khuni kabrastan - 1 in Gujarati Horror Stories by Mansi Vaghela books and stories PDF | ખૂની કબ્રસ્તાન - 1

Featured Books
Categories
Share

ખૂની કબ્રસ્તાન - 1

જય અને પાર્થ એમના નવા ઘરમાં હમણાં જ રહેવા આવ્યા હતા. માત્ર ઘર જ નહીં પણ આ શહેર પણ એમના માટે નવું જ હતું. તેથી જ એમના કોઈ સારા મિત્રો બન્યા નહોતા. નવી જગ્યાએ હંમેશા બાળકોને બહુ તકલીફ પડતી હોય છે. જુના મિત્રોને છોડીને નવા મિત્રો બનાવવા, એ ખરેખર એક અઘરું કામ છે. એ નવી જગ્યાને અને ત્યાંના લોકોને પોતાની બનાવવા માટે બાળકો કંઈ પણ કરતા હોય છે.
જય અને પાર્થ પણ એ જ કરી રહ્યા હતા. પરંતુ એમને બહુ જલ્દી ખબર પડવાની હતી કે આવું કરવું હંમેશા સારું નથી હોતું..! જય અને પાર્થના પિતા મયંકભાઈ એક પોલીસ ઓફિસર હતાં. મયંકભાઈ પહેલા શિમલામાં ફરજ બજાવી રહ્યા હતાં. પણ હમણાં જ તેમની બદલી થઇ હોવાથી બાળકો અને પત્ની કુમુદ સાથે નવા શહેરમાં સ્થળાંતર કર્યું હતું.

કુમુદબેન પણ એક વર્કિંગ લેડી હતાં. તેઓ વ્યવસાયે ડોક્ટર હતાં. ઘરની સાથે હોસ્પિટલ પણ સંભાળતા હતાં. પતિની સાથે તેમને પણ આ નવા શહેરની હોસ્પીટલમાં કામ શોધી લીધું હતું. માત્ર બાળકોને જ નહિ પણ વડીલોને પણ નવી જગ્યા અને કામમાં ઢળતાં સમય લાગતો હોય છે.

જય, એ પાર્થ કરતા મોટો હતો. પણ ભાઈઓમાં તો હંમેશા મજાક મસ્તી થતી જ રહેતી હોય છે. ત્યારે કોઈ મોટું કે નાનું નથી હોતું. વેકેશન હોવાથી બંને ભાઈઓ ઘરમાં એકલા જ હતાં. તેમના હજુ સુધી નવા કોઈ મિત્રો હજુ બન્યા નહોતા તેથી, જય અને પાર્થ એમના નવા ઘરની બહાર પાણીથી રમી રહ્યા હતા.
ત્યાં જ થોડા બાળકો એમની સાયકલ સાથે આવ્યા.
“કેમ છો દોસ્તો?” સાયકલ પરથી ઉતરીને એક છોકરાએ કહ્યું.

“અમે તારા મિત્રો નથી..” જયએ મોઢું બગાડતા કહ્યું.

“જય..” પાર્થએ વચ્ચેથી વાત કાપતા કહ્યું, “મિત્રો છીએ નહીં. પણ બની જરૂર શકીએ.. હું પાર્થ છું. અને આ મારો ભાઈ જય છે.”

જય જૂની જગ્યા અને જુના મિત્રો છોડવા નહોતો માંગતો, પણ તેનાથી કઈ થઇ શકે તેમ નહોતું. જયારે પાર્થ નવા મિત્રો બનાવવા માટે તત્પર હતો.
“હું અહી પાછળની લાઈનમાં જ રહું છું. તમે લોકો આ અઠવાડિયામાં જ અહીં રહેવા આવ્યા છો ને? ક્યાંથી આવ્યા છો તમે?” એ છોકરાએ પૂછ્યું.

“સિમલાથી..” જયએ જવાબ આપ્યો.

“ઓહ. સિમલા.. ખરેખર બહુ જ સારી જગ્યા છે.. અને ઠંડી પણ.” પેલા છોકરાએ કહ્યું.

“ત્યાં રહેવું કંઈ સહેલું કામ નથી. ત્યાં ભણવા માટે બહુ દુર જવું પડતું હતું. એટલે જ અમે અહીં આવી ગયા.” જયએ હોશિયારી મારતા કહયું.

“તો અહીં મજા આવી રહી છે? તમારી કોઈ સાથે દોસ્તી થઈ કે નહીં?” હસતાં હસતાં એ છોકરાએ કહ્યું.

“આ શહેર મને તો પસંદ આવ્યું. પણ હજુ કોઈ મિત્રો બન્યા નથી. કેમકે અત્યારે તો ઉનાળાની રજાઓ ચાલે છે. સ્કુલ શરુ થશે તો ચોક્કસ અમે નવા મિત્રો બનાવી લઈશું. પણ ત્યાં સુધી તો અમારે બંને એ એકલા જ રમવું પડશે.” પાર્થએ જવાબ આપ્યો.

“બરાબર છે. તમે ચિંતા ના કરો. મારું નામ પ્રણય છે. આપણી સોસાયટીમાં અમારું ગ્રુપ છે. તમે એમાં જોડાઈ શકો છો. બધા આપણી ઉંમરના જ મિત્રો છે. તેથી તમને કોઈ તકલીફ નહિ પડે અને મજા પણ આવશે.” પ્રણયએ સાયકલ લઈને ઉભેલા બાળકો તરફ આંગળી ચીંધતા કહ્યું, “તમને પેલા છોકરાઓ દેખાય છે? અમે બધા રાતે કયારેક ક્યારેક મળીને થપ્પો રમીએ છીએ. આજે રાતે પણ રમવાના છીએ. શું તમે અમારી સાથે આવશો?”

“હમમ.. મારુ તો મન નથી” જયએ કહ્યું.

“પણ મારું મન તો છે.” પાર્થએ ચીડાતા કહ્યું.

“કંઈ વાંધો નહીં. આમ પણ અમે જે જગ્યાએ રમીએ છીએ એ જોઈને કદાચ તમે ડરી જશો.” પ્રણયએ હસતાં કહ્યું.

“ક્યાં રમો છો તમે?” જયએ ઉત્સુકતાથી પૂછ્યું.

“આપણી સોસાયટીની પાછળ એક બગીચો છે. એની પાછળના દરવાજા પર જંગલ પાસે એક જગ્યા છે. ખરેખર તો એને જગ્યા કરતા કબ્રસ્તાન કહેવું વધુ યોગ્ય રહેશે.” પ્રણયએ જવાબ આપ્યો.

“તો વળી એમાં ડરવા જેવું શુ છે?” પાર્થએ પૂછ્યું.

“ત્યાં રાતે બહું જ અંધારું થઈ જાય છે. ત્યાં કોઈ આવતું જતું પણ નથી. અને બાકી તો તમે આવશો ત્યારે સમજી જ જશો.” પ્રણયએ રહસ્યમય હાસ્ય વેર્યું.
“હા તો અમે કંઈ એટલા બધા પણ નાના નથી કે અંધારાથી ડરીએ. અમે જરૂર આવશું.” જયએ ઉત્સાહમાં જવાબ આપ્યો.

“એ તો સાંજે જોઈએ. સારું મળીએ સાંજે.” કહીને પ્રણય અને તેના મિત્રો જતા રહ્યા.

“આ કેવો છોકરો છે? એ વારે ઘડીએ ડરવાની વાત કેમ કરતો હતો?” પાર્થએ પ્રણયને જતા જોઇને કહ્યું.

“ખબર નહી. આમ પણ થપ્પો તો નાના બાળકોની રમત છે. એમાં વળી ડરવાની શું વાત હોઈ શકે?” જયએ પાર્થને જોઇને કહ્યું.

“જય તે પ્રણયને કહી તો દીધું છે કે આપણે રમવા જઈશું. પણ મમ્મી પપ્પાની તો તને ખબર છે ને? મને નથી લાગતું કે તેઓ આપણને એટલી મોડી રાતે આવી નવી જગ્યાએ એકલા બહાર જવા દેશે.”

“તું એની ચિંતા નહિ કર પાર્થ. મમ્મીની તો આજે નાઈટ ડ્યુટી છે. અને રહી વાત પપ્પાની તો એ પોતાના નવા કેસમાં બહુ જ વ્યસ્ત છે. હંમેશાની જેમ એમના રૂમમાંથી બહાર નહિ નીકળે. આપણે આપણો રૂમ અંદરથી બંધ કરીને બારીમાંથી બહાર નીકળી જઈશું. તેમને ખબર નહિ પડે કે આપણે ઘરમાં નથી.” જાયે પાર્થના ખભા પર હાથ મુકતા કહ્યું.

“બહુ જ મસ્ત વિચાર છે જય.. આજે રાતે ખુબ મજા પડવાની છે.” ખુશ થતા પાર્થે કહ્યું.

રાત થતા જ જય અને પાર્થ બંને જયની યોજના મુજબ છુપાઈને ઘરને બહાર નીકળી જાય છે. અને તેઓ સોસાયટીના પાછળના બગીચાએ પહોચી જાય છે. જ્યાં કબ્રસ્તાન હતું. રાતના કારણે અંધારું હોવું સ્વાભાવિક જ હતું. પણ પાર્થને ત્યાં કંઇક ઠીક નહોતું લાગી રહ્યું. ત્યાં ધુમ્મ્સ પણ ખુબ હતી.

“ત્યાં જવાની મને કોઈ જ જરૂર નથી લાગી રહી. આપણે અહીથી જ ઘરે જતા રહીએ.” કબ્રસ્તાનના તાળું મારેલા લોખંડના કાટ ખાઈ ગયેલા દરવાજાને જોઇને પાર્થએ કહ્યું. પાર્થ કહેતો નહોતો પણ તેને હવે ખુબ જ ડર લાગી રહ્યો હતો.

“ચાલને પાર્થ. બસ એક રમત જ તો છે. આટલું બધું પણ ના વિચાર. આપણે આટલી મહેનત કરીને ઘરની બહાર નીકળ્યા છીએ. તો થોડી વાર તો રમી જ શકીએ. આપણે વહેલા નીકળી જઈશું.” પોતાના નાના ભાઈને સમજાવતા જયએ કહ્યું.

“તો શું આપણે સાચે જ અંદર જઈ રહ્યા છીએ?” ડરતાં ડરતાં પાર્થએ પૂછ્યું.

“પાર્થ, તારી જ તો ઈચ્છા હતી કે આપણે અહી નવા મિત્રો બનાવીએ. તો હવે ચાલને. તું શું ઈચ્છે છે કે આપણી સોસાયટીના છોકરાઓ આપણને ડરપોક કહે?” કહીને જય દરવાજાની ઉપર ચડીને સામેની બાજું જતો રહ્યો.

પાર્થ પણ એની પાછળ દરવાજો કુદીને સામેની બાજું પહોચ્યો. તેમને અંદર ગયા પછી ખબર પડી કે તેઓ બહુ જ ભયાનક કબ્રસ્તાનમાં હતાં. લગભગ તે બંને ડરી જ રહ્યા હતાં. અચાનક જ પ્રણયએ બંનેના ખભા પર પાછળથી હાથ મૂક્યો. બંને ગભરાઈ ગયા. અને પાર્થના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

“ઓહ તો તમે બંને અત્યારથી જ ડરી રહ્યા છો?” કહીને પ્રણય હસ્યો.

“હા ભાઈ તું જ સૌથી બહાદુર છે. બસ હવે ખુશ? મને ખાલી આપણે ત્રણ જ કેમ દેખાઈ રહ્યા છીએ? તે તો કહ્યું તું કે તારા બહુ મિત્રો છે. બાકીના લોકો ક્યાં છે?” જયએ કહ્યું.