Travel Scandinavia - 2 - Northern Finland and Norway in Gujarati Travel stories by Dr Mukur Petrolwala books and stories PDF | સ્કેન્ડિનેવિયાની સફરે - 2. ફિનલેન્ડ અને ઉત્તર નોર્વે 

Featured Books
Categories
Share

સ્કેન્ડિનેવિયાની સફરે - 2. ફિનલેન્ડ અને ઉત્તર નોર્વે 

બીજે દિવસે અમારે સ્ટોકહોમ અને સ્વીડનને બાય કરવાનું હતું. સવારે તૈયાર થઈને નાસ્તો પતાવ્યો એટલે અમારી પીક-અપ ટેક્ષી આવી ગઈ અને અમે એરપોર્ટ પહોંચ્યા. સ્ટોકહોમથી હેલ્સીન્કી અને ત્યાંથી ત્રણ કલાક પછી બીજી ફ્લાઇટ પકડીને ફિનલેન્ડના રોવાનિએમી શહેર જવાનું હતું. આ પ્રવાસનું આયોજન શરુ કર્યું ત્યાં સુધી આ જગ્યાનું નામ પણ નહોતું સાંભળ્યું. પણ મિત્ર ડો. પ્રદીપભાઈનો આગ્રહ હતો કે ત્યાં તો જવું જ જોઈએ એટલે એના વિષે સર્ચ કર્યું તો એની બે વિશેષતા જાણવા મળી. એક તો એ કે આ શહેર આર્કટિક સર્કલ પર આવેલું છે. અને બીજી મોટા ભાગના પશ્ચિમી સમાજ અને નાતાલ ઉજવનારા બધા માટેની ખૂબ મહત્વની વાત - એ સાન્ટા ક્લોઝ નું એક ગામ ગણાય છે.

અમારે માટે અહીં એક વધારાની વિશેષ વાત પણ હતી. અમે અહીંથી ગાડી ભાડે લઇ જાતે ઉત્તર ફિનલેન્ડ અને ઉત્તર નોર્વે ફરવાના હતા. આગળ પણ અમે બીજા દેશોમાં ગાડી ચલાવી છે પણ એ બધે આપણી જેમ રસ્તાની ડાબી બાજુ જ ચલાવવાનું હતું. પહેલી વાર લેફ્ટ હેન્ડ ડરાઇવ અને રસ્તા ની જમણી બાજુ પર નવ સીટ વાળી વિશાળ મર્સીડીસ વાન ચલાવવાની એટલે ઉત્તેજના સાથે થોડી આશંકા પણ હતી. ગાડીનો પૂરો વીમો કરાવી લીધો અને એજન્સીના કર્મચારી પાસે બંકીમભાઇ અને મેં જરૂરી માહિતી મેળવી લીધી. ઓટોમેટિક હોવાથી ઊંધા હાથે ગિયર બદલવાની ચિંતા નહોતી. સદ્ભાગ્યે અમારી હોટેલ - સાન્ટા ક્લોઝ હોલીડે વિલેજ પણ એક કિમિ જ દૂર હતી એટલે થોડી વારમાં જ પહોંચી ગયા.

ચેક-ઈન કરીને અંદર ગયા તો જોયું કે ખૂબ જ સરસ કોટેજ રૂમ્સ હતા. દરેક બાથરૂમમાં જુદી પ્રાઇવેટ સોના બાથ (બાષ્પસ્નાન!) સગવડ પણ હતી. સાંજ પડી ગઈ હતી એટલે અમે પહેલા વિશાળ રિસોર્ટમાં ફરવા નીકળ્યા. રોવાનિએમી ની બેઉ વિશેષતા અમને અમારા રિસોર્ટમાં જ મળી ગઈ. સાન્ટા ક્લોઝના નામનું જ રિસોર્ટ હતું અને આર્કટિક સર્કલ એમાંથી જ પસાર થતું હતું. એક જગ્યાએ આર્કટિક સર્કલની લાઇનદોરી બનાવી હતી. બાજુમાં થાંભલા પર 66.32.35 ડિગ્રી નું બોર્ડ લાગેલું હતું. સ્કૂલમાં ભણેલા ભૂગોળના પાઠ યાદ કરીયે તો પૃથ્વીના ગોળા પર દોરાતા પાંચ મહત્વના અક્ષાંસમાંનું સૌથી ઉત્તરી એટલે આર્કટિક સર્કલ. એની ઉત્તરે જઇયે એટલે આર્કટિક ઝોન - એવા દિવસો આવે કે જેમાં સૂર્ય મધરાતે આથમે નહીં અને એવી રાતો પણ આવે જેમાં સૂર્ય મધ્યાન્હે પણ જોવા ન મળે. અને દક્ષિણે આવે, ઉત્તરી ટેમ્પરેટ (સમશીતોષ્ણ) ઝોન. અમે ઓગસ્ટના અંતમાં ત્યાં ગયા હતા એટલે તે વખતે સૂર્યાસ્ત નો સમય લગભગ સાડા નવ જેવો હતો. ત્યાં એવું બોર્ડ મારેલું હતું કે અમુક જગ્યામાંથી આ લાઈન આંખ બંધ કરીને પાર કરો તો મનની મુરાદ પૂરી થાય! અમારા મિત્રોનું ખબર નથી પણ મેં એ બે થાંભલા વચ્ચેથી પસાર થતા એવી ઈચ્છા રાખેલી કે આ વાત હું મારા વાચકોને જણાવી શકું - એટલે મારા પૂરતી આ દંતકથા સાચી ઠરી! અમે એ સાંજ આર્કટિક ઝોન અને નોર્થ ટેમ્પરેટ ઝોનની વચ્ચે આવજાવ કરવામાં અને આર્કટિક સર્કલ ની આસપાસ ફોટા પાડવામાં વિતાવી.

આ બધી જગ્યાઓએ સાંજે પાંચ કે છ પછી સોપો પડી જાય એટલે રિસોર્ટમાં મોટા ભાગના થીમ સેન્ટર બંધ થઇ ગયા હતા અને સાન્ટા ક્લોઝ પણ ઘરે જતા રહ્યા હતા! એટલે એ મુલાકાત સવાર પર ઠેલાઇ. પણ અમારા સાથી મિત્ર દિલીપભાઈની વર્ષગાંઠ હતી એટલે અમારે માટે એ સાન્ટા ક્લોઝ બની ગયા અને અમને ડિનર પાર્ટી મળી ગઈ! થોડી ઠંડી લાગવા માંડી હતી એટલે સોના નો પણ ઉપયોગ કરવા મળ્યો!

સુપરસ્ટીશન!

આ લેખમાં આર્કટિક સર્કલને લગતી એક અંધશ્રદ્ધાની વાત લખી છે. યુરોપમાં પણ આવા સુપરસ્ટીશનની નવાઈ નથી! આંખ બંધ કરીને સ્કોટલેન્ડમાં એક દાદર ઉતરો તો મનની મુરાદ પૂરી થાય કે આયર્લેન્ડમાં એક પથ્થરને ચૂમો તો વધુ સારું બોલતા આવડે એવી વાતો આગલી શ્રેણીમાં આપણે જોયેલી. રોમાનિયામાં કોફી ઢોળો કે પોર્ટુગલમાં વાઈન, તો શુકનવંતુ ગણાય।

ગ્રીસ અને ડેન્માર્કમાં પ્લેટ તૂટે તો સારું ગણાય - ગોઆની એક ગ્રીક રેસ્ટોરન્ટમાં રોજ સંધ્યાકાળે લગભગ ચાલીસેક ડીશ ફોડવામાં આવે છે! શરાબી પીણાં શરુ કરતી વખતે પહેલા ટોસ્ટ કરવામાં આવે છે; પણ હંગેરીમાં બીયરથી ટોસ્ટ કરવામાં આવે તો અપશુકન કહેવાય! તેરનો આંકડો મોટાભાગના લોકોને ન ગમે પણ ઇટાલીમાં સારો ગણાય છે. માઇટ નામના સૂક્ષ્મ જંતુઓ ઘરના પડદાઓ કે કાર્પેટમાં ભરાઈ રહે અને અસ્થમા માટે કારણ બની શકે પણ સ્વિડનમાં એ મળે તો શુકન કહેવાય। નોર્વેમાં સૂર્ય સામે જોઈને સિસોટી મારો તો અપશુકન કારણકે એ છુપાઈ જાય અને વરસાદ પડે! આવું આપણે ત્યાં થતું હોય તો આપણે તો ગરમીથી બચવા રોજ સિસોટી મારીયે!

રોવાનિએમી શહેર - આર્કટિક સર્કલ પર વસેલું સાન્ટા ક્લોઝ નું એક ઘર! ફિનલેન્ડ સિવાય પણ ઘણા બધા યુરોપના દેશો અને કેનેડા, સાન્ટા ક્લોઝને પોતાના દેશનો રહેવાસી માને છે. અમેરિકાના લોકો સાન્ટા ને ઉત્તર ધ્રુવનો રહેવાસી માને છે. જો કે જે ચોથી સદીના ગ્રીક ખ્રિસ્તી ધર્મગુરુ સંત નિકોલસ પરથી ભેટ આપનાર સાન્ટા ક્લોઝની દંતકથાની શરૂઆત થઈ, એમનો જન્મ તો હાલના ટર્કીમાં થયો હતો. પણ ફિનલેન્ડ અને કેનેડામાં સાન્ટા ક્લોઝના નામે બાળકો સૌથી વધુ ટપાલ લખે છે.

સાન્ટા ક્લોઝ હોલીડે વિલેજ સાન્ટા ના ચાહકો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આખા રિસોર્ટમાં સાન્ટા નો પ્રદર્શન હોલ, વર્કશોપ, સ્ટોર, દુકાનો, પોસ્ટ ઓફિસ, રેસ્ટોરન્ટ, પ્લે ગાર્ડન, વગેરે બધું જ સાન્ટા અને નાતાલ ની થીમ પાર બનાવવામાં આવ્યું છે. મોટા રિસોર્ટમાં બે ઠેકાણે સાન્ટા ક્લોઝ મળે છે! સાન્ટા ક્લોઝ બનનારા અભિનેતા તેમના રોલને ગંભીરતાથી લે છે. અમે પહેલા સાન્ટા ને એની વર્કશોપમાં મળ્યા. અમે ભારતીય છીએ એમ જાણીને એ કહે કે તમારી ક્રિકેટ ટીમ નો કેપ્ટન પણ એક વર્ષ પહેલા અહીં આવેલો. સાથી મિત્ર કિરણભાઈને એ કહે કે તમે જ આ ગ્રુપના પપ્પા હો એવું લાગે છે - એટલે અમને બાકીની ટ્રીપ માટે પપ્પા પણ મળી ગયા! સાન્ટા ની મદદનીશ - જેને એલ્ફ કહે છે - એણે અમારા સાન્ટા સાથે ફોટા પાડ્યા. બાજુમાં એક સ્ટોર હતો જેમાં ક્રિસ્ટમસની સજાવટ કરેલી હતી. અને લેપલેન્ડ ના સ્મૃતિભેટ અને સાન્ટા ને લગતી ભેટની વસ્તુઓ મળતી હતી.

થોડે દૂર સાન્ટા ની પોસ્ટ ઓફિસ હતી. ત્યાં અમને જાણવા મળ્યું કે લગભગ 170 દેશોમાંથી દસ લાખ બાળકો અહીં દર વર્ષે કાગળ લખે છે. અમને આશ્ચર્ય થયું કે આજના સ્માર્ટફોન અને ઇમેઇલ ના જમાનાના બાળકો હજુ સાન્ટાને કાગળો લખી શકે છે! બાજુના હોલમાં સાન્ટા ક્લોઝ ની દંતકથા પર પ્રદર્શન હતું. છેલ્લી ત્રણ-ચાર સદીઓમાં અને વિવિધ દેશોમાં સાન્ટા ના કપડાં, તેના મદદનીશો, તેના ગીતો, રેન્ડિયર સ્લેજ વગેરે જોવા મળ્યા. ત્યાંજ બીજા સાન્ટા કલોઝ પણ મળ્યા. ખ્રિસ્તી સમાજ અને દુનિયાના મોટા ભાગના દેશોમાં સાન્ટા મનગમતી નાતાલની ભેટ આપે છે એવું માનવામાં આવે છે. અમને ત્યારે ખબર નહોતી પણ બબ્બે સાન્ટા ની શુભેચ્છાથી અમને પણ એ દિવસે એવી ક્રિસ્ટ્મસ ગિફ્ટ મળવાની હતી કે દિવસ અને રાત અમારા માટે યાદગાર બનવાના હતા! સાન્ટા ને બાય કરીને અમે હોટેલમાંથી ચેક આઉટ કર્યું અને રોવાનિએમી શહેર જોવા નીકળ્યા.

ફિનલેન્ડના ઉત્તરી રાજ્ય લેપલેન્ડની રાજધાની રોવાનિએમી બે નદી, કૅમિયોકી અને ઓનસ્યોકી ના સંગમ પર છે. આર્કટિક સર્કલ થી લગભગ પાંચ કિમિ દક્ષિણે આવેલું મુખ્ય શહેર 65000 ની વસ્તી ધરાવે છે. એની ખાસ જોવા જેવી જગ્યા છે આર્ક્ટિકમ. આ એક સાંસ્કૃતિક મ્યુઝિયમ અને સાયન્સ સેન્ટર છે. બહાર એક મહેલનો હોય એવા પ્રવેશદ્વારમાંથી દાખલ થઈને અમે ટિકિટ લઇ અંદર ગયા. બરાબર વચ્ચે ઉત્તર તરફ એક અતિશય લાંબો - 174 મીટર લાંબો કોરિડોર બનાવ્યો છે. જેને ગેટવે ટુ નોર્થ - ઉત્તરનું પ્રવેશદ્વાર - પણ કહે છે. તેની સિલિંગ કાચની છે એટલે આકાશ જોઈ શકાય અને છતાં શિયાળામાં થીજી ન જવાય. કોરિડોરની બેઉ બાજુ પર એક મ્યુઝિયમ બનાવ્યું છે. લગભગ ત્રણ માળ પર બનાવેલા બેઉ મ્યુઝિયમ જમીનની નીચે છે - એવું બતાવવા માટે કે શિયાળામાં ખૂબ ઠંડી પડે ત્યારે પ્રાણીઓએ જમીનની અંદર ગુફાઓમાં આશરો શોધવો પડે. એક બાજુ પર સાયન્સ મ્યુઝિયમ છે જેમાં ઘણી બધી ઇન્ટરેક્ટિવ માહિતી હતી. તમને જેમાં રસ પડે તેનું વધુ માહિતીનું બટન દબાવો એટલે એના વિશેનો નાનો વિડિઓ ચાલુ થઇ જાય. એક ફિલ્મ પોલર ઓપોઝિટ્સ - ઉનાળા અને શિયાળા વચ્ચેનો આખા વિસ્તાર નો તફાવત બહુ સરસ રીતે દસેક મિનિટમાં બતાવી દે. આપણે ત્યાં તો શિયાળો એટલે ઓછી ગરમી પણ ત્યાં તો બરફની ચાદરમાં બધું જ બદલાઈ જાય અને શિયાળા- ઉનાળા વચ્ચે માનો આસમાન-જમીનનો ફર્ક જોવા મળે.

પણ સૌથી મજાની હતી નોર્થેર્ન લાઇટ્સ પરની ફિલ્મ. આ ફિલ્મની ખાસિયત એ હતી કે એ ઉપર સીલિંગ પર આકાશી આભાસ મળે એવી રીતે જોવાની હતી અને નીચે દસ બાર લોકો સૂતા સૂતા જોઈ શકે એવી વ્યવસ્થા હતી. લીલી, પીળી, લાલ અને આ બધાની મિશ્ર રંગની લાઈટ - એક છેડેથી આવે, કોઈ વાર થોડું નૃત્ય કરે અને બીજી તરફથી અદ્રશ્ય થઇ જાય. જાણે બ્રહ્માંડમાં કે સ્વર્ગમાં કોઈ આતશબાજીથી બાળકોને રમાડી રહ્યું હોય! એ ત્રણેક મિનિટનો બ્રહ્માંડના સૌંદર્યનો નજારો એટલો અદભુત હતો કે અમે દરેકે મનોમન પ્રાર્થના કરી કે આગલા બે- ત્રણ દિવસોમાં એમાંથી અમને કંઈક જોવા મળે. બીજી બાજુ પર લેપલેન્ડનું સાંસ્કૃતિક મ્યુઝિયમ હતું. રેન્ડિયર, પોલાર બેર (સફેદ રીંછ), બીજા પ્રાણીઓ અને લેપલેન્ડ માં રહેવાની પદ્ધતિઓ વિશેનું સુંદર ડિસ્પ્લે હતું. પણ એમાં અમે ઊડતી મુલાકાત જ લીધી અને ત્યાંથી અમે અમારા આગલા મુકામ - ઉત્તરી લેપલેન્ડના ગામ ઇનારી તરફ જવા માટે નીકળ્યા.

અરોરા (પોલર લાઈટસ):

આપણી સંસ્કૃતિમાં પરોઢિયે ઉષા, પોતાના પહેલા કિરણો સાથે સૂર્યના આગમનની જાહેરાત કરે. રોમન સંસ્કૃતિમાં પ્રભાતની દેવીનું નામ અરોરા છે. શિયાળામાં મધ્યરાત્રીની આસપાસ દેખાતા લાઈટના પડદાઓને ગેલિલિયોએ અરોરા બોરિયાલીસ (નોર્ધર્ન લાઇટ્સ) નું નામ આપ્યું. આવો જ નજારો દક્ષિણ ધ્રુવ ની નજીક દેખાય તો તેને અરોરા ઓસ્ટ્રાલિસ કહે છે. લાંબા વૈજ્ઞાનિક ખુલાસાને ટૂંકમાં રજુ કરું તો સૂર્યમાંથી નીકળતા સોલાર વિન્ડસ પૃથ્વીના મેગ્નેટોસ્ફીયર સાથે અથડાય ત્યારે જે અણુઓની હેરાફેરી થાય અને એમાંથી સુંદર શાંત આકાશી ફટાકડાનું સર્જન થાય એ પોલર લાઇટ્સ. એ જોવા માટે વધારે અક્ષાંસ, સૂર્યથી દૂર અને વાદળો વગરનું સ્વચ્છ આકાશ, શિયાળામાં મધ્યરાત્રીની આસપાસનો સમય અને એ સૌથી વધારે - નસીબ ની જરૂર પડે છે! સામાન્ય રીતે વધુ જોવા મળે છે લીલા રંગની અરોરા. ભૂરા રંગ તે પછી અને ક્યારેક લાલ, પર્પલ કે ગુલાબી અને પીળા રંગની લાઇટ્સ પણ જોવા મળી શકે છે. યુ-ટયુબ ખોલીને નોર્ધર્ન લાઇટ્સ શોધશો તો આ જોવાનો આનંદ ઘરબેઠા પણ મળી શકશે!

રોવનીએમી શહેરના સાયન્સ અને કલચર સેન્ટર, આર્ક્ટિકમ માં નોર્ધર્ન લાઇટ્સ વિષે વિસ્તૃત માહિતી મેળવી અને તેની એક સુંદર ફિલ્મ જોઈને અમે ત્યાંથી ઉત્તર તરફ ગાડી ચલાવી. શરૂઆત થોડી ધીમી રાખેલી જેથી આપણાથી ઊંધી બાજુ પર ચલાવવાની ફાવટ આવી જાય. ખાસ ટ્રાફિક નહોતો એટલે તરત ટેવાઈ ગયા. લગભગ બે કલાક પછી એક સુંદર લેક આવ્યું અને ત્યાંજ એક આકર્ષક ધાબું પણ દેખાયું - નામ હરિએન્ના. અમને વિચાર આવ્યો કે કદાચ આપણો કોઈ હરિભાઈ ત્યાંની એન્નાને પરણી ગયો હશે! પણ એવું કંઈ નહોતું. જોકે ત્યાં ઝીલ કિનારે મજાની કેપુચીનો કોફી સાથે નાસ્તો કરવાની મજા આવી.

વધુ અઢી કલાકની ડ્રાઈવ પછી અમે ઇનારી પહોંચ્યા. અમારી હોટેલનુ નામ આપણા માટે વિચિત્ર લાગે એવું હતું - કુલ્ટાહોવી. અમારી આખી ટ્રીપ ના પ્રમાણમાં આ હોટલના રૂમ સૌથી નાના હતા, પણ જરૂરી સગવડો બધી જ હતી. ઇતિહાસથી સભર હતી - ઘણા રાજવંશી મહેમાનો ત્યાં રહી ગયા હતા તેના ફોટા મુક્યા હતા. આગળ મોટું વિશાળ કમ્પાઉન્ડ હતું અને પાછળ નાનકડી જુટૂઆ નદીના લોવર રેપીડસ ખળખળતા હતા. અમે સ્ટાફ સાથે વાત કરી અને નોર્ધન લાઈટ્સ ક્યાંથી જોઈ શકાય એ વિશે વાત કરી. એમણે ક્યાં જવું એ બતાવ્યું પણ ખોટી આશા પણ ન આપી. કહ્યું કે અહી વર્ષમાં બસો દિવસ નોર્ધેરન લાઈટ જોવા મળે છે પણ અત્યારે જોવા મળશે એવી શક્યતા માંડ પાંચ દસ ટકા ગણવી. એ તો રાતની વાત હતી એટલે સાંજે અમે એ લોકોના બતાવેલા પોઇન્ટ જોવા ગયા.

જુટૂઆ નદી બે લેકને જોડતી દસેક કિમી લાંબી નાનકડી પણ ચુલબુલી નદી છે. તેના માર્ગની વિશેષતાને કારણે તેમાં ઘણા રેપિડસ બન્યા છે. અમુક ભાગમાં રાફ્ટીંગ કરી શકાય છે. અમને જ્યાં જવાનું કહેવામાં આવ્યું ત્યાં આવા રેપિડસ પર એક નાનકડો ફક્ત ચાલીને જઈ શકાય એવો સસ્પેન્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે. પુલની આગળ બોર્ડ મારેલું છે કે એક સાથે ફક્ત ચાર લોકોએ પુલ પરથી પસાર થવું. એટલે અમે બે ગ્રુપમાં એ પુલ પસાર કર્યો. દરેક પગલા સાથે પુલ ધ્રૂજતો હતો. વચ્ચે થોભ્યા તો બેઉ તરફ નયનરમ્ય રેપિડસ અને નીચે એમ લાગે કે હમણાં એક લહેર પાણીને પુલ પર લઈ આવશે. સામે તરફ ચાર પાંચ લોકો બેસી શકે અને બારબેક્યુ કરી શકે એવી સગવડ હતી. થોડી વાર ત્યાં બેસી અમે ફરી હોટલ ગયા.

હવે પછીના ત્રણ દિવસો એવા હતા જ્યાં અમને ભારતીય ભોજનની રેસ્ટોરન્ટ મળવાની નહોતી. એટલે આવી જગ્યાઓ પર થોડી મુશ્કેલી સહન કરવાની તૈયારી રાખવી પડે. અમારા ગ્રુપના લેડીઝ ઘણી તૈયારી સાથે આવ્યા હતા એટલે એમના ફૂડ પેકેટમાંથી એમનું ભોજન બનાવી લીધું. અમે નદી કિનારે રેસ્ટોરન્ટમાં જમ્યા. એ પતાવી રાત્રે અગિયાર વાગ્યે ઈવાલો લેકના સૂનસાન કિનારા પર ગાડી પાર્ક કરી ચાતક પક્ષીની જેમ આકાશ સામે મીટ માંડીને બેઠા.

મધ્યરાત્રિના સમયે અમારી પ્રાર્થના અને પ્રતીક્ષા ફળી. ઘેરા રંગના આકાશમાં અચાનક અરોરા બોરિયલીસ નું આગમન થયું. એક લીલા રંગનો લિસોટો પળભર માટે દોરાઈને ભૂસાઈ ગયો. તે પછીની પાંચ મિનિટમાં ચાર વખત અમને આવા લીલા તેજલીસોટા લહેરાતા અને ક્ષણિક નૃત્ય કરતા જોવા મળ્યા. પ્રભુનું કોઈ અલૌકિક રૂપ જોવા મળ્યું હોય એવો આનંદ થયો. તે દિવસે સવારે જ આર્કટિકમમાં એનાથી વધારે સુંદર અને વિવિધ રંગની નોર્ધરન લાઈટના દૃશ્યો જોયેલા. પણ પ્રત્યક્ષ જોવાનો રોમાંચ અનેરો જ હતો. ટીવી પર મેચ જુઓ અને એમસીજી પર જઈને જુઓ એમાં જે ફરક લાગે તેવું!! અમારી ઇચ્છા સાર્થક થઈ તેની ઉજવણી કરી અમે હોટલ જઈ ખાટલા ભેગા થયા.

રેપિડસ

પર્વત પરથી સમુદ્ર તરફ વહેતી નદી જુદા જુદા વિસ્તારોમાં જુદી ગતિથી વહે છે અને એનો આધાર સ્લોપ - ઢોળાવ પર રહે છે. લગભગ સીધો હોય તો ધોધ બને અને બહુ ઓછો હોય તો શાંત વહેણ. પણ વધારે ઢોળાવ હોય તો ગતિ ઘણી વધારે રહે અને વચ્ચે થોડા ખડકો આવે તો વમળો પણ બને. આને રેપિડસ કહે છે અને આવા રેપિડસ પર ફુલાવી શકાય એવા તરાપા પર પસાર કરવાના અનોખા રોમાંચને વ્હાઇટ વોટર રેફ્ટિંગ કહે છે. ભારતમાં ગંગા, યમુના, તિસ્તા, ઝંસ્કાર વગેરે નદીઓમાં આ સાહસનો આનંદ લઇ શકાય છે. રેપિડ સ ને જોખમ પ્રમાણે છ ગ્રેડ માં વિભાજિત કરવામાં આવે છે. ઋષિકેશ નજીક કોડિયાલા પાસે કરેલું ૨-૪ ગ્રેડનું રેફ્ટિં ગ મારે માટે ખૂબ યાદગાર છે.

ઈનારી ની નાનકડી હોટલ કુલટાહોવી અમારે માટે તો પરી બનીને અમને નોર્ધર્ન લાઇટ્સના દર્શન કરાવી ગઈ. સવારે જુટુઆ ના રેપિડ્સ વાળા વહેણને માણતા નાસ્તો કરીને અમે ઈનારીને અલવિદા કર્યું. અને ફિન્લેન્ડથી નોર્વે જવા માટે નીકળ્યા.

લગભગ એક કલાકના ડરાઇવ પછી ફિનલેન્ડ નોર્વે ની સરહદ આવી ગઈ અને અમે નોર્વેમાં પ્રવેશ કર્યો. આમતો આ દેશોમાં સરહદથી ખાસ ફરક ન પડે કારણકે કોઈ ચેક-પોસ્ટ કે ફોર્માલિટીમાંથી પસાર થવાનું ન હોય. ખાલી રસ્તાના નંબર બદલાઈ જાય. પણ નોર્વેમાં થોડા આગળ ગયા એટલે અમને ફરક જણાયો. આપણે પહેલા ગુજરાત છોડીને બાજુના રાજ્યોમાં જતા ત્યારે જેમ રસ્તાની જાળવણી બદલાતી એમ જ અહીં પણ રસ્તા થોડા સાંકડા થયા. ચલણ પણ બદલાયું. ફિનલેન્ડમાં યુરો ચાલે છે પણ સ્વીડન, નોર્વે અને ડેનમાર્ક માં પોતાના અલગ અલગ ક્રૉનોર છે. એટલે પહેલા કોફી બ્રેકમાં અમારે થોડા નોર્વેજિયન ક્રૉનોર લેવા પડયા. પણ જેમ ઉત્તરમાં આગળ જતા ગયા એમ કુદરતી સૌંદર્ય ઘણું વધ્યું. લગભગ આખે રસ્તે રસ્તાની એક બાજુ પર પાણી હોય જ અને એથી ખૂબ જ નયનરમ્ય પહાડ-પાણી કોમ્બો સાથે ને સાથે રહ્યા. રસ્તામાં ઘણી ટનલ (બોગદાઓ) પણ આવી. એમાં બે ટનલ ચાર કિમિ ની અને એક તો સાત કિમિ લાંબી હતી. આટલી લાંબી ટનલમાં ગાડી ચલાવવાનું જરા ગભરામણ કરાવે એવું હોય છે, પણ મારા સદ્ભાગ્યે એ સમયે બંકીમભાઇ ગાડી ચલાવતા હતા! જો કે અંધારી રાત પછીની સોનેરી સવારની જેમ ટનલ પૂરી થાય એટલે સામે સરસ ભૂરા રંગનું પાણી સુંદર દ્રશ્ય બનાવી અંધારાનો થાક ઉતારી દેતું હતું. અમે લગભગ છ કલાકની યાત્રા પછી અમારે મુકામ હોનિંગ્સવેગ પહોંચ્યા. થોડો આરામ કરીને અમે નોર્થ કૅપ જવા માટે નીકળ્યા.

નોર્થ કૅપ, એ કાર દ્વારા જઈ શકાય એવું યુરોપનું સૌથી ઉત્તરી સ્થાન છે. હોનિંગ્સવેગ થી લગભગ એક કલાકે અમે ત્યાં પહોંચ્યા. અહીંની એન્ટ્રન્સ ફી ઘણી વધારે છે અને અમે બહુ ઓછો સમય રહેવાના હતા એટલે વધારે ભારે લાગી! 300 મીટર ઊંચી ખડક ટેકરી પરના પંચગની જેવા સુંદર ટેબલ ટોપ પ્લેટો પર અમે પહોંચ્યા ત્યારે સાંજ ઢળી રહી હતી. જુલાઈ મહિનામાં અહીં મિડનાઇટ સન જોવાની ઘણી મજા આવે એવું છે. પણ ઓગસ્ટના અંતભાગમાં વાતાવરણ વાદળિયું હતું એટલે નોર્થ કૅપ નો પ્રખ્યાત સૂર્યાસ્ત અમને આખો જોવા મળ્યો નહીં અને તે સાથે જ વાદળને લીધે બીજી વાર નોર્ધર્ન લાઈટ દેખાય એવી પણ કોઈ શક્યતા નહોતી. એટલે અમે બાકીની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 71 ડિગ્રી ઉ. અક્ષાંસ પર આવેલી આ જગ્યાથી નોર્થ પોલ ફક્ત 2000 કિમિ દૂર છે. અહીં એટલાન્ટિક મહાસાગરનો અંશ નોર્વેજિયન સી, આર્કટિક મહાસાગરના અંશ બેરન્ટ્સ સી ને મળે છે. મોટું વિઝિટર સેન્ટર સામે દેખાય છે. પણ અમે પહેલા ટેબલ ટોપ ના કિનારે પહોંચ્યા જ્યાં વાદળોમાં થી ડોકિયાં કરતો સૂર્ય ઝડપથી ડૂબી રહ્યો દેખાતો હતો. ત્યાં એક મોટો પૃથ્વીનો ગોળો બનાવ્યો છે. દૂર દૂર સુધી આકાશ અને સૂર્યાસ્તના રંગો સિવાય બીજું કઈ ન દેખાતું હોય એવી પશ્ચાદભૂમિમાં આગળ ધરતીના ગ્લોબ સાથે ફોટા પડાવવાની મજા આવી. ત્યાં સરસ ઠંડી પણ માણવા મળી.

સૂર્યાસ્ત થયો એટલે અમે અંદર વિઝિટર સેન્ટરમાં ગયા. જેમાં કાફે, રેસ્ટોરન્ટ, પોસ્ટ ઓફિસ, મ્યુઝિયમ, અને એક નાનકડું સિનેમા પણ છે. કાફેમાં મોટા ભાગના લોકો ડ્રિંક્સ સાથે બહારના દ્રશ્યો માણી રહ્યા હતા. ઉપરના ભાગમાં કાફે અને સુવેનિયર શોપ હતા. બીજી બધી વસ્તુઓ જોવા માટે નીચે ઉતારવાનું હતું. અમે પહેલા સિનેમામાં જઈ નોર્થ કૅપ જુદી જુદી ઋતુઓમાં કેવું જુદું દેખાય છે તે જોયું. મ્યુઝિયમ માં એ પ્રદેશની લાક્ષણિકતાઓ ગોઠવી હતી, સૌથી ઉત્તરી પોસ્ટ ઓફિસ પણ પ્રવાસીઓ માટે જોવા લાયક બનાવી હતી. તેના પર નજર નાખી. ટહેલતા ટહેલતા ઉપર ગયા તો ખ્યાલ આવ્યો કે સેન્ટર બંધ થવા પર હતું અને લગભગ અમે જ છેલ્લા હતા. એટલે અમારા ત્યાં ભોજન લેવાના કાર્યક્રમ પર પાણી ફરી ગયું અને અમે પાછા હોનિંગ્સવેગ આવી ગયા. બીજી રાત ભોજન અમારા પેકેટ પર નિર્ભર હતું!

નોર્વે: ટનલ કન્ટ્રી

નોર્વેને બોગદાઓ નો દેશ કહી શકાય. એનું ઇન્ફ્રા સ્ટ્રક્ચર જેમ સુધરતું જાય છે એમ મોટા ભાગના રસ્તાઓમાં પહાડ કોતરીને બનાવેલા બોગદાઓ જોવા મળે છે. અત્યારે લગભગ હજારથી વધુ ટનલ નોર્વેમાં છે. જો કે એમાંની ઘણી સાંકડી અને ઓછી પ્રકાશિત છે. અમુકમાં દીવાલો પણ એમ જ રહેવા દીધી છે એટલે વાહન ચલાવવાનું એટલું ગમે તેવું નથી હોતું. બંધ જગ્યાઓમાં પેદા થતા ભયને ક્લોસ્ટ્રોફોબિયા કહે છે અને આ ટનલ થોડો એવો ભય પેદા કરી શકે છે! જોકે દુનિયાની સૌથી મોટી રોડ ટનલ - લેરડાલ ટનલ જે લગભગ 25 કિમિ લાંબી છે, તે પણ નોર્વેમાં જ છે. અને તેને ખૂબ સરસ રીતે ડરાઇવર -ફ્રેન્ડલી બનાવી છે. ટ્રેઈન માટેની સૌથી લાંબી ટનલ, 57 કિમિ લાંબી ગોથાર્ડ બેઝ ટનલ સ્વિટ્ઝર્લેન્ડમાં છે.

યુરોપના ઉત્તરી બિંદુ, નોર્થ કૅપ સુધી જઈ અમે હૉનિંગ્સવેગ પાછા ફર્યા અને બીજે દિવસે નાસ્તા પછી ત્યાંના બંદર પર થોડી લટાર મારી આવ્યા. આ નોર્વે ક્રુઝ લેનારા લોકો માટે નું ઉત્તરી પોર્ટ છે અને ઘણા લોકો નોર્ધર્ન લાઈટ કે મિડનાઇટ સન ક્રુઝની આરામદાયક મુસાફરીમાં જોવાનું પસંદ કરે છે. ત્યાંથી ફરી દક્ષિણ તરફ ની સફર શરુ કરી. અમારું આગલું મુકામ હતું - આલ્ટા. પાછા ફરતા એ જ બધી ટનલ ફરી પસાર કરવાની હતી. સાત કિમિ લાંબી ટનલમાં ગાડી ચલાવતી વખતે થોડો - ક્લોસ્ટ્રોફોબિયા - બંધ જગ્યાઓનો ડર - નો અનુભવ થયો અને એમાંથી બહાર નીકળતા હાશ થઇ! ત્રણ કલાક ની મુસાફરી પછી આલ્ટા પહોંચી ગયા.

સૌથી પહેલા અમે નોર્ધર્ન લાઈટ કેથેડ્રલ જોવા ગયા. બહાર પાર્કિંગ વિસ્તારમાં એક ભાગ થોડો વધારે ખાલી હતો. પહેલા ત્યાં ગાડી પાર્ક કરી પણ જરા અજુગતું લાગતું હતું એટલે નોર્વેજિયન માં લખેલા પાટિયા ને ગુગલ ટ્રાન્સલેટમાં જોયું તો એ સીઝન પાસ ધરાવતા લોકો માટે જ હતું! એટલે બીજી જગ્યાએ ગાડી પાર્ક કરી અમે અંદર ગયા. જ્યાં અંગ્રેજી મુખ્ય ભાષા નથી એવા દેશોમાં ગુગલ ટ્રાન્સલેટ એક કામનું એપ છે! નોર્ધર્ન લાઇટ્સ કેથેડ્રલ એક મોડર્ન ડિઝાઈનનું પેરિશ ચર્ચ છે. કોન્ક્રીટ અને ટાઇટેનિયમ ની મદદથી બનાવેલું આ ચર્ચ બહારથી એકદમ જુદું જ લાગે છે. રાતના સમયે એના પર નોર્ધર્ન લાઈટ ના રંગોમાં રોશની કરવામાં આવે છે. અંદર ગયા તો એમાં પણ અદભુત નવીનતા હતી. જીસસની મૂર્તિ ક્રોસ પર હોય એવા પોઝમાં તો છે પણ ક્રોસ નથી અને માથું પાછળ ઢળેલું છે. દીવાલો ને પણ આકાશી તત્વમાં શણગારવામાં આવી છે. મેઝેનીન ફ્લોર પર એક પિયાનિસ્ટ સુંદર સંગીત વગાડતો હતો. સરસ એકોસ્ટિકસ, સાંત્વન આપે એવું સંગીત, અનોખું વાતાવરણ - આ બધાને લીધે એક દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થઇ. નીચે ભોંયરામાં એક પ્રદર્શન હોલ બનાવ્યો છે જેમાં ચર્ચ અને નોર્ધર્ન લાઈટ ને લગતા ચિત્રો અને નાનકડી ફિલ્મ છે.

આ ચર્ચ જોઈને અમે આલ્ટા મ્યુઝિયમ જોવા ગયા. ટિકિટ લીધી ત્યાં સુધી આ જોવાલાયક સ્થળ છે એ સિવાય કઈ જાણતા નહોતા. એટલે અમને ત્યાંના કર્મચારી બહેને પાછળથી બહાર જવાનો રસ્તો બતાવ્યો તો એક મિનિટ અમે વિચારતા થઇ ગયા. પછી એના નકશા વગેરે જોયું તો ખ્યાલ આવ્યો કે આખું રોક આર્ટ મ્યુઝિયમ છે અને મોટા ભાગનું આઉટડોર છે. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન ધરાવતા આ મ્યુઝિયમમાં 2000-7000 વર્ષ જૂના રોક આર્ટ છે. એ જમાનાના શિકારી લોકોએ ખડકોમાં કરેલા શિલ્પ અને ચિત્રો કલાની ની દ્રષ્ટિએ ખાસ નથી - આપણી અજંટા -ઈલોરા ની ગુફાઓ કળાની દ્રષ્ટિએ ઘણી વધુ અદભૂત છે! - પણ ઓછામાં ઓછા સાધનો સાથે કંઈક નવું સર્જન કરવાની માનવીની ઈચ્છાના પ્રતીક છે. તે જમાનાની જીવનશૈલી વિષે પણ એમાંથી ઘણું જાણવાનું મળે છે. આ બધા ખડકો વખત જતા અંદર જમીનમાં દબાઈ ગયા હતા જે ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે. થોડા છોકરાઓએ રમતા રમતા આ શોધી કાઢ્યા અને પછી ત્યાં સરકારે આખો પાંચ કિમિ નો વિસ્તાર મ્યુઝિયમ બનાવી દીધો. થોડા પથ્થરોની શિલ્પકૃતિઓ પર લાલ રંગ કરવામાં આવ્યો છે જેથી એ કૃતિઓ જોવાની સમજ પડે. રંગ કર્યા વગરની કલાકૃતિઓ તરત ઓળખાઈ જાય એવી નથી. પણ ગાઇડબૂકમાં એ ચિત્રો અને એની જગ્યાના નંબર આપેલા છે એટલે થોડા સમયમાં એ શોધવાની સમજ આવી જાય. ખડકોને નજીકથી જોઈ શકાય છતાં અડ્યા વગર એવા બોર્ડવોક બનાવવામાં આવ્યા છે. આવી જ સુંદર જાળવણી અમે ગયા વર્ષે સ્કોટલેન્ડમાં આયર્ન યુગના એક ગામની જોઈ હતી. આખો વિસ્તાર સમુદ્રકિનારે હોવાથી આઉટડૉર મ્યુઝિયમ કરતા કોઈ રિસોર્ટમાં ફરતા હોઈએ એવું વધારે લાગતું હતું. દોઢ કલાક આ બધું જોવામાં ક્યાં પસાર થઇ ગયો તે ખબર પણ નહિ પડી. સાંજના શીતળ પવન સાથે કાફેમાં ગરમ કોફી પીને અમારે અમારા રિસોર્ટ તરફ જવા નીકળ્યા.

કુલધારા - ભૂતિયું ગામ

થોડા દિવસ પહેલા રાજસ્થાનના પ્રવાસે ગયા ત્યાં સેમ રણ જવાના રસ્તા પર એક ગામ - કુલધારા જોયું. આ ગામ લગભગ બસો વર્ષથી ખાલી પડ્યું છે. મોટા ભાગના મકાનો પીળા પથ્થરોના ઢગલાના ખંડેર બની ગયા છે. એવું માનવામાં આવે છે કે એ ગામ છોડી જનારા પાલીવાલ બ્રાહ્મણો નો આ ગામ પર શ્રાપ છે અને એ ફરી વાસી શકે એમ નથી. કોઈ હવસખોર શાસકના ડરથી કે પછી કોઈ ભૂકંપ કે પાણીની અછતથી રાતોરાત આ ગામ ખાલી થઇ ગયું હતું અને એક સમયે ઘરોમાં વાસણો પણ હતા. જોકે હવે તો માંડ બે- ત્રણ ઘર ટક્યા છે અને બધા ખાલી છે. એવા એક મકાનમાં જઈ એના ઝરૂખા પર ઊભા રહી ફોટા પડાવી શકાય છે! રાજ્ય સરકાર દસ રૂપિયા એન્ટ્રી ફી લે છે પણ બીજી કોઈ સંભાળ નથી. એટલે થોડા વર્ષોમાં આ ગામ સદંતર તૂટી પડે તો નવાઈ નહીં!

ઉત્તર નોર્વે ના આલ્ટા ના નોર્ધર્ન લાઈટ કેથેડ્રલ અને રોક આર્ટ મ્યુઝિયમ જોઈને અમે અમારા રિસોર્ટ તરફ નીકળ્યા. અહીં અમે હોટલને બદલે એક માઉન્ટન લોજ બુક કરાવેલી. શહેરથી લગભગ અડધા કલાકના અંતરે પર્વત અને જંગલોમાં આ રિસોર્ટ બનાવ્યું છે. છેલ્લા પાંચ કિમિ નો રસ્તો કાચો, સાંકડો, પણ વ્યવસ્થિત હતો. સાથે એક ઝરણું વહેતુ હતું અને ત્રણ એકદમ નાના અને તકલાદી લાગે એવા પુલ પસાર કરવાના હતા. દરેક પુલ પહેલા એક બોર્ડ આવતું જે અમારી હિમ્મત વધારવાનો પ્રયત્ન કરતુ કે હવે તમે જરાક જ દૂર છો અને 'યુ કેન ડુ ઈટ!' ડ્રાંઇવિંગ લાઇસન્સ માટે ની અઘરી પરીક્ષા હોય કે કોઈ ગેરિલા લડાઈમાં જવાના હોઈએ એવું લાગ્યું. આમ પણ અમારી લોજનું નામ હતું ઓનગાયોક્ષેત્ર - કુરુક્ષેત્ર ની યાદ અપાવે એવું!! સારા નસીબે કોઈ ગાડી સામેથી આવી નહિ અને અમે નિર્વિઘ્ને પહોંચી ગયા. આવા ગીચ જંગલની વચ્ચે આવેલા રિસોર્ટમાં કર્મચારી જુઓ તો ખાલી બે યુવતીઓ! સુંદર ગામડાનું વાતાવરણ અને લાકડાની અવનવી કેબીન - એક માં તો માળિયું પણ બનાવેલું, જેમાં નાના છોકરાઓ સીડી વાટે ચઢીને સુઈ શકે. આજુ બાજુ રેઈનડિયર અને બીજા પ્રાણીઓ પણ રાખેલા. એક-બે દિવસ આરામથી રહેવા જેવી જગ્યા હતી પણ અમારે તો સવારે પાંચ વાગ્યે નીકળી જવાનું હતું। રિસોર્ટમાં અમને અમારું જમવાનું બનાવવા મળ્યું અને અમને થોડા લોકોને એક બહેતરીન સ્ટેક પણ ખાવા મળી.

સવારે ઊઠીને અમે પાંચ વાગ્યે ફરી રોવાનિએમી તરફની સફર શરુ કરી. આઠ ની આસપાસ અમે ફિન્લેન્ડની બોર્ડર નજીકના ગામમાં પહોંચ્યા. ડીઝલ ભરાવવાનું હતું અને ત્રણેક પમ્પ પણ હતા પણ એકે જગ્યાએ કોઈ માણસ નહીં. ન છૂટકે ઓટોમેટિક પમ્પ પર જાતે ડીઝલ ભર્યું. ક્રેડિટ કાર્ડની રસીદ લેવાના સમયે સ્ક્રીન પર સંદેશો આવ્યો કે એરર! અને તે સમયે કાર્ડમાંથી ત્રણ ગણા રૂપિયા કપાઈ ગયા એવો એસએમએસ મળ્યો! સો રૂપિયે લીટર ડીઝલ આમ પણ મોંઘુ લાગતું હતું તે ત્રણસો રૂપિયાનું પડવાનું હતું! ત્યાં બીજું કઈ થાય એવું હતું નહીં અને રોવાનિએમીથી ફ્લાઇટ પકડવાની હતી એટલે પછી શેલ કંપનીને ફરિયાદ કરશું એવા નિર્ણય સાથે અમે આગળ ચાલ્યા. જોકે અહીં જણાવી દઉં કે અમારે કશું જ કરવું ન પડ્યું। એ લોકેએ અમારા રૂપિયા ફક્ત બ્લોક કરેલા અને થોડા દિવસ પછી શેલ કંપનીએ જાતે જ એ કાઢી નાખ્યા અને સાચું બીલ જ લગાવ્યું. એટલે આવી અંતરિયાળ જગ્યાઓએ પણ આપણને આપણો ક્રેડિટ કાર્ડ વાપરવામાં જોખમ ન લાગે. આવી ઈમાનદારીને સલામ!

રોવાનિએમી પહોંચ્યા એટલે અમને એમ હતું કે ગાડી પાછી આપવાની વિધિમાં થોડો સમય લાગશે પણ એરપોર્ટ પર એ સમયે કોઈ હતું નહીં. ફોન પર અમને કહી દીધું કે ગાડી પાર્કિંગમાં મૂકી દો અને ચાવી કાઉન્ટરના કીહોલમાં નાખી દેજો. ત્યાંથી ફ્લાઇટ પકડી અમે ફિન્લેન્ડની રાજધાની હેલસિન્કી પહોંચ્યા. અમે ઓગસ્ટ મહિનામાં ગયા તેના મહિના પહેલા જ આ શહેરમાં ટ્રંપ અને પુટિન વચ્ચે શિખર મંત્રણા થઇ હતી. હેલસિન્કી અને ફિનલેન્ડ ની સમસ્યા આપણા દેશથી ઉલ્ટી છે. અહીં દર વર્ષે જન્મ દર ઘટતો જાય છે અને એવું જ ચાલતું રહેશે તો થોડા વર્ષોમાં જ કમાનારા લોકો બહુ ઓછા થઇ જશે! એટલે એ લોકો વસ્તી વધારો કેવી રીતે કરવો એની ચર્ચા કરે છે! એરપોર્ટ પાર અમારી ટેક્ષી તૈયાર હતી એટલે અમે અમારા બુક કરેલા એપાર્ટમેન્ટ પહોંચ્યા. અમે આ બુકીંગ ડોટકોમ પરથી કરાવેલું એટલે અમને એમ હતું કે એપાર્ટમેન્ટ હોટલ હશે પણ એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં થોડા લોકોએ આવા એપાર્ટમેન્ટ આપ્યા હતા. જોકે સ્ટાન્ડર્ડ સગવડો બધી જ હતી. થોડા ફ્રેશ થઇ નજીકમાં લટાર મારતા અમે એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ ગયા. મોટા ભાગની જગ્યાઓ માં અમને ભારતીય રેસ્ટોરન્ટનો સારો અનુભવ થયો, પણ અહીં એક અપવાદ હતો. લગભગ ખાલી જેવી રેસ્ટોરન્ટમાં ત્યાંના એકના એક કર્મચારીએ કહ્યું કે તમે જેટલા લોકો છો એટલી ડીશ નહિ મંગાવો તો બાકીનાનો પ્લેટ ચાર્જ આપવો પડશે. વિદેશી લોકો મૉટે ભાગે એક કરી (સબ્જી) મંગાવે અને એથી વિદેશમાં સાથે સલાડ અને નાન /ભાત આવી જાય. અમુક હોટલોમાં આવું હોય છે પણ ભારતીયો તો મોટા ભાગે ચાર લોકો વચ્ચે ત્રણ સબ્જી મંગાવતા હોઈએ એટલે થોડું અજુગતું લાગ્યું - પણ થાકેલા હતા એટલે ત્યાં જમીને આરામ કર્યો! બીજા દિવસે આખું હેલસિન્કી જોવાનું હતું. સ્ટોકહોમ ની જેમ આ શહેર જોવા માટે પણ અમે એનો કાર્ડ ખરીદી લીધો અને સવારે સોમેનલીના થી શરૂઆત કરવાનું નક્કી કર્યું.

કોરકેજ ચાર્જ

વિદેશોમાં રાત્રીના ભોજન સાથે શરાબી પીણામાં વાઈન પીવાનો વધુ રિવાજ છે. જે હોટલોમાં પોતાનો બાર/ વાઈન સેલર હોય તે એવો આગ્રહ રાખે કે વાઈન પણ તમે ત્યાંથી જ લો. પણ નાના રેસ્ટોરન્ટ કે જ્યાં આવી સગવડ ન હોય કે બધા પ્રકારના રેડ/વ્હાઇટ વાઈન ન રાખી શકતા હોય તેવી જગ્યાએ ગ્રાહકો પોતાની બોટલ લઇ જઈ શકે છે. આ સગવડને બીવાયઓ - બ્રિન્ગ યોર ઑન - કહે છે. અહીં હોટલ તમને પોતાના ગ્લાસ આપે અને વેઈટર તમારો વાઈન પીરસે. મૉટે ભાગે વાઈનની બોટલ ઢાંકણને બદલે બુચ - કોર્ક હોય છે એટલે એ ખોલવાને કોરકેજ અને એના બદલામાં જે ચાર્જ લે એને કોરકેજ ચાર્જ કહે છે. આ દરેક રેસ્ટોરન્ટમાં જુદો - નજીવા થી માંડી ને સુપરમાર્કેટમાં મળતી વાઈન બોટલ કરતા વધારે પણ હોઈ શકે. ગુજરાતમાં તો સરકાર ગુજરાતીઓને નશાબંધી ની ચાબુકની ધમકી પર રાખવામાં માને છે એટલે આવી માહિતીની ખાસ જરૂર નથી!