વડોદરા તો રાજાશાહીના સમયથી જ ખૂબ જાણીતું છે અને શાંતિદાયક શહેર તરીકેની એની ઓળખ પણ વિખ્યાત છે! વિદ્યા મેળવવા માટેનું મોટું કેન્દ્ર, વર્ષોથી જાણીતી વિદ્યાનગરી ! વાતાવરણ પણ ખૂબ સરસ. શાંત, આરામદાયક, મનભાવન. એમ. એસ. યુનિવર્સિટીએ માત્ર ગુજરાત જ નહીં, વિદેશના વિદ્યાર્થીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે! ગુજરાત અને વડોદરાના વિદ્યાર્થીઓ તો પોતાના વતનના આવા શહેરને છોડીને બીજે અભ્યાસ માટે જાય એવું બહુ જ ઓછું બને.
ભાવનગરનો વતની સંદીપ પણ વડોદરામાં અભ્યાસ માટે આવ્યો હતો. અંગ્રેજી માધ્યમમાં કોમર્સ કરી વડોદરામાં જ એણે નોકરીની શરૂવાત કરી. લગ્ન થયા પછી એણે વડોદરાને જ વધારે પસંદ કર્યું. સંદીપનાં લગ્નનાં ચારેક વર્ષ વીતી ગયાં હતાં. ઘરમાં નાનકડા સુખી પરિવારમાં પોતે, એની પત્ની અને લગભગ બે વર્ષની નાનકડી દીકરી સુગંધા. સંદીપ ખાનગી વીમા કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો, તો પત્ની ગૃહિણી... ઘરકામ અને દીકરીના ઉછેરની જવાબદારીની સાથે સાથે સામાજિક પ્રસંગોમાં પણ સુનિધિને જ વધુ પડતું જવું પડતું.
સુગંધા ધીમે ધીમે મોટી થતી જતી હતી અને નાનકડા પરિવારને એના મીઠડા કિલ્લોલથી ગુંજવી દેતી. મમ્મી પપ્પાની લાડકડી હવે કે. જી. પૂર્ણ કરી જાણીતી ગુજરાતી માધ્યમની શાળામાં ભણવા બેઠી. ખૂબ હોશિયાર, સમજદાર અને સંસ્કારીપણું એની નાનકડી ઉંમરમાં પણ દેખાઈ આવતું હતું. સંદીપ અને એની પત્ની સુનિધિ પણ ખુશ હતાં. ક્યારેક સંદીપને કંપનીની મિટિંગ માટે જવાનું થાય કે કંપની દ્વારા આયોજિત અન્ય રાજ્યની ટુર હોય ત્યારે જઈ શકાય તો ત્રણેય જરૂર ફરવા નીકળી જ જતાં.
સમય ક્યારે અને કેમ પસાર થઈ જાય એ ખબર પણ ન પડે. સુગંધા બાર સાયન્સમાં "એ" ગ્રુપમાં સારું પરિણામ લાવીને એમ. એસ.માં જ કમ્પ્યુટર એન્જિનિરિંગ કરતી હતી. આમેય એને કમ્પ્યુટર તો બાળપણથી જ પ્રિય હતું. નાની હતી ત્યારે એના પપ્પા કોમ્પ્યુટર પર કામ કરતા ત્યારે એ પણ કુતૂહલથી કી બોર્ડ અને સ્ક્રીનને જોયા કરતી. માઉસને તો એ ડરતાં ડરતાં હાથ લગાવતી, પરંતુ આજે તો હવે એને પોતાનું જ લેપટૉપ હતું. કૉલેજ જવામાં એનું ગમતું નવું સ્કુટર હતું જ!
ઑગસ્ટ મહિનાથી એનું સત્ર શરૂ થઈ ચૂક્યું હતું અને ફર્સ્ટ સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા આવી ચૂકી હતી. એ ખૂબ ઉત્સાહિત હતી, કારણ કે આજ એ કોલેજની પરીક્ષામાં પણ સારી સફળતા મેળવી ડંકો વગાડી દેવાની હતી.
પોતાનો અભ્યાસ સારો ચાલતો હતો, કૉલેજમાં પોતાની બ્રાન્ચમાં એનું નામ ખૂબ જાણીતું હતું અને સૌ કોઈ આદરથી એનું નામ લેતાં, કારણ કે એ હોશિયાર તો હતી જ પરંતુ એ એને ઘરેથી મળેલા સંસ્કાર અને માતૃભાષામાં લીધેલું શાળાજીવનનું શિક્ષણ તેનું પ્રેરકબળ હતું. ધિંગામસ્તી, ખાટી મીઠી મજાક મસ્તી સાથે એનો અભ્યાસ પણ સારી રીતે ચાલતો હતો.
સમય રેતી જેવો છે, જેમ પકડવા જાવ તેમ છટકતો જાય. સુગંધા કૉલેજનું બીજું વર્ષ પૂરું થઈ, ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને એનાથી આગળના ચોથા વર્ષમાં રાજકોટથી વડોદરા આવેલો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જ અભ્યાસ કરતો સ્મિત અને સુગંધા સામાજિક રીતે એક જ જ્ઞાતિનાં હોવાને કારણે પરિચયમાં હતાં જ. સાથે બન્ને એકબીજાનાં દૂરના સંબંધીનાં સંબંધી પણ હતાં. સુગંધાએ પોતાની જ જ્ઞાતિનો છોકરો સ્મિત એની સાથે અભ્યાસ કરે છે એ બાબતે એણે ઘરમાં પણ જણાવેલું જ. સ્મિત સ્વભાવની રીતે અને વ્યવહારિક રીતે ખૂબ સારો હતો, અભ્યાસમાં પણ એ અવ્વલ નંબર જ હતો. સ્મિત અને સુગંધાનો પરિવાર આમ તો એકબીજાને ઓળખતો જ હતો અને સ્મિતની ઇચ્છા પણ એ જ હતી કે આ ઓળખાણ નવા સબંધમાં પરિણામે.
(વધુ આવતા અંકમાં....)