ANTARANO NAAD in Gujarati Poems by Dr. Damyanti H. Bhatt books and stories PDF | અંતરનો નાદ

Featured Books
Categories
Share

અંતરનો નાદ

( પ્રિય વાંચક મિત્રો, -અંતરનો નાદ- કાવ્યસંગ્રહ આપની સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું. આશા રાખું છું કે આપને તે પસંદ આવશે. કૃષ્ણ- પ્રેમના આ કાવ્યોમાં મારા અંતરનાં ઉદ્ગગારો રજૂ કર્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર......... તથા માતૃભૂમિ.કોમ અને માતૃભૂમિ એડીટોરીયલ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ........................)

(૧) સર્જનહાર....

મારા શબ્દનો સર્જનહાર તું,,,

મારા અર્થનો આવિષ્કાર તું,,,

મારા અસ્તિત્વનો આધાર તું,,,

મારા શ્વાસનો ધબકાર તું,,,

મારી હૃદયવીણાનો તાર તું,,,

મારા જીવનનો ઝંકાર તું,,,

મારા કંઠનો કલાકાર તું,,,

મારી કલમનો કીમિયાગર તું,,,

મારી ગીતાનો રચનાકાર તું,,,

-ગીતાની- ની રચનાનો અદાકાર તું...

( ૨ ) મનમંદિર...

એકવાર મારે મનમંદિર પધારો મુરારી,

મનની આશ પૂરો ગિરધારી,

હૃદયમંદિરે બિરાજો ચક્રધારી,

મન બનાવું ગોકુળ, તન વૃંદાવન,

હૃદયે રોપું, તુલસીનાં વન,

મારી અરજ સૂણો બંસીધર,

મારગ આંખોનાં પુષ્પ બિછાવું,

મંગળ વાદ્યો વગડાવું,

-ગીતા-નાં સૂર રેલાવું,

મન મોતીડાંથી વધાવું,

હૈયાનાં હાર પહેરાવું,

ઉર્મિઓનાં ઓવારણાં લઉં,

કેસર-યમુનાનાં જળ મંગાઉં,

તને સ્નેહ હિંડોળે ઝૂલાવું,

તને હૃદયકમળમાં રાખું,

તારી અખંડ ધૂન લગાઉં,

તું નરસૈયાનો સ્વામી,

વારિ વારિ જાઉં બલિહારી....

( ૩ ) ઈશ્વરની અનુભૂતિ...

કોણ કહે છે ? કે ઈશ્વર નથી ,

શ્ર્ધ્ધા અને વિશ્વાસની સાક્ષીએ ,

સાબિતી હજાર આપું.

મેં ઈશ્વરનો ચહેરો જોયો છે,

સૂરજની જ્યોતિમાં,

મધુરીશી ચાંદનીમાં.

એનો આહ્લાદક સ્પર્શ માણ્યો છે,

હવાની મીઠી લહેરોમાં.

એને આબેહૂબ નિહાળ્યો છે,

બાળકની ચમકતી આંખોમાં.

મેં એને હસતાં જોયો છે,

ગુલાબની ખીલતી કળીઓમાં.

તેનો અદ્ભુત પ્રેમ પાયો છે,

માની મમતામાં.

તે પલપલ મારી સાથે રહ્યો છે,

શ્વાસની આવન-જાવનમાં.

મેં એને નાચતો જોયો છે,

મયૂરની મદ-મોહક કળામાં.

મેં એને ગાતા સાંભળ્યો છે,

કોયલનાં પીહૂ-પીહૂ પુકારમાં.

મારા ગીત-ંગીતની મહેફિલમાં તે,

સદાયે હાજર રહ્યો છે.

મારી કવિતામાં-વાણીમાં તે,

સાક્ષાત રહ્યો છે.

મારા કરતાં પણ વિશેષ,

તેણે મારી જિંદગી ચાહી છે.

મારી હર પલ, હર ક્ષણ,

નવા વેશને પરિધાનમાં,

-ગીતા-નો ગવૈયો,

છે નટખટ, નંદકિશોર, કન્હૈયો.

( ૪ ) કૃષ્ણ તમે...

કૃષ્ણ તમે...

રાધાની વેદનાં થઈ,

કાજળઘેરી આંખોમાં,

પ્રેમનાં આંસું થઈ વરસ્યાં.

કૃષ્ણ તમે...

મીરાંનાં ગિરધર થઈ,

ઝેરનાં પ્યાલામાં,

અમૃત થઈ નીતર્યાં.

કૃષ્ણ તમે...

રાસ રચાવી, વૃંન્દા તે વનમાં,

વાંસળીનાં સૂરો રેલાવી,

હૃદયે ગોપીઓનાં વસ્યાં.

કૃષ્ણ તમે...

ગાયો ચરાવી ગોકુળમાં ને,

નદીઓ માખણની વહાવી,

જશોદાનાં જાયા થઈ જચ્યાં.

કૃષ્ણ તમે...

મૈત્રીની મિશાલ ધરી,

સુદામાનાં તાંદુલમાં ને,

દ્વારકાધીશ થઈ દીપ્યાં.

કૃષ્ણ તમે...

શાંતિની સૌગાદ ધરી હસ્તિનાપુરમાંને,

મેવા ઠુકરાવી દુર્યોધનનાંને,

ભાજી વિદૂરની લઈ જંપ્યાં.

કૃષ્ણ તમે...

એકએક આપત્તિ અન્યની વહોરીને,

બેઠા નહીં ક્યાંય ઠરી ઠામ,

દ્રૌપદીની સૂણી આર્તવાણીને,

નારીની લજ્જા થઈ નીપજ્યાં.

કૃષ્ણ તમે...

કર્મ અને ધર્મનો મર્મ,

સમજાવ્યો -ગીતા-માં ને ,

શંખ ફૂંકી જીવનનાં જંગનો,

અર્જુનનાં સારથિ થઈ સંચર્યાં.

કૃષ્ણ તમે...

વેદો વંદે છે અહોર્નિશ જેને,

તે પુરુષોત્તમ તમે ઃગીતા-,

ભારતની ભૂમિ પર ,

માનવ બની અવતર્યાં...

( ૫ ) ગીતાનું દર્શન...

સ્થિતપ્રજ્ઞા માનવી,

સરલ જીવન, તન-મન જાણ,

સમાન દૃષ્ટિ સર્વમાં,

નિષ્ઠા કર્મમાં રાખ,

ફલાશા રહિત જીવન જેનું,

ત્યાગ, સમર્પણનો સમન્વય,

નિર- અહંકારીને,

નિરાભિમાની,

જીવન જેનું શુધ્ધ- બુધ્ધ જેવું,

કર્તવ્ય કર્મ એ જ કલ્યાણ,

જ્ઞાન-વિજ્ઞાનમાં,

લાભ- અલાભમાં,

જય-પરાજયમાં,

રહે અવિચળ જે,

સુખ-દુઃખમાં,

સમભાવ ધરે,

ભકતિ-યોગ ભૂલે નહીં,

રહે સર્વદા શાંત,

અંતે પામે શાંતિ અને મોક્ષ,

આ છે મારું વચન, -ગીતા-

તે મને પામશે નિઃસંદેહ...( ભગવાન કૃષ્ણ- ભગવદ્ગીતામાં અર્જુનને જે સંદેશ પાઠવે છે, તે સરળ ભાષામાં અને સરળ શૈલીમાં તેમજ કાવ્યમય રીતે સંક્ષિપ્તમાં અહીં રજૂ કરેલ છે.

ભગવદ્ગીતા માત્ર હિન્દુધર્મનો જ ગ્રંથ નથી,પરંતું સમગ્ર માનવ જીવન નો દર્શન ગ્રંથ છે, સમગ્ર માનવ જાત માટે છે, માનવજીવનની દરેક સમસ્યાનું સમાધાન તેમાં છે. ) અંતમાં.......

( ૬ ) ઉદ્ગાર.....

સત્યનો પ્રકાશ નિહાળું છું,

તને કણ-કણમાં ભાળું છું,

તારું ઠામ-ઠાકાણું જાણું છું,

તારે ચરણે શીશ નમાવું છું... ડસ્તુ.....જય દ્વારકાધીશ................................................................................................................................................