પ્રશ્ન એવો થાય કે,કેમ શરૂઆત માં શ્રી ગણેશ નહિ ને હનુમાન દાદા નું નામ લખ્યું? હા એ સ્વાભાવિક છે.અને નામ લખવાનુ કારણ આપણું શીર્ષક છે.શનિવાર એટલે હનુમાન જી નો દિવસ.તે દિવસે આપણે હનુમાન જી ને તેલ ચડાવીએ,તેમની ચાલીસા સાંભળી અને પાવન થાઈએ.એટલે શીર્ષક જોતા તેમનું નામ લખવું જ રહ્યું.
આ મારી પ્રથમ વાર્તા જ છે.જે ઉપવાસ ના દિવસે બનેલા બનાવો પર આધાર રાખે છે.ઉપવાસ ના દિવસે કેવી હાલત થાય છે અને આ દિવસની અલગ અલગ માન્યતા વર્ણવવામાં આવી છે.તો ચાલો ત્યારે આ હાસ્યથી ભરેલી સફરે "રાવલ" ની સાથે.
શનિવાર એટલે હનુમાન જી નો દિવસ એવું આપણી ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે.આ દિવસે ઘણા બધા લોકો ઉપવાસ રહેતા હોય છે.કોઈ યોગ્ય અને હિતકારી ફળ ની આશા રાખીને ઉપવાસ કરવામાં આવે છે. આપણી ભારતીય પ્રજા કદાચ વેપારી કહી શકાય તેમાં કઈ ખોટું નથી.કારણ કે હે પ્રભુ હું ઉપવાસ કરું અને તું મને આપ.ફક્ત મેળવવા માટે ઉપવાસ.તો મિત્રો થયો ને એક વ્યાપારી ને સાજે તેવો સોદો?
શનિવાર ના ઘણા બધા રૂપ છે.શનિવાર એટલે બીજા અર્થમાં બાળકો માટે વહેલા ભણવાનો અને યોગ કરવાનો દિવસ.શનિવાર આવે એટલે પ્રાથમિક થી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીમા ભણતા બાળકોને વહેલું ઊઠવાનું.અડધો મૂડ તો બિચરાઓનો શુક્રવાર ની રાત્રે જ બગડી જાય અને તેની ચિંતામાં કેટલાક ને બરાબર ઉંઘ પણ ન આવે.શનિવાર હજુએ ક્યાં જપવાનો હતો? કારણ એ કે સવારે વહેલા યોગ પણ કરવાના હતા.શું શનિવાર બનાવ્યો છે ભાઈ! એવામાં પેલું ગીત યાદ આવ્યું કે,હપ્તે મે ચાર શનિવાર હોને ચાહીયે.અહીંયા એક શનિવાર પણ ભારી પડે ને બોલીવુડ ના કલાકારો ને પાર્ટી કરવા ચાર ચાર શનિવાર અને એ પણ પાછા એક જ અઠવાડિયામાં જોઈએ.આવી ડિમાન્ડ મૂકે એને શનિવાર પણ ક્યાંથી પોકે?
મિત્રો આ તો શનિવાર નો એક અંદાજ કહ્યો.વાર્તા ની શરૂઆત હવે થાય છે.
શુક્રવાર ની રાત હતી.રાત ના દસ વાગ્યા હશે.હું નિરાંતે સૂતો હતો.એવામાં મોબાઈલ માં રીંગ વાગી.હું ઉઠ્યો અને ફોન હાથમાં લીધો.મારા પપ્પા નો ફોન હતો.અમે તો ગામડા ના માણસો આ પાપા કહેતા અમને નાં ફાવે.અમે તો કાકા એવું કહીએ. ચાલો એ જે કહીએ તે.પણ ફોન માં એક ભયાનક ચેતવણી મળી.મારી ઉંઘ ઉડી ગઈ. એમણે કહ્યું કે, કાલે શનિવાર છે અને તારે ઉપવાસ છે એટલે ભૂલતો નહિ.યાર,જેને બળજબરી થી ઉપવાસ કરવાનું કહેવામાં આવે તેને તો આવો જ ડર લાગે ને! હું તો ડરી જ ગયો.મે કહ્યુ, ઓકે.પણ હું ઓકે ન હોઉં. ઉતરી ગયેલું મોઢું અને સ્વરમાં ઢીલાશ,જાણે કોઈ કોરોના જેવી મોટી આફત આવવાની હોય!કંઇક આવું જ લાગે.
સવાર પડી.શનિવાર નો દિવસ હતો.એક હાથ માં થાળી પકડેલી હોય,તે થાળી માં જાતજાતની મીઠાઈઓ અને ઉમદા પકવાનો લઈને બારણું ખખડાવી રહ્યો હોય અને મને લલચાવી અને કહેતો હોય કે, આજે તો નહિ જ ખાવા દઉં તને.આવું દ્રશ્ય સવાર સવાર માં મને દેખાયું.હું મુંજવણ માં મુકાયો.અને વિચારવા લાગ્યો કે સવાર સવાર માં હું આવા વિચારોએ ચડી ગયો તો આખો દિવસ કેમ નો પસાર કરીશ?મે મન ને શાંત પાડવા ચા પી લીધી.થોડી વાર આરામ થયો.અને નક્કી કર્યું કે હું આખો દી શનિવાર વિશે નઈ વિચારું.આમ તો રોજ ચા સાથે નાસ્તો કરતો પણ આજે એ સંભવ ન હતું.ચા ની બાજુ ની ડિશ માં બિસ્કીટ પડ્યા હતા.બિસ્કીટ જાણે કે મારા પર જોર જોર થી હસી રહ્યા હતા એવો મને આભાસ થઈ રહ્યો હતો.આ મારો ઉપવાસ તરીકેનો પહેલો શનિવાર હતો.એટલા માટે હું પોતાને ખુદ ને all the best એવુ કહી રહ્યો હતો.
ચા પીધા પછી હું સવાર સવાર માં રોજ ની જેમ બહાર ચક્કર મારવા નીકળી પડ્યો.જીવરામ કાકા એ દુકાને બેસાડ્યો.મે જોયુ તો દુકાન માં જાતજાતના નમકીન, બિસ્કિટ, અને બીજા ઘણા પ્રકાર ના ભૂંગળા પડ્યા હતા.એ બધું જોઈને મને ખાવાનો મૂડ થઈ ગયો.પણ મગજ ને જાણે કે શનિવારે આવીને ટપલી મારી હોય અને યાદ કરાવ્ય હોય કે આજે ઉપવાસ છે.હું ચેતી ગયો અને ખાવાનું ટાળ્યું.ધીરે ધીરે કલાકો પસાર થતા હતા.સમય ને જાણે મારા સાથે છત્રીસ નો આંકડો હોય તેમ ધીમી ગતિએ પસાર થઈ રહ્યો હતો.આમ હજી તો માંડ દસ જ વાગ્યા.ત્યાં તો જાણે કે વિશ્વામિત્ર ની તપસ્યા તૂટી ગઈ હોય તેવો બનાવ બન્યો.હું ઉતાવળ માં નમકીન ખાઈ ગયો.મારા કાકા ની દીકરી નમકીન લઈ ને અમારા ઘેર આવે. તેણે મને થોડા ચિપ્સ આપ્યા.હું જાણે કે ભૂલી જ ગયો કે મારે ઉપવાસ છે.હું તે ખાઈ ગયો ને જાણે કે મારી સાથે મજાક કરતો હોય તેમ શનિવાર નાચતો નાચતો મારી પાસે આવ્યો અને મારું નાક ખેંચી ને કહેવા લાગ્યો કે, રેવા દે હવે તારું કામ નહિ.શનિવાર મને સાસુ જેવો લાગ્યો.અને હું અંદર ને અંદર ગુસ્સે ભરાયો.મારી તપસ્યા તો ભંગ થઈ ગઈ.હવે તેનું સમાધાન શોધવા હું મારા પપ્પા પાસે ગયો.
હું નમકીન ખાઈ ગયો.મારો પહેલો ઉપવાસ તૂટી ગયો.કુરુક્ષેત્ર નાં યુદ્ધ માં હારીને આવ્યો હોઉં એમ નતમસ્તક થઈ ને હું મારા પપ્પા સમક્ષ રજુ થયો.હવે શું કરી શકાય? મે પૂછ્યું.એક કામ કર આજે આખો દિવસ કઈ જ ના ખાતો.નકરોડો ઉપવાસ કર એટલે ઉપવાસ ફળ્યો એવું કહેવાય.પપ્પાએ જવાબ આપ્યો.મગજ ને ચારસો ચાલીશ વોલ્ટ નો જટકો વાગ્યો.હું પૂરેપૂરો ફસાઈ ગયો.જે માણસ નો ચાલીશ વર્ષે પરણવાનો વારો આવ્યો હોય અને ખબર પડે કે કન્યા તો કોઈક બીજા ને લઈને ભાગી ગઈ છે,ત્યારે કેવો જાટકો લાગે તે બિચારા ને બસ મને કૈંક એવો જ અનુભવ થયેલો.આ નકરોડો ઉપવાસ એ ગુજરાતી વ્યાકરણ ભણતા વિદ્યાર્થી માટે ઉપવાસ નાં વિશેષણ સ્વરૂપે ઉપયોગી નીવડે છે.પણ, છતાંય હિંમત કરીને મે એ પડકાર સ્વીકાર કર્યો.લડત ચાલુ રાખી. મન માં ને મન માં જાણે કહેતો હોઉં કે,How is the Josh? High sir.મમ્મી એ સરસ મજાનું ગુજરાતી પકવાન બનાવેલું હતું પણ આજે જમવાનું હતું જ નહિ.મે તેના પર ધ્યાન ન આપ્યું.જાણે કે શનિવાર જોર જોર થી અટહાસ્ય કરી રહ્યો હોય.
ગજા વગર નું ગધેડું ને વિરમગામ નું ભાડું.આ કહેવત જાણે કે મારા માટે બની હોય તેવું મને લાગ્યું.પણ છતાંય એ કહેવત ને મારા માટે જુઠ્ઠી સાબિત કરીને મે ઉપવાસ કરી બતાવ્યો.શનિવાર ના દિવસે હનુમાન જી ને તેલ ચડાવવાનો અને તેમની હનુમાન ચાલીસા વાંચવાનો મહિમા આપણી સંસ્કૃતિ માં છે.અને સાથે સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.તે દિવસે યોગ્ય ધૂપવિધી કરીને એક જ વખત જમવાનું હોય.છતાં અમુક લોકો તો ઉપવાસ ને બદનામ કરી રહ્યા છે.ઉપવાસ ને દિવસે સામાન્ય દિવસ કરતાં બમણું ખાતા હોય છે.ફરાળ, મોરૈયો અને બટાકા નું શાક.ચા તો દિવસ માં દસ વાર પીવે.આમ એક શનિવાર ફાંફા પડાવે અને બોલીવુડ વાળાને ચાર શનિવાર જોઈએ.હાલતી નાં થાઓ..માંડ એક શનિવાર પૂરો થયો.
બીજો શનિવાર આવ્યો ત્યારે હું બજાર ગયેલો. કોલેજ થી વળતો આવ્યો ત્યારે વચ્ચે બજારમાંથી હું પસાર થયો.બજાર માં નજર કરી તો ભેળ, દાબેલી અને પકોડીઓ જાણે મને લલચાવી રહી હતી.પણ હું તેમના મોહમાં ન ફસાયો.કારણ કે મને પહેલા શનિવાર નો એ અનુભવ યાદ હતો.આજે હું સખ્ત વિશ્વમિત્ર હતો.અને એ મેનકા રૂપી પકોડિઓ મને લલચાવવા નો બેકાર પ્રયત્ન કરી રહી હતી.હું ધ્યાન ભંગ તો નાં જ થયો પણ એમને શ્રાપ પણ નહોતો આપી શકતો.અને શાંતિ થી હું ઘેર પાછો આવી ગયો.આમાં ને આમાં મે પાંચ શનિવાર સફળતા થી પૂર્ણ કર્યા અને છઠ્ઠા શનિવાર શનિવાર કરવાના નિર્ણય ને પણ પૂર્ણ કર્યો.
જોયું ને મિત્રો આ નાનકડી વાર્તા અને તેની સાથે લખેલો મહિમા.આ એક કાલ્પનિક વાર્તા છે.કોઈક ને ઉપવાસ છે,તો કોઈકને પાર્ટી ની મજા છે,તો કોઈક ને વહેલા ઉઠવાની સજા લાગે છે.આમ,અલગ અલગ ઘટનાઓ ભેગી મળીને એક "શનિવાર" નું નિર્માણ કરે છે.આ થોડા અંશે વાર્તા અને હાસ્યલેખ કહી શકાય.આ લેખ માં શનિવાર ને વિવિધ સ્વરૂપે એક ઘટના માં ઢાળી ને રજૂ કરવામાં આવ્યો છે..શનિવાર બધાય નાં જીવન માં સુખ શાંતિ અને હાસ્ય લાવે અને ગરીબો માટે સારા દિવસો આવે એવી ભગવાન ને પ્રાથના.જીવન માં કોઈક ને હસાવી ને જુઓ, તેમના ચહેરા પર ખુશી લાવીને જુઓ.મારી આ ટૂંકી હાસ્ય કથા વાંચીને તમને આનંદ અને હાસ્ય અનુભવાય તો ટિપ્પણી અવશ્ય કરજો.
આમ શનિવાર નો મહિમા આપણા દેશ ની સંસ્કૃતિ નું એક વિભિન્ન પાંસુ છે.વિવિધતા માં પણ એકતા ધરાવતો આ ભારત દેશ ભવ્ય ભૂતકાળ ધરાવે છે.તો આ સાથે જ જય ભારત. જય હનુમાન.
લિ.ભાવેશ એસ રાવલ(8901)