પ્રકરણ ૯
ત્યાં ક્રિષાના રૂમનો દરવાજો ખખડ્યો. ક્રિષા કવિથની જે ડાયરી વાંચી રહી હોય છે ત્યાં ફટાફટ બુક માર્કર મુકીને, આંખમાં જામી રહેલા ટીપાને રૂમાલથી લુંછીને, તેણે તે ડાયરીને પોતાના ઓશિકા નીચે છુપાવી દીધી.
‘હા, કોણ?’ કમ ઇન..!!
‘Hi..ક્રિષુ...!!’
‘Oh..Hi..શ્રુતુ વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ’
‘એમાં શું સરપ્રાઈઝ ? મને એક્ષ્પેકટ કરતી ન હતી?
‘નાં એવું નથી પણ તું જનરલી ફોન કરીને આવે એટલે જરા...આતો...’
‘અચ્છા બરાબર છે, તારો ફોન ચેક કરતો કેટલા મિસકોલ્ડ છે જો...’
‘ઓ.એમ.જી થોડી આંખ લાગી ગઈ હતી.સોરી શ્રુતુ...!!’
‘મને ખબર છે તું મને ઉલ્લુ નાં બનાવી શકે. લુક ક્રિષ..!! જિંદગી કદી કોઈ એક વ્યક્તિ પર નથી ચાલતી.
‘ખબર છે પણ કવિથને ઈમેજીન કરીને જોયેલા સપનાંઓથી હું તૂટી ગઈ છું, શ્રુતુ,’
‘તું એ કેવી રીતે સમજીશ કે મેં તો એ વિચારી જ લીધું હતું કે કવિથ મારો છે મારા સિવાય એ કોઈને પ્રેમ નહિ કરતો હોય..મને નીંદર નાં આવે અને કવિથનો ચહેરો મનોમન યાદ કરું ત્યારે ખબર નહિ હું એકદમ બે ફિકર સુઈ જતી હતી. આજે એ મને પ્રેમ નથી કરતો એ વાત હજી મારું દિલ સ્વીકારવા તૈયાર નથી થતું.’
‘તો સ્વીકારી લે જે ફેક્ટ હોય એ સ્વીકારી લે, સ્ટ્રોંગ બની જા, જિંદગીમાં જે ચાહો છે એ બધું જ નથી મળતું તો શું આપણે એક ને એક પકડી ને રડે રાખવાનું ?
‘મુવ ઓન થવું જ પડે ક્રિષુ...!!
‘પોતાની જાતને બિઝી કરી દે..પ્રોડકટીવ રીતે.’
‘કહેવું સહેલું છે કદાચ કરવું અઘરું પણ હું પ્રયત્ન જરૂર કરીશ. બીજું કોઈ મારા જીવનમાં આવશે કે નહિ એ મને નથી ખબર, આગળ જીવનમાં શું થશે એ પણ નથી ખબર પણ...!!’
‘ક્રિષુ, કેમ આમ કરે છે, કવિથ તારાં જીવનમાં નહિ આવે એ સ્વીકારી લે..કોઈ નવું વ્યક્તિત્વ શોધી ને આગળ વધી જા..ધેટ્સ ઇટ અને મારી જરૂર હોય ત્યારે મને કોલ કરજે આઈ એમ ઓલ્વેયઝ ધેર ફોર યુ. થેંક્યું બેબી. થોડી વાતો કરીને શ્રુતિ ત્યાંથી જતી રહે છે.’
‘શ્રુતિ કવિથને વોટ્સઅપ પર મેસેજ કરે છે. કવિથ, આઈ હોપ ક્રિષ તને ભૂલી જાય અને મુવઓન કરી લે, તે જેમ કીધું એમ મેં તેને મળીને તેને થોડી સાંત્વના આપી છે અને તેને સમજાવી છે કે એ તને ભૂલવા માટે પ્રયત્ન કરે. ઓલ ધ બેસ્ટ ફોર યોર કોન્ફરન્સ..!!’
‘થેંક્યું જાડુ..!! સ્ટે વિથ હર ઓલવેઝ.!!’ શ્રુતિને કવિથનો મેસેજ મળ્યો..!!
‘બુક માર્કરને પોતાની જગ્યા છોડવી પડી, ક્રિષાએ કવિથની ડાયરી ફરી હાથમાં લીધી અને ફરી ચાલી નીકળી કવિથ-કાવ્યાના અતિથમાં..!!
**
‘હજી તેના ચહેરા પર થોડો ડર હતો, ભર શિયાળાની સવારમાં તેના ચહેરા પર આવેલો પરસેવો મને પણ પરેશાની આપતો હતો.’
‘ચાલુ કારે મેં કાવ્યાને પૂછ્યું. તું મને બધું જ કહી શકે છે. જો તું ચાહે તો.’
‘હું હમણાં તને નહિ કહી શકું.’
‘પણ કેમ ? તું એ સ્વીકારી શકે એટલો મોટો નથી થઇ ગયો.’
‘ઉંમરના હિસાબથી કદાચ તારાથી નાનો છું પણ જિંદગીને સમજવાની સમજ વધુ છે.’ ‘એવું તું માને છે...!! કાવ્યા કહ્યું.
‘એવું તું સમજે છે.’ મેં કાવ્યાને કહ્યું.
‘તું મને ફરજ નાં પાડી શકે કવિથ.’
‘તેના આ છેલ્લા વાકયએ મને થોડો હચમચાવી દીધો. પણ દોસ્તીની હજી શરૂવાત હતી આજે બીજી મુલાકાત હતી એટલે કોઈપણ છોકરી એટલી ઓપન નાં થાય એવું મેં વિચારી લીધું.’
‘તો ક્યારે કહીશ ? મેં પૂછ્યું
‘સમય આવશે ત્યારે. કાવ્યા એ કહ્યું.
‘આવશે એવું તને લાગે છે ને ? મેં ફરી પૂછ્યું.
‘હા, મને ખાતરી છે. તેણી એ કહ્યું.’
‘તો હવે,?
‘તો કઈ નહિ તું મને મારી કોલેજ ડ્રોપ કરી શકીશ ? કાવ્યાએ મને કહ્યું.
‘જવું જરૂરી છે ?’
‘તો તારો શું પ્લાન છે નેક્ષ્ટ ?’
‘બેસીએ બીજે ક્યાંક અને બપોરે લંચ લઈએ ? મેં પૂછ્યું.
‘હું પબ્લિક પ્લેસમાં બેસવાનું અવોઇડ કરવા માંગું છું.
પણ કેમ ?
‘કવિથ ફરી શરુ નાં કર અને છાનોમાનો, જો પોસીબલ હોય તો મને મારી કોલેજ ડ્રોપ કરી દે,’
‘એમાં શું પોસીબલ હોય તો હું તને તારી કોલેજ ડ્રોપ કરી દઉં છું. મારી કાર એ યુનિવર્સીટી રોડ તરફ આગળ વધી. થોડા રસ્તે અમારા બંને વચ્ચે રહેલું મૌન અમને બંનેને અનેક પ્રશ્નો પુછતું રહ્યું.’
‘ચોકલેટ ખાઇશ ?’ મેં તેને પૂછ્યું.
‘કઈ છે ?’
‘અમમ્મ્મ્મ..કીટકેટ..’
‘એ વાઉ મારી ફેવેરિટ છે..હા ખાઇશ..!’
‘મેં સવારથી જ તેના માટે લીધેલી કીટકેટ તેને આપી અને કહ્યું..મીઠી દોસ્તીની મીઠાસ મુબારક..!!’
‘તેણે તે કીટકેટનો હાફ પાર્ટ કર્યો અને મને આપવા માટે હાથ લંબાવ્યો પણ મેં જાણી જોઇને કહ્યું કે મારા બંને હાથ કાર ચલાવવામાં વ્યસ્ત છે તું ખવડાવી શકે તો હું ખાઈ શકું બાકી નહિ એમ કહી મેં તેને આંખ મારી..’
‘તેને મારી આ નટખટાઈનો ઈંતઝાર હોય એમ બિલકુલ હેઝીટેશન વગર મારા મોઢામાં કીટકેટનો નાનો બાઈટ મુક્યો..મારા હોઠ અને તેના અંગૂઠાનો સ્પર્શ થયો.’
‘જોકે એ અમારા બંનેનો પહેલો સ્પર્શપણ હતો..આ સ્પર્શ પછી તેણે તરત પોતાનો હાથ પાછો ખેંચી લીધો..ત્રાસી નજરથી મારી બાજુ જોઇને તેણે તે અંગુઠાને તેના મોઢામાં મુકીને તે અંગુઠા પર ચોંટેલી નહીવત ચોકલેટને ચાટવાનો પ્રયત્ન પણ કર્યો...આ ઘટના અમારા બંનેની આ મુલાકાતને વધુ મદહોશ બનાવતી હતી..મારી નજર તેના પર પડી તેણે થોડું શરમાઈને મીઠી સ્માઈલ આપી..!’
‘આવી ગઈ..!!’
‘શું ?’ મેં પૂછ્યું.
‘અરે, કવિથ મારી કોલેજ આવી ગઈ..!
‘અરે હા..’
‘મેં કારને બ્રેક મારી..’
‘જવું જ છે ?’
‘હા, જવું જ પડશે ને..
‘ફરી ક્યારે મળીશું?’
‘મળીશું ને સમય રજા આપે ત્યારે..’
‘વાંધો નહિ તમે ભૂતકાળ ભણો અમે ભવિષ્યકાળમાં તમારો ઇન્તઝાર કરીશું..!!
‘અમે પણ..કીટકેટ સાથે..!!’
‘એમ કહી એણે મારી સામે જીભ કાઢી અને તેના ગુલાબી હોઠ પર ફેરવી મને આંખ મારી અને બાય કહ્યું...!!’
‘ત્યાંથી હું કાર લઈને સીધો જ મારી હોસ્ટેલ પર આવી ગયો.’
‘સાંજે હું અને વિવાન રોજની ટેવ મુજબ નીચે માવજીની ચા પીવા માટે ગયા.. આજે તારે એક કવિતા સાંભળવી રહી. અહિયાં એક વાત કન્ફેસ કરું છું મારી કવિતામાં મારા જીગરીઓમાં ખાલી ક્રિષા, શ્રુતિને અને પેલી કાવ્યાને જ રસ બાકી પેલા ત્રણને પકડીને સંભળાવવી પડે હો..!!’
‘ડાયરી વાંચતી ક્રિષાનાં ચહેરા પર મીઠી સ્માઈલ આવી મનોમન બોલી ઉઠી મને તો તારામાં, તારી કવિતા કરતા પણ વધુ અને પુરતો રસ છે.’
‘અરે યાર પછી ક્યારેક, તારી કવિતા પેલા ચા પી લે પછી હોસ્ટેલ પર જઈ સંભળાવ જે.’
‘નાં નાં સંભળાવો..કવિથભાઈ માવજીએ બુમ પાડી...!!’
‘જો સાલા માવજીને ઇન્ટરેસ્ટ છે તને સાલા ઇન્ટરેસ્ટ નથી..!!’
‘સારું ચલ સંભળાય..!!’
મારા દ્વારા થોડે દુર થી જ સવારે જોવાયેલી તું,
આછાં બનેલા ધુમ્મસ નાં પડદા પર દોરાયેલી તું,
ચહેરા પર આવેલી લટ ને કાન ની પાછળ નાખી,
એજ આનંદિત વાતાવરણ માં હરખાયેલી તું,
હા એકદમ “ગણી” ને કહું છું મીઠું હસતા હસતા,
૨ જ સેકન્ડ માટે મારી સામે જોઈ ને શર્માયેલી તું,
થોડી મીઠી-મધુર નટખટાઈ કરતાં કરતાં,
‘કીટકેટ’નાં લેયર થકી આ હોઠને સ્પર્શાયેલી તું,
કુદરત નાં સુંદર સૌદર્ય પતંગિયું બની રંગાયેલી તું,
અને સાચું કહું ગુલાબ દ્વારા પણ સુંઘાયેલી તું...!!
વિવાન મને વાહ, વાહ કહે એ પહેલાં તો માવજીએ બુમ પાડી વાહ કવિથભાઈ વાહ. અને જાહેરાત કરી દીધી આજની ચા મારા તરફથી આ કવિતાનાં નામ પર. આવી ઘણી કવિતાનાં નામ પર માવજી મને ચાની પાર્ટી આપી ચુક્યો છે જે મારે અહિયા નોધવું રહ્યું.
‘છાયા ટી સ્ટોલ..!! એ માવજીનો ગલ્લો..!!’ હંમેશા માવજી કહે રાખતો આપણા ટી સ્ટોલ પર આવીને લોકોને દિલથી શાંતિ મળવી જોઈએ અને એવું બનતું. નાનાં ગલ્લામાં મોટું દિલ રાખીને જીવનારુ વ્યક્તિત્વ એટલે માવજી..!!
ખેર, આખરે વિવાને આજની આ કવિતા પરથી કાવ્યાને પકડી લીધી. અચ્છા તું કોઈ કવિતાને મળવા ગયો તો કે શું?’
‘નાં કાવ્યાને.’ મેં તેને આજની મુલાકાત વિશે અક્ષરસહ જણાવી દીધું.
‘વિવાન મારી જિંદગીની કિતાબ છે..!! તેને મારી જિંદગી વિશે બધુ જ ખબર છે અને દરેક લોકોએ એક એવો દોસ્ત તો રાખવો જ જોઈએ જેથી તે પોતાની બધી જ પર્સનલ વાતો તેની સાથે શેર કરી શકે. તેને બધું જ કહી શકે.
‘ત્યાં મારા મોબાઈલમાં ટેક્ષ્ટ મેસેજ આવ્યો. ‘Thank you આજનાં આટલાં ખુબસુરત દિવસ માટે MR. K વધુ એક વખત તમને મળવાની ઈંતઝારી સાથે તમારી નવી દોસ્ત. કાવ્યા..! ‘
‘Same here and Thank You so much Miss K..!’
‘It will be good if u don’t call me Miss K. U can Call Me Somethingelse’
‘કેમ એવું ?’ મેં પૂછી લીધું.
‘અરે એમ જ.’
તેના આ મેસેજ એ મને ફરી વિચારતો કર્યો. તે દોસ્તી સિવાય પણ ઘણાં રહસ્યોને ખબર નહિ છુપાવીને બેઠી હોય એવું મને લાગ્યા કરતુ હતું. હમણા જ શરુ થયેલી દોસ્તી પર હવે શંકા થવા લાગી હતી આ કેમ દર વખતે મને અધુરી વાતો કરતી હતી ? શું છે તેનો ભૂતકાળ ? તેનો ભૂતકાળ ક્યાંક મને દઝાડશે તો ? આવા કેટ કેટલાય પ્રશ્નો દિમાગમાં ઉભા થતાં હતા. અને આખી રાત હું કાવ્યાનાં, પેલા કોફી સેન્ટર પર બનેલી વિચિત્ર ઘટના વિશે અને છેલ્લાં કન્ફયુઝનથી ભરેલા મેસેજ વિશે વિચારતો રહ્યો..!!
ક્રિષાએ ડાયરી બંધ કરી તે પણ કવિથ વિશે વિચારતા વિચારતા અને મનોમન કાવ્યાને કહેતી ગઈ કે મારા કવિથને જો કઈ દુઃખ પહોચ્યું તો હું તને માફ નહિ કરું...તેની આંખો બંધ થઇ અને તે પણ સુઈ ગઈ.
આખરે ક્રિષાને પણ ક્યાં ખબર છે કે કાવ્યા કોઈ ‘અજાણી’ સજા ભોગવી જ રહી છે, કવિથની હોસ્પિટલમાં એ પણ સુતી છે. શું છે, આવા રહસ્યમય સંદેશાઓનું કારણ ? કાવ્યા ક્વીથને કઈક કહેવા માંગે છે પણ કહી શકતી નથી. તેને પણ ડર હશે કવિથની દોસ્તી થી દુર જવાનો કે બીજું કઈ હશે કારણ ? મળીએ આવતા અંકમાં કાવ્યાનાં ઈતિહાસ અથવા ભૂતકાળ સાથે.
લેખકનાં દિલની વાત:
"એ મારા પહેલા પ્રેમનો પહેલો સ્પર્શ હતો,
જીવનનો કેટલો મીઠો - મધુર એ અંશ હતો."