Right Angle - 30 in Gujarati Moral Stories by Kamini Sanghavi books and stories PDF | રાઈટ એંગલ - 30

Featured Books
Categories
Share

રાઈટ એંગલ - 30

રાઈટ એંગલ

પ્રકરણ–૩૦

સવારે એ ઊંધમાં હતો અને સેલ ફોન પર રીંગ વાગી. એણે આશાભરી નજર ફેરવી તો ડેડનું નામ ફલેશ થતું હતું. એને ફોન ઉપાડવાની ઇચ્છા ન થઇ. એણે ફોન ઊઠાવ્યો નહીં એટલે લેન્ડલાઇન પર રીંગ વાગવા લાગી. એ સમજી ગયો ડેડ જ હશે, છેલ્લાં વીસ દિવસમાં ગણીને બે ફોન પણ પોતે કર્યા નથી. હવે છૂટકો જ હતો, એણે ફોન ઊઠાવ્યો

‘યસ, ડેડ બોલો!‘

‘બોલવા જેવું તો કશું બાકી જ રહેવા દીધું છે તે અને કશિશે?‘

અતુલભાઇ શબ્દો ચોર્યા વિના સીધો હુમલો જ કર્યો તે કૌશલને ગમ્યું નહીં.

‘ડેડ શું થયું?‘

‘બોલો તને ખબર પણ નથી કે કશિશ બીજું કોફી હાઉસ ખોલી રહી છે?‘ અતુલભાઇનો રોષ અવાજમાંથી પણ દેખાતો હતો.

‘લેટ હર ડુ વ્હોટએવર શી વોન્ટસ ટુ ડુ...‘ એણે કશિશનો બચાવ કર્યો.

‘કર હજુ એની જ ફેવર કર. આજે નાણાવટી પરિવારનું નાક કાપી નાંખ્યું. અને એ વ્યાજે પૈસા લઇને બીજું કોફી હાઉસ લોન્ચ કરીને બેસી ગઇ. હવે આટલો ખરચો કરીને જે બંધાવ્યું છે તેનું શું કરવું મારે? ‘ અતુલભાઇ આજે માફ કરવાના મૂડમાં ન હતા.

‘ડેડ...એ ઘર છોડી ગઇ પછી આપણે એને કહ્યું ન હતું કે તું આ કોફી હાઉસ ચલાવી શકે છે. નથી એ ક્રેડિટ કાર્ડ લઇ ગઇ કે નથી એની પાસે પૈસા... શું કરે જીવવા માટે તમે જ કહો!‘

‘ઓહ...કમોન...કૌશલ એ ઘર છોડી ગઇ તેથી શું? એ નાણાવટી પરિવારની પુત્રવધુ તો છે ને? ખોટો બચાવ કરે છે પણ તારે જ એને કહી દેવાનું હોય કે તું કોફી હાઉસ ચલાવજે. કમસેકમ એ બહાને એ તારા સંપર્કમાં રહેતે અને આપણાં પરિવારનું નાક પણ ન કપાત. પણ દીકરો જ....!‘ આગળનો શબ્દ અતુલભાઇ બોલતાં અટકી ગયા.

કૌશલને ડેડની વાતનો કોઇ જવાબ સૂઝયો નહીં. શું જવાબ આપે? એને ખબર હતી કોઈપણ જવાબ આપશે ડેડ એવું જ કહેવાના છે કે તું કશિશને કન્ટ્રોલ કરી શક્યો નહીં...તારી મોમ જો મને પૂછયા વિના પાણી પણ પીતી નથી. વગેરે...વગેરે!

‘આર યુ લિસનિંગ મી?‘ સામેથી કૌશલ કશું બોલ્યો નહીં એટલે હવે અતુલભાઇ અકળાયા.

એમને પણ લાગ્યું કે પોતે આ સમયે કૌશલને આવા સમયે સાચવવાનો હોય એના બદલે વધુ પડતો ગુસ્સો કરીને એને વધુ દુ:ખી કરી રહ્યાં છે. આખરે અતુલભાઈ માત્ર નાણાવટી જ ન હતા. કૌશલના બાપ પણ હતા. એમને પહેલીવાર થયું કે પોતે દીકરાં–વહુને અલગ રહેવાની પરિમશન આપીને ભૂલ કરી છે. એટલે જ કદાચ તે કશિશના સ્વભાવને બરાબર સમજી શક્યા નથી. ઘર જુદા તો મન જુદા એ વાત કાયમ સાચી સાબિત ન થઇ હોય પણ આજે બરાબર સાબિત થઇ ગઈ હતી.

‘તારી મોમ કહે છે થોડા દિવસ અમારી સાથે રહેવા આવી જા...‘

‘યસ...ડેડ...એક બે દિવસમાં આવું.‘

‘નો....આજે જ આવી જા આપણે સાથે લંચ કરીશું! અમને તારી બહુ ચિંતા રહે છે.‘ અતુલભાઇએ હુકમ કરીને ફોન મૂકી દીધો. કૌશલને એમના હુકમમાં પિતાનું વાત્સલ્ય છલકતું દેખાયુ.

મોમ–ડેડ મારા માટે કેટલું સહન કરે છે. એકના એક દીકરાંને લગ્ન પછી જુદાં રહેવાની પરમિશન આપી દીધી. એમના કેટલાં અરમાન હશે દીકરાં–વહુ સાથે રહેવાના. તે બધાં પર પોતે માત્ર કશિશને ખાતર કાતર ચલાવી હતી. અને કશિશે એકક્ષણ પણ એ વિશે વિચાર્યું નહીં?

કૌશલે રાતે નિર્ણયકર્યો હતો કે તે સવારે કશિશને ફોન કે મેસેજ કરશે તે આ ક્ષણે ફસકી ગયો,

‘એને મારી કે મારા ફેમિલિની નથી પડી તો મારે શું કામ એની પરવા કરવી જોઇએ?‘

ફરી એકવાર મેલ ઇગો જીતી ગયો અને પ્રેમ હારી ગયો.

‘આજે એકપણ ગ્રાહક ન આવ્યો.‘

કશિશની ચિંતાતુર નજર કોફી હાઉસના એન્ટ્રસ પર ફરી વળી. કોફી હાઉસના ઉદ્ધાટનના બીજા દિવસે સવારે નવ વાગે કોફી હાઉસ ખોલ્યું હતું પણ બપોરનો એક થવા આવ્યો હતો પણ હજુસુધી એકપણ ઘરાક આવ્યો ન હતો. સવારથી અત્યાર સુધીમાં કેટલીવાર એની નજર રોડ પર ફરી વળી હતી. કોલેજ સ્ટુડન્ટ તો અહિં તહિં દેખાતા હતા. પણ કોણ જાણે કેમ આજે કોઇ કોફી હાઉસમાં આવ્યું નહીં.

સવારની બપોર થઇ અને બપોરની સાંજ થઇ પણ કોઇ ઘરાક આવ્યું જ નહીં. કશિશ અને એની હેલ્પર બન્ને આખો દિવસ ઘરાકની રાહમાં ચુપચાપ બેઠાં રહ્યાં. અંતે રાતે નવ વાગે કશિશે કોફી હાઉસ બંધ કર્યું. ભારે હૈયે ઘરે આવી અને ત્યાં જ રાહુલનો ફોન આવ્યો,

‘મેમ...પરમદિવસે આપણે કોર્ટમાં ડેટ છે. પુરાવા રજુ કરવાના છે. તમે કાલે આવી જજો મારે તમને બ્રીફ કરવા પડશે કારણ કે આરોપીના વકીલ તમારી ઉલટતપાસ લેશે.‘

‘હું રાતે આઠેક વાગે આવુ? મારું કોફી હાઉસ હજુ કાલે જ લોન્ચ થયું છે હું દિવસ દરમિયાન ફ્રી નહીં થઇ શકું.‘ કશિશે પોતાની મુશ્કેલી જણાવી.

‘તો આપણે રાતે આઠ વાગે ધ્યેય સરના ઘરે જ મળીએ.‘ રાહુલે કહ્યું તે વાત પર કશિશ તરત સહમત થઇ ગઇ.

વધુ વાત કર્યા વિના કશિશે ફોન મૂકી દીધો. પરવારીને એ બેડ પર વિચાર કરતી બેઠી. છેલ્લાં પંદર દિવસમાં જીવન જાણે બદલાય જ ગયું છે. આજ સુધી કદી એકલી રહી નથી. કૌશલ ટૂર પર જતો ત્યારે ઘરમાં નોકર–ચાકર તો રહેતા જ એટલે આમ જુવો તો એકલી હોવા છતાં ઘરમાં એકલી ન હતી. ઘર છોડ્યા પછી આ પંદર દિવસ ઝપાટાબંધ જતાં રહ્યાં. ઘર છોડવાનો જોશ તે ઉપરાંત નવુ કોફી હાઉસ લોન્ચ કરવાની દોડાદોડીમાં રાતે એટલી થાકી જતી કે પથારીમાં પડતાંની સાથે ઊંધ આવી જતી. કાલે ઓપનિંગ સરસ રીતે થઇ ગયું એની ખુશીમાં ઝટપટ ઊંઘ આવી ગઇ હતી પણ આજે પહેલીવાર એને એકલતા સાલી. માણસ સુખ કે દુ:ખમાં કદી એકલો રહી શકતો નથી. બીજાને જણાવે નહીં કે પોતે કેટલો સુખી કે છે કે દુ:ખી ત્યાંસુધી એને ચેન પડતું નથી. આજે કશિશ પાસે પોતાની વાત શેર કરવા માટે કોઇ ન હતું. એ ચૂપચાપ ક્યાંય સુધી છતને તાકતી રહી.

સવારે સાત વાગ્યાનો એલાર્મ વાગ્યો કે તરત કશિશ ઊઠી ગઇ. કાલે જે થયું તે થયું હવે આજે મોડું કરવું ન પાલવે. રાતે રાહુલને મળવાનું છે અને કોફી હાઉસનો હજુ ત્રીજો દિવસ જ છે. કશિશે ફટાફટ તૈયાર થઇને આઠ વાગે કોફી હાઉસ ખોલી નાંખ્યું. એની હેલ્પર પણ હજુ આવી ન હતી. કશિશ આજે ય આશાભારી નજરે કોફી હાઉસના એન્ટ્રસ તરફ તાકતી બેઠી રહી. સાંજના સાડા સાત થયા પણ કોઇ આવ્યું નહીં. કશિશે નિ:સાસો નાંખ્યો. આઠ વાગે રાહુલને મળવાનો સમય આપ્યો છે એટલે નીકળી જવું પડશે. એણે હેલ્પર નવ વાગે કોફી હાઉસ બંધ કરવાની સૂચના આપી દીધી અને કાલે સવારે સમયસર આવવાની તાકીદ પણ કરી. કારણ કે એને કોર્ટમાં ડેટ છે એટલે સવારે અગિયાર વાગે જવું પડશે તે જણાવી દીધું.

ધ્યેયના ઘરે પહોંચી ત્યારે રાહુલ આવ્યો ન હતો. કોફી હાઉસના ઉદ્ધાટન પછી એ પહેલીવાર ધ્યેયને મળતી હતી.

‘કેવું ચાલે છે તારું કોફી હાઉસ?‘ ધ્યેયએ પૂછયું એટલે કશિશ મ્લાન સમિત કર્યું,

‘સારું ચાલે છે..‘કશિશ સહેજ થોભીને બોલી,‘બે દિવસથી કોઇ ગ્રાહક આવ્યો નથી.‘

‘મેં મારા સિનિયરથી અલગ થઇને સ્વંત્રત પ્રેકટિશ કરી ત્યારે મને તો બે મહિના કોઇ કેસ ન હતો મળ્યો. અરે તારે તો હજુ બે દિવસ જ થયા છે. એમાં રડવા શું બેઠી?!‘

‘ઓયે હું રડતી નથી વાત કરુ છું. સમજ્યો!‘

‘આ તારું મોઢું જો...એકદમ રોતલ લાગે છે..‘ ધ્યેય જાણીજોઇને એને ચીડવી.

‘જા...જા....આમ જો મારી આંખમાં તને આંસુ દેખાય છે?‘ કશિશને એની આંખ પહોળી કરી. ધ્યેય તે જોઇને કહ્યું,

‘આંસુ તો નથી દેખાતા પણ ડોળા દેખાય છે!‘ અને એ સાંભળીને કશિશ હસી પડી એટલે પછી ધ્યેય પણ હસ્યો. ચાલો કશિશ ટેન્શનમાંથી જરાક હળવી થઈ. મિત્રનું કામ આજ હોય છે, સુખ દુ:ખમાં સાથે ઊભા રહીને હિંમત આપવી.

ત્યાં રાહુલ આવ્યો. કશિશ અને રાહુલ કામે લાગ્યા. રાહુલ કાલે કોર્ટમાં શું થશે ની પ્રોસેસ સમજાવતો હતો તે બધું ધ્યેયએ ધ્યાનથી સાંભળ્યાં કરી. રાહુલની વાત પૂરી થઈ એટલે કશિશ તરફ ફરીને ધ્યેયએ પૂછયું,

‘કિશુ... તે કશું જ લીધા વિના ઘર છોડ્યું છે ને?‘ ધ્યેયના આ સવાલથી કશિશને નવાઇ લાગી. હવે અત્યારે આ સવાલ કેમ આવ્યો?

‘હા..તને ખબર જ છે ને!‘

‘રાહુલ, તારે આ વિશે વિચારવું પડશે સામેવાળા આ મુદ્દો લાવશે...સમજ્યો?‘ રાહુલ સામે જોઇને ધ્યેય બોલ્યો. રાહુલે હકારમાં માથું હલાવીને કહ્યું,

‘યસ સર હું એ કામ સવારે જ પુરું કરી દઇશ. થેન્કસ ફોર સજેશન્સ.‘ કશિશને આ બન્નેની વાતમાં કશી ગતાગમ ન પડી. એણે વધુ પૂછવાનું ટાળ્યું. ઓલરેડી અનેક ટેન્શન છે ત્યાં બીજી બબાલમાં ન પડવું.

‘તમારે મારું કામ ન હોય તો હું નીકળું?‘ બન્ને એ હા કહી એટલે કશિશ ઘરે જવા નીકળી ગઇ. બીજા દિવસે સવારે કશિશ ઊઠીને તૈયાર થતાં વિચારતી હતી,

‘આજે કોર્ટમાં અગિયાર પહેલાં પહોચવાનું છે તે પહેલાં એકાદ–બે ગ્રાહક આવે તો સારુ.‘

કશિશ કોફી હાઉસ પહોંચી તે પહેલાં એની હેલ્પરે હાઉસ ખોલી નાંખ્યું હતું. કશિશે એને કહી દીધું કે એને કોર્ટમાં જવાનું છે એટલે અગિયાર વાગ્યા પછી એણે એકલીએ કોફી હાઉસ સંભળવાનું રહેશે. બન્ને જણાં ગ્રાહકની રાહ જોતા બેસી રહ્યાં. સાડાદસે કશિશ ઊભી થઇ અને હેલ્પરને ત્રણેક વાગે પોતે પાછી આવશે તેમ જણાવીને કોર્ટ પહોંચી.

બાર વાગે કશિશનો કેસ નંબર બોલાયો એટલે રાહુલે પોતાના ભાથામાં રહેલાં તીર રુપી પુરાવા એક પછી એક એમ કોર્ટ પાસે રજુ કરવા લાગ્યો, બારમાં ધોરણની ઓરિજિનલ માર્કશીટ, સ્કૂલ લિવિંગ, મેડિકલ કોલેજનું એડમિશન ફોર્મ, એડમિશન ફોર્મની સર્ટિફાઇડ કોપી, કોલેજના પ્રિન્સિપાલનું સર્ટિફિકેટ કે એડમિશન માટે ક્લેમ થયો ન હતો તેથી બીજાને સીટ આપી દેવાની મહેન્દ્રભાઇની લેખિત પરમિશન આપતો લેટર...વગેરે સ્ટેપ બાય સ્ટેપ રાહુલ પોતાનો પક્ષ રજુ કરતો ગયો અને એને રિલેટેટડ ડોક્યુમેન્ટસ રજુ કરતો ગયો. પુરાવા રજુ થઇ ગયા એટલે પછી કશિશની સરતપાસ માટે એને કઠેડામાં બોલાવવામાં આવી.

આગલે દિવસે રાહુલ સાથે જે રીતે એને બ્રીફ કરી હતી તે જ રીતે કામ ચાલ્યું. રાહુલે સવાલ પૂછયા તે મજુબ કશિશ જવાબ આપતી ગઇ કે કેવી રીતે બારમાં ધોરણના રિઝલ્ટ પછી એની સાથે છેતરપિંડી થઇ. બધાં પુરાવા સાથે કશિશની સરતપાસ થઈ ગઇ એટલે જજે આરોપીના વકીલ શ્રી નિતિન લાકડવાલાને ફરિયાદીની ઉલટતપાસ માટે ચાન્સ આપ્યો. નિતિન લાકડાવાળા કઠેડાં નજીક આવ્યા એટલે કશિશ ટટ્ટાર થઇ. અત્યાર સુધી રાહુલે સવાલ પૂછયા હતા જે એ જાણતી હતી. પણ નિતિન લાકડવાલા શું પૂછશે તે વિશે માત્ર અંદાઝ હતો.

(ક્રમશઃ)

કામિની સંઘવી