નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૭
મોહનભાઈ ધનસુખભાઈને લઈને ખૂબ જ ખુશ હતાં. તે રુકમણીબેન અને સંધ્યાની મનપસંદ મીઠાઈ લઈને ઘરે આવ્યાં. સંધ્યાએ તેનાં મનપસંદ રસગુલ્લા લઈને, એક મોંમાં મૂક્યું. ત્યાં જ અચાનક કોઈ ત્યાં આવ્યું. જે જોઈને રુકમણીબેનની આંખો ભીની થઈ ગઈ.
એ વ્યક્તિ અંદર આવીને રુકમણીબેન પાસે જઈને, હાથ જોડી માફી માંગવા લાગ્યો. રુકમણીબેનના આંખની અશ્રુધારા રોકાવાનું નામ નહોતી લઈ રહી.
"અરે, તમે આમ હાથ નાં જોડો. એક બાપ દીકરી સામે હાથ જોડે, એ સારું નાં લાગે." રુકમણીબેન ગળગળા અવાજે બોલ્યાં.
રુકમણીબેનના એ શબ્દોથી એટલું સાબિત થતું હતું કે, તેમની ઘરે આવેલ વ્યક્તિ તેમનાં પપ્પા હતાં. જેમનું વર્ષો પછી તેમની ઘરે આગમન થયું હતું.
"બેટા, એક બાપ ઉઠી મેં તને દુઃખી કરી. તો એનાં પ્રાયશ્ચિત રૂપે મારે માફી માંગવી જરૂરી છે." ઈશ્વરભાઈ ગંભીર અવાજે બોલ્યાં.
"હાં બહેન, એમની સાથે-સાથે મારે પણ તારી માફીની જરૂર છે." અચાનક જ દરવાજેથી એક બીજાં વ્યક્તિનો અવાજ આવ્યો.
બધાંએ દરવાજા તરફ નજર કરી. સામે ધનસુખભાઈ હાથ જોડીને ઉભાં હતાં. રુકમણીબેનને એકસાથે બે-બે ખુશી મળી હતી. ઈશ્વરભાઈની સાથે રુકમણીબેન ધનસુખભાઈને પણ વર્ષો પછી પોતાની નજર સમક્ષ જોઈ રહ્યાં હતાં.
રુકમણીબેન તરત જ દરવાજા પાસે જઈને ધનસુખભાઈનો હાથ પકડી તેમને અંદર લઈ આવ્યાં. રુકમણીબેન સહિત ધનસુખભાઈ અને ઈશ્વરભાઈ બંનેની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. એ આંસુઓ વર્ષો પછી એકબીજાને મળ્યાં. તેની ખુશીની સાબિતી આપતા હતાં.
સંધ્યા તેનાં પપ્પા પાસે ઉભી રહીને આ અદભૂત મિલન જોઈ રહી હતી. તેનાં માટે તો ધનસુખભાઈ અજાણ્યાં વ્યક્તિ હતાં. પણ ઈશ્વરભાઈ તેનાં નાના છે. એ વાત તે જાણી ચૂકી હતી.
રુકમણીબેનના સ્વસ્થ થતાં સંધ્યા બધાં માટે પાણી લઈને આવી. બધાંએ પાણીનો એક-એક ઘુંટ પીધો. મોહનભાઈ સોફાની અલગ ખુરશી પર બેઠાં. સંધ્યા જઈને મોહનભાઈ પાસે ઉભી રહી ગઈ.
"આટલાં વર્ષો પછી તમને તમારી બહેન યાદ આવી?" આખરે રુકમણીબેને વાતની શરૂઆત કરી.
"બધું યાદ જ હતું. પણ અમુક સમય અને સંજોગોના લીધે તને મળવું શક્ય નહોતું."
"ઓહ, પણ તું માફી શેની માંગતો હતો?? એ તો જણાવ." રુકમણીબેનને અચાનક ધનસુખભાઈની માફીવાળી વાત યાદ આવતાં. એ બોલી ઉઠ્યા.
"આટલાં વર્ષો સુધી હું તને નાં મળ્યો. તેનું બસ એક જ કારણ હતું. મારો બિઝનેસ!! એ પણ ડ્રગ્સનો!! ઉર્મિલાનુ મર્ડર, મારો બદલો, બસ આ બધી ઝંઝાવાતમાં જ હું તારાથી દૂર થઈ ગયો."
"ઉર્મિલા?? આપણી કોલેજમાં હતી એ??" રુકમણીબેન થોડું વિચારીને બોલ્યાં.
"હાં, એ ઉર્મિલા!! તેની સાથે મારા લગ્ન નાં થયાં. સુરજના પપ્પા હિતેશભાઈએ તેની સાથે લગ્ન કર્યા. પછી તેનું મર્ડર કર્યું. બસ પછી મેં તેની સાથે બદલો લેવા ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો. આ બધાં કારણથી હું તને મળી નાં શક્યો."
"આ બધી ઘટનાઓનો જવાબદાર હું જ છું. મેં જ ધનસુખને આ ધંધાની સલાહ આપી હતી. તેની સાથે મોહનને પણ મેં એ ધંધામાં સામેલ કરવા અંગે ધનસુખને ભલામણ કરી હતી. જ્યારે મોહને એ ધંધામાં આવવાની નાં પાડી. ત્યારે મેં તારી ઘરે ક્યારેય નહીં આવવાનો નિર્ણય કરી લીધો. મારા મત મુજબ મોહન ગુનેગાર હતો. કેમ કે, તેણે બધું જાણતાં હોવાં છતાં ધનસુખનો સાથ નાં આપ્યો. પણ હવે હું હકીકત જાણી ગયો છું. મોહનનો એમાં કોઈ વાંક નહોતો. એટલે જ આજે હું તમારાં બંનેની માફી માંગવા આવ્યો છું." ધનસુખભાઈની વાત પૂરી થતાં જ ઈશ્વરભાઈ બોલી ઉઠ્યાં.
ધનસુખભાઈ અને ઈશ્વરભાઈ બંને ફરી મોહનભાઈ અને રુકમણીબેનની સામે હાથ જોડીને ઉભાં રહી ગયાં. બંનેની આંખોમાં પોતાની ભૂલનો પસ્તાવો ચોખ્ખો દેખાતો હતો.
ઈશ્વરભાઈએ ધનસુખભાઈનો સાથ આપ્યો હતો. એ વાતથી મોહનભાઈ પણ અજાણ હતાં. આજે હકીકત જાણીને તેમને પણ એક આંચકો લાગ્યો.
"હવે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમને બંનેને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો. એ જ મહત્વનું છે." રુકમણીબેન એકદમ શાંત સ્વરે બોલ્યાં.
રુકમણીબેને બંનેને માફ કરી દીધાં. એ વાતે મોહનભાઈ અને સંધ્યા બંને ખુશ થયાં. ઈશ્વરભાઈ તરત જ સંધ્યા પાસે ગયાં. તેમણે પ્રેમથી સંધ્યાની માથે હાથ ફેરવ્યો. સંધ્યાએ તેમનાં આશીર્વાદ લીધાં.
"બેટા, આમના પણ આશીર્વાદ લઈ લે. આ મારાં માનીતાં ભાઈ અને તારાં મામા છે." રુકમણીબેને ધનસુખભાઈ અંગે સંધ્યાને જણાવ્યું.
સંધ્યાએ ધનસુખભાઈના પણ આશીર્વાદ લીધાં. રુકમણીબેનની સાથે સંધ્યાને પણ આજે બે નવાં સંબંધો મળી ગયાં. જેની ખુશી તેનાં ચહેરા પર નજર આવતી હતી. ધનસુખભાઈ મોહનભાઈને ગળે મળ્યાં. મોહનભાઈ અને ધનસુખભાઈએ ઈશ્વરભાઈના આશીર્વાદ લીધાં.
"દીદી...દીદી... હું આવી ગઈ." એંજલ સુરજ અને હિતેશભાઈની સાથે બુમો પાડતી પાડતી અંદર આવી.
સુરજે એક નજર મોહનભાઈ તરફ કરી. આજે તેમના ચહેરા પર ખુશી અને શાંતિનાં ભાવ નજર આવતાં હતાં. સુરજ અને હિતેશભાઈ મોહનભાઈ પાસે ગયાં. એંજલ સંધ્યા પાસે જઈને તેને વળગી ગઈ. ધનસુખભાઈ એ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશ થયાં.
"આ મારી અને ઉર્મિલાની છોકરી છે. એંજલ!!" રુકમણીબેનને અસમંજસમાં મુકાયેલાં જોઈને ધનસુખભાઈ બોલ્યાં.
એંજલ પોતાનાં ભાઈની છોકરી અને તેની ભત્રીજી છે. એ જાણીને રુકમણીબેન ખૂબ જ ખુશ થયાં. તેમણે એંજલ પાસે જઈને તેને પોતાનાં ગળે લગાવી લીધી. એંજલ પણ આજે એકસાથે આટલો પ્રેમ મળવાથી ખુશ હતી.
આ બધું જોઈને સંધ્યાને મીરાંનો વિચાર આવ્યો. તેણે તરત જ પોતાનો મોબાઈલ લઈને તેને કોલ લગાવ્યો.
"કોને મીરાંને કોલ કરે છે?" સુરજે આવીને પૂછ્યું.
સંધ્યા હજું કાંઈ બોલે એ પહેલાં જ મીરાં અને કાર્તિક તેનાં મમ્મી-પપ્પા સાથે આવી પહોંચ્યા. બધાંએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. પણ પૈસાનાં લાલચુ એવાં ઉમેશભાઈ હજુ પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નહોતા. જેનાં લીધે મીરાં તેનાં મમ્મી-પપ્પા પાસે ગઈ હતી. આટલાં સમયમાં અહીં જે બન્યું એ અંગે સુરજે તેને જણાવ્યું. એટલે મીરાં તેનાં મમ્મી-પપ્પા અને કાર્તિક તેનાં મમ્મી-પપ્પા સાથે ત્યાં આવી પહોંચ્યો.
તે લોકોનાં આવતાં જ સુરજ અને સંધ્યા, મીરાં અને કાર્તિકની પાસે પહોંચી ગયાં. મનિષભાઈને તો બધાં એક થઈ ગયાં. એ વાતની ખુશી હતી. તેમનાં પત્ની અને કાર્તિકના મમ્મી હેતલબેન પણ આજે પિયરથી સાસરે આવી ગયાં હતાં. મનિષભાઈએ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો. ત્યારથી તેઓ પોતાનાં પિયર જતાં રહ્યાં હતાં. પણ આજે ફરી બધાં પરિવાર એક થઈ ગયાં.
બધી સ્ત્રીઓએ રસોઈ બનાવી. પુરુષો બધાં વાતોએ વળગ્યાં. રસોઈ બન્યાં પછી બધાંએ એકસાથે જ ભોજન કર્યું. ધનસુખભાઈએ આજે પોતાનાં હાથે એંજલને જમાડી. એંજલ ધનસુખભાઈના હાથે જમતી વખતે કાલું કાલું બોલતી હતી. એ સાંભળીને બધાં હસતાં હતાં. વચ્ચે વચ્ચે એંજલ પણ ધનસુખભાઈના મોઢામાં પોતાનાં હાથે કોળીયો મૂકતી હતી. એ જોઈને રુકમણી બેન અને સંધ્યા ખુશ થતાં હતાં. ઘરમાં એક ખુશીનો માહોલ જામ્યો હતો.
જમીને બધાં ફરી એકબીજાની માફી માંગીને વિદાય લેતાં હતાં. એમાં સંધ્યા અને મીરાં, સુરજ અને કાર્તિક પર એક નજર કરીને મીઠું મલકી લેતી હતી.
"ચલો અંત ભલા તો સબ ભલા... હવે કોઈએ માફી માંગવાની જરૂર નથી." વારંવાર એકબીજાની માફી માંગી રહેલાં ધનસુખભાઈ, મનિષભાઈ અને હિતેશભાઈને મોહનભાઈએ કહ્યું.
બધાંએ ખુશી ખુશી મોહનભાઈની ઘરેથી વિદાય લીધી. આજે મીરાંના મમ્મી-પપ્પા ચાંદનીબેન અને અખિલભાઈ વધું ખુશ હતાં. તેમની દીકરી ડ્રગ્સની જાળમાંથી મુક્ત થઈ. એ વાતે તેમને સંતોષ હતો.
(ક્રમશઃ)
અરે...અરે.... ક્યાં ચાલ્યાં?? "અંત ભલા તો સબ ભલા" એ વાક્ય તો અસત્ય પર સત્યની જીત માટે કહેવામાં આવ્યું છે. નવલકથાનો અંત તો હજું બાકી છે. હજું તો બધાં વચ્ચેની નફરત દૂર થઈ છે. પ્રેમનાં ગુલાબ ખીલવાના તો બાકી છે. તો આવતાં સોમવારે આ નવલકથાનો અંતિમ ભાગ વાંચવાનું ચૂકતા નહીં.