#Happy_Age_Home
ઉંમર એટલે તમે પસાર કરેલા વરસો નહિ, પરંતુ તમે કેટલા વર્ષોની મજા માણી છે એ...
પ્રકરણ ૧
સવારના 9:45 વાગ્યા હતા. હું અમારા મેગેઝીનના તંત્રીએ મને આપેલ સરનામે પહોંચી ગયો હતો. આમ તો હું ફોટોગ્રાફર છું પણ મારી લખવાની કળાથી ઈમ્પ્રેસ થઈને તંત્રીએ મને અહીં સંસ્થામાં રહેતા લોકો સાથે વાતચીત કરીને એમની લાગણીઓ રેકોર્ડ કરવાનું અને ફોટા લેવાનું કહ્યું હતું જે ફિલ્ડ મટીરીયલ તરીકે એક ફેમસ લેખકને મેગેઝીનમાં કવર સ્ટોરી લખવા માટે આપવાનું હતું.
એક જૂની પરંતુ ભવ્ય બિલ્ડિંગના કમ્પાઉન્ડની બહાર મેં બાઇક પાર્ક કર્યું. હું થોડો વહેલો આવ્યો હતો અને નર્વસ હતો. મેં આવીરીતે ક્યારેય કોઈ લોકો સાથે વાત કરી નહોતી.
“વિસામો” , બિલ્ડિંગનું નામ, અહીંયા કેટલાય વૃદ્ધો પોતાના દીકરા દિકરીઓથી દૂર રહી રહ્યા હતા. એમની સાથે વાત કરવામાં મને ગભરાહટ મહેસુસ થઈ રહી હતી. અંદર જતા પહેલા મારી નર્વસનેસ કાબુ કરવા મેં સિગરેટ જલાવી ને બિલ્ડીંગ તરફ નજર નાંખી.
બે માળની બિલ્ડીંગમાં બીજા માળે બેઠેલ વૃદ્ધની નજર રસ્તા પર અવર જ્વર કરી રહેલા લોકો પર હતી. ચશ્માંની પાર એની આંખો જાણે ભીડમાં કોઈ જાણીતો ચહેરો શોધવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી. મહિનાઓમાં ક્યારેક મળવા આવતા ઘરના લોકો બહુ સમય પહેલા મળીને ગયા હશે તો એ લોકો પાછા આવે એની આશામાં કદાચ એ વૃદ્ધ બહાર તાકીને બેસી રહેતા હશે. કોઈ ખુશી નહીં, કોઈ ઉમંગ નહિ, જિંદગીમાં જ્યારે સહુથી વધુ પોતાના લોકોની જરૂર હોય ત્યારે જ સાવ અજાણ્યા લોકોની વચમાં એકલતા કેટલી વસમી હશે એની કલ્પના માત્રથી મારુ મન મને વધારે નર્વસ થઇ રહ્યું હતું.
સિંગરેટનો છેલ્લો અને ઊંડો કશ ખેંચી મેં સિગરેટ નીચે ફેંકી પગથી બુઝાવી તથા ધુમાડાની સાથે મારી નર્વસનેસને બહાર ફેંકવા નિષફળ પ્રયાસ કર્યો.
ડેલા તરફ ઉપડતાં મારા પગ પર મને મણ મણનો ભાર વર્તાઈ રહ્યો હતો. ડેલો ખોલીને હું અંદર ગયો. બહાર એક સિક્યોરિટી વાળો બેઠેલ હતો પરંતુ એણે મને રોકવાનો જરાય પ્રયાસ પણ ન કર્યો. અંદર પ્રાંગણમાં કેટલીક બેન્ચ લગાવેલ હતી જેના પર ફ્લાણા ફ્લાણા ભાઈએ માતૃશ્રીની યાદમાં અથવા પિતૃશ્રીની યાદમાં આપેલ દાન લખેલ તકતીઓ લગાડેલી હતી. સામેની દીવાલ પર સફેદ આરસ પર માતૃશ્રી અને પિતૃશ્રીની યાદમાં આપેલ દાન અને દાનવીરોના નામ લખેલ હતા.
આ બેન્ચ પર બેઠેલ વૃદ્ધો આ તકતીઓ જોઈને શુ વિચારતા હશે એ વિચાર કરવાની હિંમત મારુ મન ન કરી શક્યું. મેં અંદર માવો ઘસી રહેલા સિક્યોરિટી વાળાને ઓફિસનો રસ્તો પૂછ્યો અને એના બતાવેલ રસ્તે ચાલી નીકળ્યો.
એક નાનકડી ઓફીસ જેવી લાગતી રૂમની બહાર મેનેજર લખેલ હતું, દરવાજો ખુલ્લો હતો અને અંદર ચેર પર એક સાદી સફેદ સંસ્થાના યુનિફોર્મ જેવી સાડીમાં જાજરમાન મહિલા બેઠા હતા. એમનું ધ્યાન એમના કામમાં હતું, કોઈ રજીસ્ટર ચેક કરી રહ્યા હોય એવું લાગ્યું.
મેં એમનું ધ્યાન ભંગ કરવા બારણે ટકોરા માર્યા.
એણે તરત મારી સામે જોયું. એમની આંખો મને કોઈજ ભાવ વગરની પણ છતાંયે થોડી ગુસ્સા વાળી હોય એમ લાગ્યું.
“આવો, હું આપની શુ સહાયતા કરી શકું?" એક મધુર પરંતુ કડક આવાજે મને આવકાર્યો.
“મેમ અમારા તંત્રી શ્રી એ આપની સાથે વાત કરી હશે. મારે ફિલ્ડ મટીરીયલ માટે કેટલાક વૃદ્ધો સાથે વાતચીત કરવાની છે, એમને રેકોર્ડ કરવાના છે અને કેટલાક ફોટોગ્રાફ લેવાના છે." હું એક શ્વાસે બધું બોલી ગયો.
“હા મારી વાત થઈ હતી. હું એમને ઓળખું છું. આમતો અહિયાંના લોકો સાથે એમના દુઃખ વિશે વાત કરવી એ જરા સેન્સેટિવ બાબત છે પણ છતાંયે જો એમની વેદના લોકો સામે આવે તો કદાચ સમાજમાં કોઈ ફેર પડે એ આશાએ અને અમારી સંસ્થાના કામોનો ઉલ્લેખ ફોટા સાથે થવાનો હોવાથી અમને પણ બીજા ઘણા લોકોની સહાયતા મળશે એ આશા એ અમે હા પાડી છે." એણે સહમતી દર્શાવતા કહ્યું.
“આપનો ખુબ ખુબ આભાર મેમ."
“હા પણ ધ્યાન રહે જો કોઈ વાત કરવા માંગતું ન હોય કે ફોટો લેવા પર આપત્તી હોય તો જબરદસ્તી ફોટો લેવા કે એમને દુઃખ પહોંચાડવા કોશિશ ન કરશો. નહીતો ના છૂટકે મારે આપણને બહારનો રસ્તો બતાવવો પડશે." એમણે મને કડક શબ્દોમાં ચેતવણી આપી જે મને બિલકુલ પસંદ ન આવી પણ ના છૂટકે સહન કર્યા સિવાય છૂટકો નહોતો.
એમણે બેલ મારી, એક આડેધ ઉંમરનો વ્યક્તિ અંદર આવ્યો.
“બાબુલાલ આ ભાઈને આપણી સંસ્થા બતાવો."
હું બાબુલાલ સાથે બહાર આવ્યો.
બાબુલાલ હસમુખ વ્યક્તિ હતા જે મારે માટે મોટી રાહતની વાત હતી. બાબુલાલે સામેથી વાત શરૂ કરી,
“જુઓ આ સ્ટોરરૂમ, આગળ આ ચાલી છે, આ રૂમની બારી કહેતા હસવા લાગ્યા."
“કાકા હું નર્વસ છું મજાક ન કરો."
“કેમ ભાઈ શુ કામ નર્વસ છો? પહેલીવાર કોઈ નર્વસ પત્રકાર જોયો."
“કાકા હું પત્રકાર નહિ ફોટોગ્રાફર છું."
“ભાઈ જતા પહેલા મારો એક સારો ફોટો ખેંચી દેજે. બેસણામાં મુકાય એવો હો, એમ કહીને કાકા હસી પડ્યા.
કાકા હું અહીંયા લોકોની સ્ટોરી જાણવા આવ્યો છું."
“લે તો મને પુછને હું કહું, દીકરા દીકરી ધંધામાં કે નોકરીમાં બિચારા ફસાયેલા છે, અમારૃં સારી રીતે ધ્યાન ત્યાં ન રાખી શકે એટલે ના છૂટકે અહીંયા મુકવા આવવું પડ્યું છે આ કોમન સ્ટોરી તને મોટાભાગના લોકોથી સાંભળવા મળશે. જા તારું કામ પૂરું થયું."
કાકાની મજાક સાંભળીને મારી નર્વસનેસ દૂર થઈ ગઈ.
“કાકા મારે સાચી વાર્તા સાંભળવી છે પણ પૂછતાં બીક લાગે છે, નર્વસ છું."
“ભાઈ એક કામ કર તું તારી સ્ટોરી કે મને."
“અરે મારી કોઈ સ્ટોરી નથી કાકા."
“હોય જ દરેક વ્યક્તિની કોઈને કોઈ સ્ટોરી હોય જ છે."
“એમ? તો કહો આ તમારા મેનેજર હેમલતા બેનની કોઈ સ્ટોરી છે?" મેં કાકા ઉપર સિક્સર મારી.
“કાકા હવે થોડા ગંભીર થયા ને બોલ્યા. હા એમની પણ એક સુંદર લવ સ્ટોરી છે."
“હું એ ખડુસ મહિલાની પણ કોઈ લવ સ્ટોરી હોય એ સાંભળીને ચોકયો. મેં કહ્યું ના હોય કાકા આ તમે પાછી મજાક કરી."
“ના બેટા મજાક નથી સાચી વાત છે. હસતા ચહેરાના ગમ વાંચવાં સહેલા હોય છે પણ જે દિલમાં દુઃખ, દર્દ, પ્રેમ અને પીડા ખૂબ અંદર સુધી દફન કરીને બેઠા હોય એમને વાંચવા અઘરા છે. એમનો ભાવ રહિત અવાજ, આંખો પર ધ્યાન ન દે. બહારના લોકો સાથે એ આમજ વાત કરે છે. અંદર ના લોકોને પૂછ એ કેવા છે."
હવે મને કાકાની વાતમાં રસ પડ્યો,
“કાકા મને જણાવશો એમની સ્ટોરી?"
“લાંબી સ્ટોરી છે પહેલા તારું કામ પતાવ પછી હું સાંભળાવુ એક મસ્ત લવ સ્ટોરી."
ક્રમશ: