નિરાલી, કેતન અને ત્યાર બાદ રમેશ ની હત્યા ની તપાસ કરતા કરતા પચીસ વર્ષ પહેલાં મરણ પામેલા હિમાંશુ ની હત્યા નું રહસ્ય અમિતાભ પંડિત ઉકેલી નાખે છે, પરંતુ હજુ સુધી આ કેસ માં તેમને જોઈએ એવી સફળતા નથી મળી. હવે વાચો આગળ...
___________
પછી ના દિવસે બપોર નું જમવા નું પૂરું કરી અમિતાભ અને અભિમન્યુ અમિતાભ ની ચેમ્બર માં બેઠા હતા. હિમાની ની સઘન પૂછપરછ દરમિયાન હિમાંશુ ના મોત નું રહસ્ય તો ઉકેલાયું હતું પરંતુ તેનો કોઈ આનંદ અમિતાભ ના ચેહરા પર દેખાતો ના હતો. રમેશ દાસ ના હત્યારા એવા સોપારી કિલર વિકાસ ને પણ અમિતાભ અને અભિમન્યુ એ બે ત્રણ વાર હાડકા ખોખરા કરી નાખે એવો માર માર્યો હતો પરંતુ એકદમ જ રીઢો ગુન્હેગાર હોવાથી વિકાસ પાસે થી આ રીતે કોઈ માહિતી કે વાત કઢાવવા નું અમિતાભ ને થોડું મુશ્કેલ લાગ્યું આથી તેણે બીજી રીતે ગુન્હા નું પગેરું શોધવા ના પ્રયાસો શરૂ કર્યા. ફરી વખત તેણે તથા અભિમન્યુ એ આ કેસ ની તમામ ડીટેઈલ ચકાસી જોઈ કદાચ કંઇક હાથ માં આવે. નિરાલી, કેતન, રમેશ તેમજ અસલમ અને સુંદર ના ફોન નંબર નીં કોલ ડીટેઈલ પણ ફરી પાછા જોઈ ગયા કદાચ કોઈ નવી માહિતી મળે. પરંતુ અમિતાભ ને કોઈ જ કડી મળતી ના હતી, આથી તેણે થોડી વાર શાંત મગજ રાખી ને બારે આટો મારી આવી ને ત્યાર બાદ ફરી વખત તે બધા પુરાવાઓ પર નજર નાખશે એવું નક્કી કરી ને અભિમન્યુ ને લઈ ને બારે ચાલ્યો ગયો.
ઉનાળા નો સમય હતો, અને બપોર નાં ત્રણ વાગ્યા નો સુરજ જાણે આગ ઓકી રહ્યો હતો, બન્ને જણા શેરડી ના રસ ના બે ગ્લાસ પી અને પોલીસ સ્ટેશન એ જવા નીકળતા હતા ત્યાં જ અભિમન્યુ નો ફોન રણક્યો. બે મિનિટ વાત કરી અભિમન્યુ એ અમિતાભ ને કહ્યું કે સર કોન્સ્ટેબલ તિવારી નો ફોન હતો, ટીપ મળી છે કે દારૂ નો એક મોટો જથ્થો શહેર ની હદ માં પ્રવેશવાનો છે. તરત જ અમિતાભ અને અભિમન્યુ પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં થી ટીમ તૈયાર કરી બાતમી મળેલ જગ્યા એ સઘન ચેકીંગ શરૂ કર્યું. બાતમી એકદમ જ ભરોસા પાત્ર ખબરી તરફ થી મળેલ હોવાથી દરેક શંકાસ્પદ વાહનો નું કડક ચેકીંગ અમિતાભે ગોઠવ્યું હતું. થોડા સમય બાદ જ એક મેટાડોર માં થી દારૂ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો. સાથે જેનો દારૂ પકડાયો હતો તે અમન વર્મા અને તેના બે સાગરીતો ની પણ ધરપકડ કરવા માં આવી. પોલીસ સ્ટેશન માં અમન ની સરભરા ચાલુ હતી, તેની પાસે થી તેના તમામ કસ્ટમર અને તેના સપ્લાયર ની માહિતી અમિતાભ કઢાવી રહ્યો હતો. શરૂઆત માં તો અમન પોતે એક નાનો દારૂ ની હેરાફેરી કરતો સપ્લાયર જ હોવાનું રટણ કરતો રહ્યો અને કંઇ જ ના બોલ્યો પણ અમિતાભ ના માર સામે ક્યારેક મડદા પણ બોલી નાખે તો આ બૂટલેગર એવા અમન ની શું ઔકાત. તેણે તેના તમામ સપ્લાયર્સ અને પોતે જેને માલ સપ્લાય કરતો તે તમામ કસ્ટમર્સ નાં નામ અને કોન્ટેક્ટ નંબર લખી આપ્યા.
___________
અભિમન્યુ તે તમામ નામો અને તેમની ડીટેઈલ ચકાસી રહ્યો હતો ત્યાં જ તેની નજર ચમકી. અમન એ જે નામ આપ્યા હતા તેમાં સુંદર નું નામ જોવા મળ્યું. અભિમન્યુ એ તપાસ કરતા આ તે જ સુંદર હતો જેનું કેતન હત્યા કેસ માં નામ હતું અને જેનું ખુદ નું ઝેર પાઈ ને ખૂન કરી નાખવામાં આવ્યું હતું. તરત જ અભિમન્યુ એ અમિતાભ ને આ વાત ની જાણ કરી. અમિતાભે ક્ષણ વાર નો યે વિલંબ કર્યા વગર અમન ને સુંદર વિશે પૂછ્યું અને તેનો ફોટો બતાવ્યો. અમન તરત જ તેને ઓળખી ગયો અને તેણે સુંદર ને માલ સપ્લાય કરતો હોવાનું કહ્યું. અમિતાભે ત્યાર બાદ અમન ને અસલમ અને વિકાસ વિશે પણ પૂછ્યું. વિકાસ ને તો નહિ પરંતુ અસલમ નું નામ ક્યાંક સાંભળ્યું હોય એવું અમન ને લાગ્યું પરંતુ તે એક વાતે સ્યોર હતો કે અસલમ તેનો કોઈ સપ્લાયર કે કસ્ટમર તો ના હતો નહિતર તો તેને તે બરાબર યાદ હોય જ. અમન હજુ કંઇક છુપાવતો હોય તેવું અમિતાભ ને લાગ્યું આથી તેણે અમન ના ફોન ની કોલ ડીટેઈલ કાઢવા નું અભિમન્યુ ને કહ્યું અને ખબરી ને અમન વિશે માહિતી લઈ આવવા ની કામગીરી સોંપી.
___________
બીજે દિવસે સવાર ના સાડા અગીયાર વાગ્યા હશે ત્યાં જ અમિતાભ નો ખબરી બંટી પોલીસ સ્ટેશન માં પ્રવેશ્યો, તેને જોઈ ને ગુસ્સે થતાં અમિતાભ બોલ્યો, "સાલા તું અહી કેમ આવ્યો. મે તને કહ્યું હતું ને તારે અહી નહિ આવવાનું. તું સમજતો કેમ નથી કે તારા જીવ પર જોખમ પણ આવી શકે છે, બંટી તરફ પોતાની ચિંતા વ્યક્ત કરતા અમિતાભ બોલ્યો." બંટી અમિતાભ ની પોતાના તરફ ની ચિંતા જોઈ ગદગદ થતાં બોલ્યો, "અરે સાહેબ, આપના ખાતર તો જીવ પણ જતો હોય તો જાય. મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે પેલી વાર લૂંટ કેસ માં તમે મને પકડ્યો હતો અને મારી મજબૂરી ને સમજી અને મારા પરિવાર ની હાલત પર દયા ખાઈને તમે મારું નામ એ લૂંટ કેસ માં થી કઢાવી આપ્યું હતું અને મારી પાસે હું ક્યારેય ખોટા રસ્તે ના ચાલુ એવા શપથ પણ લેવડાવ્યા હતા. આપના જેવા પોલીસ ઓફિસર માટે ડયુટી કરતા કરતા મૃત્યુ પણ આવે તો તે ગૌરવ ની વાત કહેવાય સર." બંટી ની અમિતાભ પ્રત્યે ની નિષ્ઠા જોઈ ને ત્યાં હાજર રહેલા અભિમન્યુ અને અન્ય પોલીસ સ્ટાફ પણ ગદગદ થઈ ગયા અને તેઓને પણ અમિતાભ જેવા જ બાહોશ પોલીસ અધિકારી બનવા ની ઈચ્છા જાગી ઉઠી.
"સારું, એ બધું તો ઠીક છે પણ તું અહીં શા માટે આવ્યો એ કહે પેલા, અને મે તને કામ સોંપ્યું હતું તેનું શું થયું?" વાત ની દિશા બદલાતો અમિતાભ બોલ્યો. જવાબ માં બંટી એ પણ પોતાની વાત શરૂ કરી, "સર, એટલે જ માટે તમારી પાસે રૂબરૂ જ આવવું પડ્યું, કારણકે અમન વર્મા ની બેકગ્રાઉન્ડ તપાસતો હતો તો એવી સોલીડ જાણકારી હાથ લાગી છે કે કદાચ આ કેસ અહી જ સોલ્વ થઈ જાય." "બંટી, આમ વાત ને ગોળ ગોળ ના ફેરવ સીધો મુદ્દા પર આવ." બંટી એ કહ્યું, "સર આ અમન વર્મા બાર વર્ષ થી દારૂ ના ધંધા માં છે, તેનો બાપ રાકેશ વર્મા પણ દારૂ નો જ ધંધો કરતો હતો. અમન ને એક સાવકી માં બીના વર્મા અને તેનો પુત્ર અમન નો સાવકો ભાઈ પણ છે જે સતર વર્ષ નો છે અને કોલેજ કરે છે, અમન ને તેના પ્રત્યે ખૂબ જ પ્રેમ છે પણ સાવકી માં બીના જોડે સહેજ પણ ફાવતુ નથી." હવે અમિતાભ ની ધીરજ ની કસોટી લેવાઈ રહી હોય તેમ એ બોલ્યો, "તારા આ અમન પુરાણ થી તું મારો સમય બગડી રહ્યો છે તારી પાસે કામ ની કોઈ વાત હોય તો બોલ નહિતર ચાલતો થા." અરે સર કામ ની વાત પર જ આવું છું, બંટી આગળ બોલ્યો, આ અમન ના સગા મમ્મી અને તેના પપ્પા રાકેશ વર્મા નીં પ્રથમ પત્ની નું નામ છે કૃતિકા, જેને તમે આ કેસ માં કૃતિકા કેતન કુમાર તરીકે ઓળખો છો." બંટી ની આ વાત સાંભળી અમિતાભ તથા અભિમન્યુ બંને અચંબિત થઈ ગયા, "શું વાત કરશ તું? તારો કહેવા નો અર્થ એ છે કે નિરાલી ના મમ્મી અને કેતન ની વાઇફ કૃતિકા એ આ બુટલેગર અમન ની મમ્મી છે!"
બંટી ની વાત પૂરી થતાં અમિતાભે તેને ટીપ આપી ને રવાના કર્યો અને અભિમન્યુ સાથે વાત શરૂ કરી, "અભિમન્યુ, તો શું આ અમન એ જ આ બધું કર્યું હશે? શું કૃતિકા આ બધા માં શામેલ હશે? મને લાગે છે આપણે એકદમ જ યોગ્ય દિશા માં આગળ વધી રહ્યા છીએ. ચાલ તે હરામી અમન પાસે થી જ આગળ ની વાત જાણીએ, આજે જ આપણે આ કેસ ને સોલ્વ કરી નાખવો છે." આટલું કહી અમિતાભ અમન ને જ્યાં રાખ્યો હતો એ પૂછપરછ રૂમ તરફ ચાલતો થયો, તેની પાછળ પાછળ અભિમન્યુ પણ ગયો.
___________
ફરી પાછો અમન અમિતાભ ની સામે એક ગુન્હેગાર તરીકે બેઠો હતો પણ આ વખતે તે એક દારૂ ના ધંધાર્થી તરીકે નહિ પરંતુ ત્રણ ત્રણ હત્યાઓ કરેલ એક ખૂની ની ભૂમિકા માં અમિતાભ સામે બેઠો હતો. અમિતાભે બોલવા નું શરુ કર્યું, "નિરાલી, કેતન, રમેશ આ બધા સાથે તારે શું સંબંધ છે?" અમિતાભ ના મોઢે આ બધા નામ સાંભળી અમન ચોંકી ઉઠ્યો પરંતુ પછી તરત જ સ્વસ્થ થતાં બોલ્યો કે સર, આપ આ કોના નામ બોલી રહ્યા છો હું આ કોઈને નથી જાણતો. હજુ અમન પોતાની વાત પૂરી કરે ત્યાં જ સટાક!..સટાક!... એમ બે જોરદાર થપ્પડ તેના ગાલ પર આવી પડ્યા. અમિતાભ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ને તેની સામે જોઈ રહ્યો હતો. તેના આ સ્વરૂપ થી અમન ડરી ગયો. અમિતાભે કહ્યું, "તો સાલા હરામી, કૃતિકા ને તો ઓળખે છે ને કે એને પણ ભૂલી ગયો?" પોતાની મા નું નામ સાંભળી ને હવે અમન નરમ થઈ ગયો, થોડી વાર પછી બોલવા નું શરુ કર્યું, "હા સર, તે મારી મા છે. પણ ખાલી જન્મ જ આપ્યો છે બાકી એક મા એ નિભાવવા જેવી કોઈ ફરજ તેણે નિભાવી નથી. મારી સાચી મા તો મારા પપ્પા રાકેશ છે, ભલે તે ગમે તેવા છે પણ મારા ઉછેર માં ક્યારેય કોઈ કમી નથી આવવા દીધી. હું ચાર કે પાંચ વર્ષ નો હોઈશ ત્યારે જ મારી માતા મારા પપ્પા નીં દારૂ પીવા ની લત ના કારણે અમને બન્ને ને છોડી ને ચાલી ગઈ હતી. ત્યાર થી મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી."
અમિતાભે પૂછ્યું, "તારે એની સાથે ભલે કઈ લેવા દેવા ના હોય પરંતુ તારી મા અને તેની દીકરી એટલે કે તારી સાવકી બહેન નિરાલી કરોડો ની સંપતિ માં રાચતા હતા તે તારા થી ના જોવાયું અને આથી બદલા ની આગ માં તે નિરાલી, રમેશ ને અને કેતન ને તારા જ ધંધા ભાઈઓ એવા અસલમ, સુંદર ના હાથે મારી નખાવ્યાં, બોલ સાચી વાત છે ને?" અમિતાભ ના મોઢે ત્રણ ત્રણ હત્યા ની વાત સાંભળી અમન ડરી ગયો અને રોતા સ્વર માં બોલ્યો, "સર આ તમે શું કહી રહ્યા છો? હું માનું છું કે હું મારી મા ને નફરત કરું છું, પરંતુ મે કોઈ ની હત્યા નથી કરી. નિરાલી કે મારી માતા ના બીજા પતિ કેતન ને તો મારા વિશે કઈ જાણ પણ ના હતી, મારી મા એ ક્યારેય આ વાત ની જાણ કોઈ ને થવા દીધી ના હતી. અને સાચું કહું તો સર મને એ કોઈ વાત થી કંઈ ફેર નથી પડતો, એ બધી વાતો મારા એવા ભૂતકાળ નો ભાગ છે જેને હું બદલી પણ નથી શકતો અને સ્વીકારી પણ નથી શકતો હા બસ તેને માત્ર ભૂલી શકું છું, અને વિશ્વાસ કરો સાહેબ હું તે બધુ ક્યારનો ભૂલી પણ ગયો છું. વાત રહી કરોડો ની સંપતિ ની, તો સર, મારે દારૂ ના ધંધા મા ઠીક ઠીક આવક છે તો હું શા માટે કોઈ ની હત્યા કરી ને મારી જાત ને જોખમ માં મૂકું? અને રમેશજી ને મરાવી ને મને શું ફાયદો?"
અમન ની પૂરી વાત સાંભળ્યા પછી અમિતાભ ને એટલો ભરોસો તો બેસી ગયો કે અમન સાચું બોલી રહ્યો હતો, આમ પણ તેને ખાસ કઈ દેખીતો ફાયદો નહોતો. પણ તો પછી ફરી પાછો સવાલ એ જ આવી ને ઉભો રહે છે કે, આખરે ખૂની કોણ?
___________
અમન પણ ખૂની ના નીકળ્યો, તો ખૂની કોણ?
હવે અમિતાભ શું કરશે
શું હજુ કોઈ ભેદ છુપાયેલ હશે?,જો હા તો અમિતાભ તેના સુધી કઈ રીતે પહોંચશે?
જાણવા માટે વાંચતા રહો, ખૂની કોણ?
મિત્રો, આ મારી પહેલી જ નવલકથા છે, તો આપના અભિપ્રાયો અને મંતવ્યો મારા માટે ખૂબ જ અગત્યના છે, મારી ખામીઓ પણ આપ કહી શકો છો કારણકે, એક વાચક ની ટીકા પણ એક લેખક માટે વખાણ જ કહેવાય. તમારા અભિપ્રાયો જણાવવા માટે મને મારા મેઈલ આઈડી hardik.joshiji2007@gmail.com પર અભિપ્રાયો મોકલી આપો અથવા મારા વોટ્સએપ નંબર ૯૨૨૮૨૭૬૩૫૪ પર પણ મેસેજ કરી શકો છો.