થોડાં દિવસ અગાઉ નેટફલિકસ પર લિફ્ટમેન નામનું મૂવી જોયું. સરસ મજાની હળવીફૂલ વાર્તા સાથે એટલોજ સરળ, મહત્વનો બોધ આપી જાય. તેમાં એપાર્ટમેન્ટના સર્વેસર્વા એવા ડી'સુઝા મેડમ, લિફ્ટમેન તરીકે કામ કરતા વ્યક્તિના એકના એક દીકરાને કારકિર્દી બનાવવા માટે શક્ય એટલી બધીજ મદદ કરે છે અને અંતે અથાગ મહેનત તથા જહેમતથી દીકરાને સફળ બનાવીને જ જંપે છે.
કોઈને મદદ કરવા, નિઃસ્વાર્થ (Selfless) મન અને માનવતાના (Humanity) તાંતણે ગૂંથાવાનો સમર્પણભાવ, એ પૂર્વશરત, પત્યું ! એની આગળ તો, પરમકૃપાળુ પરમેશ્વર અને કુદરતની મધ્યસ્થી દ્વારા, બાકી બધાં પાસાં વારાફરતી પોતપોતાની જગ્યાએ ગોઠવાતાં જાય છે.
મેં જ્યાં સુધી જોયું છે, તો લોહીનાં સબંધ જ, પારાવાર મનભેદ, મતભેદ અને દુઃખ આપે છે.
પેલું કહે છે ને, " જે સગા હોય , એ વહાલાં નથી હોતાં અને જે વહાલાં હોય, એ સગા નથી હોતાં ".
મારે તમને નારાયણની વાત કરવી છે. સરકારી કંપનીમાં નોકરી કરે અને કુટુંબમાં પત્ની તુલસી, મોટો દીકરો તથાગત અને દીકરી મીરા. સંતાનો વચ્ચે ત્રણેક વર્ષનો તફાવત હશે. બંને કંપનીની જ શાળામાં ભણે.
૧૯૯૪ ની આ વાત, તેમણે પ્રોવિડન્ટ ફંડમાંથી થોડી રકમ ઉપાડીને સ્કૂટર બૂક કરાવ્યું. આ એવો સમય હતો જ્યારે સ્કૂટર બૂક કરાવ્યા પછી વર્ષેબેવર્ષે તમને મળે. એમાં પણ ચૂકવણી ડોલરમાં કરો તો ડિલિવરી જલ્દી મળે. નારાયણનો પત્તો બે વર્ષે લાગ્યો.
૧૯૯૬ નો પહેલો વરસાદ પડ્યો, નવું સ્કૂટર હતું એટલે સ્વાભાવિકપણે માણસને વધારે પડતી ચિંતા થાય. મધ્યમવર્ગીય વ્યક્તિ પોતાની સાયકલ માટે પણ લાગણીમય થતી હોય તો, વળી આ તો સ્કૂટર હતું એ પણ પાછું લોન પર લીધેલું !
પરિસ્થિતિનો તાગ મેળવી નારાયણ તેમના સ્કૂટરને વરસાદી વાઘા એટલેકે કવર પહેરાવા, વડોદરાના ગાંધી નગરગૃહ પાસે આવેલી વાહનોની એક્સેસરિઝની દુકાનોમાંથી એક મનીષભાઇની દુકાને ગયા.
કવરની કિંમત ચૂકવતી વખતે, એક ચુસ્ત મધ્યમવર્ગીય ગુજરાતી હોવાની ફરજ બજાવતાં નારાયણે ભાવતાલ કર્યો.
મનીષ સહેજ ગળગળા થઈ બોલ્યા, " સાહેબ! ફરી ક્યારેક તમારી પાસે રૂપિયા ઓછાં લઈશ, મારા દીકરાની એન્જિનિયરિંગ ની ફી અને પુસ્તકો લેવાના હોવાથી હાલ પૂરતું ભાવતાલ ન કરો તો સારું ".
આપ સહુને એક ગીત યાદ હશે, "साथी हाथ बढ़ाना..एक अकेला थक जाएगा..मिलकर बोझ उठाना " આગળ એવુંજ થવાનું લખાયું હતું.
નારાયણે પણ કપરા દિવસોમાં ભણતર પૂરું કરેલું, એટલે મનીષભાઇની મુશ્કેલી તેઓ બરાબર રીતે સમજી શકતા હતા.
ત્યારે આજના જેવી ભણતર માટેની લોન જેવું કંઈ હતું જ નહીં. મોટાભાગનાં મધ્યમવર્ગીય કુટુંબ પાસે જીવન જીવવાના બે મંત્ર હતાં. એક તો, " જે છે એમાં જ ચલાવવાનું " અને બીજો, " પડે એવાં દેવાય ".
નારાયણે મનીષ પાસેથી તેમના દીકરા પ્રદીપના ભણવાને લગતી, અત થી ઇતિ સુધીની બધીજ માહિતી મેળવી લીધી.
નારાયણ પોતે એન્જિનિયર બન્યા હતા, ત્યારે નક્કી કરેલું કે મારા એન્જિનિયરિંગનાં પુસ્તકો આજીવન મારી પાસે સાચવીશ. આ પુસ્તકો પ્રત્યે એક અહોભાવ અને પ્રેમ હતો. તેમનું માનવું હતું કે જીવનમાં જે કંઇ પણ થોડુંઘણું મેળવ્યું છે, તે આ પુસ્તકો થકીજ.
' સંઘરેલો સાપ પણ કામનો ' , ત્યારે આ તો પુસ્તકો હતાં! નારાયણે બધાજ પુસ્તકો તથા ફી પેટે, પોતાના પગારનો અમુક ભાગ આપવાનો નિર્ણય કર્યો.
બીજે દિવસે તુરતજ નારાયણ પુસ્તકો અને ફીની રકમ આપવા મનીષની દુકાન પર ગયા. આ જોઈ મનીષ રડમશ અવાજે બોલ્યા, " સારા માણસોની હાજરી સાચેજ હજી પણ આ ધરતી પર છે , હું આ ક્યારેય નહીં ભૂલું ".
" મનીષ, મારું પણ સપનું છે કે મારું પોતાનું ઘર થાય. પણ કુટુંબની જવાબદારી અને બીજા ખર્ચથી પનો ટૂંકો પડે છે. કદાચ દીકરો મોટો થઈને કંઈ કરે તો ઠીક. ઘરની લોનના હપ્તાં તો ભરવાની તાકાત નથી, પણ તમારા દીકરાની પ્રથમ સેમેસ્ટરની અમુક ફી મને પોસાય એમ છે એટલે હિંમત બંધાઈ. મારું ઘર તો થતાં થશે, એ પહેલાં તમારો દીકરો કેમિકલ એન્જિનિયર બની જાય તો, એમાં મારું ઘર થયાનો સંતોષ હું પામીશ " નારાયણ બોલ્યા.
આ દરમિયાન સમયનું વહાણ ૧૯૯૬ થી ૨૦૧૬ માં આવી પહોંચ્યું હતું. દીકરો તથાગત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયો હતો અને દીકરી મીરા એમબીબીએસ પૂરું કરી આગળ ભણવા વિદેશ જવા માંગતી હતી. નારાયણના નિવૃત્ત થવાને થોડાં વર્ષ બાકી હતાં. મોટાભાગનો સમય એજ્યુકેશન લોન માટે બેંકના ધક્કા ખાવામાં જતો હતો.
આ બાજુ તથાગત સારી નોકરીની શોધમાં વિવિધ કંપનીઓમાં પોતાનો સી.વી ઓનલાઇન મોકલતો હતો. કેમ્પસ પ્લેસમેન્ટમાં જે કંપનીઓ આવી હતી એમાંથી અમુકને તથાગતમાં મજા ન આવી અને અમુક કંપનીમાં તથાગતને ! આ દરમિયાન ફ્રીલાન્સર તરીકે કામ કરતો રહ્યો.
આંઠ-દસ મહીના પછી એક નામાંકિત કંપનીમાં, તથાગતને ફાયનાન્સ મેનેજર તરીકે નોકરી મળી ગઈ. તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા પછી, નારાયણના કુટુંબ માટે આ બીજો આનંદદાયી પ્રસંગ હતો.
નોકરીના પ્રથમ દિવસે, કંપનીના મેનેજિંગ ડિરેકટર નિલેશ શાહને મળવાનો સમય આવ્યો ત્યારે પ્રથમ પરિચયના શિષ્ટાચારથી સહેજ આગળ વધી નિલેશ દ્વારા તેમને પહેલા દિવસ માટે સહેજ અસામાન્ય કહી શકાય એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો.
તેઓએ પૂછ્યું, " તથાગત ! જીવનમાં અત્યાર સુધી કોઈ એવું કામ કર્યું છે જે તમને આવનારાં ઘણાં વર્ષો સુધી યાદ રહી જાય? "
આ સાંભળી તથાગત પહેલાં તો સહેજ મૂંઝાયો, પણ પછી સ્વસ્થતા મેળવી કહ્યું કે , " મેં તો નહીં પણ મારાં પપ્પાએ બે દાયકા અગાઉ કોઈને મદદ કરી હતી, શું એ કહી શકું? "
નિલેશ શાહે હામી ભરતા, તથાગત તેના પપ્પા નારાયણ દ્વારા મનીષના દીકરા માટે કરેલી મદદનો વૃત્તાંત અક્ષરસઃ સંભળાવે છે.
નિલેશ શાહ, આ આખો ઘટનાક્રમ તેમના અંગત મિત્ર પ્રદીપ ભાટીવાલને, ગોલ્ફ કોર્સ પર પહેલી બર્ડી સ્કોર કરવાના ઉત્સાહમાં કહે છે. પ્રદીપ, નિલેશે કહેલી બધીજ વાત એટલા ધીરગંભીર બનીને સાંભળી રહ્યા હતા કે વાતના અંતે તેમની આંખે ભીનાશની ચાદર પથરાઈ ગઈ, એ સ્પષ્ટ દેખાતું હતું. નિલેશ દ્વારા પૂછવામાં આવતા, "સમય આવ્યે બધું કહીશ" એમ કહી ત્યાંથી નીકળી જાય છે.
સમયસૂચકતા વાપરી પ્રદીપ, નિલેશ પાસેથી તથાગત ની બધીજ માહિતી મેળવી બીજે દિવસે સવારસવારમાં તથાગતને કોલ કરે છે .
" ગુડ મોર્નિંગ તથાગત, હું પ્રદીપ ભાટીવાલ ચેરમેન શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીઝ,બોલી રહ્યો છું "
" ઓહ ! વેરી ગુડ મોર્નિંગ સર, તમને કોણ નથી ઓળખતું. તમારા જેવી વ્યક્તિ મને સામેથી કોલ કરી રહી છે, કોઈ વિશેષ કારણ ? ", તથાગત ખુશ તો હતો છતાં ચિંતિત થઈ પૂછે છે.
બેત્રણ મિનિટના વાર્તાલાપમાં પ્રદીપે તથાગત અને તેના કુટુંબની રજેરજની માહિતી મેળવી લીધી અને અગિયાર વાગ્યાના સુમારે તેના ઘરે આવશે એમ જણાવે છે. આ બધામાં એ એક વાત પર ખૂબજ ભાર આપીને વાત કરે છે, અને એ એટલે નારાયણની હાજરી.
પહેલાંથી નક્કી થયું એમ અગિયારના ટકોરે પ્રદીપ, નારાયણના ઘરે પહોંચે છે અને કશું પણ બોલ્યા વગર સૌપ્રથમ નારાયણના ચરણ સ્પર્શ કરે છે. આખું કુટુંબ સ્તબ્ધ થઈને આ દૃશ્ય જોઈ વિચારમાં પડી જાય છે કે, આટલી મોટી વ્યક્તિ એ પણ આપણી ઘરે આવીને નારાયણના આશિર્વાદ ઝંખે; જાણે એમના પરિચયમાં વર્ષોથી હોય!
લાગણી પર સહેજ નિયંત્રણ મેળવી પ્રદીપ બોલે છે, " નારાયણ અંકલ હું પ્રદીપ, મનીષભાઈ નો દીકરો "
" મનીષભાઇ એટલે ગાંધી નગરગૃહ પાસે દુકા.........." નારાયણ યાદ શહેરમાં ડોકિયું કરી બોલે છે.
" હા અંકલ, હું સીટકવરની દુકાનવાળા એજ મનીષભાઇનો દીકરો પ્રદીપ, કે જેના માટે તમે આજથી બે દાયકા પહેલાં; પોતાનું ઘર હોવાની અભિલાષાને બાજુમાં મૂકી મારા જેવા છોકરાના ભવિષ્યની ઈમારતનો પાયો નાંખ્યો હતો ". નારાયણની વાત અધવચ્ચે કાપતા, પ્રદીપની વર્ષોની શોધનો જાણે અંત આવ્યો હોય, એ રીતે હાશકારાની અનુભૂતિ કરતાં બોલે છે.
પ્રદીપ આગળ બોલે છે, " આજે હું મારી કલ્પના બહારની સફળતા પામ્યો છું જેનું પ્રથમ સોપાન તમારા થકી અસ્તિત્વમાં આવેલું ".
" પણ મેં તો ફક્ત મારાં પુસ્તકો અને બહુ નજીવી રકમ ફી પેટે આપી હતી બેટા. તારાં સંઘર્ષ અને પરિશ્રમ વગર મારો સહયોગ નિરર્થક થઈ જતો. સૌથી વધુ કોઈ પીઠ થાબડવા યોગ્ય હોય તો એ તું જ બેટા ", નારાયણ પ્રદીપને સમજાવતા બોલે છે.
પ્રદીપ ગળગળો થઈ બોલે છે, " તમારી મદદ એટલા માટે સર્વોપરી છે કારણ કે તે વગર માંગ્યે આવી હતી અને એવા સમયે આવી હતી જ્યારે પપ્પાને લગભગ મોટાભાગનાં સગાસંબંધી અને મિત્રવર્તુળ તરફથી નિરાશા જ મળી હતી. તમારું યોગદાન તમને ભલે નાનું લાગે, પણ નિઃસહાય બાપના આ દીકરાને માટે અતિશય મોટું છે કારણ કે તમને નજીવી લાગતી રકમના લીધે એક બાપ લોકો સમક્ષ મદદ માટે વલખાં મારવાં અને આજીજીઓ કરવામાંથી બચી ગયો હતો ".
નારાયણના ઘરમાં મીઠાઈ તો હતી નહીં એટલે પત્ની તુલસીને ગોળ લાવા કહ્યું. તેઓ પ્રદીપનું મોં મીઠું કરાવતાં બોલે છે, " બેટા જો, અંત ભલા તો સબ ભલા. હું તો તારા ઘણાં બધા ઇન્ટરવ્યૂ શેર માર્કેટની ચેનલ પર જોતો હોઉં છું પણ ત્યારે સપને પણ ખ્યાલ ન હતો કે એ વ્યક્તિ તું હોઈશ ! "
" તમે પરોપકારની નદીમાં ડૂબકી મારી, મદદનો હાથ લંબાવી વાવેલો નાનો અમથો છોડ આજે સફળતાનું ઘટાદાર વૃક્ષ બની ગયું છે ". પ્રદીપ આ બોલતાં હર્ષોલ્લાસથી તરબતર થઈ જાય છે.
નારાયણ કુટુંબના બધાં સભ્યો સાથે પ્રદીપની ઓળખાણ કરાવે છે. થોડી જ વારમાં પત્ની તુલસી અને દીકરી મીરા, ચા-નાસ્તા સાથે આવે છે. સુખદુઃખની વાતો વાગોળી બધા ખુશખુશાલ થઈ જાય છે.
" અંકલ મારે આજે ફરી પાછી તમારી મદદની જરૂર છે, કરશો? " આ બોલતાં પ્રદીપની આંખમાં ગજબની ચમક હોય છે.
પ્રદીપના ખભે હાથ મૂકી નારાયણ કહે છે, " બેટા આજે તું જ્યાં છો ત્યાં તો હું શું મદદ કરી શકું? પણ મારાથી આજે પણ શક્ય બધું જ કરીશ, તું બોલતો ખરો ".
" આખી દુનિયામાં ફક્ત તમે જ આ કરી શકો એમ છો પણ વચન આપો કે તમે ના નહીં પાડો " પ્રદીપ એજ મસ્તીથી બોલે છે.
" આયુષ્યના આ પગથિયે મારી પાસે ગુમાવવા જેવું કશું છેજ નહીં, તું બેઝિઝક બોલ ", નારાયણ એક કુલીન માણસને છાજે એવી શાલીનતાથી બોલે છે.
પ્રદીપ મોટા દીકરાની જેમ બોલે છે, " પપ્પાએ મને કહેલું કે આ માણસ પોતાના ઘરનું સપનું બાજુએ મૂકી તારી વહારે આવ્યો છે. જિંદગીમાં આગળ કોઈ દાનધરમ કે પુણ્યકર્મ નહીં કરે તો ચાલશે, બાપ! આ વ્યક્તિનું સપનું પૂરું કરજે ".
પ્રદીપ આગળ બોલે છે, મને તેમના શબ્દો હજી પણ યાદ છે, તેઓએ મને કહેલું કે, " જન્મે તારો બાપ હું ખરો, પણ કર્મે તો આજ તારો પિતા ".
" બસ બસ બેટા ! મને જેવો છું એવોજ જો, મહાન બનાવીશ તો મારો હું, સ્વયં માંથી મટી જશે ", નારાયણ હાથ જોડી મંદ સ્મિત આપી બોલે છે.
નારાયણના પગની બાજુમાં બેસી તેના હાથમાં ચાવીનો ગુચ્છો આપતા પ્રદીપ બોલે છે, " તમારાં માટે મેં વિશાળ અને સંપૂર્ણ સુખસુવિધાથી સજજ ઘર ખરીદ્યું છે. મારાં પર્સનલ સેક્રેટરી પ્રવીણ, દસ્તાવેજ પર તમારી સહી લઈ આગળની બધીજ કાર્યવાહી જાતેજ જોઈ લેશે ".
"તને શું કહું બેટા", આટલું બોલતાં જ નારાયણ એક બાળકની જેમ નિર્ભેળ રડી પડે છે. આ જોતાંજ પ્રદીપ અને ઘરનાં બધાં જ સભ્યોની આંખમાં ચોમાસું હાજરી પૂરાવે છે.
આજે પ્રદીપની આંખમાં નારાયણ પ્રત્યે અને નારાયણની આંખમાં પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા અને અહોભાવનાં નાં અશ્રુ હતાં.
થોડી સ્વસ્થતા મેળવી પ્રદીપે કહ્યું, " તથાગત તું મારી કંપનીમાં જોડાશે તો મને ગમશે અને તારી કંપનીના મેનેજિંગ ડિરેકટર નિલેશ શાહ મારા અંગત મિત્ર છે, હું તેમની સાથે વાત કરી લઈશ. બોલ શું કહેવું છે તારું? ".
તથાગત નારાયણની સામે જોઈ પ્રદીપને કહે છે, " મને ઘણુંજ ગમશે, તમારી કંપની માટે કામ કરવું એ મારા માટે ગૌરવની વાત હશે પણ હું જો ત્યાં રહીશ તો મને તમારી હૂંફ મળશે અને છેવટે હું કમફર્ટ ઝોનમાં આવી જઈશ, એવું મને લાગે છે. જે મારા માટે ક્યારેય સારું સાબિત નહીં થાય ".
" મોરના ઈંડાને ચીતરવા ન પડે, એ આનું નામ. પણ ભવિષ્યમાં ક્યાંય અટવાય તો મોટો ભાઈ સમજી કોલ કરી દેજે ", પ્રદીપ ખુશ થઈ બોલ્યા.
એક-દોઢ મહિના પછી પ્રદીપની કંપની શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીઝ નાં વાર્ષિકોત્સવમાં વિશેષ અતિથિ તરીકે નારાયણનું સન્માન કરવામાં આવે છે.
સમારંભ બાદ પ્રદીપ નારાયણને પોતાની કેબિનમાં લઈ જાય છે. તેના ડેસ્ક પર મૂકેલી એક ફોટા વગરની ફ્રેઈમ બતાવતા કહે છે, " અંકલ આ ફ્રેઇમ વર્ષોથી તમારી રાહ જોતી બેઠી છે. મારી અદમ્ય ઈચ્છા હતી કે અહીં તમારી તસવીર હમેશા મૂકું જેથી તમારી જેમ હું પણ કોઈ વ્યક્તિને તેના કપરા સમયમાં કામ આવી શકું."
નારાયણના ઘરે પાડેલા ફોટામાંથી એક ફોટો કાઢી, પ્રદીપ તેને ખાલી મૂકેલી ફ્રેઇમમાં લગાવે છે.
પ્રદીપ શાંતચિત્તે બોલે છે, " આજે મારી અને વર્ષોથી રાહ જોતી આ ફોટો ફ્રેઇમની અધૂરપ અંતત: પૂરી થઈ...... ".
અને હા ! ... થોડાં જ સમય પછી નારાયણ ની દીકરી મીરા ડોક્ટર બની ગઈ અને અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આગળના અભ્યાસાર્થે રવાના થઈ. નારાયણને અઢળક વિનંતી બાદ મનાવીને, આ બધી જ વ્યવસ્થાની આગેવાની પ્રદીપે જ લીધી.
આચમન...
જરૂરી નથી કે મદદ કરનાર વ્યક્તિ કૃષ્ણ અને મદદ લેતી વ્યક્તિ સુદામા જ હોય.
જ્યારે મદદ કરનારમાં સુદામાભાવ અને મદદ લેનારમાં કૃષ્ણ ભાવ પ્રગટે તો સમજી લેવું કે .... મદદનું એન્જિનિયરિંગરૂપી આ વૃંદાવન કૃષ્ણમય અને સુદામામય થઈ રહ્યું છે.
બાકી તો જય કનૈયા લાલકી...
✍🏿..પંકિલ દેસાઈ