Ivaan - 4 in Gujarati Children Stories by u... jani books and stories PDF | ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 4

Featured Books
Categories
Share

ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 4

6. જંગલમાં આગ

ઈવાન જ્યારે સવારે નદી આગળ આવતો ત્યારે એક નાનો પથ્થર લઇને બેગમાં નાખતો. આજે પોતે બેગ માં જોયું તો પાંચ પથ્થર હતા. ઇવાનનો હવે અહીં છઠ્ઠો દિવસ પસાર થવાનો હતો. પહેલીવાર ઈવાન પોતાના માતાપિતાથી આટલા દિવસો દૂર રહ્યો હતો. એ પણ આવી રીતે. તે અહીં થી બહાર નીકળવા નદી સાથે સાથે ચાલતો હતો. તેને વિશ્વાસ હોતો કે કોઈપણ વસ્તી કે માણસો નદી કિનારે જ રહેતા હોય આથી જો કોઈ હશે તો તેને આ નદીની આસપાસ જ મળશે, પરંતુ તેને ખ્યાલ ન હતો કે તે જે દિશામાં જઈ રહ્યો હતો, તે જંગલની શરૂઆતથી મધ્યભાગ તરફ હતો.

ઈવાન દરરોજની પ્રમાણે બોટલમાં પાણી ભરે અને થોડા ફળો થી પેટ ભરે, થોડો નાસ્તો કરે. ઈવાન શરીરથી ઘણો નબળો પડી ગયો હોય છે પણ મનથી તે મજબૂત હતો. તેને વિશ્વાસ હતો કે કોઈ તેને જરૂર મળશે અને તે અહીંથી બહાર નીકળશે. તે થોડુ ચાલવાનું શરૂ કરે છે પણ ત્યાં જ જંગલમાંથી વિચિત્ર અવાજો અને ધુમાડો દેખાય છે ઈવાનને કાંઇ પણ સમજાતું નથી. તે જાણવાનો પ્રયાસ કરે છે પણ ત્યાં જ જંગલમાંથી ભયંકર આગ દેખાતી હોય છે. એ આગ ઈવાન તરફ જ આવતી હોય છે.આટલી મોટી જંગલની આગ અને આગથી બચવા માટે આગળ દોડતા જંગલી પ્રાણીઓ.

ઈવાનને ફરી પાછું પોતાની આંખ સામે મોત દેખાય છે. તેની આંખો ફાટી જાય છે. તેણે પહેલીવાર આટલા વિશાળ કદના જંગલી જાનવરો જોયા હતા.એ બધા આગથી દૂર ભાગતા હતાં. પણ એ આગ તો હવાની જેમ ફેલાઈ ને આખા જંગલ નો વિનાશ કરી નાખતી હતી. ઈવાનને કઈ સમજાતું ન હતું.તે બધા પ્રાણીઓ સાથે દોડવા લાગે છે. આખા જંગલમાં ચારે બાજુ બસ - આગ અને આગ જ. ઘણા પ્રાણીઓ તો જીવતા સળગી ગયા હતા.

ઈવાનને બચવા માટે કોઈ પણ રસ્તો ન હતો પણ થોડે દૂરથી હાથીનું ઝૂંડ આવતું દેખાણું. એમાંથી ઈવાન સૌથી નાના હાથી ઉપર ચડીને બેસી જાય છે અને એ ઝૂંડ આગમાંથી નીકળીને દોડવા લાગે છે. ઈવાનને પહેલીવાર હાથી પર બેસીને ઘણી બધી મજા આવવા લાગે છે. તેને વિશ્વાસ હોય છે કે તે જરૂર બચી જશે અને આ વખતે પણ એવું જ થાય છે. તે હાથી નું ઝુંડ આખરે નદી આગળ પહોંચી જાય છે જ્યાં આગ ન હતી. બાકી આખુ જંગલ આગથી ભસ્મી ભૂત થઇ રહ્યું હતું.

ઇવાનને બહુ દુઃખ થાય છે પ્રાણીઓની આવી હાલત જોઈને. તે હાથી ના ચહેરા પર હાથ ફેરવે છે. તે રડતું હોય છે ઈવાન પણ રડવા લાગે છે અને તેને ભેટી પડે છે. બધા હાથીયો સૂંઢમાં નદીનું પાણી ભરીને એકબીજાની ઉપર ઉડાડે છે. ઈવાન ખુશ થાય છે. તેને એવું લાગે છે કે બધા પોતાની જિંદગી બચાવી ને આનંદ માણતાં હોય.

ઘણા સમય બાદ ઈવાનને એવું લાગ્યું કે તે કોઈની સાથે હોય, બાકી આ જંગલમાં તો તે ભટકતો જ રહેતો હતો. થોડા સમય પછી બધા હાથી નદીની આગળ તરફ ચાલતા થાય છે. ઈવાન પણ પોતાનો બેગ ખભે ચડાવીને ચાલતો હોય છે. તે હાથીઓ સાથે વાત કરે છે અને પોતે જ પોતાના જવાબો આપે છે. હવે ઈવાનને થોડું સારું લાગી રહ્યું હતું. ઘણા સમય બાદ તેણે કોઈની સાથે વાત કરી હોય તેવું લાગ્યું.


7. માતાની યાદ

જંગલમાં આગ લાગ્યા બાદ બે દિવસ પછી ઈવાન એક સાંજે ઝાડ નીચે બેઠો હોય છે. તે પોતાના શરીર પર જુએ છે. ઘણા બધા ઘાવ હોય છે. ઈવાનને આખા શરીરમાં સતત દુખાવો થઈ રહ્યો હતો. તેની તેની પાસે હવે નાસ્તો પણ થોડો જ રહ્યો હતો. શરીર જાણે પૂરી રીતે થાકી ગયું હતું અને શરીરનો ભાર લાગી રહ્યો હતો. ઈવાન બેગમાંથી પથ્થરો ગણે છે અને આજ નો એક પથ્થર ઉમેરે છે. આજે તેનો નવમો દિવસ હતો ઈવાનની આંખમાંથી આંસુ આવી જાય છે.

અચાનક જ ઝડપથી અંધારું થતું હોય એવું લાગ્યું. તેણે ઉપર તરફ જોયું કાળાઘેરા વાદળ અને વીજળી થતી દેખાઇ. ઈવાનને થયું કે અત્યારે તો ચોમાસાની સિઝન પણ નથી પણ તેને યાદ આવ્યું કે જંગલ પ્રદેશ માં ગમે ત્યારે વરસાદ થતો હોય છે. હવે તો તે ઝાડ પર પણ ચડી શકે નહીં શકે સાથે તે ઘણો થાકેલો હતો. અચાનક જ ખૂબ જોરદાર વરસાદ થવા લાગે છે. ઈવાન બેગ ખંભે ચડાવી ને આમતેમ થોડીવાર ભટકે છે. ઈવાનનું આખું શરીર પલળી ગયું હતું અને ઠંડીનો ધ્રુજી રહ્યો હતો. ઈવાનને સખત માથું દુખી રહ્યું હતું. ઈવાને હવે આગળ એક ડગલું પણ ભરી શકાતું ન હતું. જો હવે વરસાદમાં આમ જ પલળતો રહેશે તો તે મરી જશે. એટલે તે બે મોટા ઝાડના થડની બખોલ જેવી જગ્યામાં ભરાઈ ને બેસી રહે છે. પોતે આખો તાવ અને ઠંડીનો થર-થરી રહ્યો હતો. શરીર પરના ઘાવમાં સખત દુખાવો થઈ રહ્યો હતો. તેનું શરીર ગરમ થવા લાગ્યું. ઈવાન ધીરે-ધીરે બેહોશ થઈ ગયો હતો અને એ ત્યાં જ સૂઈ ગયો.

જ્યારે ઈવાન આંખો ખોલે છે ત્યારે તેનું શરીર તૂટી રહ્યું હતું. માંડ-માંડ બેગમાંથી છેલ્લો વધેલો નાસ્તો કરે છે અને રડે છે. તે વિચારે છે કે મારે મારા માતા-પિતાને મળવા માટે જીવતો રહેવું છે. ફરી પાછો ઈવાન ત્યાં જ બેહોશ થઈ જાય છે. આમને આમ આ જગ્યાએ તે બે દિવસ સુધી તાવમાં પડ્યો રહ્યો હતો.

આજે ત્રીજી સવાર હતી. ઈવાનને તાવમાં થોડું રાહત જેવું લાગ્યું. પણ નબળાઈના કારણે ઉભો પણ રહી શકતો ન હતો. ઈવાનને પોતાની માતા યાદ આવે છે. તેણે છેલ્લી વાર પોતાની માતાના જન્મ દિવસની વાત કરી હતી. ઈવાન રડવા લાગે છે. આજે જો તે ઘરે હોત તો પોતાની માતાના જન્મ દિવસની તૈયારી કરી રહ્યો હોત...