Incpector Thakorni Dairy - 21 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૧

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૧

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું એકવીસમું

ફોન આવ્યો એટલે ઇન્સ્પેક્ટર ઠાકોરે કહ્યું:"ધીરાજી, ચાલો દરિયાકિનારે જઇ આવીએ."

ધીરાજીને નવાઇ લાગી:"સાહેબ, આટલી બપોરે તાપમાં શેકાવા માટે જવાનું છે? દરિયાનું પાણી પણ ગરમ લાહ્ય જેવું થઇ ગયું હશે. સાંજે ફરવાનું ગોઠવોને..."

ઇન્સ્પેક્ટર ઠાકોર હસીને બોલ્યા:"ધીરાજી, આપણા નસીબમાં ચાલુ નોકરીએ ફરવાનું નહીં ગુના ઉકેલવાનું કામ હોય છે. કાલે રાત્રે 'દોનોં કિસી કો નજર નહીં આયે, ચલ દરિયામેં ડૂબ જાયે...' ગાતાં ગાતાં પ્રેમી પંખીડાએ જીવ આપી દીધા લાગે છે. બે લાશ મળી છે. જોઇએ આત્મહત્યા છે કે હત્યા...ચાલો."

ઇન્સ્પેક્ટર ઠાકોર દરિયા કિનારે પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસ આવી ગઇ હતી. તેમની પાસેથી માહિતી મળી કે આજે સવારે માછલી પકડવા આવેલા એક સ્થાનિકે દરિયાના આ તરફના કિનારે બે લાશ પડેલી જોઇ અને પોલીસને ફોન કર્યો. બંનેએ રાત્રે એકસાથે જીવનનો અંત લાવી દીધો હશે. એનું કારણ એ બંનેના ગળામાં વરમાળા હતી. કદાચ લગ્ન કરીને એકબીજાના વચન નિભાવી ગયા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરની નજર છોકરાના હાથની બંધ મુઠ્ઠી પર પડી. તેમણે સ્થાનિક પોલીસને પોસ્ટમોર્ટમ પછી એના હાથમાં જે વસ્તુ છે એ આપવાની સૂચના આપી. ધીરાજીએ ફોટોગ્રાફ લઇ લીધા અને કહ્યું:"સાહેબ, અગ્નિકુંડ તો ક્યાંય દેખાતો નથી. કોલ્ડ્રિંક્સની બે બોટલ પડી છે. દરિયાની રેતીમાં તો કોઇ હત્યા કરવા કદાચ આવ્યું હોય તો પણ નિશાન મળવાના નથી. મને તો લાગે છે કે બંને આ જીવનમાં એક થઇ શકે એમ ન હોવાથી આ જાલિમ દુનિયા છોડી ગયા છે..."

"ધીરાજી, તમે તો આખા બનાવને ફિલ્મી રીતે જ જોઇ રહ્યા છો. આપણે એમના મા-બાપ અને પરિવારને મળીએ પછી જ કંઇક કહી શકાશે. ચાલો આગળ તપાસ કરીએ..."

ઇન્સ્પેક્ટર ઠાકોરે માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે મરનાર હેનિલ અને ચારુતા એક જ કોલેજમાં અને એક જ ક્લાસમાં સાથે ભણતા હતા. તેમણે બંનેના મા-બાપને એકસાથે પોતાની ઓફિસમાં બોલાવવા કહ્યું. ધીરાજીએ એમના ફોન નંબર મેળવી જણાવી દીધું.

બંને બાળકોના માતા-પિતા ઇન્સ્પેક્ટર ઠાકોરની સામે બેઠા હતા. તેમના ચહેરા પર શોક સાથે પસ્તાવાના ભાવ હતા. હેનિલના પિતા અમરિશભાઇએ કબૂલ કર્યું કે ચાર દિવસ પહેલાં તેણે કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થયા પછી નોકરીએ લાગીને ચારુતા સાથે લગ્ન કરવાનો વિચાર બલ્કે દ્રઢ નિર્ધાર રજૂ કર્યો હતો. પરંતું અમે તપાસ કરી તો છોકરી અમારી જાતની ન હતી. અમે પરનાતમાં લગ્ન કરાવવા બિલકુલ સંમત ન હતા. ચારુતાના પિતા નરોત્તમભાઇએ પણ આવી જ વાત કરી. તેમને પણ હેનિલ બીજી નાતનો હોવાથી પોતાની પુત્રી સાથે લગ્નની વાત મંજૂર ન હતી. બંનેના મોબાઇલમાં છેલ્લે એકબીજા સાથે જ વાત થઇ હતી. બંનેએ દરિયાકિનારે મળવાનું ગોઠવ્યું હશે.

ઇન્સ્પેક્ટર ઠાકોરે કહ્યું:"તમે એમને જાત-નાતને કારણે પોતાના પ્રેમની આગોશમાં ના લીધા પણ મોત આવું કશું જોતું નથી. એણે બંનેને પોતાની આગોશમાં પ્રેમથી લઇ લીધા."

બંને પરિવારના મોં સિવાઇ ગયા હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે જોયું કે બંને પરિવાર બાળકોને ગુમાવવાના શોકમાં વધારે કંઇ કહેવા માગતા ન હતા. પણ એમને એ વાતની નવાઇ લાગતી હતી કે બાળકોએ આટલી જલદી હાર કેમ માની લીધી. ઇન્સ્પેક્ટર ઠાકોરને આગળ તપાસ માટે આ વાત જ જોઇતી હતી. એમણે નક્કી કર્યું કે આ કેસમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવે પછી તે તપાસ શરૂ કરી દેશે. પણ જાતે નહીં. તેમણે આ માટે બંનેના મા-બાપની મદદ માગી. બંનેના માતા-પિતાએ સહકાર આપવાની હા પાડી.

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં અહેવાલ આવ્યો કે બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. બંનેએ મરતા પહેલાં કોલ્ડ્રિંક્સ પીધું હતું. એમાં કોઇ વસ્તુ ભેળવવામાં આવી ન હતી. રીપોર્ટ પરથી તો આત્મહત્યાનો કેસ જ બનતો હતો. એક વસ્તુને કારણે આશા જરૂર હતી. નેહિલના હાથમાંથી મળેલી વસ્તુ કોની હતી એ જાણવા મળ્યું નહીં પરંતુ તેના પરથી હત્યાની શંકા વધી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેની તપાસ કરી પણ એમાં કોઇ સફળતા ન મળી. ગુનેગાર કોઇને કોઇ નિશાની છોડી જાય છે. પણ આ નિશાની એટલી મજબૂત ન હતી કે તેના સુધી ઝડપથી પહોંચી શકાય. ઇન્સ્પેક્ટર ઠાકોરે બંનેના ક્લાસના વિદ્યાર્થીઓના નામની એક યાદી બનાવી અને તેમના નજીકના મિત્રોના નામની ચેઇન પરથી તપાસ આગળ વધારવાનું નક્કી કર્યું.

ઇન્સ્પેક્ટર ઠાકોરે બે દિવસ પછી ચારુતાની માતા સુનંદાબેનને કોલેજમાં મોકલી. તેમને સૂચના આપી કે કોલેજ શરૂ થતા પહેલાં ચારુતાના વર્ગમાં ભણતી છોકરીઓને મળીને થોડી વાત જાણી લેવી. ચારુતાના મૃત્યુનું જાણી ઘણી છોકરીઓ અને છોકરાઓ તેમના ઘરે આવ્યા હતા. એમના વિશે બહુ માહિતી ન હતી. હવે ચારુતાની નજીક હોય એવી છોકરીઓને શોધવાની હતી. એક હિરાલીને તે ઓળખતા હતા. એ મળી ગઇ. તેને અટકાવીને ચારુતા વિશે પૂછ્યું તો એટલી જાણકારી મળી કે હેનિલ સાથે એ પ્રેમમાં હતી. ક્લાસ શરૂ થતા પહેલાં અને પછી બંને ઘણી વખત સાથે જોવા મળતા હતા. સુનંદાબેને હિરાલીને કહી ક્લાસની બીજી છોકરીઓને પણ બોલાવી. મોટાભાગની છોકરીઓએ હિરાલીની વાતમાં સૂર પુરાવ્યો. સુનંદાબેન સતત છોકરીઓને કંઇકને કંઇક પૂછી રહ્યા હતા. એમણે હેનિલના મિત્રો વિશે પણ પૂછ્યું. ત્યારે બહુ ઓછાના નામ મળ્યા. બીજા કોઇ છોકરા ચારુતાને પસંદ કરતા હતા? એવો સવાલ પણ પૂછ્યો. ત્યાં એક બટકબોલી છોકરી બોલી:"આંટી, ચારુતાની પ્રતિસ્પર્ધી વિશે તમને ખબર નથી?" સુનંદાબેને ડોક હલાવી ના પાડી. એટલે તે આગળ બોલી:"એ જવના છે. એને અમે ચારુતાની દુશ્મન પણ કહેતા હતા...તે કદાચ હેનિલના પ્રેમમાં હતી. એની આગળ-પાછળ આંટા મારતી ઘણી વખત જોઇ છે..."

"એ ક્યાં છે?" સુનંદાબેને ઉત્સુક્તાથી પૂછ્યું.

"ચારુતા-હેનિલના મોત પછી આવતી જ નથી. હેનિલના મોતના શોકમાં લાગે છે..."

એ છોકરી આટલું બોલીને ચાલવા લાગી. કોલેજ શરૂ થવાની સાઇરન વાગી ચૂકી હતી.

સુનંદાબેને ઇન્સ્પેક્ટર ઠાકોરને ત્યાંથી જ ફોન કરી બધી માહિતી આપી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે કોલેજમાંથી જવનાના ઘરનું સરનામું મેળવું લીધું અને ત્યાં પહોંચી ગયા. ઘરમાં જવના સિવાય કોઇ ન હતું. તે પોલીસને જોઇને ચોંકી નહીં. આવકાર આપ્યો અને બોલી:"મને ખબર જ હતી કે મારી પૂછપરછ થશે.."

ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:'તારી પાસે કોઇ માહિતી હતી તો અમને જાણ કરવાની જરૂર હતી..."

જવના કહે:"સાહેબ, મારી પાસે માહિતી કંઇ જ નથી. શું હું ઢંઢેરો પીટું કે મને નેહિલ સાથે પ્રેમ હતો...?"

"તને તો ખબર હતી કે નેહિલ અને ચારુતા પ્રેમમાં છે તો પછી પ્રણયત્રિકોણ કરવાની શું જરૂર હતી?"

"મને એમ કે ચારુતા સાથે તેના લગ્ન નહીં થાય તો મારો નંબર લાગશે. હું અને નેહિલ એક નાતના હતા..."

"અચ્છા! પણ તને લાગે છે કે બંનેએ આત્મહત્યા કરી હશે?"

"હા, બંને વચ્ચે ભરપૂર દોસ્તી હતી. કદાચ પરિવારો સંમત ના થયા હોય તો આવું પગલું ભરી લીધું હોય. આ ઉંમરમાં પ્રેમ કશું જોતો નથી...."

"કોલેજમાં આવા કેટલા પ્રકરણ ચાલતા હશે નહીં?"

"હા, મારી સાથે પણ ઘણા છોકરા દોસ્તી કરવા પાછળ આવતા રહે છે. એ બધા સાચા પ્રેમી નથી એ હું જાણું છું. નેહિલના મોત પછી એ લોકો કદાચ ખુશ પણ થશે કે હવે એમની સાથે હું દોસ્તી કરીશ..."

"એમાં સૌથી આગળ કયો છોકરો હશે?"

"કદાચ કાવિલ હશે..."

"એ તને ચાહે છે?"

"આઇ ડોન્ટ નો. પણ એ મારી પાછળ આંટાફેરા મારતો રહે છે. હું એ અમીરજાદાને જરાપણ પસંદ કરતી નથી.."

"ઓકે...ઓકે..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર ત્યાંથી નીકળી ગયા.

ઇન્સ્પેક્ટર ઠાકોર સમય ગુમાવ્યા વગર કાવિલના આલિશાન બંગલા પર પહોંચી ગયા.

બંગલો જોઇને ધીરાજીની આંખો પલક ઝપકાવવાનું ભૂલી ગઇ. કાવિલ મોબાઇલ પર કોઇ ગેમ રમી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરને જોઇ તેણે ગભરાઇને મોબાઇલ બંધ કરી દીધો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેના પર એક નજર નાખી. બ્રાંડેડ કંપનીના કપડાં હતા. વાળની સ્ટાઇલ કોઇ હીરો જેવી હતી. કાનમાં સોનાની કડી હતી. ગળામાં જાડી ચેઇન હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેની નજીક જઇ ચેઇનને હાથમાં પકડી કહ્યું:"બહુ કિમતી છે. મને એક દિવસ માટે પહેરવા આપીશ?"

"અરે ઇન્સ્પેક્ટર સાહેબ! આ શું? મારા ઘરેણાં તમને પહેરવા શા માટે આપું? અને આમ અચાનક આવવાનું કારણ તો જણાવો?" મજબૂત બાંધવાળા કાવિલે ધીમેથી ઇન્સ્પેક્ટર ઠાકોરનો હાથ ચેઇન પરથી હટાવી નારાજ સ્વરે કહ્યું.

"આ ચેઇન બહુ સરસ છે. ક્યાંથી લાવ્યો?"

"હજુ કાલે જ નવી લીધી છે. તમને ચોરીની લાગે છે? જોવું હોય તો નવરંગ જ્વેલર્સનું બીલ બતાવું... "

"ના-ના. આ તો બે ઘડી મજાક!" કહી ઇન્સ્પેક્ટર ઠાકોર હસવા લાગ્યા.

ઇન્સ્પેક્ટર ઠાકોરને જોઇ નોકર પાણીના ગ્લાસ લઇને આવ્યો.

ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજીએ પાણી પીધું.

"અસલમાં અમે પોલીસ વિભાગ દ્વારા પોલીસમિત્ર યોજના બનાવી રહ્યા છે. એમાં તમારા જેવા યુવાન જોડાય તો સમાજસેવા કરી શકે અને અમારા ટ્રાફિક સંચાલન જેવા કામમાં મદદ મળે. એ પૂછવા જ આવ્યા હતા..." ઇન્સ્પેક્ટર ઠાકોરે આગમનનું કારણ આપ્યું.

"સારી વાત છે. હું મારા પિતાને વાત કરીને આપને જણાવીશ. આપનો નંબર આપી જાવ..."

ઇન્સ્પેક્ટર ઠાકોર નંબર આપીને નીકળી ગયા.

બે દિવસ પછી કાવિલને ફોન કરી પોલીસ મથક પર બોલાવ્યો.

"સાહેબ, હું પોલીસ મિત્ર બનવા તૈયાર છું." કાવિલે ચેમ્બરમાં પગ મૂકતાની સાથે જ કહ્યું.

ઇન્સ્પેક્ટર ઠાકોર હસીને બોલ્યા:"પણ અમે પોલીસના દુશ્મનને મિત્ર કેવી રીતે બનાવી શકીએ?"

"મતલબ?" કાવિલ ચોંકી ગયો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીને ઇશારો કર્યો. ધીરાજીએ હાથકડી પહેરાવવા માંડી.

"સાહેબ, મારો ગુનો શું છે? મારા પિતાને બોલાવવા દો... આ જબરદસ્તી શું છે?" કાવિલના અવાજમાં અમીરીનો કેફ હતો.

"કાવિલ, વધારે ભોળા કે હોંશિયાર બનવાની જરૂર નથી. નેહિલ અને ચારુતાની હત્યાના ગુનામાં તારી ધરપકડ કરવામાં આવી છે. બંનેને તેં જ મોતને ઘાટ ઉતાર્યા હતા. નેહિલના હાથની બંધ મુઠ્ઠીમાંથી તારી સોનાની ચેઇનની બે કડી મળી આવી હતી. અમે નવરંગ જ્વેલર્સમાં તપાસ કરાવી લીધી છે. એ તારી જ ચેઇનની છે. જે તેં બે વર્ષ પહેલાં બનાવડાવી હતી. એ ચેઇન તૂટી ગયા પછી તેં કોઇને ખબર ના પડે એટલે નવી બનાવી હતી..મને ખ્યાલ આવી ગયો છે પણ .હવે બે હત્યા કરવાનું કારણ તું જ કહી દે.."

કાવિલ ભાંગી પડ્યો. રડમસ અવાજે બોલ્યો:"સાહેબ, જેટલા રૂપિયા જોઇએ એટલા લઇ લો. મને છોડી દો. એમનો આત્મહત્યાનો કેસ રહેવા દો..."

"કાવિલ, તારા ગુનાની સંખ્યા વધારવાનું રહેવા દે. પોલીસને લાંચ આપવાનો વધારાનો ગુનો નોંધાઇ જશે..." ઇન્સ્પેક્ટર ઠાકોરે ચીમકી આપી.

કોઇ રસ્તો ના દેખાતાં કાવિલે કહાની કહેવાનું શરૂ કર્યું:"સાહેબ, હું જવનાને પ્રેમ કરું છું. પણ એ નેહિલને ચાહતી હતી. મેં એને કહ્યું ત્યારે એણે એમ કહ્યું કે પહેલો પ્રયત્ન નેહિલ સાથે લગ્ન કરવાનો રહેશે. જો એ ચારુતાનો થઇ જશે તો બીજા કોઇ માટે વિચારીશ. એટલે નેહિલને વચ્ચેથી હટાવવા મેં તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. એને આત્મહત્યામાં ખપાવવા ચારુતાને સાંકળી લીધી. કેમકે બંને પ્રેમમાં હતા. કોઇને શંકા જાય એમ ન હતી. મેં એને કહ્યું કે હું તમારા બંનેના લગ્ન કરાવીશ. બંનેને એના આયોજન માટે મોડી સાંજે વસ્તી વગરના દરિયા કિનારા પાસે ભગવાનની દેરી હતી ત્યાં બોલાવ્યા હતા. મેં નેહિલને સવારે કોલેજમાં આ વાત રૂબરૂમાં જ કરી હતી. તેણે સાંજે ચારુતાને ફોન કરીને બોલાવી હતી. હું ફૂલોના બે હાર લઇને ગયો એટલે તેમને નવાઇ લાગી. મેં એમને ભગવાનની દેરીની સાક્ષીએ એકબીજાના ગળામાં માળા પહેરાવવા કહ્યું. બંનેએ એમ જ કર્યું. મેં તેમને કહ્યું કે આજથી તમે પતિ-પત્ની બની ગયા છો. પણ કોલેજ પૂરી થાય ત્યાં સુધી જાહેર કરવાનું નથી. કાલે કોર્ટમાં આ લગ્ન નોંધાવવાનું વચન પણ આપ્યું. પછી બંનેને એક જ બોટલમાં સ્ટ્રો નાંખી કોલ્ડ્રિક્સ પીવડાવ્યું. મેં બીજી બોટલમાંથી પીધું. જેથી બે જણની બોટલ લાગે. થોડીવાર ત્યાં અલકમલકની વાત કરતા બેઠા પછી મેં બંનેને ઊભા કર્યા અને કહ્યું કે આપણે દરિયામાં નહાવાનો આનંદ લઇએ. મેં ચારુતાનો ડાબો અને નેહિલનો જમણો હાથ પકડ્યો પછી કહ્યું:"તમે ડરતા નહીં! આપણે ગળા સુધીના પાણીમાં જઇ આનંદ માણીશું. બંને આનકાની કરે એ પહેલાં જ હું એમને ખેંચીને દોડ્યો. એક જ મિનિટમાં મારી સાથે ઘસડાતા છાતી સુધીના પાણી સુધી તો બંને આવી ગયા. પછી પાછા જવાનું કહેવા લાગ્યા. મેં તરત જ એમના હાથ છોડી બોચી પકડી લીધી. અને બંને હાથથી તેમના મોં પાણીમાં ડૂબાડી દીધા. થોડી જ વારમાં બંને મરી ગયા. એમને ત્યાં જ છોડીને ભાગી આવ્યો. નેહિલે વચ્ચે મારા ગળામાંની ચેઇન ખેંચી અને તે તૂટી ગઇ. બંનેને મારીને મેં ચેઇન શોધી કાઢી. મને ખબર ન હતી કે એમાંની બે કડી નેહિલના હાથમાં રહી ગઇ છે. એ મારી ભૂલ હતી...."

"મોટી ભૂલ તો તેં એક છોકરીના પ્રેમ માટે બે યુવા હૈયાંને મારવાની કરી છે. કોઇનો પ્રેમ પામવા માટે કોઇને મારવાના ના હોય. પ્રેમ કરતાં પહેલાં તમે એ તો શીખો કે એ ચીજ શું છે?" કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે મોબાઇલમાં ગીત મૂક્યું.

"જિંદગી કી ના તૂટે લડી, પ્યાર કર લે ઘડી દો ઘડી..."

***

વાચકમિત્રો, આપના પ્રેમને કારણે જ મને માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો હતો.

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી નવલકથા 'લાઇમ લાઇટ' ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એક અતિશય સેક્સી અને ગ્લેમરસ યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે.

અને જેના મે-૨૦૨૦ માં પહેલા પ્રકરણને ૮૮૦૦ વાચકો ડાઉનલોડ કરી ચૂક્યા છે એ માતૃભારતી પરની મારી સૌથી વધુ વંચાયેલી નવલકથા "રેડલાઇટ બંગલો" આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની આ વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

***