Prinses Niyabi - 24 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | પ્રિંસેસ નિયાબી - ભાગ 24

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

પ્રિંસેસ નિયાબી - ભાગ 24

માતંગી: રાજકુમારી કરમણએ રાયગઢનો એક મોટો વિસ્તાર છે. અહીંના લોકો પૈસાથી ખૂબ સમૃદ્ધ છે. દરેક પ્રકારની સુખ સુવિધાઓ અહીં છે. આજુબાજુના મોટા નાના ખેડૂતો પોતાનો સામાન અહીં વેચવા આવતા છે. એવું કહી શકાય કે કરમણએ રાયગઢની આર્થિક રાજધાની છે.

અગીલા: તો માતંગી એનો મતલબ એ થયો કે કરમણએ રાયગઢને વસ્તુઓ પુરી પડવાનું પણ કામ કરે છે?

માતંગી: હા અગીલા એવું જ.

ઓનીર: સરસ તો ચાલો આપણે જોઈએ કે અહીંના લોકો, કામ, પરિસ્થિતિઓ કેવી છે?

બધા સાથે મોટું બજાર ભરાતું હતું ત્યાં ગયા. ત્યાં ઘણા બધા મોટા વેપારીઓ ખેડૂતો પાસે થી એમનું અનાજ, સામગ્રી ખરીદી રહ્યા હતા. ત્યાં અનાજના અલગ અલગ ભાવના આવજો સંભળાતા હતા. કોઈ જગ્યાએ અનાજની માપણી થઈ રહી હતી. કોઈ જગ્યાએ ભાવને લઈ રકઝક થઈ રહી હતી. એ લોકો આ જોતા જોતા આગળ વધવા લાગ્યા.

ત્યાં ઓનીરે એક વ્યક્તિને ખૂણામાં માથે હાથ દઈને બેઠેલો જોયો. ઓનીર એની પાસે ગયોને પૂછ્યું, શુ થયું ભાઈ? કેમ ઉદાસ છો?

પેલા માણસે ઉદાસીનતા સાથે એની સામે જોયું પછી બોલ્યો, ભાઈ ખેડૂત છું. ચોખા લઈને વેચવા આવ્યો છું. પણ આ વેપારીઓ એની યોગ્ય કિંમત નથી આપી રહ્યા. આ વખતે ચોખાનો પાક સારો થયો છે. મને એમ કે સરસ વળતર મળશે તો દેવું ચૂકવીશ. ઘરમાં દીકરીના લગ્ન છે. તો મદદ મળશે. પણ આ વેપારીઓ તો કોડીના ભાવે અનાજ લેવાની વાત કરે છે.

ઓનીર: તો તમે કોઈ બીજા વેપારીને વેચી દો. અહીં તો ઘણા વેપારીઓ છે.

ખેડૂત: ભાઈ તમે અહીં નવા લાગો છો. અહીં એકવાર કોઈ વેપારી ભાવ બોલી દે. પછી જો તમે એને અનાજ ના આપો તો બીજું કોઈપણ તમારું અનાજ ના લે. આ એમની રીત છે.

ઓનીર: તો આતો ખોટું છે. ખેડૂતને જ્યાં સારું વળતર મળે ત્યાંજ એ પોતાનું અનાજ વેચશે.

ખેડૂત: હા એવું હોવું જોઈએ. પણ અહીં આવું નથી.

ત્યાં એટલામાં ત્યાં માતંગી આવી. એણે આ સાંભળ્યું એટલે એ બોલી, તો તમારે ફરિયાદ કરવી જોઈએ. જાવ રાજની કચેરીમાં ને વેપારી વિરુદ્ધ ફરિયાદ કરો.

ખેડૂત: ના દીકરા એવું તો કરાય જ નહિ. નહીંતો અહીં કોઈ મારુ અનાજ નહિ ખરીદે.

માતંગી: પણ એવું કેમ?

ખેડૂત: આ વેપારીઓ અને રાજની કચેરીના માણસો મળેલા છે. હું જો ફરિયાદ કરવા ત્યાં જઈશ તો એ આ વેપારીઓને જણાવી દેશે. હું કઈ કરી શકું એમ નથી.

ઓનીર ને માતંગી ખેડૂતની વાત સાંભળી વિચારમાં પડી ગયા. થોડો વિચાર કર્યા પછી ઓનીર બોલ્યો, સારું કઈ નહિ. તમે આજનો દિવસ અહીં રોકાઈ જાવ. હું આવતીકાલે તમને તમારા અનાજની પૂરતી કિંમત અપાવીશ.

ખેડૂત: પણ ભાઈ એ કેવી રીતે?

ઓનીર: એની ચિંતા ના કરો. બસ તમે ભરોસો રાખો.

બિચારો ખેડૂત જરૂરિયાતવાળો હતો. એટલે ઓનીરની વાત માની લીધી.

ઓનીર: તો ઠીક છે. આવતીકાલે હું તમારા અનાજ માટે આટલા સમયે અહીં તમને મળીશ.

ખેડૂતે બે હાથ જોડયાં. પછી ઓનીર અને માતંગી ત્યાં થી નીકળી ગયા. એ લોકો ફરતા ફરતા એક બગીચા પાસે આવ્યા. ને ત્યાં બેસી ઓનીરે પેલા ખેડૂતવાળી વાત બધાને કરી.

આ સાંભળી ઝાબી એકદમ ગુસ્સે થઈ ગયો ને બોલ્યો, અરે આતો અન્યાય છે. એક ખેડૂત કેટલી બધી મહેનત કરે છે ત્યારે અનાજ ઉગે છે. ને એ ખેડૂતને એ મહેનતનું પૂરું વળતર પણ નથી મળતું? આ અયોગ્ય છે.

અગીલા: હા ઓનીર આ તો યોગ્ય ના કહેવાય. ને રાજના માણસો પણ આ બાબત પર ધ્યાન ના આપે? આ તો ગુનો કહેવાય.

માતંગી: હા અગીલા તારી વાત બરાબર છે. હવે આપણે જ આ માટે કઈક કરવું પડશે.

અત્યાર સુધી શાંતિથી સાંભળી રહેલી નિયાબી બોલી, આપણે પહેલા રાજના માણસોની કામગીરી કેવી છે એની તપાસ કરવી પડે. એ લોકો કેમ પોતાનું કામ ઈમાનદારીથી નથી કરતા એના કારણો શોધવા પડે. પછી આગળ વધાય.

ઓનીર: હા આ વાત બરાબર છે. માતંગી તમે, ઝાબી અને અગીલા આ લોકોની કામગીરીની માહિતી મેળવો. ને રાજકુમારી તમે અને હું આવતીકાલે પેલા ખેડૂતની મદદ માટે બજારમાં જઈશું.

માતંગી: ઠીક છે ઓનીર.

પછી એ લોકોએ ત્યાંની અલગ અલગ જગ્યાઓની મુલાકાત લીધી. ખૂબ સરસ રીતે આ વિસ્તારને સજાવવામાં આવ્યો હતો. લોકો આનંદ ઉલ્લાસભેર કામ કરતા દેખાઈ રહ્યા હતા. ક્યાંક ક્યાંક રાજના સિપાઈઓ પણ સુરક્ષાની ચકાસણી કરતા દેખાયા. કઈ અજુગતું કે અયોગ્ય કહેવાય એવું નહોતું.

બીજા દિવસે ઝાબી, અગીલા અને માતંગી વેશ બદલીને પોતાનું કામ કરવા બહાર નીકળ્યા. એ લોકોએ અલગ અલગ લોકોની સાથે રાજ્યના કારભાર અને કચેરીના લોકો વિશે માહિતી મેળવવા લાગી. માતંગીતો સીધી કચેરીમાં ફરિયાદ લઈને પહોંચી ગઈ.

કચેરીમાં એ વિસ્તારના સુરક્ષા કરનાર કોટવાલ હાજર હતા.

માતંગી: કોટવાલજી મારી મદદ કરો. મારી સોનાની સેર ચોરાઈ ગઈ છે.

કોટવાલે માતંગીને ઉપર થી નીચે સુધી જોઈ. માતંગીને જોઈ એને લાગ્યું કે, આ ભીખારણ જેવી વ્યક્તિ પાસે સોનાની સેર? કોઈ શકયતા નથી. આ જૂઠું બોલે છે.

માતંગી ફરી બોલી, મદદ કરો મારી. મારી સોનાની સેર ચોરાઈ ગઈ છે.

કોટવાલે આંખો કાઢી માતંગી સામે જોયું ને પૂછ્યું, સોનાની સેર? તારી પાસે? પછી એ ખંધૂ હસ્યો.

માતંગી: બે હાથ જોડી બોલી, હા કોટવાલજી સોનાની સેર.

કોટવાલ એકદમ ગુસ્સે થઈ ને બોલ્યો, તારો દેદાર જોયો છે તે? તારી હેસિયત શુ કે તારી પાસે સોનાની સેર હોય? જા અહીં થી. ખોટો મારો સમય ના બગાડ. નિકળ અહીંથી.

માતંગીએ બહુ વિનંતી કરી, રડી. પણ કોઈએ એની વાત સાંભળી નહીં. ને એને બહાર કાઢી મૂકી.

માતંગી ત્યાંથી નીકળી ઝાબી અને અગીલા પાસે ગઈ. ને બધી વાત કરી. એ લોકોએ આગળ બીજી માહિતી ભેગી કરવા લાગી.

ઓનીર અને નિયાબી પણ સમયસર પેલા ખેડૂતની પાસે બજાર પહોંચી ગઈ. પેલો ખેડૂત એની રાહ જોઈને જ બેઠો હતો.

ઓનીર: કાકા આ મારી પત્ની છે. એને પણ મદદ માટે લઈ આવ્યો છું.

પેલા ખેડૂતે હાથ જોડી અભિવાદન કર્યું.

ઓનીર અને નિયાબીએ સરસ પતિપત્ની ની વેશભૂષા ધારણ કરી હતી. આ વિચાર ઓનીરનો હતો. જે સાંભળી નિયાબી તરત જ તૈયાર થઈ ગઈ હતી. હવે એ લોકો ખેડૂતની મદદ કરવા માટે અનાજ લઈને બજારમાં ગયા.

ઓનીર: કાકા તમે અહીં રહો. હું તમને અનાજ વેચી અહીં મળીશ. પછી ઓનીર અને નિયાબી એક વેપારી પાસે ગયાને ઓનીરે પૂછ્યું, શેઠ અનાજ વેચવું છે. તમે લેશો?

વેપારીએ ઓનીરની સામે જોયું. પછી બોલ્યો, શુ છે અનાજમાં?

ઓનીર: ચોખા છે શેઠ.

વેપારી: બતાવ. હું પહેલા જોઈશ. પછી તને કહું કે હું ખરીદીશ કે નહિ.

ઓનીર: હા હા શેઠ. આ જુઓ. એકદમ સરસ માલ છે. ઉચ્ચ પ્રકારનો. કોઈ કહેવાપણું નથી મારા માલમાં.

વેપારીએ ચોખા હાથમાં લઈ જોવા લાગ્યું. પછી ઓનીર સામે જોયું ને બોલ્યો, હમમમમમ. ખરેખર માલ સરસ છે. બોલ કેટલામાં આપવો છે?

ઓનીર: શેઠ મારે તો વેચવાનો જ છે. તમે બોલો કેટલામાં લેશો?

વેપારી: કેટલો માલ છે?

ઓનીર: પુરા એક હજાર મણ છે શેઠ.

વેપારી થોડો વિચારમાં પડ્યો પછી બોલ્યો, પાંચ સોનામહોર આપીશ.

ઓનીર એકદમ બોલી પડ્યો, પાંચ સોનામહોર બસ. શેઠ એતો બહુ ઓછી છે. આટલા ઓછામાં તો નહિ આપું.

વેપારીએ આંખ નાની કરી પૂછ્યું, કેટલમાં આપવો છે તારે?

ઓનીરે એકદમ બિન્દાસ્ત થઈ કહ્યું, વીસ સોનામહોર શેઠ.

વેપારી એકદમ ભડક્યો ને બોલ્યો, કોઈ ભાન છે તને? આટલી બધી કિંમત નહિ મળે. તારો માલ એટલો સારો પણ નથી.

ઓનીર: શેઠ તમે તો કહ્યું માલ સારો છે. શેઠ તમે તો બહુ ઓછી કિંમત કીધી. એટલામાં તો મારી મહેનત પણ ના મળે.

વેપારી: ચાલ તારી મહેનતને ધ્યાનમાં રાખી ને આઠ સોનમહોર બસ. પણ હવે એકપણ વધારે નહિ.

ઓનીર: શેઠ થોડી દયા કરો. ત્યાં નિયાબી ત્યાં આવી ગઈ.

નિયાબી: શુ થયું સ્વામી?

ઓનીર દયામણા ચહેરે બોલ્યો, જુઓને આ વેપારીતો આઠ સોનામહોર જ આપવા કહે છે. આપણને તો એ ના પરવડે. આપણું નુકશાન થશે.

નિયાબીએ વેપારી સામે હાથ જોડતા કહ્યું, શેઠ આતો બહુ ઓછા છે. ઘરે બેનના લગ્ન લેવાના છે. આ અનાજ વેચીને જ એમના લગ્ન લેવાશે. સાહુકારનું દેવું પણ ચૂકવવાનું છે શેઠ. કઈક વ્યાબી આપો શેઠ.

વેપારીએ નિયાબી સામે જોયું ને પછી બોલ્યો, ઠીક છે દશ સોનામહોર આપીશ. એના થી એકપણ વધારે નહિ.

નિયાબીએ ઓનીર સામે જોયુંને બોલી, ચાલો આપણે કોઈ બીજા શેઠ પાસે જઈએ. આ શેઠતો બહુ ઓછો ભાવ આપે છે. આપણને નહિ પોષાય.

ઓનીર અને નિયાબી ત્યાંથી ચાલ્યા એટલે વેપારી બોલ્યો, મારા જેટલો ભાવ કોઈ નહિ આપે.

ઓનીર: કોઈ વાંધો નહિ શેઠ. હું કોઈ બીજાને જ વેચીશ.

વેપારી: કોઈ શક્યતાઓ નથી. એકવાર મારા પગથિયાં ચડ્યો એટલે હવે આ બજારમાં કોઈ તારો માલ નહિ ખરીદે.

ઓનીર: એ હું જોઈ લઈશ. તમે ચિંતા ના કરો. ને ઓનીર ત્યાંથી નીકળી ગયો.

પેલો વેપારી એને જતો જોઈ હસ્યો ને બોલ્યો, જા યુવાન. પાછો તો અહીં જ આવીશ.

ઓનીરે હાથ ઉંચો કર્યો. ને ચાલવા લાગ્યો.


ક્રમશ.............