Definition of Love - 6 in Gujarati Short Stories by Sandeep Patel books and stories PDF | પ્રેમની પરિભાષા - ૬

Featured Books
Categories
Share

પ્રેમની પરિભાષા - ૬

સૌની રાજી ખુશીથી ધર્મેન્દ્રના લગ્ન સંપન્ન થયા. બધા જ ખુબ જ ખુશ હતા. લગ્ન વિધિ પૂર્ણ કરીને અમે સૌ મોડી સાંજે ઘરે પહોંચ્યા. ત્રણ દિવસના આનંદના ભોગવટા બાદ ખુબ જ થાક નો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ આનંદ એ વાતનો હતો કે ધર્મેન્દ્ર બધી જ ભૂતકાળની વાતો ભૂલી ને શરૂ થયેલ નવ લગ્ન જીવન માટે તૈયાર હતો. લગ્ન ના છ માસ બાદ તેને એક સારી કંપની માં ઊંચા હોદ્દા પર નોકરી મળી ગઈ. હવે તે દિવસે પોતાના કાર્યમાં અને સવાર સાંજ પોતાના પરિવાર સાથે વ્યસ્ત રહેવા લાગ્યો.

ત્યાર પછી મે તેને ક્યારેય ઉદાસ ચહેરે જોયો ન હતો. સમય વીતતો ગયો. ધર્મેન્દ્ર તેની સુજબુજ અને મહેનત થી પ્રગતિ કરતો ગયો. કંપનીમાં તેનું સારું એવું નામ થઈ ગયું. આમને આમ રોજિંદી પ્રક્રિયા ચાલવા લાગી. થોડા સમય બાદ ધર્મેન્દ્ર ને કંપનીના કામ અંગે બહાર જવાનું થયું. હકીકતમાં તેને મધ્ય પ્રદેશની એક સંલગ્ન કંપનીના કારીગરોને તાલીમ આપવા જવાનું થયું હતું. લગભગ એક સપ્તાહ જેટલું ત્યાં રોકાવાનું હતું. શનિવારે સાંજે તે મધ્ય પ્રદેશ જવા રવાના થયો. ત્યાં કંપનીમાં પહોંચતાની સાથે જ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાત દિવસની તાલીમ આપ્યા બાદ તે કંપનીના માલિકે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો. આશરે ત્રીસ મિનિટ ની ચર્ચા પછી કંપનીના માલિકે ધર્મેન્દ્ર સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે ધર્મેન્દ્ર ને ગુજરાતની કંપની કરતા બમણા વેતન ની લાલચ આપી. પરંતુ ધર્મેન્દ્ર એ જવાબ આપતા કહ્યું કે હું મારી માતૃભૂમિ ને છોડવા માંગતો નથી, અને ત્યાં મને જે કંઈ પણ મળે છે તેનાથી મને સંતોષ છે.

એટલું કહી ધર્મેન્દ્ર ઑફિસમાંથી બહાર નીકળી ગયો. આ સાત દિવસ માટે ધર્મેન્દ્રની કાળજીની સંપૂર્ણ જવાબદારી એક કીર્તિ નામની છોકરીની હતી. કીર્તિ તે કંપનીના માલિકની બહેન હતી. સાત દિવસનો સમય જોડે પસાર કાર્ય બાદ કીર્તિને ધર્મેન્દ્ર પ્રત્યે લગાવ થઈ ગયેલો. જ્યારે પણ કીર્તિ અને ધર્મેન્દ્ર જોડે હોતા ત્યારે કીર્તિ ધર્મેન્દ્રને એકીટસે જોયા જ કરતી. એવું કહીએ કે એક રીતે કીર્તિ ધર્મેન્દ્ર ને મનોમન પ્રેમ કરવા લાગી હતી તો તેમાં કઈ ખોટું નહી. આ બાજુ ધર્મેન્દ્રને કીર્તિ રેલવે સ્ટેશન સુધી છોડવા આવી હતી. ટ્રેન આવવાની વાર હતી. બંને એકબીજાની બાજુમાં બેઠા હતા. કોઈ કોઈની સાથે કઈ વાત નહોતું કરી રહ્યું. કીર્તિ પોતાના હાથમાં રહેલી કારની ચાવી સાથે રમી રહી હતી. તેને શું વાત કરવી તેની કઈ સમજણ નહોતી પડી રહી. તો બીજી બાજુ ધર્મેન્દ્રના દિમાગ માં અનેક વિચારો ચાલી રહ્યા હતા. તેને પણ કીર્તિ પ્રત્યે એટલો જ લગાવ થઈ ગયો હતો. પરંતુ તેના દિમાગમાં પોતાની પત્નીના વિચારો ચાલી રહ્યા હતા. તે વિચારી રહ્યો હતો કે પોતે બધો જ ભૂતકાળ ભુલીને એક નવું જીવન શરૂ કર્યું. એક સુસંસ્કારી અને તેને પ્રેમ કરતી પત્ની પણ લાવ્યો. અને હવે જો કીર્તિ સાથે ના સંબંધોને સ્વીકાર કરે તો તે કેટલા અંશે વ્યાજબી કે યોગ્ય ગણી શકાય.

આવા વિચારોના વમળ વચ્ચે ટ્રેન સ્ટેશન પર આવી પહોંચી. રેલવે સ્ટેશન પર જાહેરાત થવા લાગી કે " अहमदाबाद जाने वाली ट्रेन प्लेटफॉर्म नम्बर ३ पर आ चुकी है, जो १० मिनिट बाद अहमदाबाद के लिए रवाना होगी, यात्रीगण कृपया अपना स्थान ग्रहण करले।" આ સાંભળતાની સાથે જ કિર્તી અને ધર્મેન્દ્ર બંને પોતાના વિચારોના વમળો માંથી બહાર આવી ગયા. બંને એક બીજા સામે જોઈ રહ્યા. ધર્મેન્દ્ર પોતાનો સમાન લઈને ટ્રેનમાં બેઠો. કીર્તિ પણ તેની સાથે ટ્રેનમાં ગઈ. છેલ્લી ક્ષણનો ચહેરો નિહાળ્યા બાદ બંને છુટા પડ્યા અને ટ્રેન અમદાવાદ માટે રવાના થઈ.

( ક્રમશઃ )