બાર ડાન્સર
વિભાવરી વર્મા
ચેપ્ટર : 7
“એકદંતાય વક્રતુંડાય ગૌરી તનય ધિમહિ... ગજેશાનાય ભાલચંદ્રાય શ્રી ગણેશાય ધિમહિ...”
પાર્વતી જ્યારે ‘લોર્ડ શિવા ડાન્સિંગ ગેરેજ’માં દાખલ થઈ ત્યારે શંકર મહાદેવને ગાયેલી આ ગણેશસ્તુતિનું રિમિક્સ વાગી રહ્યું હતું.
મૉન્ટેનો સર એક સ્ટૂલ પર બેઠા હતા. પાછળથી એમના ખભા પર ફેલાયેલાં જુલ્ફાં દેખાતાં હતાં. એમની સામે એક ડઝન જેટલાં નાનાં બાળકો સ્તુતિના રિધમ પર ડાન્સ કરી રહ્યાં હતાં. દરેકના મોં પર સ્મિત કરી રહેલા ગણેશનાં નાનાં નાનાં માસ્ક હતાં ! બધાએ પિરોજી રંગની ધોતી પહેરેલી હતી અને સૌના પેટ કશાકથી ફુલાવેલી કોથળીઓ વડે સરસ મજાનાં દુંદાળા લાગતા હતાં !
આ ડાન્સની રંગત જ કંઈ જુદી હતી. કોઈ અટપટાં સ્ટેપ્સ નહિ, કોઈ સરકસબાજી નહિ, કોઈ ધમાચકડીકે ઊછળકૂદ નહિ... બસ સરસ મઝાના એક મસ્તીના લયમાં એક ડઝન બાલગણેશ જાણે કૈલાશ પર્વતના રમણીય વાતાવરણમાં રમી રહ્યા હતા !
થોડી વારે સ્તુતિનું એક ચરણ પત્યું કે મૉન્ટેનો સર ઊભા થઈને બોલ્યા : “વેરી ગુડ ! અબ દસ મિનિટ કા બ્રેક લેંગે ઔર એક ન્યુ ડાન્સર આન્ટી કા ડાન્સ દેખેંગે !”
ઓત્તારી ! મૉન્ટેનો સરે મને કઈ ઘડીએ અંદર આવતાં જોઈ લીધી ? પાર્વતીને નવાઈ લાગી.
“આઈ લિસન ફૂટ-સ્ટેપ... મને પગલાંનો અવાજ સંભળાય છે !” મૉન્ટેનો સરે એને આવકાર આપતા પૂછ્યું,“દો દિન ઠીક ડાયેટિંગ કિયા ?”
“સિર્ફ દૂધ ઔર કેલા.” પાર્વતી તરત બોલી ઊઠી.“બૉડી બોલે તો એકદમ હલકા લગ રૈલા હૈ ! સાલા, ક્યા ઈલાજ હૈ.” પછી અચાનક અટકી ગઈ. “સૉરી,મૈં ગાલી બોલ ગઈ.”
“ડોન્ટ માઈન્ડ” મૉન્ટેનો સર સ્ટૂલ પરથી ઊભા થયા. પાર્વતીના શરીર પર ઉપરથી નીચે સુધી એક નજર નાંખી. “ઓ.કે. રેડી ?”
શું હતું એ નજરમાં ? પાર્વતીના દિમાગમાં એક સેકન્ડ માટે આસવાલ ફરકી ગયો. એણે શું જોયું હસે મારી બૉડીમાં ? તરાના કહેતી હતી કે સાલો, આ માસ્તર પાંચમા ટાઈપનો મરદ છે. ઇસ પે જાલ બિછાને કે લિયે ક્યા કરના હોગા ?
મૉન્ટેનોએ બદાં બાળકોને એક ફૂટની હાઇટવાળા પહોળા સ્ટેજની સામે લાઈનમાં બેસાડી દીધાં. પછી પાર્વતીને સ્ટેજ પર આવવાનો ઇશારો કર્યો.
પાર્વતીને યાદ આવ્યું કે ગયા વખતે મૉન્ટેનો એની સામે ડાન્સ કરાવવાને બદલે વીસ ઊઠક-બેઠક કરાવી હતી. પંદરમી ઊઠક-બેઠકે તો એના ઘૂંટણમાં સબાકો બોલી ગયો હતો. આજે શું થશે ?
“ઓ.કે. કૌના સા ડાન્સ કરેંગી ?”
મૉન્ટેનો સરના સવાલથી પાર્વતી ગૂંચવાઈ ગઈ. “સર, મૈં કોઈ ડાન્સ તૈયાર નંઈ કિયા... મૈં તો ઈધર...”
“ક્યું?” મૉન્ટેનો સર ખભા પર ફેલાયેલા વાળ હાથ વડે પાછળ ઉછાળ્યા. “તુમ તો બાર ડાન્સર થી ના ?”
“હાં. મગર વો તો આઠ સાલ પહલે.”
“ઉસ ટાઈમ તુમ્હારા બેસ્ટ ડાન્સ કૌન સા થા ?”
“મુંગડા !” પાર્વતી તરત બોલી ઊઠી. “સર, મૈં મુંગડા કરતી થી ના, તો અખ્ખા બાર કો હિલા કે રખ દેતી થી ! બોલે તો, તીન-તીન બાર વન્સ મોર લેથી થી મૈં ! શેટ્ટી બોલતા તા, પારવતી, દૂસરી ડાન્સર કો ભી ચાનસ દિયા કર... બોલે તો ફૂલ નાઇટ તૂ ચ નાચેંગી ક્યા !”
પાર્વતીને લાગ્યું કે એ વધારે પડતું બોલી ગઈ. સારા ઘરનાં નાનાં નાનાં બચ્ચાંઓની સામે ડાન્સ બારની વાત કરીને એણે ભૂલ કરી નાંખી.
પણ મૉન્ટેનો સરના ચહેરા ઉપર રમતિયાળ સ્મિત રમી રહ્યું હતું ! “ઓ.કે. લેટ્સ વૉચ મુંગડા ! બચ્ચા લોગ, ઓન્ટીજીકા ડાન્સ મસ્તી સે દેખને કા, ઔર દિલ કરે તો સાથ મેં ડાન્સ ભી કરને કા ! ઓ.કે. ?”
છોકરાંઓ તો એકદમ મૂડમાં આવી ગયાં. બધાં ગણેશનું માસ્ક પોત-પોતાના ચહેરા પરથી કાઢીને, પલાંઠી વાળીને, બિલકુલ સ્ટેજની ધાર પર કોણી ટેકવીને બેસી ગયાં.
પાર્વતીએ સ્ટેજના છેડા પર જઈને બિલકુલ હેલનની જેમ સાડીનો છેડો શરીર ફરતે ખેંચીને અસલી મરાઠી સ્ટાઈલમાં કછોટો માર્યો. મ્યુઝિક સિસ્ટમ ઑપરેટ કરતા છોકરાએ ‘મુંગડા’ ગાયન શોધીને ક્યુ કરીને રેડી કરી લીધું.
પાર્વતી એનો ડાન્સ શરૂ જ કરવા જતી હતી ત્યાં મૉન્ટેનો સર ઊભા થયા. પોતાનું સ્ટુલ ઉઠાવીને ખુલ્લા સ્ટેજની પાછળની બાજુએ ગયા અને ત્યાં સ્ટૂલ ગોઠવીને બેસી ગયા !
પાર્વતીને નવાઈ લાગી. આ માણસ પાછળ શા માટે જઈને બેસી ગયો ? પણ મૉન્ટેનોના ચહેરા પર હજી પેલું રમતિયાળ સ્મિત હતું. પાર્વતી હજી કંઈ વિચારે, સમજે એ પહેલાં તો ગાયન ચાલુ થઈ ગયું !
પહેલી અડધી મિનિટ તો પાર્વતીને તેની પીઠ પાછળ બેઠેલા મૉન્ટેનોની નજરોનો જ અહેસાસ થતો રહ્યો. પણ જેવી એની નજરો સામે બેઠલાં ટેણિયા-મેણિયાં પર પડી કે તરત એનો આખો મૂડ ખૂલી ગયો ! બચ્ચાં પાર્ટી એકદમ ટેસડાથી પાર્વતીના ડાન્સને એન્જૉય કરી રહી હતી. દરેકના ચહેરા પર સ્માઈલ સાથે મસ્તી ચમકી રહી હતી. દરેક બચ્ચું ચપટી અથવા તાળી વગાડી રહ્યું હતું અને એક-બે છોટે ઉસ્તાદ તો ઊભા થઈને પોતાની જગા પર નાચવા લાગ્યા હતા !
પાર્વતીને અચાનક લાગ્યું કે જાણે આ બચ્ચાં-પાર્ટી તો એની દીકરી જમુનાની બસ્તીની ગેંગ જેવી જ છે ! સાલી મઝા પડી રહી છે એમને!
બસ, એ જ સેકન્ડથી પાર્વતીના ડાન્સમાં એક જુદી જ હલક આવી ગઈ. એના દરેક સ્ટેપમાં બચપનની નટખટ ઊછળકૂદ ઉમેરાઈ ગઈ. હજી પહેલો અંતર પત્યો નથી ત્યાંતો બધાં બચ્ચાં લોગ ઊભાં થઈને નાચવા લાગ્યાં હતાં ! બીજો અંતરો શરૂ થયો ત્યાં ચાર-પાંચ છોટે ઉસ્તાદ સ્ટેજ પર આવીને એની નજરોમાં નજરો મિલાવીને નાચવા લાગ્યાં ! પાર્વતીતો બિલકુલ ભૂલી ગઈ કે અહીં એક કોઈ ‘ટેસ્ટ’ આપી રહી હતી !
આખરે ઢોલકના ઠેકા સાથે ગાયન પૂરું થયું ત્યારે તો આખેઆખી ટેણિયાં પલ્ટન પાર્વતીનાં સ્ટેપ કોપી કરીને નાચી રહી હતી ! પણ ગાયન પતતાંની સાથે નવી ગમ્મત થઈ. પાર્વતીને બચ્ચાં લોગ સાથે ડાન્સકરવાની એવી મઝા પડી ગઈ હતી કે એ મ્યુઝિક વિના જ તાળીઓ અને ચપટીના તાલે એમની સાથે નાચતી રહી.
આખરે જ્યારે બધાં થાક્યાં ત્યારે હસતાં હસતાં વિખરાયાં. એક બે છોટે ઉસ્તાદે પાર્વતીને તાળી આપતાં કહ્યું,“થેન્ક્યુ આન્ટી ! બહોત મઝા આયા..”
પણ મૉન્ટેનો સર શું કહેતા હતા ?
પાર્વતીને છેક હવે ભાન થયું કે સ્ટેજની પાછળ મૉન્ટેનો સર હજી સ્ટૂલ પર બેસીને અદબ વાળીને આખો ખેલ જોઈ રહ્યા હતા. પાર્વતીની નજર એમની સામે મળી ત્યારે મૉન્ટેનોએ એક પછી એક ચાર તાળીઓ પાડી.
એક ટેણિયું ઊછળવા લાગ્યું. “આન્ટી ! મૉન્ટેનો સરને આપ કો ફોર સ્ટાર દિયા ! કૉન્ગ્રેચ્યુલેશન !”
પાર્વતીને નવાઈ લાગી. ફોર ઇસ્ટાર ! બોલે તો ક્યા મૈં ઇતના અચ્છા નાચી ? મૉન્ટેનો સર હજી કંઈ બોલતા નહોતા.
આખરે પાર્વતીએ પૂછી જ લીધું :
“સર, આપ સ્ટેજ કે પીછે ક્યું બૈઠે થે ?”
મૉન્ટેનો સર હસ્યા. એમના અડધા કાળા અને અડધા સફેદ થઈ ગયેલા લાંબા વાળ ખભા પરથી પાછળ ઉલાળતાં એ ઊભા થયા.
“પાર્વતી, ડાન્સ હાથ-પૈરમેં નહીં, સ્પાઈન મેં હોતા હૈ. સ્પાઈન સમઝતી હો ? કરોડરજ્જુ... રીડ કી હડ્ડી... યે...” કહેતા મૉન્ટેનોએ પાર્વતીની પરસેવાથી ભીની થઈ ગયેલી પીઠ ઉપર એક આંગળી વડે એની કરોડરજ્જુ પર ઊભી લીટી દોરી.
મૉન્ટેનોના પૌરુષી સ્પર્શથી પાર્વતીની આખા શરીરમાં ઝણઝણાટી દોડી ગઈ. સાલાની આંગળીમાં કંઇ બિજલીનો કરંટ તો નહોતો ?
“પાર્વતી, યે હાથ, યે પૈર, યે સીના, યે પેટ, ગરદન, સર, કમર... સબ સ્પાઈન સે જુડે હૈં !...” મૉન્ટેનોની નજર પાર્વતીના એક એક અંગ ઉપર સરી રહી હતી. “હાથ પૈર તો કોઈ ભી હિલા લેગા, લેકિન ઉસ કા સહી કમાન્ડ કિધર સે આતા હૈ ? કમાન્ડ બોલે તો, આદેશ... ઑર્ડર... વો બ્રેઈન સે આતા હૈ ઔર બાદ મેં સ્પાઈન સે પૂરા બૉડી મેં જાતા હૈ. ઇસલિયે કોઈ ભી ડાન્સર કા બૉડી નહીં, સ્પાઈન દેખના ચાહિયે.”
પાર્વતીએ કમ સે કમ ચાર વરસ લગી શેટ્ટીના ‘દિવાના બાર’માં રાતના બબ્બે વાગ્યા સુધી ભરચક ડાન્સ કર્યો હશે, પણ સાલી, ડાન્સની આટલી પાયાની સમજ આ માણસના એક જ વાક્યમાંથી આવી ગઈ !
ઇસ્પાઇન ! બોલે તો રીડ કી હડ્ડી !
મૉન્ટેનો સરની વાત,સાલી કેટલી હંડ્રેડ પરસન્ટ હતી ? ભલભલી ડાન્સરો સાલી કમર હિલાવે છે. છાતી હિલાવે છે, હાથ પૈર ઉછાળે છે મગર જબ તક સાલી રીડ કી હડ્ડી મેં ડાન્સ કી રિધમ નહીં હોતી તબ તક સબ ફાલતુ લગતા હૈ !
“સર, મેરી હડ્ડી કૈસી લગી ? બોલે તો, ઇસ્પાઇન કી હડ્ડી ?”પાર્વતીએ લોચો માર્યો.
મૉન્ટેનો હસવા લાગ્યા. “અચ્છીહૈ... અચ્છી હૈ...”
બસ, એનાથી આગળ કંઈ બોલ્યા જ નહિ.
ખભા પરથી વાળ ઉલાળતા એ બાળકો પાસે પહોંચી ગયા અને એમને સ્ટેજ પર લઈ જઈને આગળના ડાનસ સ્ટેપનું રિહર્સલ કરાવવા લાગ્યા.
ખાસ્સો અડધો કલાક સુધી પાર્વતી ત્યાં જ ઊભી રહી. પછી માંડ એક ક્ષણ માટે મૉન્ટેનોની નજર એની ઉપર પડી કે તરત પાર્વતી પૂછ્યું,“સર, મૈં ક્યા કરું ?”
“તુમ...” મૉન્ટેનોએ જાડી મૂછો પર હાથ ફેરવ્યો. વધેલી દાઢી ખંજવાળી. “તુમ ઉસ કમરે મેં જાઓ. અંદર સે બંધ કરો ઔર એક ઘંટે તક ડાન્સ કરો.”
“કમરા બંધ કર કે ?” પાર્વતીને નવાઈ લાગી.
“હા. તને જે ઑડિયન્સની આદત પડી ગઈ છે ને, એ છોડવવી પડશે.”
***
“બંધ કમરે મેં ?” તરાના ખડખડાટ હસી રહી હતી.
પાર્વતીએ ‘લોર્ડ શિવા ડાન્સિંગ ગેરેજ’નો આખો કિસ્સો કહ્યો એ સાંભળીને તરાનાનું હસવું રોકાતું જ નહોતું.
“ફિર વો બંધ કમરે કા દરવાજા કિસને ખોલા ?” તરાનાએ આંખો નચાવીને પૂછ્યું.
“મૈં ને, ઔર કિસને ?” પાર્વતી બોલી. “તરાના, હર મરદ તુ સોચતી હૈ વૈસા નહીં હોતા.”
“તુઝે મૉન્ટેનો જેન્ટલમેન દિખતા હૈ ?” તરાના ફરી હસી. “વો માસ્તર હૈ, માસ્તર ! ઉસ કા અસલી રંગ સબ સે લાસ્ટ મેં બાહર આતા હૈ... વો સાલા તેરી પીઠ પીછે બૈઠ કે ક્યા દેખ રહા થા ?”
“વો... બોલે તો ઇસ્પાઈ! ”
“ઇસ્પાઈન !” તરાના ખડખડાટ હસવા લાગી. “સાલા, ઐસા કૈસા ડાન્સ માસ્ટર હૈ, જો બદન નહીં, સાલા હડ્ડી ચ દેખતા હૈ ?”
“તરાના...”
“અચ્છા છોડ, યે દેખ. તેરા પાસપોર્ટ આ ગયા !”
“પાસપોર્ટ?” પાર્વતીને જબરદસ્ત નવાઈ લાગી. હજી ચાર દિવસ પહેલાં તો તરાનાએ કોઈકને ફોન કર્યો હતો, એટલી વારમાં આવી પણ ગયો ? એ પણ ઘેરબેઠાં ? સાલી, ના કોઈ પોલીસ તપાસ, ના કોઈ પાસપોર્ટ ઑફિસનો ધક્કો...
“અભી દેખતી ક્યાહૈ ?” તરાનાએ પાર્વતીની આંખો સામે ચપટી વગાડી. “દૂબઈ જાને કા હૈ ના !”
દૂબઈ... હા, પાર્વતીએ આ આખી જફા એટલા ખાતર તો ઊબી કરી હતી કે એના નાલાયક ધણીને એની બીજી શાદીના જલસામાં ભરી મહેફિલની વચ્ચોવચ્ચ ઉઘાડો પાડી શકાય..
“ચલ, અભી રેડી હો જા. વિઝા કે લિયે જાના હૈ.”
“વિઝા?” પાર્વતીના આશ્ચર્યનો પાર નહોતો.
***
સૌથી પહેલાં તો પાર્વતીના ચહેરાનો મેકપ ખુદ તરાનાએ કરી આપ્યો. પાર્વતી પણ પોતાના ચહેરાને જોતી રહી ગઈ. કેટલાં વરસે ચહેરા પર ફુલ મેકપ લગાડ્યો હતો ! પોતે જ્યારે બાર ડાન્સર હતી ત્યારે બબ્બે-ત્રણ-ત્રણ છોકરીઓ ડાન્સ બારના એક અરીસા સામે બેસીને સસ્તી મેકપ કિટમાંથી ચહેરા પર લપેડા કરી લેતી હતી. પણ આજે તરાનાએ જે મેકપ કર્યો એનાથી તો પાર્વતીના ચહેરાની આખી તાસીર જ બદલાઈ ગઈ હતી.
“અભી,યે પહન લે.” તરાનાએ સાડી-બ્લાઉઝ અને ચણિયાનો સેટ આપ્યો.
તરાનાએ આપેલાં કપડાં પહેરીને જ્યારે એ અરીસા સામે ઊભી રહી ત્યારે પાર્વતી ખુદને જોઈને દંગ થઈ ગઈ. બ્લેક કલરના સ્લીવલેસ બ્લાઉસમાંથી એના સ્તનના ઉભાર એવી રીતે બહાર આવી રહ્યા હતા કે જાણે એણે ઑલરેડી ઝૂકીને પોઝ આપ્યો હોય. એની ઉપર પહેરેલી પિન્ક કલરની શિફોન સાડી એના વળાંકને ઢાંકવા કરતાં ઉભારવાનું કામ વધારે કરી રહી હતી. તરાનાએ જીદ કરીને પાર્વતીની ડૂંટી દેખાય એ રીતે સાડી પહેરવાનું કહ્યું હતું.
કંઈ કેટલા વરસ પછી પાર્વતીને પોતાની જ કાયામાં સેક્સીપણુ દેખાયું હતું ! દુનિયાની કઈ ઔરતને આઈનામાં પોતાની જાતને જોવાનું નતી ગમતું ? સાલા, મરદો તો ઔરતની બૉડીને બે કે ચાર જગાએ જોતા હોય છે. મગર ઔરત તો પોતાની બૉડીને હર એન્ગલથી ધારીધારીને જોતી હોય છે.
પાર્વતીને આજે પહેલીવાર આઇના સામેથી હટવાનું મન થતું નહોતું.
“આઈલા ! કશી ઝક્કાસ વાટતી તૂ !”
પગમાં પ્લાસ્ટર સાથે એલ્યુમિનિયમની લાકડીથી હરતીફરતી થઈ ગયેલી પાર્વતીની દીકરી જમુના રૂમમાં આવતાં જ બોલી ઊઠી. સાંભળીને પાર્વતીને પણ ગમ્યું.
“કુટે ચાલલી તૂ ?”
જમુનાના આ સવાલથી પાર્વતીને યાદ આવ્યું કે ખરેખર તો વિઝા લેવા જવાનું હતું !
“તરાના?” એણે પૂછ્યું. “યે સાલા વિઝા લેને કે વાસ્તે ઇતના રેડ્ડી હો કે ક્યું જાને કા ?”
“ક્યું કિ...” તરાનાએ આંખ મારી, “વિઝા દેનેવાલા ભી આખિર તો સાલા મરદ હી હૈ ના !”
***
તરાના એને કારમાં બેસાડીને જે જૂના બિલ્ડિંગમાંલઈ ગઈ એ તો હરગિઝ વિઝાની ઑફિસ હોય એવું નહોતું લાગતું. પાર્વતી હજી વિચારોમાં હજતી ત્યાં ખખડધજ લિફ્ટ ચોથા માળે આવીને ઊભી રહી.
આખું બિલ્ડિંગ જૂનું હતું. દીવાલો પર રંગના પોપડા ઊખડી ગયા હતા. લોકોનીઅવરજવરપણ ઘણી હતી. આવતાજતા પુરુષો ગરદન ફેરવી ફેરવીને તરાના અને પાર્વતીને જોઇ રહ્યા હતા.
“તરાના, એ વિઝા ઑફિસ, ઇધર કિધર હૈ ?”
“અરે, તૂ ચલના.” તરાનાએ એનો હાથ ખેંચીને એક લાકડાનો જૂનો દરવાજો ખોલતાં અંદર ધકેલી.
અહીં એક બંધિયાર રૂમમાં એકદામ ચાલુ ટાઈપના મરદોની અવરજવર હતી. તરાના એને ખેંચીને વધુ એક દરવાજાની અંદર લઈ ગઈ. અહીંનું દૃશ્ય તો પાર્વતી જોતી જ રહી ગઈ.
પાર્વતી અને તરાના જેવી વીસેક યુવતીઓ હેવી મેકઅપ અને ઉત્તેજક ડ્રેસિસ પહેરીને હાહાહીહી કરતી ફરી રહી હતી. આખા રૂમમાં ભડકીલા લાલ રંગની કારપેટ બિછાવેલી હતી. છત ઉપર ચીપ ટાઇપના કાચના ઝુમ્મરોમાં બલ્બ ફીટ કરેલા હતા. આજુબાજુ બિછાવેલા ગાદીતકિયા પર ચિત્રવિચિત્ર આકારના મરદો પેલી છોકરીઓ સાથે મસ્તી, છેડખાની કે વાતો કરવામાં મશગૂલ હતા.
“તરાના, યે કૌન સી જગા હૈ ?”
“યહી તો હૈ તેરા વિઝા ઑફિસ !” તરાનાએ હસીને આંખ મારી.
“દેખ, વો સામને સોફે પે બૈઠા હૈ ના, વો મદનલાલ તોરાની હૈ... હમારી દૂબઈ કી ટૂર કા મેઇન એજન્ટ !”
મલ્ટિપ્લેક્સની સીટો હોય એના કરતાં ડબલ પહોળા ઘેરા મરુન રંગના સોફા પર એક જાડિયો, ટાલિયો માણસ ચળકતા લાઈટ ગ્રીન કલરના રેશમી કુરતા-પાયજામામાં ફેલાયેલો હતો.
“હાય મેરી તરન્નુંમ !” તરાનાને જોતાં જસોને મઢેલો દાંત ચમકાવતો એ હસ્યો.
તરાના એની પાસે ગઈ. ઝૂકીને એનું માથું લગભગ બાથમાં લઈને ખિલખિલ કરતી ખૂબ હસી. પેલો પણ એને કમરમાં ગલગલિયાં કરીને ખિખિયાટા કરતો હસવા લાગ્યો.
“તૌરાની સેઠ, યે હૈ વો પારો... તુમ દેખના ચાહતે થે ના ?” તરાનાએ પાર્વતી તરફ ઇશારો કર્યો.
તૌરાનીની આંખો પાર્વતીના આખા શરીર પર લિસ્સા સાપની જેમ લપસતી ફરી વળી. એના હોઠ પર ગંદુ સ્માઇલ આવ્યું. “જરા પાસ તો આઓ, પારો !”
પાર્વતીનજીક આવી કે તરત તૌરાનીએ ઝાટકાથી એનો હાથ ખેંચીને પોતાના ખોલામાં બેસાડી દીધી. પાર્વતી હજી કંઈ વિચારે એ પહેલાં તો એનો એક ભારેખમ હાથ પાર્વતીની જાંઘ ઉપર વીંટળાઈ ગયો અને બીજો પાર્વતીની પીઠ પર કાચબાની જેમ સરકવા લાગ્યો.
“તુમ સહી કહેતી થી તરન્નુમ જાન.. ચીજ તો ચિકની હૈ...” પછી પાર્વતીની જાંઘ પર વજનદાર હથેળી પછાડીને એ હસ્યો. “મગર થોડી ભારી હૈ ! હીહીહી....”
પાર્વતીને લાગ્યું કે એ કોઈ અજગરના ભરડામાં ભીંસાઈ રહી હતી.
(ક્રમશ:)