અંગારપથ.
પ્રવીણ પીઠડીયા.
પ્રકરણ-૫૫.
“તું કોઈ તોપ છે? કોઈ વિરાસતનો નવાબ છે? નાં… તું મને કહે, આજે તો ચોખવટથી થઇ જ જાય. આ ગોવા શું તારા બાપની જાગીર છે કે મન ફાવે એમ વર્તી રહ્યો છે? બીજાની વાત જવા દે, તારી ખુદની હાલત તેં જોઈ છે? અરે બેવકૂફ… મરવાંની અણીએ પહોંચ્યો છે છતાં તને નિરાંત નથી! આખરે તું ઈચ્છે છે શું?” અભિને જોતા જ લોબોનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. તેને ભયાનક ગુસ્સો આવતો હતો. અભિ અને ચારું હમણાં જ તેના કમરામાં દાખલ થયા હતા અને તેમને જોઇને લોબો વરસી પડયો હતો. ઓલરેડી બધી જ હકીકત જાણતો હોવા છતાં તે પોતાના ઉપર કાબુ રાખી શકયો નહી. તેના માટે તેનો આ માથાફરેલ દોસ્ત અનમોલ હતો. તે એને દિલથી ચાહતો હતો. એ તેનો જીગરી યાર હતો અને તેની જખ્મી હાલત જોઈને તે સહમી ગયો હતો. સખત ચિંતાથી તેનું હદય ફફડતું હતું. અભિ ખામોશ નજરે લોબોને જોતો ઉભો રહ્યો. તેના ફાટેલા હોઠો ઉપર હળવી મુસ્કાન ઉભરી આવી હતી. તે આગળ વધ્યો અને લોબોનાં બેડની એકદમ નજદિક જઈને ઉભો રહ્યો. પછી ટેબલ ખસેડીને તેના ઉપર બેઠો અને લોબોનો હાથ પોતાનાં હાથમાં લીધો.
“તને ખબર, વર્ષો પછી પહેલી વાર તારો ફોન આવ્યો ત્યારે હું કેવી હાલતમાં હતો? મારી મનઃસ્થિતિ એ સમયે શું હતી?” અભિએ લોબોની નજરો સાથે નજરો મેળવી. એ નજરમાં અનહદ સ્નેહ તરવરતો હતો. લોબોનાં કપાળે સળ ઉપસ્યા. તે કંઈ બોલ્યો નહી. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે રક્ષાનાં સમાચાર આપવાં તેણે અભિને ફોન કર્યો હતો.
“એ દિવસે હું સ્યૂસાઈડ કરવા માંગતો હતો. મેં એવી કોશિશ પણ કરી હતી પરંતુ એમાં હું નિષ્ફળ રહ્યો. કદાચ ભગવાન મને મરવા દેવા માંગતા નહી હોય. એ સમયે મને સમજાયું નહોતું પરંતુ આજે ખ્યાલ આવે છે કે શું કામ હું જીવિત બચ્યો હતો. રક્ષા, મારી બહેન… તેને મારી જરૂર હતી. એ મને બોલાવી રહી હતી. તેના ગુનેહગારો આઝાદ ફરતાં હોય અને હું સ્યૂસાઈડ કરું એવું તો ઈશ્વરને પણ ક્યાંથી મંજૂર હોય! અને અમારી વચ્ચેનું માધ્યમ તું બન્યો હતો. તારો ગુસ્સો જાયજ છે અને મને સમજાય પણ છે પરંતુ એ એટલું આસાન નથી. ચલ… ઉભો થા. મારે થોડી વાત કરવી છે તારી સાથે.” અચાનક એક વિચાર તેના મનમાં ઉદભવ્યો અને ન ચાહવા છતાં તે મુસ્કુરાઇ ઉઠયો. લોબોને તેની ફિકર હતી એ અહેસાસ તેના દિલમાં અનેરો આનંદ પેદા કરતો હતો. આ જગતમાં અત્યાર સુધી રક્ષા જ હતી જેના માટે તે જીવતો હતો. હવે અન્ય બે વ્યક્તિઓ તેમાં ઉમેરાઈ હતી… એક, લોબો અને બીજી ચારું. તેના જીગરમાં અજબ ઠંડક પ્રસરી હતી.
“હું તારી સાથે ક્યાંય આવવાનો નથી. તારે જે કહેવું હોય એ અહી, આ કમરામાં, બધાની સામે ચોખવટથી કહે. તું એમ માનતો નહી કે મને ભોળવીને વાત આડે પાટે ચડાવી દઈશ. અને સૌથી અગત્યનો સવાલ… ડગ્લાસ તને ક્યાં મળ્યો?” લોબોએ અવાજ ઉપર ભાર દઈને પૂછયું. અભિમન્યુનો ફોન આવ્યો ત્યારનાં તેના પેટમાં પતંગિયા ઉડતા હતા. આ સવાલે તેને પરેશાન કરી મૂક્યો હતો.
“મળ્યો નથી. તારા કમિશ્નરે મેળવ્યો છે. મને એમ કે એ વાત તને ખબર હશે.” અભિએ તેને ચારસો ચાલિસ વોટનો ઝટકો આપ્યો.
“વોટ..? કમિશ્નર? યુ મીન કમિશ્નર અર્જૂન પવાર? વેઈટ… વેઈટ… તું એમ કહેવા માંગે છે કે અર્જૂન પવારે તારી મુલાકાત ડગ્લાસ સાથે કરાવી હતી?” પલંગ હેઠળ જાણે ટાઇમ બોમ્બ ફુટયો હોય એમ લોબો ઉછળી પડયો. ભયંકર ઝટકો લાગ્યો તેને અને ભારે આઘાતથી અભિને તાકી રહ્યો. ચારુંની પણ એવી જ હાલત થઇ. અપાર આશ્વર્યથી તેનું મોં ખૂલ્યું હતું અને વિસ્ફારીત નજરોથી તે અભિને જોઈ રહી. એ ભયાનક હતું. લોબો અંદર સુધી ખળભળી ઉઠયો. કમિશ્નર પવાર પહોંચેલી માયા હતો એની તેને ખબર હતી પરંતુ આભિમન્યુ જેવો બાહોશ વ્યક્તિ તેની જાળમાં ફસાઇ જશે એ ક્યાંથી જાણતો હોય! અવાક નજરે તે અભિનાં જવાબની રાહે તેને તાકી રહ્યો.
“મુલાકાત નહોતી કરાવી… તેણે ફક્ત ડગ્લાસનું ઠેકાણું ચિંધ્યું હતું. તારી જેમ મને પણ વિશ્વાસ નહોતો થયો પરંતુ એ સિવાય મારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. હું અનિર્ણયાત્મક દશામાં તેને મળવા ગયો હતો અને તેણે મને ડગ્લાસનું ઠેકાણું ચિંધ્યું હતું. શું કામ? એ હું નથી જાણતો. પરંતુ મારા માટે એ સમયે ડગ્લાસ જ મહત્વનો હતો એટલે વધું કંઈ વિચાર્યાં વગર હું તેની પાછળ નિકળી પડયો હતો. પણ… તું શું કામ પૂછે છે?” લોબો જે રીતે બોલ્યો એનાથી અભિને શંકા ઉદભવી કે જરૂર કંઈક ખોટું થયું છે. તે આતૂર નજરે લોબોને તાકી રહ્યો.
પરંતુ લોબો અન્ય વિચારમાં ખોવાઈ ગયો હતો. કશુંક હતું જે તેને કઠયું હતું. તેના અજ્ઞાત મનમાં કશોક સળવળાટ થયો હતો. ઘડીભર માટે જાણે તે શૂન્યાવકાશમાં ચાલ્યો ગયો હોય એવું લાગ્યું. અને એ શૂન્યાવકાશ જ્યારે હટયો ત્યારે… એક ઝટકે બધું જ ક્લિયર સમજાઇ ગયું. તેને સમજાયું કે કમિશ્નરે અભિમન્યુનો આબાદ ઉપયોગ કર્યો છે. ડગ્લાસ અને અભિમન્યુને સામસામે ગોઠવીને તેણે એક કાંકરે બે પક્ષીઓ માર્યાં હતા. “વાહ…” ન ચાહવા છતાં તેનાથી કમિશ્નરની પ્રસંશા થઇ ગઈ. આખરે પવાર કમિશ્નર કક્ષાએ એમ જ થોડો પહોંચ્યો હતો!!
“પછી? આઇ મિન, તને ડગ્લાસનું ઠેકાણું મળ્યું એ પછી તે શું કર્યું? ડગ્લાસ તારા હાથમાં કેવી રીતે સપડાયો?” લોબોની જીજ્ઞાસા એકાએક જ વધી ગઇ હતી. તેનું દિમાગ ભયંકર તેજીથી સમગ્ર બનાવનું વિશ્લેષણ કરતું હતું.
અભિમન્યુએ રિસોર્ટમાં જે બન્યું હતું એ વિગતવાર જણાવ્યું. ચારું અને લોબો ધડકતા હદયે સાંભળી રહ્યાં. હોસ્પિટલનાં કમરાની છતે લટકતાં, ફૂલ સ્પિડમાં ફરતાં પંખા સિવાય ચારેકોર સ્તબ્ધ ખામોશી છવાઇ હતી. અભિમન્યુએ એકલા હાથે ડગ્લાસ અને તેના પહેલવાનોનો સામનો કર્યો હતો એ કોઈ હૈરતઅંગેજ ઘટનાથી કમ નહોતું. અને એથી પણ વધું હૈરતઅંગેજ એ હતું કે ડગ્લાસને તે જીવતો પકડી લાવ્યો હતો. ડગ્લાસનાં ઘરમાં, તેના ગઢમાં, તેના સામ્રાજ્યમાં ઘૂસીને તેણે તબાહી મચાવી હતી. આમન્ડા જેવી ખતરનાક ઔરતને નશ્યત કરી હતી એ અવિશ્વસનીય હતું. લોબોને અત્યારથી આવનારા કપરા સમયનાં ભણકારા વાગવાં લાગ્યા હતા. ગોવા તો શું… સમગ્ર દેશની અંધારી આલમમાં ડગ્લાસનાં પતનથી માતમ છવાઈ જવાનો હતો. કોણ જાણે આ ઘટનાનાં કેવા વમળો ઉદભવશે! ડગ્લાસ કોઈ નાનીસૂની હસ્તી નહોતો. તેની સાથે કંઈ કેટલાય મોટા માથા સંકળાયેલા હતા. ધનાઢ્ય બિલ્ડરો, મોટા રાજકારણીઓ, ઈન્ડ્સ્ટ્રિયાલીસ્ટો, ફેમસ ફિલ્મી હસ્તીઓ અને એવા તો કેટલાય લોકોનાં કરોડો રૂપિયા ડગ્લાસની સાથે ડૂબી જવાનાં હતા અને એટલું જ નહી, તેમની પોઝિશન ઉપર પણ ખતરો ઉભો થવાનો હતો. ભારે હલચલ મચવાની હતી એના એંધાણ અત્યારથી જ વર્તાતા હતા. લોબો એકાએક સતર્ક બન્યો. પાણી પહેલા પાળ બાંધવી જરૂરી હતી. આ મામલામાં ચારું અને અભિમન્યુ સામેલ હતા એટલે એમની તરફેણમાં સોલીડ ’એલિબી’ હોવી જરૂરી હતી. કોઈ બાબતે કાચું કપાયું તો ચોક્કસ એ બન્ને કાનૂની આંટીધૂંટીમાં ફસાયા વગર ન રહે. તેણે મગજ કસવાનું શરૂ કર્યું. રહી રહીને એક જ નામ તેના જહેનમાં ઉભરતું હતું જે આ બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે એમ હતો. અને એ હતો તેનો બુઢ્ઢો બોસ... સુશિલ દેસાઈ. પણ ખરા સમયે જ તેનો ફોન બંધ આવતો હતો. આવું ભાગ્યે જ બનતું. તેણે ફોન ઉઠાવ્યો અને ફરી ટ્રાઇ કરી.
“તું કોને ફોન લગાવે છે?” અભિએ પૂછયું.
“મારા બોસને. એની હેલ્પ લેવી જરૂરી છે. એ મદદ કરશે તો ચોક્કસ કોઈ રસ્તો નિકળી આવશે.”
“એ પહેલા અભિની સારવાર જરૂરી છે. હું આ હાલતમાં તેને ક્યાંય જવા નહી દઉં.” ઘણીવાર સુધી ખામોશ બેસેલી ચારું એકાએક બોલી ઉઠી. અભિની હાલત જોઈને તેનું દિલ વલોવાતું હતું પરંતુ તે એ પણ જાણતી હતી કે અભિ જીદ્દી છે. જ્યાં સુધી તેની બહેનને ઈન્સાફ મળશે નહી ત્યાં સુધી એ શાંત બેસવાનો નથી.
“પણ તું અહી હોસ્પિટલમાં શું કરે છે?” અભિએ ચારુને પૂછયું. આ પ્રશ્ન ક્યારનો તેને કનડતો હતો પરંતુ લોબોની વાત ખતમ થાય તેની રાહ જોતો હતો. ચારુંને તે હોટલની રૂમમાં મૂકીને નિકળ્યો હતો ત્યારે એ ડ્યૂટી પર જવાની હતી. તો અહી કેવી રીતે પહોંચી?
“તેં જે કર્યું એવા જ કારનામાં આ મેડમ કરીને આવ્યાં છે. તમે બન્નેએ ભેગા મળીને આખાં ગોવાને માથે લીધું છે. ખરેખર હું પાગલ લોકો વચ્ચે ફસાઈ ગયો હોઉં એવું લાગે છે. મારું ચાલે તો અત્યારે જ હું તમને ગોવાની બહાર તડીપાર કરાવી દઉં.” ચારું કંઈ બોલે એ પહેલા લોબો ઉકળી ઉઠયો. તેણે ચારુંએ પેટ્રીક સાથે મળીને જે કારનામાં કર્યાં હતા એ વર્ણવ્યું. અભિમન્યુ આશ્વર્યથી ઘડીક ચારું સામું તો ઘડીક લોબો સામું જોતો રહ્યો.
“માયગોડ ચારું, તું ઓકે તો છે ને? અને પેટ્રીક ક્યાં છે? એ કેમ દેખાતો નથી?” અભિએ પ્રશ્નોનો મારો ચલાવ્યો. તે ચારું તરફ સરક્યો.
“એ ઓકે છે… પેટ્રીકને અહી જ દાખલ કરવામાં આવ્યો છે, તેની સારવાર ચાલું છે, બીજું કંઈ જાણવું છે તારે? પ્લીઝ… તમે બન્ને ઘડીભર માટે શાંત રહેશો? તો હું કંઈક વિચારી શકું!” લોબો દાઢમાં બોલ્યો… પણ એવા લહેકાથી બોલ્યો કે બન્નેનાં ચહેરા ખિલી ઉઠયાં. એ દરમ્યાન લોબો સતત દેસાઈને ફોન લગાવતો હતો.
“ડેમ ઈટ, વેર આર યું બોસ..?” ફોન ન લાગતાં લોબોને ખિજ ચડી હતી અને સ્વગતઃ જ બોલતો હોય એમ બબડયો. તે માયૂસીભરી નજરે ફોનની સ્ક્રીનને તાકી રહ્યો. ખરા સમયે જ તેનો બોસ ગાયબ હતો એ નવાઈની વાત હતી.
“તને લાગે છે કે આપણને એમની મદદની જરૂર પડશે? આઈમીન, એ નાર્કોટીક્સ ડિપાર્ટમેન્ટમાં છે અને આ કેસ અલગ છે. કદાચ વાત બગડી પણ જાય.” અભિએ શંકા વ્યક્ત કરી.
“મને આ કેસની ચિંતા ઓછી છે. ચારું અત્યારે જે કમઠાણ સર્જીને આવી છે એની ફિકર જાજી છે. એ સીધુ કરવા માટે દેસાઈ સીવાય બીજું કોઈ કામ લાગશે નહી.”
“ હવે એણે બીજી શું કમઠાણ સર્જી છે?” અભિને આશ્વર્ય થયું.
“તું જ પૂછીં લે ને!”
અભિએ પ્રશ્નસુચક નજરે ચારું સામું જોયું.
“સોરી… તારી મનાઈ હતી છતાં પેલી ફાઈલ મેં કમિશ્નરને સુપ્રત કરી દીધી.”
“વોટ? તું આવી બેવકૂફી કેવી રીતે કરી શકે? તને ખબર નહોતી કે એ ફાઈલ કેટલી કિંમતી છે?”
“પેટ્રીક ઘાયલ થયો ત્યારે હું ઘણી ડરી ગઈ હતી. આ મામલાનો નિવાડો લાવવાં મને જે માર્ગ સુઝયો એ મેં અપનાવ્યો.”
અભિમન્યુને નિરાશા ઉપજી પરંતુ હવે અફસોસ કરવાથી કંઈ વળે એમ નહોતું. જે થવાનું હતું એ તો ઓલરેડી થઈ જ ચૂકયું હતું.
“તારી પાસે એના ફોટોઝ છે જ ને! તો પછી ઉપાધી શું છે?” ચારુંએ પોતાનો બચાવ કરતાં કહ્યું. અભિમન્યુ તેની વાત સાંભળીને હસી પડયો. તેનો ફોન પૂરેપૂરો ’ડેડ’ થઇ ગયો હતો. પરંતુ એનો પણ કોઈ રસ્તો નિકળી શકે તેમ હતો. ફોન રીપેર કરી શકાય તો એ ફોટોઝ ચોક્કસ પાછા મેળવી શકાય.
“ઓકે… એ બાબતે આપણે પછી વિચારીએ.” વાતને સમેટી લેવાનાં આશયથી તે બોલ્યો. તેની ચિંતા કંઈક અલગ હતી. હજું તે પોતાની મંઝિલે પહોચ્યો નહોતો. રક્ષાનાં ગુનેહગારો કોણ છે એ આટલી મશક્કત બાદ પણ રહસ્ય જ રહ્યું હતું. તે વિચારોમાં ખોવાયો.
“ડગ્લાસ એક વાત મક્કમતાથી દોહરાવતો હતો કે તેણે રક્ષાને નથી મારી. અને જે રીતે તે બોલતો હતો એમાં મને સચ્ચાઈ દેખાતી હતી. તો એના સીવાય બીજું કોણ હોઈ શકે..?” અભિમન્યુએ એકાએક પ્રવાહ બદલ્યો. આ યક્ષ પ્રશ્ન ક્યારનો તેને મુંઝવી રહ્યો હતો. ડગ્લાસ પાસે હવે ખોટું બોલવાં જેવું કંઈ બચ્યું નહોતું. તે ઓલરેડી ખતમ થઇ ચૂક્યો હતો. કદાચ તે ગુજરી પણ જાય. અને એક મરતો માણસ ભાગ્યે જ ખોટું બોલતો હોય એનો તેને અનુભવ હતો. અભિનાં મનમાં એટલે જ ધમાસાણ મચ્યું હતું. બાકી બધું તેના માટે અત્યારે ગૌણ હતું. રહી રહીને એક શબ્દ તેની નજરો સામે નાચતો હતો. “જૂલી…” જૂલી મિન્સ જૂલીયા જ હોય એ બાબતે પહેલેથી તેના મનમાં શંકા હતી. શરૂઆતમાં એ થિયરી તેણે સ્વીકારી તો લીધી હતી પરંતુ મનનાં કોઈક ખૂણે ખટકો હતો જ. એ ખટકો અત્યારે જબરજસ્ત તિવ્રતાથી ઉદભવ્યો હતો કારણ કે ગંભીર હાલતમાં ઈન્જર્ડ રક્ષા જૂલીયાનું નામ શું કામ લે એ સમજાતું નહોતું.
“રક્ષાએ છેલ્લે ’જૂલી’ શબ્દ ઉચ્ચાર્યો હતો. જસ્ટ ઈમેજીન કે એ શું કહેવા માંગતી હશે?” લોબો અને ચારું સમક્ષ તેણે એક કોયડો વહેતો મૂકયો. “જૂલીયા સીવાય અન્ય કોઈ મતલબ નિકળતો હોય તો એ વિશે વિચારો.”
“જુલી..?” લોબોની ભ્રકૂટીઓ ખેંચાઈને ભેગી થઈ. અચાનક આ નામ ક્યાંક વાંચ્યું હોય એવું તેને લાગ્યું. જસ્ટ હમણાં જ… ટૂંક સમય પહેલાં જ આ નામ તેણે વાંચ્યું કે સાંભળ્યું હતું. પણ ક્યાં? એ તરત યાદ આવ્યું નહી. તેણે મગજ ઉપર જોર કરીને યાદ કરવાની કોશિશ કરી. અને… એકાએક તેનું હદય એક ધબકારો ચૂકી ગયું. તેની આંખો વિસ્મયથી પહોળી થઈ. આશ્વર્યથી તેનું મોં ખૂલ્યું અને ઝટકાભેર તે પલંગ ઉપર બેઠો થઇ ગયો. તેનાં ધબકારા જોરજોરથી તેની જ છાતીમાં પડઘાતાં હતા.
(ક્રમશઃ)
આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.
તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.
શું તમે….
નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.
તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.
અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. આ નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવજો.