રાઈટ એંગલ
પ્રકરણ–૨૮
કશિશ એની સામે જોઇ રહી. રોજ કરતા ધ્યેયની આંખમાં આજે કંઈક અલગ જ ભાવ હતો. કશિશ એકાદ ક્ષણ માટે એ નજરમાં વરસતા સ્નેહ–આદરને જોઇ રહી. પછી જાણે એની નજરનો ભાર લાગતો હોય અને એમાંથી બહાર નીકળવા ઇચ્છતી હોય તેમ બોલી,
‘પ્રાઉડ–બ્રાઉડ તો ઠીક છે પણ અત્યારે પેટમાં બિલાડાં બોલે છે એનું શું કરવાનું છે?‘
‘ઓહ...મારો કૂક આજે રજા પર છે.‘
‘ચાલ, આપણે બેવ કશું કિચનમાં બનાવી લઇએ?‘ કશિશે રસોઇ કરવાની તૈયારી દેખાડી.
‘નો...બહારથી જ કશું મંગાવી લઇએ....યુ નો આજે તારામાં મને ઝાંસીની રાણી દેખાઇ રહી છે. એટલે હવે રાણી તો કાઇ દિવસ રસોઈ બનાવતી હશે?‘
ધ્યેયની આ ડાયલોગ બાજી પર કશિશ હસી એટલે ધ્યેય પણ હસ્યો. વાતવરણ જરા હળવું થઇ ગયું. જે કશિશ માટે ખૂબ જરુરી હતું જેથી એનો સ્પિરિટ જળવાય રહે. છેલ્લાં એક–બે દિવસમાં બનેલી ઘટનાના ભાર નીચે દબાય જવાના બદલે એનો હિંમતથી સામનો કરવા એ ઘર છોડીને નીકળી પડી છે તો એ માટે બને એટલો સપોર્ટ કરવો તેને ધ્યેય પોતાની ફરજ સમજતો હતો.
જમવાનું પત્યુ એટલે ધ્યેય એના ઘરના ગેસ્ટ રુમમાં કશિશને લઇ ગયો.
‘આ તારો રુમ...તું ઇચ્છે ત્યાંસુધી તું અહીં રહી શકે છે.‘
‘હમમ...ધી, પ્લિઝ ખરાબ નહીં લગડાતો પણ હું મારી બીજી વ્યવસ્થા ન થાય ત્યાંસુધી જ અહીં રહીશ. યુ નો જેટલી બબાલ કેસને લીધે થઇ છે તેના કરતાં વધુ કીચડ હું તારી સાથે રહીશ તો ઉછળશે. એટલે એવું કશું ગોઠવવું પડશે હું બીજે કશે પેઇંગ ગેસ્ટ તરીકે રહી શકું. આઈ ડોન્ટ નો મારે કેટલો સમય ત્યાં રહેવું પડશે. મને થોડા પૈસા પણ જોઇશે. અને એક જોબ. નહીં તો મારો ખર્ચ કેવી રીતે કાઢીશ? હું એ.ટી.એમ. કાર્ડ કે ચેક બુક યુઝ નથી કરવા ઇચ્છતી..ઈનફેક્ટ સાથે નથી લાવી, ઘરે જ છોડીને આવી છું.‘ કશિશ સોફા પર બેસતા બોલી.
કશિશે હિંમતભેર માત્ર ઘર જ નથી છોડયું પણ એના પૈસાદાર પતિના પૈસાને ય છોડી દીધાં. એ ધારત તો પોતાના પર્સનલ અકાઉન્ટમાં જમા છે તેમાંથી લાખો રુપિયા વાપરી શકે. એ એનો હક્ક્ પણ ગણાય. એક વકીલ તરીકે ધ્યેય આ બધું સમજતો જતો. પણ કશિશે સ્વાભિમાનથી એ હક્ક જતો કર્યો. એની આ હિંમત કાબિલે દાદ હતી. ધ્યેયએ એનો ખભ્ભો થપથપાવ્યો,
‘બ્રેવ ગર્લ. કિશુ યુ આર ઓસમ!‘
‘વધુ પડતાં વખાણ નહીં કર...સાભંળ્યું છે ને વખાણી ખીચડી દાઢે વળગે!‘ ધ્યેય એને બિરદાવતો હતો તે કશિશને ગમતું હતું પણ સાથે સાથે સંકોચ પણ થતો હતો. જો ધ્યેય એને આટલું સમજી શકે છે તો કૌશલ કેમ એને સમજી ન શક્યો? કૌશલનો વિચાર આવ્યો એ સાથે જ એનો મૂડ આઉટ થઇ ગયો,
‘ધી..આઇમ ટાયર્ડ! હવે હું સુઇ જાવ?‘
‘ઓ.કે. ડિયર!‘ ધ્યેય સમજી ગયો કે કશિશ હવે થોડો સમય એકલી રહેવા ઇચ્છે છે. જે ઘટના બની તેની અસરથી મુક્ત થવું આસાન નથી. એક તો કોફી શોપના ઉદ્ધાટનનો ફિયાસ્કો થયો. ઉપરથી પડ્યા પર પાટું વાગે તેમ કશિશે ઘર છોડવું પડયું.
‘ગુડ નાઇટ કિશુ...ટેક રેસ્ટ!‘ ધ્યેયએ એના રુમનો દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો એટલે કશિશે બેગમાંથી નાઇટડ્રેસ કાઢયો. વોશરુમમાં જઇન ફ્રેશ થઇને બેડ પર લંબાવ્યું. શરીર અને મગજ બન્ને થાકી ગયા હતા. ઘટનાઓની ઘટમાળનો ઓથારે એના તનમનને નીચોવી નાંખ્યું હતું. બહારથી હિંમત ટકાવી રાખી હતી પણ અંદરથી એ હલબલી ગઇ હતી. કૌશલ છેક આટલી હદે જશે એ એની કલ્પના બહારની વાત હતી. એક પછી એક વિચાર ચાલુ થઇ ગયા. વિચારો એક વાર મગજને જકડી લે પછી એની પક્કડમાંથી છૂટવું આસાન નથી હોતું. મોડી રાત સુધી કશિશે પડખાં ફેરવ્યા કર્યા ત્યારે માંડ ઉંધ આવી. સવારે એ ઊઠી તો નવ થવા આવ્યા હતા. ફ્રેશ થઇ રુમની બહાર આવી તો ધ્યેય ડાઇનિંગટેબલ પર ચા પીતો બેઠો હતો.
‘ગુડ મોર્નિગ! મારી ઓફિસ આવવું છે? ત્યાં તારો ટાઇમપાસ થઇ જશે.‘ ધ્યેયએ પૂછયું,
‘ના, હું ઘર શોધવા ઇચ્છું છું. એટલે એક બે બ્રોકરને ફોન કરી લઉં....‘
‘કિશું, એવું કરીશને તો વળી તારા સાસરાવાળાં નારાજ થશે. એમના કોન્ટેક્ટસ એટલાં છે કે તેમને એ વાત ખબર પડશે જ. મારો એક નાનકડો ફ્લેટ છે.....તુંઇચ્છે તો તેમાં રહી શકે. ઇટસ ફૂલી ફર્નિશ્ડ.‘ ધ્યેયએ એને ઓફર આપી.
‘હમમ......કેટલું ભાડુ?‘ કશિશે પૂછયું,
‘આર યુ કિડિંગ? ડોબી, હું તારી પાસેથી પૈસા લઇશ? તારે એવું પૂછાય જ કેમ?‘ ધ્યેય નારાજ થઇ ગયો.
‘આઇ એમ સોરી ડિયર...પણ હું કોઇને મારા પર શક કરવાનો મોક્કો નથી આપવા ઇચ્છતી. લોન રુપે તું મને પચાસ હજાર હમણાં આપ. હું થોડા દિવસમાં એક જોબ શોધી લઉં એટલે તને ભાડું આપીશ. અને તું ભાડુ લે તો જ હું તારા ફલેટમાં રહીશ. ઇઝ ઇટ ક્લિયર?‘
કશિશ જે રીતે ઉશ્કરાઇને બોલી ધ્યેય સમજી ગયો કે આ બાબતમાં એ નમતું નહિં જોખે. એ બ્રોકરની મદદ લઇને બીજે કશે ફ્લેટ શોધે અને હેરાન થાય એના કરતાં એ જે કહે તમે શરત માની લેવી સારી. કમસેકમ એને રહેવા માટે ઘર તો મળી રહેશે. કશિશ જોબ કરવાનું કહ્યું એટલે ધ્યેયને કોફી હાઉસ યાદ આવ્યું. પણ હમણાં એ વાત વિશે કોઇ વાત કરવાનું ધ્યેયને મુનાસિબ ન લાગ્યું.
‘જી હુકમ...રાણી સાહેબ...ગુલામ તમે કહેશો તેમ જ કરશે. આજે ત્યાં સાફ સફાઇ કરાવી લઉં છું. તું કાલે ત્યાં જતી રહેજે.‘
‘નો....હું આજે સાંજે જ જઇશ. ઇનફેક્ટ તું મને કોર્ટ જતાં જતાં ત્યાં મૂકતો જા તો હું મારી હાજરીમાં જ ફ્લેટ સાફ કરાવી દઉં.‘ કશિશની વાત સાંભળીને ધ્યેયએ બે હાથ જોડ્યા.
‘જી...મેડમ...બીજો કોઇ હુકમ?‘
‘યસ...હવે શાંતિથી ચા પીવા દે..‘ અને કશિશ હસી. ધ્યેય એને આમ આ રીતે હસતાં જોઇ રહ્યો.
‘કિશુ આવી જ રીતે જીવનભર હસતી રહેજે!‘ એ બોલ્યો.
*****
‘વ્હોટ? કશિશ ઘડ છોડીને જતી રહી?‘ અતુલ નાણાવટી સ્તબ્ધ થઇ ગયા,
‘ડેડ...મેં એને કેસ પાછો ખેંચવા કહ્યું, એણે ના પાડી.. મેં તો એને માત્ર ધમકી આપી હતી કે કેસ પાછો નહીં ખેંચે તો આપણે સાથે નહીં રહી શકીએ..મને શું ખબર...‘ કૌશલ પોતાની વાત પૂરી કરે તે પહેલા તો અતુલ નાણાવટી રોષભેર બોલી પડ્યા,
‘કૌશલ....તે એક દીકરાં તરીકે મારી આબરું આજે ધૂળધાળી કરી નાંખી. અતુલ નાણાવટીની પુત્રવધું ઘર છોડીને જતી રહે તે કેટલાં મોટા સમાચાર બને તેની તને ખબર પડે છે?‘
‘પણ ડેડ હું શું કરું એ હું કહું તે પ્રમાણે કરે જ નહીં તો?‘ કૌશલની લાચારીથી અતુલ નાણાવટીએ દાંત કચકચાવ્યા,
‘ડેમ ઇટ, કાન્ટ યુ કન્ટ્રોલ યોર વાઇફ?‘
કૌશલ પોતાના બચાવમાં કશું બોલી શકયો નહી.
‘હવે મારે જ એને સમજાવી પડશે.‘ અતુલભાઇએ આટલું કહીને ફોન મૂકી દીધો.
કૌશલ નાસીપાસ થઇ ગયો. પોતે કશિશના હાથે છેતરાયો હોય તેવી ફિલિંગ કૌશલને થતી હતી. કશિશને ખુશ રાખવા પોતે કેટલાં પ્રયત્ન કર્યા હતા. પણ તે ય કારગત નીવડ્યા નહી. આટલી અમથી વાત માટે કશિશ એને છોડીને જતી રહી. આજે કશિશના કારણે ડેડના હાથે અપમાન સહન કરવાનો વારો આવ્યો. કૌશલે મનોમન નિશ્ચય કરી લીધો,
‘ઘર છોડીને જવા માટે હું કદી કશિશને માફ નહીં કરી શકું.‘
કૌશલ આ નિર્ણય કરી રહ્યોં હતો ત્યારે એ વાત ભૂલી ગયો કે પોતે જે કશિશ સામે શરત કરી હતી કે કાં કેસ પાછો ખેંચ કાં ઘર છોડ. માણસ પોતાનો ગુનો આસાનીથી ભૂલી જતો હોય છે પણ એટલી જ આસાનીથી બીજાના ગુના માફ નથી કરી શકતો.
******
‘મેડમ અમે જઇએ.‘ સાંજે ધ્યેયએ મોકલ્યા હતા તે માણસ ગયા. સાતેક વર્ષથી ઘરનું કોઇપણ કામ કરવાની કશિશને ટેવ જ રહી નહતી. ધ્યેયએ બે માણસ મોકલ્યા હતા એટલે ઘર તો સાફ થઇ ગયું પણ પછી ઘરમાં જોતી જરુરી ચીજવસ્તુ બજારમાંથી લાવીને કશિશ સાંજે ઘરે આવી ત્યારે થાકીને લોથપોથ થઇ ગઇ હતી. એ જાતે કોફી બનાવીને થાક ઉતારતી બેઠી ત્યારે એની નજર ઘર પર ફરી વળી. ભલે નાનકડું ઘર છે પણ આ એનું પોતાનું ઘર છે. ભલે એમાં ઝાઝી સગવડતા નથી પણ એ ઇચ્છે તેમ છતાં એ અહીં રહી શકશે. ભલે નોકર–ચાકર નથી પણ કોઇ બંધન નથી. ભલે એણે જાતે રસોઇ કરવી પડશે પણ નથી કોઇ રોકટોક કે પરિવારની પ્રતિષ્ઠાના સવાલો! કશિશે નિંરાંતનો શ્વાસ લીધો ત્યાં એના ફોન પર રીંગ વાગી એણે જોયું તો ડેડ નામ સ્ક્રીન પર ફલેશ થતું હતું, વાત કરવી કે નહીં એની અવઢવમાં એ ક્ષણેક ફોન સામે તાકી રહી . પછી એણે મનોમન કહ્યું,
‘કશું ખોટું કર્યું નથી તો શું કામ ડરવુ?‘ એણે ફોન રિસિવ કર્યો,
‘હેલો...‘ એ બોલી, ત્યાં તો સામેથી ઠપકો વરસ્યો,
‘વ્હોટ ઇસ ધીસ કશિશ? તને કાંઇ સમજ પડે છે તું શું કરી રહી છે? નાણાવટી પરિવારની પુત્રવધુ ઘર છોડીને જતી રહે અને એક રબીશ ઘરમાં રહે તેમાં સમાજમાં અમારે કેટલું નીચાજોણું થાય તે તને સમજાય છે?‘ અતુલ નાણાવટી બહુ ગુસ્સે હતા.
‘ડેડ....કૌશલે મને ઘર છોડવા મજબૂર કરી છે. મેં જાતે નથી છોડયું.‘
અતુલ નાણાવટી ગુસ્સે થાય ત્યારે દાંત ભીસતા એ કડકડાટી ભર્યો અવાજ આવતો. તે સામેથી સંભળાયો એટલે કશિશ સમજી ગઇ કે ડેડને એનો જવાબ પસંદ નથી આવ્યો.
‘ડેમ ઇટ...એ કહે એટલે તારે નીકળી જવાનુ? ગો બેક ટુ હોમ નાવ!‘ એમણે હુકમના સ્વરે કહ્યું.
‘ડેડ હું કેસ પાછો નહીં ખેચું...બોલો હવે ઘરે જાઉ?‘કશિશના શબ્દો લાતની જેમ અતુલભાઇને વાગ્યા. આજ સુધી અતુલભાઇ એક પુત્રવધુ રુપે કશિશથી ખુશ હતા. કશિશનું રુપ, એનુ એડ્યુકેશન, એના સંસ્કાર માટે એમને ખૂબ માન હતું. એમને કશિશ સમજદાર અને શાંત જણાતી. પણ આજે કશિશ પર એમને જરાપણ સમજદાર ન લાગી.
‘ડોન્ટ બી ઇમોશનલ ફૂલ....કેસ કરવા કરતાં પાછો ખેંચવાથી તને વધુ લાભ મળશે.‘ અતુલભાઇ બોલ્યા તે કશિશને સમજાયું નહીં.
‘ડેડ મને સમજ નથી પડી રહી તમે શું કહો છો.‘
‘તું કેસ પાછો ખેંચી લે .....આપણે કોફી હાઉસની ચેઇન પૂરા રાજ્યમાં બનાવીશું. કશિશ તું પોતે કરોડપતિ બની જઇશ. કેસ ચાલુ રાખવાથી બદનામી સિવાય કશું નહીં મળે.‘ અતુલભાઇના અવાજમાં વેપારીને છાજે તેવી ઠાવકાઇ સાથે ગર્ભિત ધમકી હતી.
‘ડેડ...હું કૌશલને પરણી ત્યારથી હું કરોડપતિ જ છું. મારે કરોડપતિ નથી બનવું. એટલાં માટે મેં કેસ પણ નથી કર્યો. બસ મને ન્યાય જોઇએ છીએ.‘ કશિશે બહુ સંયમિત સ્વરે કહ્યું. આજ સુધી એણે પોતાના સસરાનું માન જાળવ્યું હતું. આજે અણીના સમયે પણ એણે ગુસ્સે થાય વિના પૂરા વિવેકથી જવાબ આપ્યો.
‘કશિશ...નાણાવટી પરિવારની પુત્રવધુ કોર્ટે ચડે તે મને પસંદ નથી.‘ હવે અતલભાઇ ક્લિયર કટ બોલ્યા.
કશિશ થોડીવાર ફોન સામે તાકી રહી. પછી ઊભી થઇને બારી પાસે આવી. બારી પાસે બહાર ગાર્ડન દેખાતો હતો. ત્યાંની વનરાજીમાં ઊડતાં પક્ષીઓને એ જોઇ રહી. પક્ષી એક ડાળ પરથી બીજી ડાળ કૂદકાં મારતા હતાં. પતંગિયા એક ફૂલ પરથી બીજા ફૂલ પર ભમતાં હતા. નાનકડાં બાળકો ઝૂલા પર ઝૂલતાં હતાં. કોઈક લસરપટી પરથી લસરતા હતા. કશિશ એ બધાં સામે જોઇ રહી. કેટલાં મુક્ત મને પોતાની સૃષ્ટિમાં વિચરી રહ્યાં છે. એમના પર કોઇ લેબલનો ભાર નથી. પોતે પણ ભગવાનનું સર્જન છે. બસ બહુ થયું. કેટલાય વર્ષો માત્ર બીજાના માટે એ જીવી છે. આજ પછી હવે તે પણ આમ જ મુક્ત મને જીવશે. ભલે તે જીવન ગમે તેટલું કઠણ કેમ ન હોય! પણ એ જીવનપંથ કોઇએ એના માટે ઘડ્યો નથી. એ પોતે પોતાની વિધાતા છે!
‘ડેડ, હું માત્ર નાણાવટી પરિવારની પુત્રવધુ નથી. એક સ્ત્રી પણ છું. અને મારામાં રહેલી સ્ત્રી મને કોર્ટમાં લડવાનું કહે છે.‘
(ક્રમશ:)
કામિની સંઘવી