Best Hindi Comedy Movies in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | હાસ્યની રમઝટ બોલાવતી ૧૦ સર્વશ્રેષ્ઠ હિન્દી કોમેડી ફિલ્મો

Featured Books
Categories
Share

હાસ્યની રમઝટ બોલાવતી ૧૦ સર્વશ્રેષ્ઠ હિન્દી કોમેડી ફિલ્મો

મૂવીગૉસિપ - નરેન્દ્રસિંહ રાણા

આમ તો આ આનંદ અને ઉલ્લાસના પર્વ ઉપર મેં હોલિવૂડની ૧૦ સર્વશ્રેષ્ઠ કૉમેડી ફિલ્મો વિશે લખવાનું વિચારેલું, પણ પછી અચાનક મેં સર્વશ્રેષ્ઠ હિન્દી કૉમેડી ફિલ્મોનું ઈન્ટરનેટ પરની વિવિધ સાઈટ્સનું લિસ્ટ વાંચ્યું. મારો વિચાર આપોઆપ બદલાઈ ગયો. હિન્દી કૉમેડી ફિલ્મો સાચે જ અંગ્રેજી કૉમેડી ફિલ્મો કરતાં વધુ સારી છે એવો મારો અભિપ્રાય બંધાયો.

ફરી એકવાર મેં હિન્દી કૉમેડી ફિલ્મોના લિસ્ટ માટે IMDb/Internet Movie Database ના લિસ્ટ પર નજર દોડાવી. મારા લિસ્ટમાં અને એ લિસ્ટમાં સમાનતા દેખાઈ એટલે મેં એ લિસ્ટની ફિલ્મો પર લખવાનું નક્કી કર્યું. જો કે આ લિસ્ટમાં મેં મારી રીતે બે ફેરફાર કર્યા છે જે આગળ આવશે. આ લિસ્ટમાં રહેલી તમામ ફિલ્મો કદાચ બધાએ જોઈ હશે. ઘણાં આ લિસ્ટ સાથે સંમત ન પણ થાય. આ લિસ્ટમાં મને ગમેલી લગભગ બધી ફિલ્મો આવી જાય છે, એટલે મૂક્યું છે. તો ચાલો બૉલિવૂડની ૧૦ સર્વશ્રેષ્ઠ કૉમેડી ફિલ્મોની સફરે.

નંબર ૧૦ – બાવર્ચી (૧૯૭૨) :

ઋષિકેશ મુખર્જીની ફિલ્મો આ લિસ્ટમાં ન આવે એવું બને જ નહીં. આ ફિલ્મ મુખર્જીની હલકી ફુલકી ફિલ્મોમાં સ્થાન પામે તેવી નોંધપાત્ર ફિલ્મ છે. આ ફિલ્મ એક બંગાળી ફિલ્મની રિમેક છે. એ સિવાય આ ફિલ્મ પરથી તમિલ અને કન્નડ ભાષામાં પણ ફિલ્મો બની છે. ડેવિડ ધવને ૧૯૯૭ માં આ ફિલ્મ પરથી જ ‘હીરો નંબર વન’ બનાવી હતી.

ફિલ્મકથા છે એક વિભક્ત પરિવારની જેના સભ્યો વચ્ચે ખટરાગ છે. પરિવારના વડીલ એવા દાદાજી પરિવારને જોડવાના નિષ્ફળ પ્રયત્નો કરતા રહે છે. પરિવારમાં નોકરો ટકતા નથી. આવા સમયે પરિવારમાં નવા નોકરનું આગમન થાય છે. જે ધીરે-ધીરે એ બધું જ વ્યવસ્થિત કરે છે. આ નોકરનું પોતાનું એક રહસ્ય છે.

ઋષિદાનું ‘ટ્રેડમાર્ક’ નિર્દોષ હાસ્ય અહીં ડગલે ને પગલે હાજર છે. સ્વ. રાજેશ ખન્ના આ ફિલ્મના મુખ્ય પાત્રમાં જીવી ગયા છે. આજે પણ આ ફિલ્મ જોઈએ ત્યારે ફિલ્મમાં રહેલી નિર્દોષ હાસ્યની પળોને માણવાની મજા પડે છે. આ ફિલ્મ You Tube પર ઉપલબ્ધ છે.

આ ફિલ્મ સાથે એક વાયકા પણ જોડાયેલી છે. ફિલ્મની કથા કહેનારનો અવાજ અમિતાભ બચ્ચને આપ્યો હતો. ત્યારે અમિતાભ જયા ભાદુરીને ડેટ કરતા, માટે વારંવાર સેટ પર આવતા. રાજેશ ખન્ના અને અમિતાભ વચ્ચે ત્યારે હરીફાઈ હતી. તેથી રાજેશ ખન્ના અમિતાભનું અપમાન કરતા. આ વાતથી ગુસ્સે થઈને જયાએ એકવાર રાજેશખન્નાને કહેલું કે અમિતાભ તેમના કરતાં પણ મોટો સ્ટાર બનશે, જે આગળ જતાં સાચું પડ્યું !

નંબર ૯ – હાફ ટિકિટ (૧૯૬૨) :

આ ફિલ્મ IMDbના લિસ્ટમાં પાંચમા નંબરે છે અને નવમા નંબરે ‘સાધુ ઔર શૈતાન’ છે. પણ મારા મતે આ ફિલ્મ અહીં હોવી જોઈએ, એટલે મેં અહીં ઊમેરી છે. ‘સાધુ ઔર શૈતાન’ પ્રમાણમાં ઓછી જાણીતી ફિલ્મ હોવાને કારણે તેને મેં આ લિસ્ટમાં સ્થાન નથી આપ્યું. હાફ ટિકિટ કિશોરકુમાર અને મધુબાલાની ધમાલ કૉમેડી છે. આ ફિલ્મ હોલિવૂડની ફિલ્મ ‘You are never too young’ પર આધારિત છે. ફિલ્મની કથામાં હીરો વિજય (કિશોરકુમાર)ને લગ્ન નથી કરવા, માટે તે ઘર છોડીને ભાગી જાય છે. દુર્ભાગ્યે તેની પાસે પૈસા ન હોવાના કારણે તે પોતે બાળક છે તેવી એક્ટિંગ કરવા લાગે છે. તેની પાછળ એક સ્મગલર પડે છે. તે આ ગોટાળા અને ભાગાભાગી દરમ્યાન હિરોઈનને પણ મળે છે. ફિલ્મમાં કિશોરકુમારે નાના છોકરાની એક્ટિંગ કરીને મજા કરાવી છે. મધુબાલા પણ આ ફિલ્મમાં સરસ લાગે છે.

ફિલ્મ આમ તો ઓછી જાણીતી છે, પણ ફિલ્મમાં હસાવનારી ક્ષણોનો તૂટો નથી. આ ફિલ્મ You Tube પર મળી રહેશે.

નંબર ૮ – થ્રી ઈડિયટ્સ (૨૦૦૯) :

આ ફિલ્મ વિશે કહેવા જેવું ખરું ? ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક એવી આ ફિલ્મ સાચે જ ખડખડાટ હસાવે છે.

રાજકુમાર હિરાણી તેમની અલગ ફિલ્મો માટે જાણીતા છે. ફિલ્મ કંઈક અંશે ચેતન ભગતની અંગ્રેજી નોવેલ ‘ફાઈવ પોઇન્ટ સમવન’ પર આધારિત છે. આ ફિલ્મ હિરાણીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મોના લગભગ બધાં જ પાત્રો અમર થઈ ગયાં છે. આ ફિલ્મના ઘણાં દૃશ્યો પેટ પકડીને હસાવે છે.

રાજકુમાર હિરાણીને આ ફિલ્મની કથાની પ્રેરણા એક સાચા સંશોધનકર્તાના સોનમ વંગચુકના જીવન પરથી મળેલી. ‘સફળતા પાછળ નહિ, પણ શ્રેષ્ઠતા પાછળ ભાગો’ એ આ ફિલ્મનો હાર્દ છે. ફિલ્મના તમામ કલાકારોએ ઉત્કૃષ્ઠ અભિનય આપ્યો છે. રોજિંદા જીવનમાંથી ઉદ્દભવતી રમૂજોનો આ ફિલ્મમાં છુટથી ઉપયોગ થયો છે. ગરીબી, શિક્ષણપ્રથા, ઉછેર જેવા ઘણા વિષયો પર રાજકુમાર હિરાણી કટાક્ષ કરવાનું નથી ચૂક્યા. જો કે મારા મતે ફિલ્મના કેટલાંક દૃશ્યો ગળે ઉતરે તેવાં નથી. તેમ છતાં, આ એક મસ્ત મનોરંજક ફિલ્મ જરૂરથી છે.

નંબર ૭ – અંદાઝ અપના અપના (૧૯૯૪) :

રાજકુમાર સંતોષીની ગણતરી બહુ ટેલેન્ટેડ નિર્દેશકોમાં થાય છે. તેમણે લગભગ બધા જ પ્રકારની ફિલ્મો બનાવી છે.

અંદાઝ અપના અપના એક સિચ્યુએશનલ કૉમેડી છે. તેમાં પ્રસંગો દ્વારા હાસ્ય ઉત્પન્ન થાય છે. ફિલ્મ એક તેલુગુ ફિલ્મ ‘અલુલુ વસ્તુનાડું’ પર આધારિત છે. ફિલ્મના સંવાદો જોરદાર છે. ફિલ્મ જ્યારે રજૂ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર સફળતા નહોતી મેળવી શકી, પણ ધીરે ધીરે વિડિઓ અને ટી.વી.ના કારણે બહુ લોકપ્રિય થઈ. અમર-પ્રેમ, તેજા, ક્રાઈમ માસ્ટર ગોગો વગેરે પાત્રો અને ‘મેં તો કહેતા હું આપ પુરુષ હી નહિ હૈ…’ અને ‘તેજા મૈં હું, માર્ક ઈધર હૈ…’ જેવા સંવાદો અમર થઈ ગયા છે. ફિલ્મ બે ચાલતા પુરજા જેવા નાયકોના પૈસાદાર થવાના પ્રયત્નોની કથા છે.

આ ફિલ્મના નિર્માણ વખતે ફિલ્મના કલાકારો વચ્ચે બોલવાના પણ સંબંધ નહોતા. સેટ પર ઘણું ભારેખમ વાતાવરણ રહેતું, પણ જેવો કેમેરો ચાલુ થતો કે બધા પોતાનું બેસ્ટ આપતા. આ ફિલ્મના ઘણા કલાકારોએ પછી સ્વીકાર્યું કે તેમણે ક્યારેય આ ફિલ્મ આટલી યાદગાર બની જશે તેવું નહોતું વિચાર્યું.

એક મજેદાર વાત – આ ફિલ્મનો મુહૂર્ત શોટ સચિન તેંડુલકરે લીધો હતો !

નંબર ૬ – હેરાફેરી (૨૦૦૦) :

કૉમેડી-થ્રિલર પ્રકારની ફિલ્મોના બેતાજ બાદશાહ પ્રિયદર્શનની હેરાફેરી પણ સિચ્યુએશનલ કૉમેડી છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ‘રામોજી રાવ સ્પીકિંગ’ની રિમેક છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ભારે સફળતા મેળવી હતી.

ફિલ્મની કથા બે મુફલિસ નાયકો અને તેમના મકાનમાલિકના પરાક્રમોની છે. એક વાર આવેલા ફોનના કારણે ત્રણેયનાં જીવન પલટાઈ જાય છે. ફિલ્મના સંવાદો રીતસર પેટ પકડીને હસાવે છે.

આ ફિલ્મમાં અક્ષયકુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ વચ્ચે જબરી કેમેસ્ટ્રી રચાઈ છે. એમાં પણ ‘બાબુરાવ’ના પાત્રમાં પરેશ રાવલે કમાલનો અભિનય કર્યો છે. એક ઓછી બુદ્ધિવાળા મરાઠી આધેડ તરીકે પરેશ રાવલ આખી ફિલ્મમાં છવાઈ ગયા છે. રાજુ, શ્યામ અને બાબુરાવના નામ આજે ઘરે-ઘરે પ્રખ્યાત થઈ ગયા છે એ જ ફિલ્મની સફળતા કેટલી છે એ દર્શાવવા પૂરતું છે.

આ ફિલ્મનો બીજો ભાગ પણ બન્યો હતો અને એ પણ સુપરહીટ સાબિત થયો હતો. ત્રીજા ભાગની ઘણા સમય પહેલાં જાહેરાત થઈ ગઈ હોવા છતાં કોઈ કારણોસર બની શક્યો નથી.

નંબર ૫ – ચુપકે ચુપકે (૧૯૭૫) :

આ લિસ્ટમાં ઋષિકેશ મુખર્જીની બીજી ફિલ્મ. આ ફિલ્મ એક બંગાળી ફિલ્મ ‘છદ્મબેશી’ની રિમેક છે જે આ જ નામની બંગાળી વાર્તા પર આધારિત હતી. ફિલ્મના સંવાદો ગુલઝારે લખ્યા છે. ભારતીય સિનેમાના બે સૌથી મોટા સુપરસ્ટાર આ ફિલ્મમાં તેમની ઈમેજથી વિપરીત રોલમાં જોવા મળેલા. અમિતાભ અને ધર્મેન્દ્રને કૉમેડી રોલમાં જોવાનો લહાવો સાચે જ ચૂકવા જેવો નથી. આ ફિલ્મ ‘શોલે’ રિલીઝ થઈ એ વર્ષે જ આવેલી. ફિલ્મમાં શર્મિલા ટાગોર અને જયા બચ્ચન પણ છે.

ફિલ્મની કથા એક મજાકની છે. શર્મિલા ટાગોર પોતાના જીજાજીના બહુ વખાણ કરતી હોવાના કારણે ધર્મેન્દ્ર તેમને બનાવવાનું કાવતરું કરે છે જેમાં તેનો મિત્ર અમિતાભ પણ જોડાય છે. તેમની આ મજાકના કારણે અનેક છબરડાઓ સર્જાય છે.

૧૯૮૦માં લોકો સૂર્યગ્રહણ નરી આંખે ન જુએ અને ગ્રહણ વખતે ઘરમાં રહે તે માટે સરકારે આ ફિલ્મનું પ્રસારણ ગ્રહણના સમયે દૂરદર્શન પર કરેલું.

ફિલ્મમાં ઓમપ્રકાશનું કોમિક ટાઇમિંગ અને એક્ટિંગ જોવા જેવા છે. આ ફિલ્મ પણ You Tube પર મફત મળી રહેશે.

નંબર ૪ – પડોસન (૧૯૬૮) :

કિશોરકુમાર અને સુનિલ દત્તની ધમાલ કૉમેડી એટલે પડોસન. આ ફિલ્મ મહેમુદ અને એન. સી. સીપ્પીએ બનાવી હતી. ફિલ્મમાં મહેમુદ સાઉથ ઇન્ડિયન સંગીતકારના રોલમાં જીવી ગયો છે. આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. ફિલ્મનું સંગીત આર. ડી. બર્મને આપ્યું હતું. આ ફિલ્મ એક બંગાળી ફિલ્મ ‘પાશેર બારી’ પર આધારિત છે.

પોતાના પડોશમાં રહેવા આવેલી એક છોકરીને પટાવવા માટે ફિલ્મનો હીરો સુનિલ દત્ત પોતે એક ગાયક છે એમ કહે છે. આ જુઠ્ઠાણું ચલાવવા તેને કિશોરકુમાર, કે જે પોતે એક સારો ગાયક છે, મદદ કરે છે. તેના આ જુઠ્ઠાણાના કારણે અનેક છબરડાઓ સર્જાય છે.

ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘એક ચતુર નાર…’ કિશોરકુમાર અને મન્નાડેની જુગલબંધી માટે જાણીતું છે. આ ગીતનો સમાવેશ હિન્દી સિનેમાના સૌથી કૉમેડી ગીતોમાં થાય છે. કિશોરકુમાર અને સુનિલ દત્તના અભિનય માટે ખાસ જોવા જેવી ફિલ્મ.

નંબર ૩ – ગોલમાલ (૧૯૭૯) :

ઋષિકેશ મુખર્જીની આ લિસ્ટમાં ત્રીજી એન્ટ્રી. અમોલ પાલેકર અને ઉત્પલ દત્તના અભિનયથી ઓપતી આ ફિલ્મ એક સાફસુથરી કૉમેડી ફિલ્મ છે. ફિલ્મના ગીતો પણ કર્ણપ્રિય છે.

ફિલ્મનો નાયક (અમોલ પાલેકર) ઉત્પલ દત્તને ત્યાં નોકરીએ રહે છે. ઉત્પલ દત્તને સીધા સાદા મૂછો રાખતા છોકરાઓ પસંદ હોય છે. એક દિવસ તે નાયકને ખોટું બોલીને એક હોકી મેચમાં જતો જોઈ જાય છે. નાયકે પોતાની ઓળખાણ છૂપાવવા તેને એક જોડીયો ભાઈ પણ છે એવું જુઠાણું ઉત્પલ દત્તને કહેવું પડે છે. એ અસત્યને છૂપાવવા નાયકે પોતાનો એક બનાવટી પરિવાર પણ ઊભો કરવો પડે છે જેના કારણે અનેક ગૂંચવણો ઊભી થાય છે.

મને હાલમાં હોલિવૂડની એક ફિલ્મ ‘We’re the Miller's’ આ ફિલ્મ પરથી પ્રેરિત લાગી હતી. રોહિત શેટ્ટીની ‘બોલ બચ્ચન’ પણ આ ફિલ્મ પર આધારિત હતી.

ફિલ્મ ઉત્પલ દત્તના અભિનય માટે ખાસ જોવા જેવી છે.

નંબર ૨ – અંગૂર (૧૯૮૨) :

બે જોડીઓના ડબલ રોલવાળી સંજીવકુમાર અને દેવેન વર્માની કૉમેડી ફિલ્મ એટલે અંગૂર. આ ફિલ્મ શેક્સપિયરના અંગ્રેજી નાટક ‘Comedy of errors’ પર આધારિત છે. આ ફિલ્મ ગુલઝારે લખી અને નિર્દેશિત કરી છે.

માલિક અને નોકર બન્ને એક શહેરમાં આવે છે ત્યારે તેમના જેવા જ દેખાતા બે માણસોના કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે. આ છબરડા અને ગૂંચવણોના કારણે ફિલ્મ જોવાની જબરી મજા પડે છે. ફિલ્મમાં સંજીવકુમાર અને દેવેન વર્મા વચ્ચેની કેમેસ્ટ્રી ઉડીને આંખે વળગે તેવી છે. આ બન્ને જોડીઓના કારણે તેમની આસપાસના લોકોને હેરાન થતા જોવાની સાચે જ મજા પડે છે.

આ ફિલ્મ પરથી ડેવિડ ધવને ઘણાં વર્ષો પછી અમિતાભ અને ગોવિંદાને લઈને ‘બડે મિયાં છોટે મિયાં’ બનાવી હતી, પણ એ ફિલ્મ આ ફિલ્મની કક્ષાએ નહોતી પહોંચી શકી. આ ફિલ્મ પણ You Tube પર મળી રહેશે.

નંબર ૧ – જાને ભી દો યારો (૧૯૮૩) :

ભારતીય સિનેમાની સર્વશ્રેષ્ઠ કૉમેડી ફિલ્મ એટલે ‘જાને ભી દો યારો.’ આ ફિલ્મ એક કટાક્ષિકા છે. ફિલ્મ સમાજવ્યવસ્થા પર અને ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરે છે. ફિલ્મના ડિરેક્ટર કુંદન શાહ છે. આ ફિલ્મના કારણે ભારતીય સિનેજગતને ઘણા પ્રખ્યાત કલાકારો મળ્યા. આ ફિલ્મના નિર્માણ વખતે આ તમામ કલાકારોને કોઈ નહોતું ઓળખતું. નસીરુદ્દીન શાહ, રવિ બાસવાની, ઓમ પૂરી, પંકજ કપૂર, સતીશ શાહ, સતીશ કૌશિક, દીપ્તિ નવલ, પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરા વગેરેનું લિસ્ટ ઘણું મોટું બને.

ફિલ્મકથા છે બે બેકાર ફોટોગ્રાફરોની જે અજાણતાં જ ભ્રષ્ટાચારીઓ સામે પડે છે. ફિલ્મનાં ઘણાં બધાં દૃશ્યો યાદગાર બન્યાં છે. ફિલ્મના અંતે આવતું મહાભારતનું દૃશ્ય કદાચ ભારતીય સિનેમાનું સૌથી અસરકારક કૉમેડી દૃશ્ય છે.

આ ફિલ્મ એકદમ લો બજેટ ફિલ્મ હતી. ફિલ્મનું બજેટ એટલું ઓછું હતું કે ફિલ્મમાં દેખાડવામાં આવતો કેમેરો નસીરુદ્દીન શાહનો પોતાનો હતો જે શૂટિંગ દરમ્યાન ખોવાઈ ગયેલો. ફિલ્મનાં ટ્રેનનાં દૃશ્યો ફિલ્માવવા માટે રાત્રે શૂટિંગ કરવું પડેલું. ઘણા દૃશ્યોમાં સામાન્ય જનતા પણ દેખાઈ જશે. ફિલ્મ NFDC/National Film Development Corporation of India જેવી સરકારી સંસ્થાના પૈસે બનેલી. ભારતીય કૉમેડી ફિલ્મોના ચાહકોએ ફરજીયાત જોવા જેવી ફિલ્મ.■

(આ લેખને સચિત્ર માણવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)