પ્રતિબિંબ
પ્રકરણ - ૧૫
આરવે રૂમમાં પ્રવેશતાં જ દરવાજો ખોલ્યો કે જોયું તો તેનાં બેડરૂમની આખી સૂરત બદલાઈ ગઈ છે. ન્યુ ફર્નિચર એન્ડ ઈન્ટિરિયર સાથે...
આરવ અંદર ગયો ને મનોમન બોલ્યો, " અરે મારાં બેડની જગ્યાએ આ તો નવો ડબલબેડ ઝુલા સ્ટાઈલમાં...મારો ફેવરીટ કલર અને ડિઝાઈનનું આખું જ રૂમનું ઈન્ટિરિયર...!! આ ઘરનાં બધાં શું વિચારી રહ્યાં છે મને કંઈ સમજાતું નથી. "
એણે આખો રૂમ જોઈ લીધો. પૈસાની કોઈ કમી નહોતી આથી રૂમ તો એનો પહેલાં પણ એકદમ અફલાતૂન જ તો પણ બધું જ સિંગલ તરીકેનું હવે એક મેરિડ કપલનો રૂમ હોય એવો જ છે. એ તો ઠીક પણ જેવો ઈતિ અને આરવે પોતાનાં માટે મેરેજ પછી જેવાં બેડરૂમની કલ્પના કરી હતી એવો જ મહદ્ અંશે રૂમ તૈયાર કર્યો છે. ઝૂલા સ્ટાઈલ બેડ, ડેકોરેટેડ વોલ, વિન્ડોઝ, સ્ટાઈલીશ ડ્રેસિંગ ટેબલ, સાઈડમાં ગેલેરી, બધું જ એકદમ બ્લુ એન્ડ પિન્ક કોમ્બિનેશનમાં...
એ અંદર જઈને બેડ પર બેઠો.આજે એને જાણે અહીં નવો જ શૂકુનનો અહેસાસ થઈ રહ્યો છે. છતાં કોઈની કમી વર્તાઈ રહી છે એ છે ઈતિ..
આરવને થયું ઈતિ વિના આટલો મોટો સુંદર રૂમ શું કામનો ?? એ ફટાફટ ઉભો થયો ને કપબોર્ડને ખોલીને બધું જોવાં લાગ્યો. જેમ જુના રૂમમાં ગોઠવણ હતી એવું જ બધું મસ્ત રીતે ગોઠવાયું છે. લગભગ એક બે દિવસમાં બધું અરેન્જ થયું છે એવું લાગી રહ્યું છે. એણે પોતાનું અહીંનું ઈન્ડિયાનું સિમકાર્ડ કાઢીને ફોનમાં લગાડીને બધું સ્ટાર્ટ કર્યું. પછી એણે એક પર્સમાં રાખેલી એક ચીટ કાઢી. એમાં ઇતિનો ઈન્ડિયાનો નંબર અને એનાં ફેમિલી મેમ્બર્સનાં નંબર છે.
આરવે વિચાર્યું અત્યારે ઈતિ તો બોમ્બેમાં છે એટલે એનું સિમકાર્ડ તો ચાલુ નહીં થાય પણ એની ફેમિલીમાં કોઈને ફોન કરું. પણ પછી વિચાર્યું આજે કરવો ખોટું મારાં ફોન કરવાથી ઘરે કંઈ પ્રોબ્લેમ થાય. એણે ઇતિનાં ફોનની રાહ જોવાનું વિચાર્યું...ને ઇતિને બહું જલ્દીથી કંઈ રીતે મળી શકાય એનો પ્લાન વિચારતો વિચારતો સૂઈ ગયો...!!
*****
સવારે આઠ વાગી ગયાં છે. પણ હજું ઈતિ અને હેયા બંને કદાચ સૂતા છે. લીપીએ આવીને એનો રૂમ ખખડાવ્યો. બધાંનાં રૂમ લાઈનસર જ છે.
હેયાની આંખ કદાચ ન ખુલી પણ ઈતિ ઉભી થઈને રૂમ ખોલવા આવી. સામે જોયું તો લીપી અને અન્વય છે.
ઈતિ : " ગુડ મોર્નિંગ મોમડેડ.."
લીપી : " ગુડ મોર્નિંગ..તારી ઉંઘ તો નથી બગાડીને બેટા ?? "
ઈતિ : " ના હવે મારી ઉંઘ તો ક્યારની ઉડી ગઈ છે. પણ બસ કંઈ કામ નહોતું તો પડી રહી હતી. અને આવી ફોર્માલિટી કેમ કરો છો હવે કે તારી ઉંઘ નથી બગાડીને એમ ?? પહેલાં તો મને પરાણે ઉઠાડીને કાન પકડીને વાંચવા બેસાડતાં હતાં ને હવે કેમ આવું પૂછો છો ?? "
અન્વય : " કારણ કે હવે ચાર વર્ષ પછી અમારી ઢીંગલી પાછી આવી છે પણ હવે એ મોટી અને સમજું બની ગઈ છે. હવે તારાં પોતાનાં નિર્ણયો, પસંદ ,બધું જ તારું હોય. સમય પ્રમાણે બધું જ બદલાય બેટા."
ઈતિ : "તમે બંને પહેલાં અંદર આવો."
બંનેને અંદર રૂમમાં બેડ પર બેસાડીને ઈતિ બોલી, " સંતાનો ગમે તેટલાં મોટાં થાય પણ એ માતા-પિતા સામે હંમેશા નાનાં રહે છે.એટલે હવે નો ફોર્માલિટી સમજ્યા. તમે તો તૈયાર થઈને આવ્યાં મારે તો રેડી થવાનું છે...પણ આજે ક્યાં જવાનું છે હવે તો કહો ?? "
આજે થોડું બોમ્બેમાં ફરી લઈને પછી રાત્રે એક જગ્યાએ જવાં માટે નીકળવાનું છે...એ સરપ્રાઈઝ છે..
ઈતિ : " ઓકે..પણ આ કુંભકર્ણ હેયુ ક્યારે ઉઠશે ?? "
ત્યાં જ બ્લેન્કેટમાંથી એક હાથ બહાર કાઢીને હેયા બોલી, " ઓ દીદી, હવે તો હું સુધરી ગઈ છું. વહેલાં આઠ વાગ્યે રોજ ઉઠી જાઉં છું "
હેયાની વાત સાંભળીને બધાં હસવા લાગ્યાં.
ઈતિ : " એટલે તું અમારી સિક્રેટ વાતો સાંભળી રહી હતી એમ ને ?? "
હેયા બ્લેન્કેટ નીકાળીને મોઢું બહાર નીકળીને આળસ મરડીને બગાસું ખાતાં બોલી, " હા યાર તમારું બ્રહ્મજ્ઞાન મનમાં ઉતારતી હતી...હવે હું પણ મોટી થઈ છું એવું મમ્મા મને રોજ કહ્યાં કરે છે એટલે...
અન્વય : " આ છોકરી તો હંમેશાં આખાં ઘરને હસાવતી રહે છે...ચાલ હવે ઉઠ દીકરા ફટાફટ રેડી થઈ જાવ બંને. પછી બ્રેકફાસ્ટ કરીને આપણે મુંબઈ ફરવા નીકળીએ..."
થોડીવાર પછી બંને રેડી થવાં ગયાં. ને બધાં નીચે બ્રેકફાસ્ટ માટે આવી ગયાં. બધાં બ્રેકફાસ્ટ કરીને ફટાફટ બહાર જવાં નીકળ્યાં. બધાં ગાડીમાં બેસવા ગયાં. હોટેલમાંથી ચેક આઉટ પણ કરી દીધું કારણ કે રાત્રે બહાર જવાં માટે ડાયરેક્ટ નીકળવાનું છે.
એ સમયે સંવેગ પણ છેલ્લે નીચે આવ્યો. ઈતિ હેયાને પૂછવા લાગી, " સંવેગ પણ આપણી સાથે આવે છે ?? "
હેયા : " હા દી..સંવેગભાઈ આપણી સાથે જ આવશે. કેમ તમારો તો ખાસ ફ્રેન્ડ છે તો તમને તો ફાવશે જ ને ?? "
ઈતિને જાણે મનમાં થોડું ન ગમ્યું પણ એ કંઈ બોલી નહીં. ત્યાં જ આરાધ્યાએ કહ્યું, " આપણે એવું કરીએ એક ગાડીમાં તમે છોકરાઓ બેસી જાવ અત્યારે અને બીજી મોટી ગાડીમાં અમે મોટાં બેસી જઈએ..."
હેયા, હિયાન, અર્ણવ, સંવેગ બધાં જ ખુશ થઈને ગાડીમાં બેસવા લાગ્યાં. ઈતિ જાણે પરાણે ચાલવા લાગી. આરાધ્યાની નજર ઈતિ પર જ છે. એ વિચારવા લાગી કે આખરે ઇતિનાં મનમાં શું છે ?? એ સંવેગને અવોઈડ કરી રહી છે કે પછી એને બધાં સાથે છીએ એ નથી પસંદ ?? હું આજે કોઈ પણ રીતે જાણીને જ રહીશ. આમ તો એ હંમેશાં કહે છે કે એને બધાં જોઈન્ટ ફેમિલીમાં જ રહેવું ગમે છે બધાંની સાથે.
થોડીવારમાં બધાં સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યાં. ત્યાં દર્શન વગેરે કરીને પછી બધાંએ થોડી શોપિંગ કરી.ને બપોરનું લંચ લીધું. સાંજે બધાં જ જૂહુ બીચ પર પહોંચ્યાં. હવે જાણે ઈતિ નાં ચહેરા પર સ્મિત આવ્યું. બધાં ત્યાં આમ તેમ આંટા મારી રહ્યાં છે. તો ઘડીક ફોટોગ્રાફી..આરાધ્યા એ જોયું કે ઈતિ બાકી બધાં સાથે ખુશ છે પણ સંવેગ સાથે કામ પુરતી જ વાત કરે છે નક્કી એનાં મનમાં કોઈ બીજું વસી ગયું હોય એવું લાગે છે...અને આરાધ્યા ઈતિ ઉભી છે ત્યાં જવાં માટે કંઈ વિચારતી વિચારતી જવાં લાગી.
*******
આરવે આખો દિવસ પરિવાર સાથે સમય પસાર કર્યો. પ્રથમે કહ્યું, " મમ્મા આપણે બધાં ચાલોને સાંજે બહાર જઈએ. હમણાંથી તમે મને ક્યાંય નથી લઈ ગયા જ્યારે કહું ત્યારે એમ જ કહેતાં હતાં કે આરવભાઈ આવશે ત્યારે જઈશું બધાં. તો આજે તો સેટરડે છે ચાલોને સાંજે બહાર જઈએ.
વિરતિ : " ભાઈ આજે થાકીને આવ્યો છે કાલે જઈશું આપણે. "
આરવે બંનેની વાતચીત સાંભળી આવ્યો ને બોલ્યો, " પ્રથમ બીચ પર જવું છે આપણે સાંજે ?? આન્ટી બધાને સેટ થશે ?? "
વિરતિ :" આજે તો તારાં અંકલ અને મોટાંભાઈને ઓફિસમાં મિટીંગ છે. એ લોકોને આવતાં લેટ થશે એવું કહીને ગયાં છે. એક કામ કરો તું, પ્રથમ અને અક્ષી જાઓ, જો તમને લોકોને પ્રથમ નાનો ના પડે તો કંપની માટે...તો"
પ્રથમ : " ઓયે મમ્મા હું તો હવે નાઈન્થમાં છું. કંઈ નાનો થોડો છું. હમણાં જોજે ને ટુ જ યર્સ .પછી તો કોલેજમાં આવી જઈશ હું પણ..."
આરવ : " અરે છોટુ...ચાલ આપણે જવાનું જ છે ફાઈનલ તું હું અને અક્ષી, બરાબરને તો રેડી થઈ જા ફટાફટ..."
સાંજ પડતાં જ છ વાગતાં જ ત્રિપુટી ગાડી લઈને ઉપડી ગયાં. ગાડીમાં મસ્ત સોન્ગસ્ શરૂ કર્યાં. અક્ષી કોઈ સાથે ચેટ કરી રહી હોય એવું આરવને લાગ્યું.
આરવ : " ઓ ચુલબુલી હવે તો ફોન મૂક. અત્યારે તો એન્જોય કરી બધાંની સાથે. "
પ્રથમ : " એ તો નિર્મિત હશે બીજું કોઈ નહીં હોય.."
આરવ એ અક્ષી તરફ જોતાં કહ્યું, " એ કોણ છે વળી ?? "
અક્ષી : " મારો ફ્રેન્ડ છે કોલેજમાં. "
પ્રથમની હાજરીમાં એને કંઈ પણ વધારે વાત કરવી યોગ્ય ન લાગી. એટલે એ બોલ્યો, " શું પ્રથમ તું પણ ફ્રેન્ડ સાથે બધાં વાત કરે ને...તારે પણ હશે જ ને સ્કુલમાં ?? "
પ્રથમ : " ભાઈ આપણી પાછળ તો બહું લાઈન છે..કેયા, વીરા, અશ્વી..."
આરવ : " ઓહો..ભાઈ તું તો બહું એડવાન્સ...ચાલો હવે પહોંચી ગયાં." કહીને આરવે ગાડી ઉભી રાખી.
બધાં જ બીચ પર પહોંચ્યાં. સેટરડે હોવાથી પબ્લિક ફુલ દેખાઈ રહી છે. આરવને પણ ઘણાં સમયે અહીં આવ્યો હોવાથી મજા આવી રહી છે. એ પહેલાં ઘણીવાર ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે આવ્યો છે.
પ્રથમે આજુબાજુ નજર કરી અને કહ્યું, " ભાઈ પાણીપુરી ખાવી છે અહીં સામે.."
અક્ષી : " હા ભાઈ ચાલને જઈને..આજે તો ના નહીં પાડતો પાણીપુરી ખાવાની દર વખતેની જેમ. "
આરવ કંઈ બોલવા જાય છે કે એની નજર સામે સ્ટોલ પર પડે છે સામે એને ઈતિ જેવું કોઈ ઉભેલું દેખાયું. એનાં ચહેરાં પર સ્માઈલ આવી ગઈ. એ ધીમેથી બોલ્યો, " આ મેડમ પાણીપુરી ક્યાંય છોડે નહીં.."
અક્ષી : " શું કહ્યું ભાઈ ?? "
આરવ : " કંઈ નહીં ચાલો જઈએ પાણીપુરી ખાવા.."
પ્રથમ : " વાહ આજે તો ભાઈ પણ ખાશે પાણીપુરી..મજા આવી ગઈ.." કહીને પ્રથમ ચાલવા લાગ્યો.
આરવને લોકો ત્યાં સ્ટોલ પાસે પહોંચ્યાં. બહું ભીડ છે ત્યાં લોકોની. ત્યાં જ એ સ્ટોલવાળો ભાઈ બોલ્યો, " મેમ આપકી સો રૂપિયે કી હો ગઈ હે પાનીપુરી ઓર બનાઉ ક્યાં ?? "
અક્ષી બોલી, " જો ભાઈ મારાં જેવાં પાણીપુરીનાં પાગલ પણ હોય છે જ હું એકલી નથી કંઈ..."
આરવ હસીને બોલ્યો, " પાગલ અને બુદ્ધુ તો છે જ..."
અક્ષી : " મને કહો છો ભાઈ ?? "
આરવ : " ના..ના..ખાઈ લઈએ ચાલ.."
ઈતિ પૈસા આપીને હેયાની સાથે પાછી ફરવા ગઈ ત્યાં ઈતિનું ધ્યાન નથી પણ હેયાએ આરવને જોયો કે તરત બોલી, " દી આ તો પેલો હેન્ડસમ..!! "
એ ઉત્સાહમાં એટલું જોરથી બોલી ગઈ કે આજુબાજુ વાળાં પણ હેયાની સામે જોવાં લાગ્યાં. પણ એમને એ નથી ખબર કે એટલી ભીડમાં એ કોને જોઈને આવું કહી રહી છે.
ઈતિ : " તું તો છોકરાં જોયાં કર...બસ. હવે ત્રીજો ગમી ગયો કે શું ?? "
હેયા : " દી આ તો પેલો તમારો એરપોર્ટ પર મળેલો એ ફ્રેન્ડ..." આટલું સાંભળતા જ ઈતિ જાણે ઉંઘમાંથી જાગી હોય એમ મનોમન મલકાઈ ને બોલી," આરવ ?? ક્યાં છે ?? "
ને એ સાથે જ આરવ અને ઇતિની નજરો મળી.
એક જ દિવસમાં જાણે બંન્ને ઘણાં સમય બાદ મળ્યાં હોય એવું અનુભવી રહ્યાં છે...
આરવ : " અક્ષી તું અને પ્રથમ પાણીપુરી ખાતી લો જે ખાવી હોય તો હું આવું છું..."
અક્ષી : " ના ભાઈ કેમ શું થયું ?? અમે તમારી રાહ જોઈએ.." એટલામાં તો ઈતિ આરવની પાસે આવીને ઉભી રહી ગઈ.
આરવે અક્ષી અને પ્રથમનો ઈતિ સાથે પરિચય કરાવ્યો. ઇતિએ હેયા સાથે આરવનો પરિચય કરાવ્યો. પણ બંનેની ઓળખાણ એકબીજાનાં સારા ફ્રેન્ડસ તરીકે જ આપી.. એટલામાં જ હેયાનાં મોબાઈલમાં કોઈનો ફોન આવ્યો. વાત કરીને હેયા બોલી, " દી પપ્પાને લોકો બોલાવે છે આપણે જવાનું છે.."
ઇતિને કે આરવને એક પલ માટે પણ એકબીજાથી દૂર જવાની ઈચ્છા નથી છતાં ના છુટકે બંને એકબીજાને બાય કહીને છૂટાં પડ્યાં. એ જ સમયે બધાંનાં ધ્યાન બહાર એક ચિઠ્ઠી નીચે સરકાવીને આરવને ધીમેથી હાથ અડાડ્યો. ને આરવે એ ચિઠ્ઠી જોઈ. કોઈને ખબર ન પડે એમ આંખોથી કંઈ વાત કરીને બંને છૂટાં પડી ગયાં...!!
શું હશે ઇતિએ આપેલી એ ચીઠ્ઠીમાં ?? હેયા કે અક્ષી એમનાં પરિવારમાં કંઈ આ વિશે વાત કરશે ખરાં ?? હવે ફરી આરવ અને ઈતિ મળી શકશે ?? એરપોર્ટમાં સાથે આવેલી એ બુરખાધારી વ્યક્તિ કોણ હશે ?? શું હશે એનું રાઝ..?? જાણવા માટે વાંચતા રહો પ્રતિબિંબ - ૧૬
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે