૧. બીજો કોઈ વિકલ્પ નથી..!
એની ઉંમર લગભગ ત્રણ વર્ષ. નામ એનું ચીંટુ. આજે એના ચહેરા પર મમ્મી-પપ્પા માટે ખૂબ ગુસ્સો હતો. "જ્યારે હોય ત્યારે મોબાઈલ લઈને બેઠા હોય, ને હું મોબાઇલની જીદ્દ કરું, તો એમાં મારો કાંઈ વાંક..? હવે હું નાનો નથી. મને મોબાઈલના રેડિએશન ની કે પછી આંખ પર રીફલેક્ટ થતા કિરણોથી થતા નુક્શાનની ચિંતા સહેજ પણ નથી. આખી દુનિયાના લોકોની ખુશી મોબાઈલમાં છે, એ વાત નક્કી છે....!" આમ વિચારી ચીંટુએ રડવાનું શરૂ કરી દીધું - જે એક માત્ર હથિયાર હોય - કામ લેવાનું!
ચીંટુને મોબાઇલ મળી ગયો. જાણે એ માલામાલ થઈ ગયો. ખુશીનો કોઈ પાર નહીં. મનોમન, થોડી મુશકાન સાથે.. "મમ્મી-પપ્પા આવડા નાના બાળક સાથે ચાલાકી કરે, એ કેમ ચાલે? હું હોશિયાર છું. મોબાઈલમાં આખું વિશ્વ છુપાયેલું છે, અને એ લોકો એકલા એકલા મોબાઈલના એ અદભુત જગતમાં વિચરે -ફરે , ને આનંદની પળો માણે, એ ન ચાલે..! બસ, હવે આવી રીતે જ - રડીને , સામ-દામ-દંડ-ભેદ, જે લાગુ પડે તે રીત અપનાવીને; મોબાઈલ રમવા માટે મેળવી જ લેવાનો. આ મારો હક્ક છે. આ એક જ જીવન જીવવાનું આખરી શસ્ત્ર છે. ...!" બાળમાનસ પર આવા કંઇક વિચાર દ્રઢ થયા હોય તેમ તેના ચહેરાની રેખાઓ તંગ થતી જતી હતી.
એમાં ખોટુય શું છે..? ચિંટુને ત્રણ વર્ષની ઉંમરે મોબાઈલના બધા રાહસ્યનું જ્ઞાન થઈ ગયું હોય તેમ, એક નિસાસા સાથે વિચારી લીધું.." મોબાઈલ માં જીવન છે, આનંદ છે, સમય પસાર કરવાના સર્વોત્તમ વિકલ્પો છે..! બાકી.., મારા જેવડા બાળક પાસે બીજો કોઈ વિકલ્પ જ ક્યાં છે? હું જન્મ્યો ત્યારથી મેં જોયું છે ઘરમાં, વડીલોમાં, અડોસ-પડોશમાં કે લોકો મોબાઈલમાં જ કંઈક શોધી રહ્યા હોય છે. ખેર, મારે મોબાઈલ જોઈએ જ. મારી પાસે કોઈ વિકલ્પ ખરેખર નથી. મમ્મી-પપ્પા આખો દિવસ કામમાં, ને સાંજે મોબાઇલમાં ખૂબ બીઝી હોય છે, દાદા-દાદી વૃધ્ધશ્રમમાં છે, કુટુંબના બીજા બાળકો અલગ દૂર રહે છે, પડોશના છોકરા બહાર ધૂળમાં રમે એ ખરાબ કહેવાય..., ને, મમ્મી કે પપ્પાને મારી સાથે રમવાનું તે વળી કેમ કહેવાય..? ક્યાંક એમની આબરૂને ઠેસ લાગી જાય તો..? એટલે જ..." શબ્દની કોઈ સમજ ન હોય એવા નાજુક અને કુમળી સંવેદનસૃષ્ટિ વાળા ચીંટુને પણ કદાચ આવું સમજાતું હશે.
હા.., એટલે જ, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહી હોય! કંઈ પણ હઠ કર્યા વગર મમ્મી- પપ્પા સમજીને મોબાઈલનો ઉપયોગ કરવા દયે તો સારું..!
ચીંટુને હવે મોબાઈલ તરફ આકર્ષણ વધી રહ્યું હતું. આજુબાજુનું માહોલ સંપૂર્ણ મોબાઇલમય હતું. રમવાના અન્ય સાધનો કે રમકડાં લાંબા સમય સુધી ચીંટુને જકડી રાખવા સક્ષમ નહોતા. મમ્મી-પપ્પાની પણ પોતપોતાનાં કામ અને પછી મોબાઈલમાં જ વધુ વ્યસ્ત હતાં. ત્રણ વર્ષનાં ચીંટુ ને પણ મોબાઈલમાં છુપા રહસ્યો પ્રતિ આકર્ષણ અને જિજ્ઞાસા વધી રહી હતી. બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. પોતે વ્યસ્ત રહેવા માટે હાલ તો સ્માર્ટફોન જ એક માત્ર વિકલ્પ હોય તેમ તેની નિર્દોષ આંખોમાં ઉચાટ વર્તાઈ રહ્યો હતો.
નાજુક હાથોમાં મોબાઈલ આવી જતાં નાની આંગળીઓ અને કુમળું મન મોબાઇલ સ્ક્રીન પરની ગજબ દુનિયામાં ગળાડૂબ થવા લાગ્યાં. મમ્મીના ચહેરા પર ઉપસેલી રાહતની નરી આંખે જ વંચાય તેવી રેખાથી ચીંટુનું મન મોકળાશ અને મુક્ત વાતાવરણ અનુભવી રહ્યું હતું.
મમ્મીનું ઘરકામ ચાલે ત્યાં સુધી ચીંટુને કોઈ ચિંતા નહોતી. મોબાઈલ મિત્ર સાથે એકાદ કલાક સુધી રમતો રહ્યો.
સોફા પર ઊંધા પડ્યા પડયા જ મોબાઈલ પર માથું ટેકવીને ઊંઘમાં સરી ગયો. સુંદર વિકલ્પ મળી ગયો - જિંદગી જીવવાનો, સમયનો - દરેકને, ચીંટુને પણ!