રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2
અધ્યાય-૨૪
"રાજકુમાર સાત્યકીને અતિથિ વિશેષ કક્ષમાં ઉતારો આપો અને એમનાં માટે ઉત્તમ રાત્રીભોજનો પ્રબંધ કરો. એમનાં આતિથ્યમાં કોઈ કચાશ ના રહેવી જોઈએ." મેઘનાએ સાત્યકીના આગમનનો સંદેશો લઈને આવેલાં સૈનિકને આદેશત્મક સ્વરે કહ્યું. મેઘનાની રજા લઈને એ સૈનિક ત્યાંથી ગયો એ સાથે જ મેઘનાએ પોતાની જોડે બેસેલાં રુદ્ર તરફ ચિંતિત નજરે જોતાં કહ્યું.
"રુદ્ર, ઈન્દ્રપુરનાં રાજકુમારનું આમ અહીં પધારવું અકારણ તો નહીં જ હોય, નક્કી એ કોઈ આશય સાથે જ અહીં આવ્યો હોવો જોઈએ."
"એ જે કંઈપણ હશે એ એનાં સમયે સમજાઈ જશે. અત્યારથી એ વિશે વધુ વિચારવાની જરૂર નથી મારી વ્હાલી." મેઘનાની તરફ જોઈ આંખ મીંચકારતા રુદ્રએ કહ્યું.
મેઘના કંઈક બોલવા જતી હતી ત્યાં રુદ્રએ મેઘનાનાં કક્ષની બહાર કોઈની ઉપસ્થિતિનો અહેસાસ થયો. રુદ્રએ ઈશારાથી મેઘનાએ ચૂપ રહેવાં કહ્યું અને બહાર કક્ષની બહાર ઊભેલાં વ્યક્તિને સંભળાય એમ મોટેથી બોલ્યો.
"સારું ત્યારે તમે આરામ કરો રાજકુમારી. હું બહાર ઊભો છું."
"મેઘના બહાર કોઈ છે, જે આપણી બધી વાતો સાંભળી ગયું છે. આ અંગે એ કોઈને કંઈ જણાવે એ પહેલાં મારે એને પકડવો પડશે." મેઘનાને સંભળાય એમ ધીરેથી આટલું કહી રુદ્ર ઉતાવળા ડગલે દરવાજા તરફ અગ્રેસર થયો.
બહાર નીકળતાં જ રુદ્રએ જોયું કે રત્નનગરીનાં સૈન્ય પહેરવેશમાં સજ્જ એક વ્યક્તિ ઝડપભેર રાજમહેલનાં ઉદ્યાન તરફ આગળ વધી રહ્યો હતો. આ વ્યક્તિ કોઈપણ ભોગે પોતાનાં હાથમાંથી છટકવો ના જોઈએ એવો નિશ્ચય કરી રુદ્રએ એનો બિલ્લીપગે પીછો કરવાનું શરૂ કર્યું. એ વ્યક્તિ પોતાનાં ચહેરાને ઢાંકીને ઉદ્યાનને વટાવી રાજમહેલની બહાર નીકળી ગયો.
રુદ્ર પોતાનો પીછો કરશે એવો પૂર્વભાસ થઈ ગયો હોય એમ એ વ્યક્તિ ત્વરિત વેગે મહેલથી શક્ય એટલે દૂર નીકળી જવા માંગતો હતો. એ વ્યક્તિ બૃહદ હતો, સાત્યકીનો ગુપ્તચર. જે રુદ્ર અને મેઘના પર નજર રાખવાનું કાર્ય કરી રહ્યો હતો. આજે રુદ્ર અને મેઘના વચ્ચેનો પ્રેમભર્યો સંવાદ સાંભળ્યાં પછી એને વિશ્વાસ બેસી ગયો કે રાજકુમારી મેઘના વીરા નામે અંગરક્ષક બનીને રાજમહેલમાં આશ્રય પામેલાં રુદ્ર નામક વ્યક્તિનાં પ્રેમમાં છે.
સાત્યકીનાં રત્નનગરીમાં થયેલાં આગમનથી અજાણ બૃહદ કોઈપણ ભોગે રુદ્રના હાથમાં નહોતો આવવા ઈચ્છતો. ખૂબ જ સાવચેતી સાથે આગળ વધતો બૃહદ હવે રત્નનગરીનાં રહેણાંક વિસ્તારને વટાવી ચૂક્યો હતો. રહેણાંક વિસ્તારને વટાવી નગરનાં જાહેર માર્ગો અને બજારમાં થઈને બૃહદ જ્યારે નગરની બહાર નીકળ્યો ત્યારે રાત્રી થઈ ચૂકી હતી.
સતત ભયનાં ઓથાર હેઠળ આગળ વધેલાં બૃહદનું શરીર પરસેવે રેબઝેબ થઈ ચૂક્યું હતું. એનું હૃદય પણ અનિયંત્રિત વેગે ધબકતું હતું. આ ઉપરાંત એનાં શ્વાસ પણ ભારે થઈ ચૂકયાં હતાં. નગરને વટાવી બૃહદ જ્યારે રાજમહેલથી એકાદ કોશ દૂર પહોંચી ગયો ત્યારે એને થયું કે હવે એને કોઈ જાતનો ભય નથી. પોતાની પાછળ કોઈ આવતું નથી એની ચોકસાઈ કરી લીધાં બાદ બૃહદ એક વડવૃક્ષ હેઠળ જઈને બેઠો.
પોતાની કમરબંધમાં લટકાવેલી ચામડાની મશકમાંથી થોડું પાણી પીને બૃહદે રાહતનો શ્વાસ લીધો. થાકનાં લીધે હજુ બૃહદે માંડ આંખો મીંચી હતી ત્યાં એને પોતાની ગરદન પર કોઈ ઠંડી વસ્તુનો સ્પર્શ થયો. આમ થતાં બૃહદે ચમકીને આંખો ખોલી તો એને પોતાની ગરદન પર એક ધારદાર કટાર મહેસુસ થઈ.
"સહેજ પણ હોંશિયારી કરવાની હિંમત કરી છે તો આ કટાર તારી સગી નહીં થાય." રુદ્રની ધમકીમાં એની કટારથી પણ વધુ તીવ્ર ધાર હતી.
"અરે અંગરક્ષક વીરા તમે? આ કટારને મારી ગરદન પર રાખવાનું કારણ?" આવી કપરી પરિસ્થિતિમાં પોતાની જાતને શક્ય એટલી સ્વસ્થ રાખવાની કોશિશ કરતાં બૃહદે કહ્યું.
"તારું નામ શું છે?"
"મારું નામ બૃહદ છે અંગરક્ષક મહોદય."
"તું કોનાં માટે કામ કરે છે.?"
"હું રત્નનગરીનો એક કાર્યનિષ્ઠ સૈનિક છું."
"એ તો તારો બનાવટી વેશ છે. મહેરબાની કરીને સીધી રીતે જણાવ કે તું હકીકતમાં કોનાં માટે કામ કરી રહ્યો છે." રુદ્રની કટારની ધારે બૃહદની ગરદન પર નાનો ઘા બનાવી દીધો હતો, જેમાંથી લોહીની નાની ટશર ફૂટી નીકળી હતી.
"અંગરક્ષક મહોદય, હું સત્ય કહી રહ્યો છું."
"તો તું મહેલમાંથી ભાગ્યો કેમ?"
"કોને કહ્યું હું ભાગ્યો છું. મારાં કામકાજનો સમય પૂર્ણ થઈ ગયો એટલે હું મારાં ઘર તરફ જાઉં છું. અહીંથી થોડે દુર આવેલું વિશાખા ગામ મારું વતન છે."
"એવું છે? તો ચલ મને તારાં ઘર સુધી લઈ જા."
"સારું, ચલો મારી જોડે."
"જો જરાસરખી પણ ચાલાકી કરી છે તો હું તને જીવતો નહીં મુકું."
રુદ્ર પોતાનાં જોડેથી સચ્ચાઈ જાણીને જ રહેશે એ વાત બૃહદ સમજી ગયો હતો. કોઈપણ ભોગે રુદ્રના સકંજામાંથી છટકવું હવે એનાં માટે જરૂરી થઈ પડ્યું હતું અને આમ કરવા એને થોડો સમય જોતો હતો. પોતાને સમય મળી રહે એ હેતુથી જ બૃહદે રુદ્રને પોતાનાં એ ઘર સુધી લઈ જવાની તૈયારી બતાવી હતી, જે હકીકતમાં અસ્તિત્વમાં જ નહોતું.
અંધારું હવે ચારે તરફ ફેલાઈ ચૂક્યું હતું. ચંદ્રનાં આછેરા પ્રકાશમાં બૃહદ અને રુદ્ર રત્નનગરીથી બે કોશ દૂર આવેલાં વિશાખા ગામ તરફ આગળ વધી રહ્યાં હતાં. રસ્તો ઢોળાવવાળો અને પથરાળ હતો, બૃહદને રુદ્રના હાથમાંથી છટકવાનો આ જ સુવર્ણ અવસર લાગ્યો. આગળ વધતાં-વધતાં જ એકાએક બૃહદે પોતાનું શરીર નીચે નમાવ્યું અને હાથ પાછળ કરીને રુદ્રને કમરમાંથી પકડી એને જમીન પર પટકી દીધો.
જે ગતિમાં આ બધું બન્યું હતું એનાં લીધે રુદ્રને સાવચેત થવાનો થોડો ઘણો પણ અવસર પ્રાપ્ત ના થયો. રુદ્ર ઊભો થાય એ પહેલાં તો બૃહદ રુદ્રથી ત્રીસેક ડગલાં દૂર પહોંચી ચુક્યો હતો. રુદ્ર બૃહદને મારવા નહોતો ઈચ્છતો કેમકે એ કોનો માણસ છે એ સત્ય હજુ જાણવાનું બાકી હતું. પણ જે રીતે બૃહદ ભાગી નીકળ્યો એ રુદ્ર માટે ખતરાની ઘંટી સમાન હતું. પોતાની યોજના પૂર્ણ થયાં પહેલાં પોતાની ઓળખ છતી થઈ જાય તો પોતે જે કાર્ય સિદ્ધ કરવા આવ્યો છે એ અધૂરું રહી જવાની ભીતિ હતી.
"બૃહદ, જ્યાં છે ત્યાં ઊભો રહી જા." રુદ્રએ ઊંચા સાદે બૃહદને ઉદ્દેશીને કહ્યું.
"જો હવે એક ડગલું પણ આગળ વધીશ તો હું તને જીવતો નહીં મુકું..!" દોડતાં-દોડતાં જ પોતાની કટારનું નિશાન બૃહદ પર લેતાં રુદ્ર ધમકીભર્યા સુરમાં બોલ્યો.
જાણે રુદ્રની ધમકીની કોઈ દરકાર ના હોય એમ બૃહદ અટકવાનું નામ જ નહોતો લઈ રહ્યો. આખરે રુદ્રએ ના છૂટકે પોતાનાં હાથમાં રહેલી કટારનો બૃહદ પર ઘા કરી દીધો. કટાર બૃહદની પીઠ સોંસરવી ઉતરી ગઈ, અને સાથે-સાથે એક પીડાદાયક ચીસ સાથે બૃહદ જમીન પર ફસડાઈ પડ્યો.
રુદ્ર દોડીને એની જોડે ગયો. રુદ્રએ જઈને જોયું તો કટાર એની ગણતરી મુજબ વધુ ઊંડે નહોતી ઉતરી. રુદ્રએ ફટાફટ બૃહદની પીઠમાંથી કટાર નીકાળી એનાં ઘા પર પોતાનાં કમર પર બાંધેલું કપડું વીંટી દીધું.
"બૃહદ, હું તને બચાવી લઈશ. તને કાંઈ નહીં થાય." જોરજોરથી શ્વાસ લેતાં બૃહદનું માથું પોતાનાં ખોળામાં મૂકી રુદ્રએ કહ્યું.
"તમે મને બચાવી લેશો તો એ મને જીવિત નહીં મૂકે. અત્યારે તમે મને નહીં બચાવો તો ફક્ત મારાં જ પ્રાણ જશે પણ જો તમને હું સત્ય જણાવીશ તો એ મારાં પૂરાં પરિવારની હત્યા કરી દેશે." પીડાનાં લીધે બૃહદની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.
"તું મને ફક્ત એનું નામ આપ જેને તને મારાં અને મેઘના પર ધ્યાન રાખવાનું કાર્ય સોંપ્યું છે. હું તને વચન આપું છું કે હું કોઈપણ ભોગે તને કે તારાં પરિવારને કંઈ નહીં થવા દઉં." રુદ્ર હજુ પોતાની વાત પૂર્ણ કરે એ પહેલાં જ બૃહદને આંચકી આવી અને એનું માથું બીજી જ ક્ષણે એકતરફ ઢળી પડ્યું. રુદ્રએ એની નાડી અને શ્વાસોશ્વાસ તપાસ્યા તો માલુમ પડ્યું કે એ મરી ચૂક્યો હતો. બૃહદનાં મોંમાંથી થોડીવાર બાદ સફેદ રંગનું ફીણ નીકળી આવ્યું જે દર્શાવતું હતું કે રુદ્ર એની જોડે આવ્યો એ પહેલાં જ બૃહદે વિષપાન કરી લીધું હતું.
આખરે એ વ્યક્તિ કોનાં માટે કામ કરી રહ્યો હતો એ જાણવામાં અસમર્થ રહેલા રુદ્રને પોતાની જાત ઉપર બરાબરની ખીજ ચડી. આખરે એવો તે કોણ ક્રૂર વ્યક્તિ છે જેનું નામ જણાવવાનાં બદલે બૃહદે મોતને વ્હાલું કર્યું એ રુદ્ર માટે વિચારવા જેવી બાબત હતી. ભલે બૃહદ પોતાનાં વિરુદ્ધ રચવામાં આવેલાં ષડયંત્રનો ભાગ હતો છતાં માનવતા ખાતર એનો યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરવો જરૂરી હતો.
રુદ્રએ આજુબાજુમાંથી સારાં એવાં સૂકાં લાકડાં એકઠાં કર્યાં અને બૃહદનું મૃત શરીર ઊંચકીને એ લાકડાં પર ગોઠવ્યું. રુદ્રએ ચકમક પથ્થરો વડે પહેલાં ઘાસ અને પછી ઘાસની મદદથી ચિતાની અગ્નિ પ્રગટાવી. બૃહદની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી રુદ્ર પોતાનાં હથિયાર લેવાં એ સ્થળે ગયો જ્યાં બૃહદ મૃત્યુ પામ્યો હતો.
પોતાની તલવાર અને કટારને ત્યાંથી ઉપાડી રુદ્ર એની યોગ્ય જગ્યાએ રાખતો હતો ત્યાં એની નજર નીચે પડેલી એક ચમકતી વસ્તુ પર પડી. એ એક રજતમુદ્રા હતી. રુદ્રએ નીચે નમીને એ રજતમુદ્રા પોતાનાં હાથમાં લીધી અને બૃહદની ચિતાની રોશનીમાં ધ્યાનથી એ રજતમુદ્રા પર અંકિત ચિહ્નોને નિરખવાનું શરૂ કર્યું.
એક તરફ વાઘ અને બીજી તરફ ઈન્દ્રપુરનાં રાજધ્વજનું ચિહ્ન ધરાવતી આ રજતમુદ્રાને જોઈ રુદ્રનું શરીર જડવત બની ગયું. રુદ્ર આ ઘડી સુધી એવું સમજતો હતો કે પોતાની હત્યાનું કાવતરું કરનાર અકીલા જ બૃહદનો ખરો માલિક હતો પણ આ રજતમુદ્રાનું અહીં મળવું કંઈક બીજી જ કહાની વર્ણવી રહ્યું હતું. તાળાથી તાળો મેળવતાં રુદ્ર સમજી ગયો કે આખરે હકીકત શું હતી.
રજતમુદ્રાને પોતાનાં ખિસ્સામાં મૂકી રુદ્ર સ્વગત બબડ્યો.
"એનો મતલબ કે રાજકુમાર સાત્યકીનું આગમન અકારણ નથી!"
********
વધુ આવતાં ભાગમાં
સાત્યકીના ઓચિંતા આગમનનું શું પરિણામ આવશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)