મિલન
( પ્રેમ કથા )
અંશ ખીમતવી
સાત સાત વરસ વીતી ગયા છે પણ હજી એને કઈ નથી.ખબર નહિ કયા કોડાળામાં પગ પડ્યો છે! કોનું મોઢું જોયું હતું એ દાડે ને ઘરમાં લાવી.કરમ ફૂટ્યા મારા દીકરાના ! મમતાની સાસુએ જાણી જોઈને એની વહુને જોર જોરથી બરાડા સંભળાયા. મમતા બિચારી ઘરમાં જઈ એકલી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.એમાં હું શુ કરું, મારી શી ભૂલ છે. એ પણ મને સમજતા નથી.મમ્મીને પણ કઈ સમજાવતા નથી. ભીની આંખો લઈને પાછી એ બિચારી પોતાના કામમાં પરોવાઈ જતી.
રમેશ બેટા હું શુ કહું છું તું બીજા લગ્ન કરી લે, મમ્મીએ સાંજે જમતી વેળાએ વાત મૂકી. વાત સાચી છે પણ પછી મમતા નું શું થશે ? એ કઈ રીતે આખું જીવન વિતાવશે. શું એનો કોઈ હાથ પકડશે? ' હવે એ બધું આપણે નહિ વિચારવાનું એ બધુ હવે એના ઘરવાળા વિચારશે. એક જ અવાજે મમતાની સાસુ બોલી ઉઠ્યા.જરાક અટકી પછી' જે થવું એ થાય બસ ! હું શુ કહું કાન દઈને સાંભળ તું હવે બીજા લગ્ન કરી લે. 'અને આ મમતાડીને છુટા છેડા આપી દે. એટલે આપણે હવે આ પીડામાંથી મુક્તિ. બિચારી મમતા ચાર દીવાલોમાં પીડાઈ રહી છે.શું કરે બિચારી, રોજ કડવા બોલ સાંભળી સાંભળીને અડધી થઈ ગઈ છે. ઘણા સમયથી એ કડવાં બોલ સહન કરી રહી હતી. એટલે એને નક્કી કરી લીધું કે આજે જ્યારે એ ઘરે આવે ત્યારે હું સામેથી જ કહી દઈશ કે મને છુટા છેડા આપી દો....બસ...
રાત્રીના 10 વાગ્યા હશે... બધા ઘરના સભ્યો સુઈ ગયા હતા.ત્યારે જ મમતાએ વાત મૂકી કે મારે હવે છુટા છેડા જોઈએ છે.તમે બીજા લગ્ન કરી લો. એટલું કહીને એ ચૂપચાપ સુઈ ગઈ. સવાર પડતા જ રાત્રે થયેલી વાત રમેશે એની મા ને કરી. 'મા'નો તો આનંદનો પાર ન રહ્યો. મમતા ભલે કઈ બોલી નહિ અને ઝટ છુટા છેડા લેવા તૈયાર થઈ ગઈ પણ એના દિલમાં પણ અસહ્ય વેદના થતી હતી. એ પોતીકી નહિ પણ એના બાપ વિશે વિચારીને. જ્યારે એના બાપને આ વિશે જાણ થઈ ત્યારે એનો બાપ ભાંગીને ભૂકો થઈ ગયો હતો... મર્દ મૂછાળો આમતો અઢળક દુઃખો સાથે લઈને ફરે.. આંખે એક ટીંપુ ન આવવાદે.પણ આ તો કાળજાના કટકાના દુઃખની વાત હતી... બાપ રડે નહિ તો શું કરે.. અડીખમ પહાડ જેવો બાપ આજ પીગળી ગયો હતો. સતત મનમાં વિચાર આવતા હતા કે હવે મારી દીકરીનું શું થશે, કોણ એનો હાથ ઝાલશે, એનું જીવન કઈ રીતે વીતશે? એવું વિચારી વિચારી બાપ અડધો થઈ ગયો હતો... આજ પૂરું એક વર્ષ વીતી ગયું હતું.. પણ કોઈએ મમતાનો હાથ ઝાલ્યો ન હતો.
જ્યાં જતા ત્યાં બસ ત્યાં ધૂતકારો જ મળતો.અને બાપ નીચે મો કરી પાછો વળતો.બાપે ઘણા સગા સંબંધીઓને પણ આજીજી કરી હતી.કે કોઈ મળે તો જરૂર મને જાણ કરશો અને આ બાપની આંતરડી ઠારજો. આમ બે વરસ વીતી ગયા હતા....
અચાનક એક દિવસ એના મિત્ર શ્યામજીભાઈનો કોલ આવ્યો. એમને કહ્યું કે જો તમને વાંધો ન હોય તો મારા મિત્રનો એક દીકરો છે જે કુંવારો છે.પણ...... પણ શું આગળ વાત કરો ને શ્યામજીભાઈ! વાત એમ છે કે એનું નામ યશ છે સારી એવી જોબ પણ કરે છે, પણ એને લગ્ન કરવાની વાતથી નફરત છે. એના પરિવારે ઘણો સમજાવાની કોશિશ કરી પણ આખરે સફળતા મળી નથી.. કેમ જાણે ! યસ લગ્નની વાતને કેમ આટલી નફરત કરે છે એ તો એજ જાણે.... વાત પુરી થાય એ પહેલા રામજીકાકાએ એકવાર કોશિશ કરવાનું કહ્યું...... શ્યામજીભાઈએ આશ્વાસન આપતા કહ્યું કે ચોક્કસ હું એકવાર વાત કરીશ.....
શ્યામજીભાઈ એના પરમમિત્રના ઘરે જઈને બધી વાતો કહી... યસના પપ્પા બોલ્યા કે વાત તો ઠીક છે તારી.. આમે એની મા પણ બહુ ચિંતા કરે છે. એની માને પણ બહુ કોડ છે હું મારી વહુને જોઉં અને જીવતે નાના બકુડાઓ રમતા જોઉં.. પણ કેમ જાણે એ વર્ષોની હઠ લઈને બેઠો છે. કે હું આ ભવે તો લગ્ન નહિ જ કરું એટલે નહિ જ કરું..એકવાર એની મા આ વાતથી બહુ રડી હતી.. પણ કેમ જાણે આ યસ સમજતો નથી. હવે અમે પણ લગ્નની વાતો ઘરમાં કરતા જ નથી. બધું ભગવાન પર છોડીને બેઠા છીએ. કાળિયો ઠાકર ક્યારેક તો મારા દીકરાને બુદ્ધિ આપશે. શ્યામજી ભાઈ એ અંતે સાંજે વિદાય લીધી અને આ વાત એના દીકરાને કહેજો એવું કહી ઘર તરફ વળ્યાં...
યસના પપ્પા સાંજે એકલા બેસી ઊંડા વિચારમાં ખોવાયેલા બેઠા હતા.ત્યારે યસની મમ્મીએ કહ્યું કે વાત શું છે.ત્યારે કાલે થયેલી બધી વાતો કહી.. પણ વાત યસને કોણ કરશે એની ચિંતા હતી... એક વાર ટ્રાય તો કરો યસની મમ્મીએ કહ્યું. ના હું નહિ આ વખતે આપણે સીમાને બોલાવીએ. કારણ કે એ નાનપણથી યસ જોડે ભળેલી છે. એ બન્ને એકબીજાની સાથે ખૂબ રમ્યા છે. તને યાદ છે એક દિવસ સીમાની પેન્સિલ પેલા રમલાએ લઈ લીધી હતી ત્યારે કેવો ધમપછાડા કરી પાછી લઈ આવ્યો હતો.અને ખબર છે એને શું કહ્યું હતું રમલાને કે મારી બેનને જો આજ પછી હેરાન કરી છે તો.... અને હા એ ને એ પણ કહ્યું હતું કે સીમાની આંખોમાં આંસુ હું ક્યારે જોઈ શકતો નથી..અને ક્યારે આવવા પણ નહિ દઉં મારા જીવતા જીવે.... એ એકબીજાની વાતો હંમેશા પાળતા આવ્યા છે.અને મને વિશ્વાસ છે કે આ સીમાની વાત યસ નહિ પાળે..અને આમે હવે રક્ષાબંધનના ક્યાં દિવસો રહ્યા છે....
રક્ષાબંધનના એક દિવસ પહેલા જ સીમા ખુશીઓ સંગ ઘરે આવી પહોંચી..... યસ સવારે નાહીને તૈયાર થઈ ગયો હતો. સીમા પણ થાળીમાં રાખડી, પેંડા, કંકુ ,દિવા લઈને રાખડી બાંધવા તૈયાર જ ઉભી હતી.ખુરશીમાં ભાઈ આવી ને બેઠો. બેને હરખભેર રાખડી બાંધી. એકબીજાના મો મીઠા કરાવ્યા.. અને પછી ભાઈએ ખિસ્સામાંથી બે હજારની નોટ કાઢી ને કહ્યું લે બેના આ ગિફ્ટ. સીમાએ લેવાની ના પાડી અને કહ્યું કે મારે રૂપિયા નથી જોઈતા. મારે તો ફક્ત મારો ભયલો સદા હસતો હોય એ જ જોઈએ છે.
'પણ બેના લઇલેને '
'ના ભાઈ ,
'તારે શું જોઈએ છે આજે તો તું જે માંગીશ એ આપીશ બોલ! '
'સાચું ભઈલા, હું જે માંગુ એ આપીશ?
તું ના તો નહિ પાડે ને!
'તારા માટે તો મારો જીવ પણ ઓછો પડે!'
'ના ભાઈ આવું ન બોલ ,મારે તો ફક્ત તારી ખુશી જોઈએ છે'
તારી કસમ બોલ હવે જલ્દી... બસ સીમાએ ભાઈની કસમ આપવાની વાતનો લાભ લઈ બધી વાતો કહી દીધી...અને છેલ્લે એ પણ કહ્યું કે જો વાત નહિ માને તો આજ પછી તારી બેન આ આંગણે પગ નહિ મૂકે ! યસે પણ કહ્યું કે કે તારે લગ્નની વાત સિવાય જે કહીશ, જે માંગીશ એ આપવા તૈયાર છું ,પણ સીમા પણ એક ની બે ન થઈ તે ન જ થઈ..
રાત થઈ યસે ઘણું બધું વિચાર્યું.... એનું મન ક્યારેય લગ્ન કરવા હા પાડતું ન હતું.એને તો એક જ વાત નક્કી કરી હતી કે આખી જિંદગી હું કોઈનો બનીશ નહિ.ફક્ત એકલો આ જિંદગીની મુસાફરી પાર પાડીશ. કોઈને પણ આ રહસ્યની ખબર સુધા હતી નહિ કે આખરે યસ લગ્ન કરવાની ના કેમ પાડે છે.યસ જ્યારે ગામડામાં બારમા ધોરણમાં ભણતો હતો.ત્યારથી જ એને જીનું જોડે પ્રેમ થઈ ગયો હતો.અને એ પ્રેમનો આખરે જીનુંના લગ્ન પછી અંત આવ્યો. પણ એ અંત યસના દિલને મારી ન શક્યો આજ પણ એના દિલમાં પ્રેમ જીવંત હતો. મનોમન એને નક્કી કર્યું હતું કે લગ્ન જો કરીશ તો ફક્ત જીનું જોડે જ...નહિ તો...જીનું પણ એને બહુ પ્રેમ કરતી હતી. એ પણ એના વગર રહી શકે તેમ ન હતી પણ આખરે નાતજાતના વાડા અને બાપ આગળ મો નીચું રાખવું પડ્યું હતું....
સોનાની સવાર ઊગી... અંતે એકાંત જોઈ સીમાને લગ્નની હા કહી દીધી... સીમા હા સાંભળતા જ એની ખુશીનો પાર ન રહ્યો. એને ઝટ જઈ ખુશીના સમાચાર મમ્મી- પપ્પાને કહ્યા. વરસો પછી આજે ઘરમાં ખુશીનો દિવસ ઉગ્યો હતો.આજે યસના મા બાપ ખૂબ આનંદમાં હતા..એમને મંદિરે જઈ ભગવાનને પ્રણામ કર્યા અને ભીની આંખે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો... બસ હવે વાત આગળ થઈ ગઈ હતી. અને બે દિવસમાં જ સગાઈની રસમો હતી.સાથે એજ દિવસે લગ્ન પણ લેવાના હતા.
આજે મમતાના ઘરે પણ આનંદનો પાર નહતો સમાતો..કારણ કે દીકરીને આજે નવજીવન મળ્યું હતું.બાપની આંખો ખુશીઓથી છલકાતી હતી.આ બાજુ યસના ઘરે પણ સરખો ઉલ્લાસ હતો કારણ કે જે યસે જિંદગીભર લગ્ન ન કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી એ આજે બહેનના પ્રેમે તોડી હતી.આખો પરિવાર સીમાનો પાડ માનતો હતો.મમતા સોળે શણગાર સજી ડગલાં ભરતી લગ્ન મંડપમાં આવતી હતી.બસ હવે નવી જિંદગી ફક્ત એક પળ જ દૂર હતી. આ બાજુ યસના મનમાં જીનુંના વિચારો ગોળ ગોળ ભમતાં હતા.એ ભૂતકાળમાં સરી ગયો હતો. ઘડીકમાં તો એ પણ વિસરી ગયો હતો કે આજે એના લગ્ન છે.અરે આજે નહિ એક પળ પછી એ હર હંમેશ કોઈનો થઈ જવાનો છે. હા મમતાનો. જેનું ફક્ત એને નામ જ ખબર હતી. ફરી વાર એના મનમાં જીનુંનું નામ ભમવા લાગ્યું. હવે જીનું પણ ક્યાંય ગાયબ થઈ જતી હોય એવું નજરે પડવા લાગ્યું .બસ થોડીક જ વારમાં મહારાજના સુત્રોચાર થયા. અને મૃત શરીરમાં જેમ જીવ આવે એમ યસ ઝબકયો.અને એની નજર સામે સોળે શણગાર સજી આવતી મમતા પર પડી.. અને બસ ત્યાં જ એની નજર અટકી ગઈ. અને એ આભો બની ગયો!આજુ બાજુ શું થઈ રહ્યું છે એક સમયમાં બધું શૂન્યમાં ફેરવાઈ ગયું. અને એ મનમાં જ બોલી ઉઠ્યો અરે આ તો મારી 'જીનું' છે!
હા, મમતા જ જીનું છે પ્રેમથી મમતાને જીનું કહેતો. આજે યસ, અને જીનુનો પરિવાર ભગવાનનો ખૂબ આભાર માનતો હતો.કારણ કે આજે યસ પપ્પા બની ગયો હતો. અને જીનું મમ્મી....
- અંશ ખીમતવી