MAHABHARAT NA RAHSHYO - 7 in Gujarati Mythological Stories by bharat chaklashiya books and stories PDF | મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (7)

Featured Books
Categories
Share

મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (7)

સુરેખા હરણ (4)

ગટોરગચ્છની વેપારી છાવણીમાં બંધક બનેલા ચારેય જણને માર મારવાનો હુકમ ગટોરગચ્છે આપ્યો એટલે શકુનિએ કહ્યું, "અલ્યા ભાઈ સોદાગર...તું અમારામાંથી એકને છોડ.. તો નગરમાં જઈને તારા રૂપિયાની વ્યવસ્થા કરીએ."
"ઠીક છે, તમને છોડું છું...જાવ, સાંજ સુધીમાં રૂપિયા લઈને આવજો નહીંતર આ ત્રણેયને માર પડશે." કહી ગટોરગચ્છે શકુનિને છોડ્યો.
શકુનિ દ્વારકાના શ્રોફ પાસે જઈ ઊંચા વ્યાજે રૂપિયા લઈને સાંજે આવ્યો એટલે ગટોરગચ્છે એ નાણાં ગણી લઈ જનાવર છોડી આપ્યાં.
તમામ જનાવરોને કૌરવોના ઉતારા પર લાવીને મેદાનમાં બાંધવામાં આવ્યાં.
બલભદ્રે ભગવાનને કહ્યું, "જોયું...મારો વેવાઈ કંઈ જેમતેમ નથી."
"હા.. હો હવે તમારા વેવાઈ સાચા." કહી ભગવાન હસ્યા.
"કેમ હસે છે ? "
"ખુશી થઈ... તમારા વેવાઈએ શાહુકારને નારાજ ન કર્યો." કહી પ્રભુ એમના મહેલમાં ચાલ્યા ગયા.

*

ગટોરગચ્છે નાણાંના ટોપલા બે રાક્ષસો પાસે ઉપડાવીને છાવણી અલોપ કરી નાખી. પોતાની માયાવી સૃષ્ટિ અલોપ કરીને એ અભિમન્યુ પાસે અશોકબાગમાં આવ્યો.
બંને ભાઈઓ રાત્રી ભોજન કરીને બેઠા. ગટોરગચ્છે દુર્યોધનકાકાને કેવા ખંખેર્યા એની વાત કરી. એ સાંભળી અભિમન્યુ ખૂબ હસ્યો...!
રાત્રીના બાર વાગ્યા એટલે ગટોરગચ્છ ઉઠ્યો.
"ભાઈ, હું જાઉં છું. કાલે કાકીઓનો વારો કાઢું. આજની જેમ જ કાલે રાતે પાછો આવીશ, ત્યાં સુધી તું આરામ કર." કહી એ ઉપડ્યો.
દ્વારકાનગરની બહાર આવીને જટા છોડીને માથું ધુણાવ્યું. એ સાથે જ કૌરવોના ઉતારાની છાવણીમાં બાંધેલા જનાવરો રાડારાડી કરવાં લાગ્યાં. હાથી અને ઊંટ ગાંગરવા લાગ્યાં. ઘોડાઓ ભયાનક હણહણાટી કરીને જમીન પર આળોટવા લાગ્યાં.
જનાવરોની રાડારાડ સાંભળીને દ્વારકાનગરીના લોકો જાગ્યાં. પ્રભુ અને બલભદ્ર પણ જાગ્યા.
"ચાલો રે ભાઈઓ...વેવાઈને ત્યાં કંઈક જોવા જેવું થયું લાગે છે." કહીને ભગવાન હસ્યા.
બલભદ્ર એ જોઈને ચિડાયા.
લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતાં. જનાવરો જમીન પર આળોટીને તરફડીયા મારતાં હતાં.
એ જોઈ ત્યાં આવીને ઉભેલા બલભદ્રે દુર્યોધનને પૂછ્યું, "કેમ વેવાઈ આ શું થઈ ગયું...શું ખવડાવ્યું આ બધા જનાવરોને.. લાગે છે કે આ બધા તો મરી જશે."
"મને તો કશું જ સમજાતું નથી. અમે તો એ સોદાગરને બોલાવી લાવવા માણસ પણ મોકલ્યો પણ એ તો ઉચાળા ભરીને ચાલ્યો ગયો છે. હવે શું કરવું, એ સમજાતું નથી. તમે જ કંઈક ઉપાય બતાવો. કોઈ જનાવરનો વૈદ્ય હોય તો બોલાવો.'' કહી દુર્યોધન ઉદાસ થઈ ગયો.
"અરે, આ તો મરવા મંડ્યા. જુઓ... જુઓ... એક પછી એક તમામ હાથી, ઘોડા અને ઊંટ મરી રહ્યાં છે. વેવાઈ હવે આ બધાને દાટવા પડશે. ખાડા ખોદાવો ખાડા...!'' કૃષ્ણ ભગવાને હસતા હસતા કહ્યું.
બલભદ્રે જોયું તો તમામ જનાવરોની આંખો ફાટી રહી હ.તી મોંમાંથી ફીણ નીકળી રહ્યાં હતાં.
દુર્યોધને એ જોઈ કપાળ કુટયું.
ભગવાન તો મરકમરક હસી રહ્યા હતા. એ જોઈ બલભદ્રના ગુસ્સાનો પાર રહ્યો નહીં.
આખરે બધા જ પ્રાણીઓને દાટવા ખાડા ગાળવામાં આવ્યાં.
"જનાવરોને દાટવા મીઠું જોઈશે." શકુનિએ રોતલ અવાજે કહ્યું.
"આપો આપો મીઠું...વેવાઈને. બિચારાના હાથી, ઘોડા અને ઊંટ મરી ગયાં. આજે જ હજુ ખરીદી લાવ્યાં હતાં...અરે...રે...વેવાઈને બહુ નુકશાન થયું." ભગવાન દાઝ્યા ઉપર ડામ દેતા હતા.
"તું જા, ભાઈ તારે ઘરે. અમારે જે કરવું હોય એ કરીશું." બલભદ્રે ખિજાઈને કહ્યું એટલે ભગવાન ચાલતા થયા.
"ચાલો ઓ ભાઈઓ...ચાલો, હવે કંઈ જોવાનું નથી. જનાવરો તો મરી ગયાં." એમ બોલીને પણ ભગવાન ગયા નહીં.
ખૂબ મોટા પ્રમાણમાં મીઠું મંગાવવામાં આવ્યું. બધા ખાડાઓમાં મીઠું નાખીને પશુઓના મૃતદેહોને ખાડામાં નાંખવામાં આવ્યાં. જેવા મૃતદેહો ખાડામાં પડ્યાં કે તરત જ ગટોરગચ્છે એની માયા સંકેલી લીધી. દરેક મૃતદેહ અલોપ થઈ ગયો. એ જોઈ ભગવાન ફરી હસી પડ્યા..
"અલ્યા, વેવાઈએ તો મીઠું પણ બગાડ્યું. આખી દ્વારકાનું મીઠું ખાડામાં નાંખ્યું. ક્યાંથી આવા જનાવરો લઈ આવ્યાં, વેવાઈ...!"
બલભદ્રે ડોળા કાઢ્યા. એ જોઈ ભગવાન ચાલતા થયા.
ખૂબ મોટી ખોટ ખાધનો અફસોસ કરતો કરતો દુર્યોધન, મામા શકુનિ પર દાઝ કાઢતો એના તંબુમાં જઈ સૂતો. એ વખતે ગટોરગચ્છ બીજા દિવસની માયા રચવા નગરની બહાર આવી ચૂક્યો હતો...!!

*

બીજા દિવસની સવાર પડી. નગરની બહાર દેશવિદેશના વેપારીઓ આવી ચડ્યા છે. અનેક જાતની વસ્તુઓ લઈને, અનેક જાતના વેપારીઓ દુકાનો નાખીને બેઠા છે. શણગારની વસ્તુઓ, અનેક જાતની મીઠાઈઓ, અનેક જાતના વસ્ત્રપરિધાનની દુકાનો,
વાળ કાપવાવાળા, કપડાં સિવવાવાળા, કલાકૃતીવાળા, વિવિધ વાસણોવાળા, અનેક જાતના શિલ્પ લઈને બેઠેલા શિલ્પકારો, શરીર પર છુંદણા છુંદવાવાળા, વિવિધ પ્રકારના છોગા અને સાફાવાળા,
એ આખી બજારમાં સોનાચાંદીના આભૂષણો અને વસ્ત્ર પરિધાનની મોટી દુકાનના થડા પર એક ઉજળો અને મોટી આંખોવાળો શેઠ આરામથી બેઠો હતો. કેટલાય નોકરો એની દુકાનમાં કામ કરી રહ્યાં હતાં. ગ્રાહકોની તડી બોલી રહી હતી. આખી બજારમાં દ્વારકવાસીઓ ઉમટી પડ્યાં હતાં.
એ બધા જ સ્ત્રીપુરુષોને ગટોરગચ્છે પોતાની માયાવી શક્તિથી બનાવ્યાં હતાં.
એવે સમયે શ્રી કૃષ્ણપ્રભુએ સત્યભામા સહિત તમામ રાણીઓને બોલાવીને કહ્યું,
"તમે બધી જાઓ વેવાણ પાસે. એમનું નામ સાંભળીને વેપારીઓ આવ્યા હોવાની વાત કરો. બજારમાં લઈ જઈ વખાણ કરી કરીને વસ્તુઓ લેવડાવજો. પણ તમારામાંથી કોઈ પણ એકેય વસ્તુ લેતાં નહીં. નહિતર મહેલમાં પેસવા નહીં દઉં."
સત્યભામા કહે, " જેવી તમારી આજ્ઞા પ્રભુ. અમને કોઈ ચીજ ભલે ખૂબ ગમી જાય તો પણ, અમે તમારી આજ્ઞા યાદ રાખીશું." કહીને સર્વ રાણીઓ તૈયાર થઈને વેવાઈના ઉતારે આવી.
એમને આવેલી જોઈ ભાનુમતી ખુશ થઈ ગઈ. આવકાર આપીને સર્વ વેવાણોને આસન આપ્યું અને પધારવાનું પ્રયોજન પૂછ્યું.
"હસ્તિનાપુરની મહારાણી...આપનું નામ સાંભળીને દેશવિદેશથી અનેક વેપારીઓએ અહીં આવીને બજાર ભર્યું છે. અનેક જાતની ચીજો વેચવા માટે આવી છે. બજારમાં તો ભાઈ, ભારે ભીડ ઉમટી પડી છે. અમે અત્યારે એ બજારમાં થઈને જ આવ્યાં. બહુ કિંમતી વસ્તુઓનું બજાર ભરાયું છે. અમે તો અમારી જિંદગીમાં આવી ચીજો ક્યારેય જોઈ નથી.
ચાલો... ચાલો... આપણે સૌ એ બજાર જોવા જઈએ. તમે મહારાજ દુર્યોધનની રજા લઈ આવો."
"અરે, એ શું બોલ્યાં સત્યભામા...! અમારે એમની રજા લેવાની કોઈ જરૂર નથી. એમને અમારી રજા લેવી પડે... શું સમજો છો તમે. હું તો મહારાણી છું. મારે વળી કોની રજા લેવાની હોય. ચાલો, અમે તો તૈયાર જ છીએ." કહીને સો ભાઈની સો રાણીઓ અને છ કારભારીની છ રાણીઓ ચાલી. સાથે ભગવાનની રાણીઓ પણ ચાલી. એમને આવેલા જોઈ ગટોરગચ્છે બજારમાં ભીડ વધારી દીધી. અનેક જાતની દુકાનો અને ચીજવસ્તુઓ જોઈને રાણીઓ તો ખુશીથી પાગલ થઈ ગઈ. જે વસ્તુ ગમે તે વસ્તુ ખરીદવા લાગી.
આખરે બજારની સૌથી મોટી દુકાન આગળ આવીને એ સૌ ઉભી રહી. સોનાના ઉત્તમ કારીગીરીવાળા આભૂષણો અને વસ્ત્ર અલંકારો જોઈને તો, તમામ રાણીઓનું મન લલચાયું.
ભાનુમતીએ થડા પર બેઠેલા શેઠને આ ચીજોના ભાવ પૂછ્યાં.
શેઠ બનીને બેઠેલા ગટોરગચ્છે હસીને કહ્યું, "મહારાણીનો જય હો..અમારા દેશમાં તમારા વસ્ત્રો અને આભૂષણોની માંગ બહુ વધારે છે, એટલે અમે એવું રાખ્યું છે કે આપ સૌ અમારી દુકાનમાં પધારો. આપના વસ્ત્રો અને આભૂષણો ઉતારીને અમારા આ ઉત્તમ વસ્ત્રો અને આભૂષણો પહેરી લો...બસ જે ગમે તે લઈ લો.
કોઈ ભાવતાલ નહીં, માત્ર બદલાવી જ લેવાનું....
પધારો... પધારો..."
ગટોરગચ્છની મીઠીવાણી અને ભારોભાર નફાની લાલચથી કૌરવભાર્યાઓ લલચાઈ.
"અરે! ચાલો... ચાલો...આ તો બહુ સારું કહેવાય.આ વેપારી તો મૂર્ખ છે. જુનાને બદલે નવું આપે છે અને એ પણ સાવ મફતમાં. ચાલો સત્યભામા, તમે પણ બદલાવી લો." કહી ભાનુમતી સહિત એકસો છ રાણીઓ દુકાનમાં પેઠી.
"તમે તમારે જે લેવું હોય એ લઈ લો. અમારે તો કાનજીને પૂછ્યા વગર પાણી'ય પીવાતું નથી." સત્યભામાએ કહ્યું.
"અરે રે કરમ ફૂટ્યા..એવુ તે વળી શું ડરવાનું, ધણીથી...અમે તો જો, જરાય ન ડરીએ..."
કહી સૌ નારીઓએ તમામ વસ્ત્રો અને આભૂષણો બદલાવી લીધાં.
નવા વસ્ત્ર અને આભૂષણોમાં એ નારીઓના રૂપ અનેક ગણાં ખીલી ઉઠયાં. એ જોઈને ભગવાનની રાણીઓ પણ લલચાઈ પરંતુ પ્રભુની આજ્ઞાનું પાલન કરવું જ પડે...!
એવી રીતે ખરીદી કરાવીને પ્રભુની પત્નીઓ પોતપોતાના મહેલમાં ગઈ. કૌરવોની સર્વ રાણીઓ જાનના ઉતારે આવી. ગટોરગચ્છના પરિધાનમાં એ નારીઓ ખૂબ જ શોભી રહી હતી. પહેલાં કરતાં એમનું રૂપ બમણું થઈ ગયું હતું.
દુર્યોધન ભાનુમતીને જોઈને ઘડીભર તો ઓળખી ન શક્યો.
"અરે...આટલા સુંદર તમે કેમ લાગો છો...પ્રિય ભાનુમતી...!"
"અમે, તમારી જેમ છેતરાઈને થોડા આવ્યાં છીએ..આપનું નામ સાંભળીને અનેક વેપારીઓએ મોટું બજાર ખોલ્યું છે. દેશવિદેશથી અનેક જાતની વસ્તુઓ વેચવા વેપારીઓ આવ્યા છે. અમે ત્યાં જઈ આ વસ્ત્રો અલંકારો તથા આભૂષણો લઈ આવ્યાં."
"અરે આ તો બહુ કિંમતી વસ્ત્રો લાગે છે." દુર્યોધનને ડર લાગ્યો કે ક્યાંક પાછી રૂપિયા ચુકવવાની વ્યવસ્થા કરવી પડશે.
"હા...ખૂબ જ કિંમતી છે પણ અમે તમારી જેમ છેતરાઈએ નહીં. અમે તો વેપારીને છેતરીને આવ્યાં.
આપણા સસ્તા અને જૂના વસ્ત્રો, આભૂષણોના બદલામાં આ જુઓ નવા અને સરસ મજાના કિંમતી વસ્ત્રો અમે લઈ આવ્યાં."
કહીને ભાનુમતી રાજી થતી હતી.
શકુનિ અને દુર્યોધન ખૂબ નવાઈ પામ્યા કારણ કે હજી ગઈકાલે રાત્રે જે બન્યું હતું એના આઘાતમાંથી બહાર આવ્યા ન હતા...!
એમ કરતાં રાત્રી થઈ. સૌ ભોજન કરીને વિશ્રામ કરવા લાગ્યાં. ગટોરગચ્છે પોતાનું માયા બજાર સંકેલી લીધું. દસ રાક્ષસોના ટોપલા બનાવીને બધા વસ્ત્રો અને અલંકારો એમાં ભર્યાં. બીજા દસ રાક્ષસો પાસે ઉપડાવી અશોકબાગમાં જઈ પહોંચ્યો. ગુફાના એક ખૂણામાં આ ટોપલા મૂક્યાં એટલે અભિમન્યુ હસીને બોલ્યો, " ભ્રાતા ગટોરગચ્છ, આ બધું તું શું ઉપાડી લાવ્યો...?"
"આજે બધી કાકીઓનો વારો છે. આ બધા વસ્ત્રો અને આભૂષણો કૌરવકાકીઓના છે. મેં એમને મારા અતિ કિંમતી વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યાં છે. હમણાં જો તું મારો ઝપાટો...!" કહી એ ખડખડાટ હસી પડ્યો.
બંને ભાઈઓએ ભોજન કર્યું. રાત્રીના બાર વાગ્યા એટલે ગટોર ગચ્છ ઉઠ્યો.
"અનુજ અભિમન્યુ, હું કાલે રાતે પાછો આવીશ. તું શાંતિથી અહીં આરામ કર. હજી મારો દાવ પૂરો થયો નથી. કાકીઓને મજા કરાવીને હમણાં આવું છું." કહીને એ માયાવી ઉપડ્યો.
નગરની બહાર જઈ એણે માયા સંકેલી. એ સાથે જ કૌરવોની સ્ત્રીઓના ઉતારામાં રાડારાડ ચાલુ થઈ.
સાડીઓના અજગર થયાં. વાળી અને વીંટીઓના વીંછી અને વાંદા થયાં. હારના કાળા નાગ થયાં.
બાજુબંધના ચામાચીડિયા થયાં.ગટોરગચ્છના માયાવી વસ્ત્રો અને આભૂષણોમાંથી અનેક પ્રકારના જીવજંતુઓ થઈને બધી સ્ત્રીઓના શરીર પર ચાલવા લાગ્યાં. કીડી અને મંકોડા ચટકા ભરવા લાગ્યાં.
કૌરવોની કમિનીઓ પર કાળો કેર વરસ્યો. ચારે તરફ નાસભાગ અને ચીસાચીસ મચી.
એ દેકારો સાંભળી દ્વારકાવાસીઓ ઉઠ્યાં. બલભદ્ર અને ભગવાન પણ ઉઠ્યાં. કૃષ્ણપ્રભુને તો આટલું જ જોઈતું હતું.
"ચાલો રે ભાઈઓ આજે પણ કંઈક કૌતુક થયું લાગે છે. ચાલો ચાલો વેવાઈનું નવીન નજરાણું જોવા જઈએ..આ કૌરવો, દીકરો પરણાવવા આવ્યા છે કે આવા તમાશા દેખાડવા...ચાલો સૌ ભાઈઓ...ચાલો...
ચાલો..." કહી ભગવાને લોકોનું ટોળું ભેગું કર્યું અને વેવાઈના ઉતારા તરફ ચાલવા લાગ્યાં.
બલભદ્રને આ બિલકુલ ગમ્યું નહીં. ભગવાન આગળ એમનું કંઈ ઉપજે એમ હતું નહીં એટલે લાચારીથી ગુસ્સે થઈ તેઓ પણ પ્રભુ સાથે ચાલ્યા.
"કાના, આ બધા લોકોને શા માટે તું ભેગા કરે છે."
"અરે દાઉ, દ્વારકવાસીઓને એ જાણવાનો અને જોવાનો હક છે કે વેવાઈ રોજ રાતે ઉઠીને શાં શાં તમાશા કરે છે. કાલે જાદુઈ જનાવર લઈ આવ્યાં.
આજે જ જાણે શું'ય નવીન લાવ્યાં હશે.." કહી હરજી હસી પડ્યા...!
દુર્યોધનની છાવણીમાં ચારેકોર દોડધામ મચી પડી હતી. સેવકો આમથી તેમ નાસભાગ કરી રહ્યા હતા. સ્ત્રીઓના ઉતારામાં તમામ સ્ત્રીઓ ચીસો પાડતી હતી. કોઈના શરીર પર વસ્ત્રો ન હતાં. ચારેતરફ ભંયકર જીવાત ફરી રહી હતી.
દુર્યોધન અને મામા શકુનિ સહિત બધા કૌરવભાઈઓ બહારથી રાડો પડતા હતા પણ કોઈ દરવાજો ખોલતું ન હતું.
બલભદ્રે જઈને પૂછ્યું, "વેવાઈ શું થયું છે...કેમ આટલી બધી ચીસો પાડે છે. જરા અંદર જઈને જુઓ તો ખરા."
"અરે પણ કોઈ સાંભળતું જ નથી. બસ ચીસો જ પાડે છે." દુર્યોધન ખૂબ દુઃખી થઈને બોલ્યો.
આખરે ઘણીવાર સુધી કાકીઓને કુદાવી કુદાવીને માયવીએ પોતાની માયા અલોપ કરી દીધી. એક પણ જીવ કે જંતુ રહ્યું નહીં. એ જોઈને સર્વ સ્ત્રીઓ શાંત થઈ. પણ વસ્ત્રવિહીન અવસ્થા જોઈ શરમથી મોં ઢાંકીને એક ખૂણામાં જઈને બેઠી.
અત્યંત ત્રાસ પામેલી ભાનુમતીએ દુર્યોધનનો અવાજ સાંભળ્યો એટલે બહારથી વસ્ત્રો મંગાવ્યાં.
બહાર તો એવા કોઈ વસ્ત્રો હતાં નહીં એટલે શ્વેત વસ્ત્રો આપવામાં આવ્યાં. એ વસ્ત્ર શરીર ફરતે વીંટાળીને પ્રવેશદ્વાર ખોલ્યું.
દુર્યોધન અને શકુનિ સાથે બલભદ્ર અને ભગવાન પણ અંદર ધસી આવ્યા.
ભાનુમતીએ બનેલી બીના કહી સંભળાવી એટલે ભગવાન હસ્યા,
"ભાઈઓ ચાલો આજનો ખેલ પૂરો થયો...ભાઈના વેવાઈ રોજ રાતે નવા નવા ખેલ કરે છે.''
બલભદ્રએ ગુસ્સે થઈને ભગવાન સામું જોયું,
"તું કેમ મશ્કરી કરે છે. તું જા ભાઈ તારે ઘરે...અહીં વેવાઈને પડેલી તકલીફ જોઈને તને હસવું આવે છે...જા ભાઈ જા..."
"ચાલો ચાલો...ભાઈઓ...હવે કંઈ જોવાનું નથી...કહે છે કે સાપ અને અજગર હતાં...જીવજંતુ હતાં. અમારી નગરીમાં આટલા વર્ષોમાં અમે તો ક્યારેય આટલા જીવજંતુ એકસાથે જોયાં નથી."
એમ કહી ભગવાન એમના મહેલે સિધાવ્યા.બલભદ્ર થોડીવાર પછી વેવાઈને દિલાસો આપીને પોતાને મહેલે આવ્યા.
વેવાઈને પડેલી તકલીફ અંગે એમને ચિંતા થઈ રહી હતી અને પ્રભુ મજા લઈ રહ્યા હતા.
એવે વખતે નગરની બહાર ગટોરગચ્છ ત્રીજા દિવસની તૈયારી કરી રહ્યો હતો...!!

(ક્રમશ:)