હું તમારા સાથમાં જ કોરોન્ટેઇન- રેખા પટેલ(ડેલાવર)
ચારેબાજુ આખી દુનિયામાં કોરોનાનો કહેર વર્તાયો છે,
કોરોના નામના અતિ આક્રમક વાઇરસને કારણે સંક્રમિત થયાની સંખ્યામાં રોજ હજારોનો વધારો.
આજે આટલાં બીમાર થયા, હોસ્પિટલમાં સંક્રમિત થનારાઓ માટે જગ્યા નથી.
મૃતકોનો આંકડો બહુ ઝડપથી વધી રહ્યો છે. વગેરે... રોજ એકની એક વાતો.
એમાય પાછું લોકડાઉન, શરૂવાતમાં તો લાગ્યું હાશ બધાની સાથે રહેવાનો એક ઉત્સવ આવ્યો.
અતિ વ્યસ્ત જીંદગીમાં ફેમીલી સાથે શાંતિથી રહેવાનું હમણાથી ઓછું બનતું આથી એક રીતે સારું લાગ્યું.
પરંતુ બહુ જમવાથી અપચો થાય છે, એમ એક મહિનો ઘરમાં બંધ રહીને કંટાળો આવવા લાગ્યો.
એમાય રોજ સવારથી સાંજ સુધી સીએનએન કે ગુજરાતી આજતક ચેનલ ઉપર આવતા
ભયજનક સમાચાર વિચારોને વાઇરસના પગપેસારાના ભય સાથે બાંધી રાખતા હતા.
આજે કોણ જાણે સવારથી જરા બેચેની હતી. બે ચાર છીંકો પણ આવી ગઈ, સહેજ તાવ જેવું લાગતું હતું.
પહેલા આમ થયું તો લાગતું પોલોનની એલર્જીને કારણે કે વાઈરલ હશે કંઈ, પણ હવે તો બાપરે...
સીધી કલ્પના કોરોનાની. હું તો ક્યાય ગઈ નથી કોઈ આવ્યું નથી તો પછી ક્યાંથી?
હું રોજ બપોરે બહાર જઈને પોસ્ટબોક્સ માંથી મેલ લાવતી હતી તો એમાં નક્કી મને આ વાઈરસ લાગી ગયો.
" આજ થી હું કોરોન્ટેઇન છું. કોઈ મારા રૂમમાં આવશો નહી. કઈ પણ કામ હોય તો બારણાની બહાર રહીને પુછજો."
પતિ અને બંને બાળકોને કમને આદેશ આપી હું રૂમમાં ભરાઈ ગઈ, પરંતુ જીવ તો બહાર જ હતો. મારા વિના શું કરશે શું જમશે, મારું ઘર આ દસ દિવસ ઘર કેમ ચાલશે?
બાળકો અને એ તો કહેતા રહ્યા કે "તને કશુજ નથી તારી એલર્જીને કારણે એવું લાગે છે.
પરંતુ હું મારી બીમારી કોઈને ના લાગે તેની તકેદારી રાખતી હું એકલીજ રહીશ વિચારતી હતી."
ભૂખ નથી કહી તે રાત્રે હું દવા લઈને જલદી સુઈ ગઈ. પછી કોને ખબર શું થયું...
રાત્રે કોણ જાણે થયું કે લાગ્યું કોઈ ગળું દબાવી રહ્યું છે. થયું કે બુમ મારું પણ આંખો અને મ્હો બંધ થઇ ગયા હતા. મેં ઘણા તડફડીયા માર્યા પણ શ્વાસ રૂંધાઇ ગયો. આંખોના ડોળા બહાર આવી ગયા. શરીર સખત થઇ ગયું.
*************
ફુગ્ગામાંથી હવા નીકળે તેમ બહાર એક ગોળો ફેકાઈ ગયો. એ સાથે " હું " એટલેકે મારા મૃત શરીર માનો આત્મા બહાર આવી ગયો.
ચારે તરફ અંધકારમાં પણ મને સ્પસ્ટ દેખાતું હતું. આજ સુધી હું જીવ અંદર રહેતો હતો ત્યાં સુધી આ શરીર રૂપાળું હરતું ફરતું હતું. આજે એ શરીર સાવ નિસ્તેજ પડ્યું હતું. હું વિચારમાં પડી ગયો કે હવે બધા આનું શું કરશે?
મારે તો જવાનું હતું, દુર બહુ દુર છતાં હવે પછી શું? એ જોવાની ઈચ્છા રોકી શક્યો નહિ. સવાર સુધી રોકાઈ જાઉં વિચારી ત્યાંજ આટાં લગાવતો રહ્યો.
વિચારતો રહ્યો કે આ શરીર વિના બાકીના કેવી રીતે રહેશે. જેમને આની ભારે આદત હતી. સવારે ઉઠે ત્યારથી દોડાદોડી કરતી.
બંને બાળકો માટે સ્કુલના ડબ્બા ભરવાથી લઈને તેના પતિને લંચનો ડબ્બો ભરી આપવા સુધીની દિનચર્યામાં એ મારું ભોજન એટલેકે આત્માની શાંતિ માટેનો વિચાર સુધ્ધાં નહોતી કરતી. છતાં હું કોણ જાણે તેનો વિચાર કરવા રોકાઈ ગયો હતો.
સવાર પડી સહુ મમ્મી હવે તને કેમ છે કહી દોડતા રૂમની બારણું ખટખટાવ્યા કરતા હતા. અંદરથી કોઈ જવાબ મળ્યો નહિ. જે શરીર હતું એતો નિર્જીવ પડ્યું હતું. અને હું જીવ તેના પલંગની બાજુના ટેબલ ઉપર પડેલા પુસ્તક " અંતરમન" ઉપર બેઠો બેઠો બધું જોયા કરતો હતો.
છેવટે બારણું ખોલી ત્રણેવ અંદર આવ્યા. પેલા શરીરને ખુલ્લી આંખે નિસ્તેજ પડેલું જોઈ ત્યાંજ દુરથી ઢગલો થઇ ગયા.
" ડેડી હવે શું કરીશું મમ્મી વિના આપણે?" નાની દીકરી તેના ડેડીને ઝંઝોળી પૂછી રહી હતી.
"ડેડી મમ્મીને હગ કરવી વહાલ કરવું છે" કહી નાની દીકરી રડતી રહી.
" ના બેટા દુરથી મમ્મીને જો તેની પાસે ના જઈશ. કોરોના ભૂ ચેપી છે, તારી મમ્મી આપણે ગુમાવી દીધી હવે હું કોઈને પણ ખોવા નથી માગતો. મારી તો દુનિયા લુંટાઈ ગઈ." પેલો પુરુષ રડવા લાગ્યો.
"ડેડી આવા સમયમાં ડેડ બોડીને લેવા એમ્બ્યુલન્સ પણ નથી આવતી. ફયુનરલ હોમ વાળા પણ નહિ આવે, કે ના કોઈ સગાવહાલા આવા સમયમાં આપણા ઘરે આવશે. આપણે એકલા હવે શું કરીશું?" મોટી દીકરી સમજદાર લાગતી હતી તે વાસ્તવિકતાને જલદી સમજી ગઈ હતી છતાં રડતી હતી.
" હા બેટા આ બહુ કપરા સમયમાં કોઈ પોતાનું નજીક નહિ આવી શકે, આ તો કેવી વિટંબણા. તારી મમ્મીના પાર્થિવ શરીરને અગ્નિસંસ્કાર આપવા પણ આપણે નહિ જઈ શકીએ. કોઈક ફયુનરલ હોમમાંથી આવીને એને લઇ જશે , જેણે આપણી માટે આખી જીંદગી આપી તેની અંતિમયાત્રા વખતે તેને સ્પર્શ પણ નહિ કરી શકીએ...બધુજ સુખ હાથમાંથી સરી ગયું." કહેતા બધાએ એક સાથે પોક મૂકી.
હું તો ખુણામાં વિચારતો રહ્યો કે અરરર આતે કેવું મોત, જેમનું આખું જીવન આ સ્ત્રીની આજુબાજુ હતું , જેમની માટે આ સ્ત્રીએ આખી જીંદગી આપી, તે કોઈ તેની કાયમી વિદાઈ વેળાએ હાજર નહિ રહી શકે? અંતિમયાત્રામાં કોઈ નહિ આવે? તેને છેલ્લી વિદાઈ વેળાએ કોઈ પોતાનું ગળે પણ નહિ લગાવે?
ના ના હમણા નથી જાવું. મોતનો પણ એક ઉત્સવ હોવો જોઈએ તેનો પણ મલાજો હોવો જોઈએ. આટલું વિચારી હું ઝડપભેર પેલી નિસ્તેજ સ્ત્રીની ખુલ્લી આંખોમાં પ્રવેશી ગયો.
**********
" ઓ મારે ...ઝાટકા સાથે ચીસ પાડીને હું પલંગમાં બેઠી થઇ ગઈ.
" શું થયું ડાર્લિંગ કોઈ ડ્રીમ આવ્યું કે શું?" એ મારી સાથે બેઠા થઇ ગયા.
હા એવુજ હશે. તમે સાથે છો તો એ નક્કી સ્વપ્ન હશે. તમારા સાથમાં કોઈ કોરેનાની પણ શું હિંમત કે પાસે પણ ફરકે.
હું તો તમારા સાથમાં જ કોરોન્ટેઇન. ચાલો સુઈ જઈએ સવારે તમારા બધા માટે બ્રેકફાસ્ટ બનાવવા મારે વહેલું ઉઠવું પડશે." હું તેમને વહાલથી વીંટળાઈ ફરી સુઈ ગઈ.