્યું.
“ભલે બધું બદલાય ગયું હોય પણ તારે મને કાકા જ કહેવાનું છે.હું તારાં પપ્પાનો દોસ્ત છું”નિધિના પપ્પાએ કહ્યું.
“જેમ તમે કહો એમ કાકા”મને તો ફાવી ગયું.નિધિના પપ્પા ભલે ચાર વર્ષથી સુરતમાં રહેતાં હતાં પણ હજી એ ગામની સંસ્કૃતિ નહોતાં ભૂલ્યા એ જાણી મને આનંદ થયો.
“તો કેવું ચાલે છે કૉલેજમાં?”તેઓએ મને પૂછ્યું.
“બસ ચાલ્યાં કરે છે કાકા,બપોર સુધી કોલેજ અને પછી પાર્ટ ટાઈમ જોબ”મેં કહ્યું.
“ઓહહ તો તું પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે”તેઓએ કહ્યું, “કેટલો પગાર આપે છે એ લોકો?”
મને ઓકવર્ડ ફિલ થયું.આગળ જતાં મારે તેઓની સામે નિધીનો હાથ માંગવાનો હતો અને અત્યારે મારો જેટલો પગાર હતો એટલાં રૂપિયા તો એ એક દિવસમાં ખર્ચી નાંખતા હશે.
“અરે તું તો ગભરાઈ ગયો”તેઓએ હસીને કહ્યું, “હું તો મજાક કરતો હતો”
“અરે ના કાકા,એવું કંઈ નથી”મેં પ્રામાણિક રહેવાનું પસંદ કર્યું, “અગિયાર હજાર આપે છે એ લોકો,આટલામાં તો મારો ખર્ચો આરામથી નીકળી જાય છે”
“સારું કહેવાય”તેઓએ કહ્યું, “કરકસર તો કરવી જ જોઈએ.મારી નિધિ આ વાત સમજતી જ નથી. અઠવાડિયામાં દસ હજાર રૂપિયા ખર્ચી નાખે છે”
તેઓ ખોટું બોલતાં હતા. નિધિ મારાં કરતાં વધુ કરકસર કરતી.બિનજરૂરી ખર્ચો કરતા એ જ મને રોકતી. મને સમજાયું નહીં તેઓ ખોટું શા માટે બોલ્યા.કદાચ તેઓની પાસે અઢળક રૂપિયા છે એવું તેઓ જતાવવા માંગતા હશે.હું ચૂપ રહ્યો.મને જવાબ આપવો યોગ્ય ન લાગ્યું.
“તો તું કેટલાં રૂપિયા આપીશ?,મારી દીકરી સાથે લગ્ન કરવા માટે.” તેઓએ પૂછ્યું.ન ઇચ્છવા છતાં મારાથી તેઓની સામે જોવાય ગયું.તેઓના ચહેરા પર મજાક કરતાં હોય એવાં કોઈ ભાવ નહોતાં.હું ડરી ગયો.તેઓને અમારા સંબંધ વિશે ખબર પડી ગઈ હતી?
(ક્રમશઃ)
જૈનીતના હાથમાં ન્યુક્લિયર બોમ્બ કરતાં પણ વિસ્ફોટક માહિતી હાથમાં આવી હતી.એ માહિતીનો વિસ્ફોટ થાય તો સુરતમાં હાહાકાર મચી જાય એ વાત નક્કી હતી.ઘણાં ઇજ્જતદાર માથાંઓની ઈજ્જત સરે આમ રોળાય જાય એમ હતું.જૈનીત એ માહીતીનો શું કરશે?, શું એ આ બધાં લોકોને એક્સપોઝ કરી શકશે?
નિધિના પપ્પાએ જૈનીતને કેમ આવું કહ્યું હતું?,તેઓ જૈનીતને શું કહેવા માંગતા હતાં.
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226